અકાળ મૃત્યુ – ખંભાત
Side A –
– મોન્ટુ શ્રીનંદની સ્મૃતિ નિમિત્તે થયેલું પ્રવચન. જીવનના બે પ્રત્યક્ષ છેડા છે, જીવન અને મૃત્યુ. આ બે છેડાની વચ્ચે જીવન છે. કેટલાક બહુ મોટા ઉત્સવની સાથે જન્મે છે અને કેટલાક જન્મતાની સાથેજ અભિશાપ લઈને જન્મે છે. જીવનનો અર્થ છે નિરિક્ષણ અને નિરિક્ષણથી મોટું કોઈ શાસ્ત્ર નથી. કબીરનો જન્મ કેવી રીતે થયો? કૃષ્ણનો જન્મ કેવી રીતે થયો? એ વિષે સાંભળો. અજવાળિયામાં જન્મીને ઉજળા થાય એ તો કોઈ મોટી વાત નથી, અંધારામાં જન્મી ઉજળા થાય એનું નામ જીવન છે. એમાં તમારો પુરુષાર્થ છે, વ્યક્તિત્વ છે. પુત્ર-વિયોગનું દુઃખ જો જોવું હોય તો માં થવું. બાપનો સંબંધ બૌદ્ધિક છે, જ્યારે માંનો સંબંધ હૃદયનો છે. જેમ પ્રત્યેકના ચહેરો જુદો છે એમ પ્રત્યેકનો જીવનનો પ્રકાર પણ જુદો છે અને એ તમારી પ્રકૃત્તિમાંથી આવે છે. प्रकृतिं यान्ति…..किं करिष्यति…..(गीता 3-33). @8.00min. મૃત્યુના છ પ્રકાર છે. મૃત્યુ એ જીવનની અનિર્વાર્ય ઘટના છે. અમે બધા સાધુઓ કહેતા હોય છે કે મૃત્યુથી ડરવું નહી, એ તો કહેવાની વાત છે. મૃત્યુ જેવો બીજો કોઈ ભય નથી. નૈરોબીમાં એક ડોક્ટર ત્યાંની જેલમાં ફાંસીએ ચઢેલાનું મોતનું સર્ટીફીકેટ આપે એનો અનુભવ સાંભળો, કહે છે, અત્યાર સુધી હસતાં હસતાં કોઈ ફાંસીએ ચઢ્યું નથી. કાઠીયાવાડનો બહારવટિયો, વિસો માંજરિયો, જેને 120 પટેલોના નાક કાપેલાં એને ફાંસીની સજા થઇ ત્યારે એને ટાંગા-ટોળીને ફાંસીએ ચઢાવ્યો હતો. @11.26min. જીવનના અભિગમ માટેની બે પદ્ધતિ છે, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. જ્ઞાનમાર્ગી પોતાના જોરે જીવન જીવતો હોય છે અને કહે છે મને મારનાર કોણ છે? સ્વામી રામતીર્થનું ઉદાહરણ સાંભળો, જે કુદરતને પડકાર આપતો હતો એનું અકસ્માતમાં કેવું કરુણ મૃત્યુ થયું હતું તે સાંભળો. ભક્તિમાર્ગમાં પ્રભુને હાથ જોડીને રહેવાનું કે અમે પાણીના પરપોટા જેવા શું અહંકાર કરવાના હતા? આ દીનતા આધિનતાનો માર્ગ છે. જે ભગવાનના આગળ હાથ જોડીને નમ્રતાથી રહે, એની ભગવાન આબરૂ સાચવે. મૃત્યુ વિષે કોઈ દાવો ન કરી શકે કે હું કેવી રીતે મરીશ? @14.43min. મૃત્યુનો પહેલો પ્રકાર છે, નિસર્ગ મૃત્યુ. પરમેશ્વરે બહું દયા કરી ઘડપણ આપ્યું. એવી કોઈ વસ્તુ નથી જેને વૃદ્ધાવસ્થા ન આવે. “भोगे रोग भयं ….शम्भो: पद निर्भयं” (भर्तुहरि वैराग्य शतक – 31, पृ. 191). ગીતામાં કહ્યું છે, “देहिनोस्मिन्य्था देहे, कौमारं यौवनं जरा…..भारत….(गीता 2-13, 14). કોઈને વૃદ્ધાવસ્થા વહેલી આવેને કોઈને મોડી આવે. 70-75-80 વર્ષનો માણસ થાય, રોગોની અસર થાય અને જે મૃત્યુ આવે એ નિસર્ગ મૃત્યુ છે અને એને મંગળ કહ્યું છે. શરત એટલીજ કે માણસ મરતાં પહેલા મરી ચૂક્યો હોય તો, કે તે રોજ મૃત્યુની પ્રતિક્ષા કરે કે જાણે વહાલામાં વહાલો અતિથી આવવાનો હોય. @20.38min. મંગલ મરણ ક્યારે થાય એની શરતો મુકેલી છે તે સાંભળો. कृत कृत्यता, कृतं कृत्यं प्रापणियं प्राप्त मित्येय् तुष्यति. વૃદ્ધાવસ્થામાં ખુમારી પૂર્વક જીવવું હોય તો બે રસ્તા છે. એક – તમારા કુટુંબના માણસો પર, ઉપર પડતાં ન જશો, નહિ તો કોડીના થઇ જશો. બે – પ્રેમનો નિયમ છે જે આસન વાળીને, પલાંઠીવાળીને, સ્વસ્થ થઈને બેસે, એની પાછળ લોકો દોડતા હોય છે. વૃદ્ધાવસ્થાને એવી રીતે રાખજો કે કોઈની લાચારી ન ભોગવવી પડે. આ બે ખુમારી માણસ અંતર્મુખ થયો હોય તો આવે. નિસર્ગ મૃત્યુમાંથી કોઈ બચી ન શકે. આ તો ભ્રાંતિ છે કે ગોપીચંદ, ભર્તુહરિ, અસ્વસ્થામા અમર છે, કોઈ અમર નથી. @25.00min. નિસર્ગ મૃત્યુના બે ભેદ છે, સહજ મૃત્યુ અને ધન્ય મૃત્યુ વિષે ઉદાહરણ સહીત સાંભળો. @29.05min. કદી યોગી ન થશો, સહજ જીવન જીવજો, બનાવટી જીવન ન જીવશો. ભોંયરામાં પુરાય રહેવાની જરૂર નથી. ભગવદ ગીતામાં ભાર મુક્યો છે “सहजं कर्म कौन्तेय……धुमेनग्निरिवाव्रता:” (गीता…18 – 48). દરેક કર્મમાં કોઈ દોષ હોય, પણ એ દોષ જોઇને કર્મને છોડી ન દેશો. જેનું ધન્ય મૃત્યુ છે એને હિમાલયમાં જવાની જરૂર નથી. ધંધો એજ ઉપાસના છે, સાધના છે. સાધનાને ધંધો ન બનાવો પણ ધંધાને સાધના બનાવો ઋષિકેશમાં રસ્તામાં કેટલાયે સાધુઓ બેઠા હોય, કપડું નાંખીને, એટલે કોઈ પૈસા નાંખે, આ સાધનાને ધંધો બનાવ્યો. અમારા સાધુઓમાં પણ ઘણા એવા હોય કે જે કોઈને આવતો જોઇને માળા ફેરવવા લાગે અને પેલો જાય એટલે ફેંકે, જાણે એક બલા છોડી, કારણકે સાધના ધંધો થઇ ગઈ છે. “स्वकर्मणा तमभ्य्चर्य….मानव:”….(गीता 18-47). તારું કર્મ એજ તારી ઉપાસના છે. @33.30min. એક બીજું મૃત્યુ છે, જેનું નામ છે કરુણ મૃત્યુ. માણસ રીબાઇ રીબાઇને, દુઃખી થઇ થઈને મરે. અત્યારે સારું છે કે વિજ્ઞાને ઘણા ત્રાસમાંથી છોડાવી દીધા, કારણકે પહેલા માણસ મરતો હોય ત્યારે ગળામાં કફ અટકી જાય અને હેડીયો બોલે તે દશ ઘર સુધી સંભળાય. આજે તો એવા યંત્રો નીકળ્યા છે કે જે કફને કાઢી નાંખે. ભક્તિ માર્ગ જેવો કોઈ માર્ગ નથી, કદી અહંકાર ન કરશો. તમે સ્વતંત્ર છો, પણ પરતંત્રતા પૂર્વક સ્વતંત્ર છો, કારણકે સાર્વભૌમ સ્વતંત્ર ફક્ત એક પરમેશ્વર છે. 36.00min. એક શ્રી કૃષ્ણના અનન્ય ભક્ત એવા સન્યાસીની બહેનની વાત સાંભળો. મરતી વખતે ઘણા દુઃખી થયા. આપણે ત્યાં ઘણી દ્વિધાઓ છે કે મહારાજ થઈને કેન્સર થયું? (ડોંગરે મહારાજ) किं कर्म किमकर्मेति…..मोहिता….(गीता 4 – 6). રામકૃષ્ણને કેન્સર થયું, વિવેકાનંદને જલોદય થયું, શંકરાચાર્યને ભગંદર થયું કેમ? આપણે સમાધાન ખોળી કાઢ્યું કે પૂર્વના કર્મો, એ બરાબર નથી. ત્યારે છે શું? આરોગ્યના નિયમ બરાબર નહીં પાળે તો થાય, પરંતુ કેન્સર સાથી થાય તે હજી સુધી કોઈને ખબર નથી. બીડી સિગારેટ ન પીનારને પણ કેન્સર થાય છે. પહેલાં શીતળા માતા નીકળતા, હવે કેમ નથી નીકળતા? કારણકે રસી શોધાઈ. પહેલા કેમ લોકો કોલેરામાં મરી જતા, હવે કેમ નથી મરતા? હજારે 700-800 બાળકો પહેલાં મરી જતા, હવે કેમ નથી મરતાં? કારણકે પશ્ચિમથી વિજ્ઞાન આવ્યું. આપણે માતા તરફ દોડ્યા. વિજ્ઞાને કરુણ મૃત્યુને ઘણું ઓછું કરી નાંખ્યું. આજે માણસ હોસ્પીટલમાં સુખરૂપે મરે છે. બીજા કરુણ મૃત્યુના ઉદાહરણો સાંભળો. @40.42min. એક ત્રીજું મૃત્યુ છે એનું નામ છે કલંક મૃત્યુ. ચોરી કરતાં માણસ મારી ગયો એ કલંક મૃત્યુ છે. કલંક મૃત્યુ જેવું કોઈ દુઃખ નથી. કચ્છમાં છ મહિનામાં 86 સ્ત્રીઓ બળી મારી એ વિષે સાંભળો. ઉજવળતા હોય એને કલંક લાગે, જ્યાં તમે સમાજને બહુ ઉજ્જવળ બનાવો એટલે કલંકના પ્રમાણ વધી જવાના. કઠોર નિયમોથી સમાજ ઉજ્જવળ બને પણ પછી કઠોર નિયમો ક્રુરતામાં બદલાઈ જાય છે અને એ ક્રુરતા દંભ ઉભો કરે છે. મધ્યમ સમાજ બનાવો કે કઠોર નિયમો ન બનાવવા પડે. કન્યાને દૂધ પીતી કેમ કરવી પડી? સતી પ્રથા કેમ આવી? સમાજને મધ્યમ બનાવો, છોકરી વિધવા થાય એટલે એને પાછી પરણાવી દેવાની. કચ્છમાં 86 સ્ત્રીઓ મરી એમાં ત્રણ કોલેજ કન્યાઓ હતી. @45.20min. એક યશસ્વી મૃત્યુ છે, મરવાનું મન થાય એવું મૃત્યુ. કાઠીયાવાડમાં ગામેગામ પાળિયા છે. તમે ધર્મને માટે, ન્યાયને માટે મરો છો? એમાં તમારો જયજયકાર છે. પાળિયામાંથી લોકોને પ્રેરણા મળે છે. એક પ્રસિદ્ધ ભજન છે, “ભાઈ રે ઘડવૈયા મારે નથી થાવું” પ્રવચનના અંતમાં મૂક્યું છે. @47.20min. કવિ દુલા ભાયા કાગ વિષે સાંભળો.
Side B –
– ઠાકોરજી કહે મને ગમે ત્યારે ખવડાવે, નવડાવે, શું મારી કોઈ રુચીજ નહિ? મારે થાકોરજી નથી થાવું. તો શું થવું છે? મને ગંગા-જમુનાનો અભિષેક નથી જોઈતો, ત્યારે શું જોઈએ છે? તે સાંભળો. નમણી વિજોગણ જે મારી પત્ની વિધવા થઇ છે, એના બે ટીપાં આંશુંથી મારે નહાવું છે. એક જગ્યાએ કહે છે કે હોમ-હવાન કરીને મારે મંદિરમાં નથી પધરાવું પણ જ્યાં હું ધીંગાણે ચઢ્યો હતો ત્યારે મારી પત્ની સગર્ભા હતી અને છોકરાએ બાપનું મોઢું જોયું નથી, એના કોમળ હાથથી મારી ખાંભી રચાવજો, એટલે હું શૌર્ય મૃત્યુને પામું. કેટલાક માણસો મર્યા પછી જનમતા હોય છે, તે આનું નામ. ભગતસિંહને ફાંસી ન આપી હોત તો કોઈ ભગતસિંહને ઓળખી શક્યું હોત. મૃત્યુ એ અમરતાનો સંદેશ લઈને આવે છે. @4.05min. એક મૃત્યુ એવું છે જેને અકાળ મૃત્યુ કહેવાય, એટલે શું? હિંદુ ધર્મને સમજવું હોય તો એની બે દ્રષ્ટિ છે, એક વ્યહવારિક અને બીજી પૌરાણિક. વૈદિક દ્રષ્ટીએ લગ્નમાં સપ્તપદી છે, કોઈ પણ જગ્યાએ પત્નીનો ત્યાગ નથી, પત્ની માયા કે બલા નથી માનતો પણ ધર્મ સંગીની અર્ધાંગીની માને છે. પૌરાણિક પીરિયડમાં સ્ત્રીનું રૂપ બદલાઈ જાય છે. સ્ત્રી માયા થઇ જાય છે, ફસાવનારી થઇ જાય છે. તમે મહાન ક્યારે થાવ કે જયારે એને લાત મારી ત્યાગ કરો, એનું મોઢું ન જુઓ, એના હાથની રસોઈ ન જમો અને જો તમે એનો પડછાયો ન લો તો તમે બહું મોટા કહેવાવ. વૈદિક પીરિયડમાં એક ઘટના ઘટી તેમાં અહલ્યાએ ભૂલ કરી અને રામે ઉદ્ધાર કર્યો તે સાંભળો. વૈદિક પીરિયડમાં આયુર્વેદ કહે છે કે તમારી ઉંમર વધારી શકાય છે, તમારું આરોગ્ય સુધારી શકાય છે, આ તમારા પુરુષાર્થની વસ્તુ છે, વધુ વિગતે સાંભળી લેવું. પૌરાણિક પીરિયડમાં તમારે ક્યારે મરવાનું, ક્યાં મરવાનું, કેવી રીતે મરવાનું બધું નક્કીજ છે. એમાં મીનમેખ થઇ શકે નહિ. ઋષિ કહે છે એવું નથી. “शतम जीवेम शरद:………दीना: श्याम शरद:” અમે સો વર્ષ સુધી જીવીએ, આંખ, કાન, નાક સારાં હોય, કોઈના લાચાર થઈને નહીં, આ વૈદિક દ્રષ્ટિ છે. પૌરાણિક દ્રષ્ટિમાં તમારા નશીબમાં જે લખેલું હોય તે મળવાનું છે, બધું લખી રાખેલું છે એટલે પ્રજા મરી ગઈ. એકેએક બાબતને તમે બંને રીતે સમજી શકો તો તમારો ગૂંચવાડો નીકળી જશે. @11.28min. અકસ્માતો થાય છે અને થવાનાજ પણ પુરુષાર્થ શામાં છે કે જ્યાં ભય સ્થાનો છે, તે કેટલાં ઓછા કરી શકાય છે. આપણે ત્યાં ખૂબ અકસ્માતો થાય છે એનું મૂળ કારણ આપણી જીવન પદ્ધતિ છે, કોઈ પ્રારબ્ધ કે કોઈ પૂર્વના કર્મો નથી, પણ આપણા જીવન પ્રત્યેની સચોટતા નો અભાવ છે. દીવાદાંડીનો ઈતિહાસ જરુર સાંભળો. @21.22min. અકાળ મૃત્યુ એટલે કળી ખીલવા પહેલાંજ ખરી પડી. એમાં કોઈ વહેમ ન રાખશો કે જીવ ક્યા ગયો છે? પોતાના આત્મ સંતોષ માટે તમારી ભાવના હોય તેવું કરો. પરમેશ્વરને શાંતિ માટે, સદગતી માટે પ્રાર્થના કરવી. સજ્જનો, આપણે એવા કિશોરની પ્રથમ પ્રતિતીથીએ એકત્ર થયા છે, જે બાળક પર મને પણ પ્રેમ હતો. એ મારા આશ્રમ પર આવે અને એની સાથે હું બાળક જેવી વાત કરતો. હું પરમેશ્વરને હૃદયથી પ્રાર્થના કરું કે મોંટુ શ્રીનંદના આત્માને પરમાત્મા શાંતિ આપે અને એના પરિવારને ભગવાન શક્તિ આપે અને પ્રેરણા આપે કે એ એકના બદલે સોના માં-બાપ થાય. આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @25.04min. દુલા ભાયા કાગ, ગજબનો કવિ. શિહોરમાં લક્ષચંડી યજ્ઞ વિશ્વશાંતિ માટે થાય. વિશ્વશાંતિ તો ન થઇ પણ શિહોરમાં અશાંતિ થઇ ગઈ, હજી વેપારીઓના બીલ ચૂકવવાના બાકી છે. ઉપાયજ ખોટો છે, તમે ગુમરાહ પ્રજા છો, ઊંધા રવાડે ચઢેલી પ્રજા છો. યજ્ઞોના ભડકા જોઇને કવિનું હૃદય કકળી ઉઠ્યું અને કવિતા બનાવી કાઢી. ઈ ભાંડુ હજારો ગામડિયા જે જન્મના રોગના ભોગ બન્યા, એના આંગણે કોઈ વૈદ ગયા, દુઃખ-દર્દ કોઈએ પૂછ્યાંજ નથી, અકાળે મૃત્યુને શરણ થયા. લાખો યજ્ઞો તણા ભડકે ભડકે પેલા દિન જનોની ચિતા સળગે. તમને હોસ્પિટલ કરવી કેમ નથી સુઝતી? અશ્વમેઘ યજ્ઞ વિષે સાંભળો. તમે સાચા ધાર્મિક બનો કે તમને કોઈ છેતરી ન જાય. ખાસ કરીને બીજા પ્રાંતની પ્રજા,રખડતા સાધુના વેશમાં, ગુજરાતની ભોળી પ્રજાને મૂરખ બનાવી લૂંટવા આવે છે. અને લૂંટાય છે, પટેલ હાથમાં આવવો જોઈએ. તમારા ગામમાં કોઈ વિધવા હોય, વૃદ્ધ હોય, અનાથ બાળકો હોય એની કાળજી લો એ પણ યજ્ઞ છે. રચનાત્મક માનવતાના કાર્ય કરો. ધાર્મિકતાના નામે કરોડોના ઉઘરાણા કરનારાઓ તમને છેતરે છે, આ કરોડો રૂપિયા તમે ગરીબો માટે વાપરો. તમારો જાય જયકાર થશે. ત્યારે આ કર્મયોગ નામની સંસ્થા, દૂર બેઠેલી એક કલાકારની વિધવા પત્ની મરીયમ બહેનને દર મહીને થોડી અંજલી, 300 રૂપિયા જેટલી જેથી ગૌરવપૂર્વક જીવન જીવી શકે એટલે હું પણ એ પ્રવૃત્તિમાં 5000 રૂપિયાની ભેટ છું, આને અનુ છું. કાસોર ગામ હળીમળીને રહે, સંપીને રહે, ધાર્મિક શક્તિ, શૈક્ષણિક શક્તિ, બૌદ્ધિક શક્તિનો વિકાસ કરે, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @32.57min. સૌરાષ્ટ્રમાં જશદણ સ્ટેટની વાત. @41.05min. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. મંગલ મંદિર ખોલો.
Leave A Comment