લંડન, યુ.કે.

Side7A –

– આપણે ચાલતાં ચાલતાં જનકપુરી આવ્યા છે અને ત્યાં રામના લગ્ન થવાના છે. રામના લગ્ન થાય તે પહેલાં લગ્ન સંસ્થા શું છે? શા માટે છે? એના ફાયદા હાની શું છે? આ વિચાર છે, એને જો બિલકુલ સત્ય પરિણામવાળું લાવવું હોય તો પહેલી શરત છે કે, પહેલો ચાન્સ કુદરતી વ્યવસ્થાને આપજો. જો તમે કુદરતની ઉપેક્ષા કરી તો તમારું થીંકીંગ આકાશનું, કાલ્પનિક થઇ જશે, અને બહું સારા પરિણામ નહિ લાવે. આપણે ત્યાં શાસ્ત્રમાં એમ લખ્યું છે કે ભગવાને જયારે આ સૃષ્ટિની રચના કરી તો એ રચના એવી રીતે કરી કે “सनरस्च नारीचा भवताम्” મગની ફાળની જેમ એકજ તત્વમાંથી નર અને નારીની સૃષ્ટિ કરી, એટલે બે વ્યક્તીત્વોનું સર્જન કર્યું. પહેલું વ્યક્તિત્વ કશું કરે નહિ, એટલે ભગવાને પૂછ્યું તું એમને એમ કેમ બેસી રહે છે? અને ઉપનિષદે સમાધાન કર્યું કે “अथ एकाङ्किन् रमते, अथ द्वितियम् ऐछत्,अथ जाया मेस्यात प्रजाएय” એને એકલાને કંઈ આનંદ આવ્યો નહિ, એને કહ્યું, કંઈ બીજું હોય તો ઠીક. જો મારે કોઈ “જાયા” હોય તો હું એમાં પ્રજા ઉત્પન્ન કરું એટલે વંશ ચાલે એટલે સૃષ્ટિ કાયમ લીલી અને ચાલુ રહે. સંસ્કૃતમાં જાયાના અલગ અલગ અર્થ થાય છે. ચાણક્ય લખે છે, “जामाता जठरा जाया, जातवेदा जलास्रया:, पूरिता नैव पूर्यन्ते जकारा पञ्चदुरभरा” પાંચ જકારોને કદી ભરી ન શકાય. જમાય, જઠર, જાયા(પત્ની), જાતવેદ(અગ્નિ) અને જલાશ્રયા(સમુદ્ર). @6.00min. આ રૂપક છે. મૂળમાં શિવ અને શક્તિ એટલે પુરુષ અને પ્રકૃતિ એમ બે તત્વો છે અને આ બેયના વ્યક્તિત્વ અલગ અલગ છે તે સાંભળો. બંને અલગ છે, એટલે એનું મિશ્રણ છે. તમારે ઈશ્વરને જોવો હોય તો મૂર્તિમાં જોવાનો પ્રયત્ન ન કરશો પણ એની કૃતિ – રચનાના દર્શન કરો. સ્ત્રી-પુરુષની વચ્ચે એટલું પ્રબળ આકર્ષણ મૂક્યું કે હજાર હજાર ગુરૂત્વાકર્ષણનું બળ પણ એની આગળ નબળું પડે. પ્રાણીમાત્રમાં આ આકર્ષણ જોવા મળશે અને તેથી આ સંસાર ચાલ્યા કરે છે. @10.03min. આખી દુનિયા તમને નર અને નારીના રૂપમાં દેખાશે. સૌથી મોટામાં મોટા ઝગડા સૌથી વધુ આકર્ષણોના કેન્દ્રો હોય ત્યાંજ થતાં હોય છે. અંગ્રેજો પાસેથી એક શીખવા જેવી વસ્તુ છે તે એ કે અંગ્રેજો ભારતમાં 175 વર્ષ રહ્યા, તેમાં 37 યુદ્ધો કર્યા પણ કોઈ યુદ્ધ સ્ત્રી માટે યુદ્ધ નથી કર્યું. આપણે સ્ત્રીઓ માટેજ લડ્યા પછી એ દ્રૌપદી હોય, સીતા હોય, સંયુક્તા હોય કે રાણકદેવી હોય. આપણી લડાઈ ઈમોશનલ છે, અંગ્રેજોની લડાઈ ગણિત પૂર્વકની છે. સુલતાનોએ, મોગલોએ ઘણી ઘટનાઓ ઉભી કરી. પદ્મિની માટે અલાઉદીન ખીલજી ચિતોડ સુધી ધસી આવ્યો. જ્યાં પ્રબળ આકર્ષણ હોય ત્યાજ ઝગડા થવાના અને એના કેન્દ્રો છે, પૈસા અને સ્ત્રી. લગ્ન સંસ્થાનો હેતુ એ રહ્યો કે પુરુષ અને સ્ત્રી એ બંનેને એક નિયમમાં બાંધી કાઢો, એક વ્યવસ્થા બાંધી કાઢો અને એને ધર્મનું રૂપ આપી દો. જ્યાં સુધી તમે ધાર્મિક રૂપ નહિ આપો ત્યાં સુધી એ સ્થાયી ન થઇ શકે એટલે એક લગ્ન સંસ્થા ઉભી કરવામાં આવી, કારણકે આ બંને એકબીજાને મળવા વગર તો રહેવાના નથી. આપણે દ્વૈતનું અદ્વૈત અને અદ્વૈતનું દ્વૈત માનીએ છીએ. એક જૈન સજ્જને સ્વામીજીને પ્રશ્ન કર્યો કે તમારા ભગવાનો પણ પરણે છે? જવાબ સાંભળો. ભગવાન પરણે એમાં ફિલસુફી છે, દર્શન છે. શિવ એકલો હોય તો એ “શવ” મડદું છે, એમાં “ઈ” એટલે પાર્વતી મળે તો શિવ થાય. એટલે આપણે શીવ અને શક્તિ બેયને ભેગા માનીએ છીએ, પછી એ રાધાકૃષ્ણ હોય કે લક્ષ્મીનારાયણ હોય કે સીતારામ હોય. આ બધા સજોડે છે. @15.21min. આખું બ્રહ્માંડ આજ નિયમથી ચાલે છે તે વીજળીના બે વાયરના ઉદાહરણથી સમજો. સ્ત્રી અને પુરુષમાં, પુરુષ અર્થિંગ છે અને સ્ત્રી કરંટ છે. બીજું સાઇકલના બે પૈંડાનું ઉદાહરણ સમજો. ભારતની સંસ્કૃતિને સમજવાનો પ્રયત્ન કરો. લગ્ન થાય એટલે વર અને કન્યા ચાર ફેર ફરે એ વિષે સાંભળો. સ્વામીજીએ અમેરિકામાં ગાંધી મુવી જોઈ એ વિષે કહ્યું કે જેટલી અસર કોઈ સાધુ સંત નથી કરી શક્યા, એટલી અસર આ ગાંધી મુવીએ કરી છે. “એકજ દે ચિનગારી” ઈશ્વર પાસે એક તણખોજ માંગો. 33KV(કીલોવોલ્ટ)ની ઇલેક્ટ્રિક લાઈન તમારા ઘર પાસેથી જઈ રહી છે, પણ તમારા ઘરમાં અંધારું છે. આ લાઈન જો તમારા ઘરમાં સીધી ઉતરશે તો તમારું ઘર બળી જશે. પણ વચ્ચે જો 220વોલ્ટ જેટલા ઓછા કરી દે એવું ટ્રાન્સફોર્મર મુકો તો એ વીજળી તમારા ઘરમાં ઉતારી શકાશે અને પછી તમે એનો ઉપયોગ કરી શકશો. @20.49min. ગાંધીજીને જયારે જેલમાં પૂર્યા અને અભણ કસ્તુરબાને જયારે કોઈ પશ્ચિમના રીપોર્ટરે પૂછ્યું કે તમે શું કરશો? તમારો શું પ્લાન છે? કસ્તુરબાએ જે જવાબ આપ્યો તે એકેએક સ્ત્રીએ યાદ રાખવા જેવો છે. કદી ભારતીય સ્ત્રીનો જુદો પ્લાન હોતોજ નથી. અમારે તો પતિના પગલે પગલે ચાલવું એજ અમારો પ્લાન છે. એટલા માટે આજે કસ્તુરબા રોડ, કસ્તુરબા હોસ્પિટલ વગેરે આખા દેશમાં જોવા મળશે. @25.34min. એક મહાત્માને એક ભગત આગ્રહ કરીને જમવા લઇ ગયેલા અને પછી એની પત્નીએ એ મહાત્માને કેવી રીતે ભગાડ્યા તે સાંભળો. સાઈકલમાં પાછળનું પૈડું શક્તિરૂપા છે પણ એને આંખ નથી. આગળના પૈડામાં શક્તિ નથી પણ એ દિશારૂપા છે, એટલે ભગવાને પતિપત્ની બેયને વ્યવસ્થિત રૂપે ગોઠવી આપ્યા છે. વચ્ચેની ફ્રેમ છે એ તમારો સંસાર છે અને એ તમને પકડી રાખશે. એટલે આપણાં ઋષિ-મુનીઓએ બહું પ્રાચીન કાળથી આ લગ્ન સંસ્થા બનાવી છે. @30.01min. લગ્ન સંસ્થા ત્રણ પાયા ઉપર ઉભેલી છે. પહેલો પાયો વિશ્વાસનો છે, બીજો વફાદારીનો અને ત્રીજો પાયો પ્રેમનો છે. આ ત્રણ પાયા બરાબર હોય તો જીવન સફળ. હજાર દોષ હોય એની સાથે જીવન જીવી શકાય પણ જે અત્યંત વહેમીલું માણસ હોય, એ તો તમારી જિંદગીને નરક બનાવી દેશે. બેયને માટે પહેલી શર્ત છે કે તમને એકબીજા માટે વિશ્વાસ છે? આ વિશ્વાસ વફાદારીથી આવશે. જે આખી લગ્નવિધિ થાય છે, એ વિધિ પાછળનો હેતુજ એ છે કે દુઃખમાં અને સુખમાં,લાભ-હાની, ચડતી-પડતી ગમે તે પરિસ્થિતિમાં વફાદારીમાં આંચ ન આવવા દેશો. @34.16min. એક ગામમાં એક ગરીબ મીયાં-બીબીનું દ્રષ્ટાંત સાંભળો. કેટલાકનું દાંપત્ય 36ના આંકડાવાળું હોય છે અને કેટલાકનું 63ના આંકડાવાળું હોય છે, તે સમજો. તમે લડજો, ઝગડજો પણ ભેગાં ને ભેગાં રહેજો. એટલે આમ લગ્ન જીવનનો બીજો પાયો વફાદારી છે અને માંએ દીકરીને આજ સમજાવવાનું છે કે દીકરા તું જ્યાં જાય ત્યાંની થઈને રહેજે. @40.07min. એનો ત્રીજો પાયો પ્રેમ છે. માણસ પ્રેમ માણવા નથી માંગતો પણ પ્રેમ ઢોળવા માંગે છે. તમારામાં એક ઉભરો આવે છે, એ ઠાલવવાનો કોના ઉપર? માંના ઉપર પ્રેમનો ઉભરો આવે છે. માં બાળકને દૂધ નથી પીવડાવતી પણ પ્રેમ પીવડાવે છે. દુધના માધ્યમથી માતૃત્વ નીકળે છે અને એ માતૃત્વથી માં ધન્ય થઇ જાય છે. આ દેશમાં (ઈંગ્લેન્ડમાં-પશ્ચિમના દેશોમાં) આટલાં બધાં કુતરાં બિલાડાં કેમ રાખે છે? કારણકે ડોસી કે ડોસો એકલાજ રહે છે. કામ કંઈ કરવાનું ન હોય તો 24 કલાક કાઢવા કેવી રીતે? એ લોકો એના પ્રેમની ઉર્જા આવાં પાળેલાં પ્રાણીઓ ઉપર ઢોળવા માંગે છે. સ્વર્ગની પરકાષ્ટા પ્રેમ છે. આ ત્રણ પાયાના ત્રણ પરિણામો છે. પહેલું વાસના બદ્ધતા. ભગવદ ગીતામાં ભગવાને બે વાર સ્પષ્ટતા કરી છે કે प्रजनस्चास्मि कन्दर्प: वासुकि:….(गीता 10-28) , धर्माविरुद्धो भूतेषु कामोडस्मि भरतर्षभ…..(गीता 7-11). કામ મારી વિભૂતિ છે. એમાંથી રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, નાનક વગેરે થયા છે. હે ભરતવર્ષ, ધર્મથી અવિરુદ્ધ એવો જે કામ એ મારી વિભૂતિ છે. એટલે કામ એ પાપ નથી. ખાસ કરીને અમે લોકો તમને સમજાવીએ છીએ કે આ ષડરિપુમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ બધા દુશ્મનો છે. વાત પણ સાચી છે પણ એ મિત્રો પણ છે. એની એક કક્ષા છે ત્યાં સુધી મિત્ર છે. બીજી કક્ષાએ દુશ્મન થઇ જાય છે. શાસ્ત્રને સમજો, ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ ચારેનું બેલેન્સ છે. શ્રમણોએ (બુદ્ધ અને જૈન) અર્થ અને કામને તોડી પાડ્યા. વાસના એ વાસ્તવિકતા છે. @46.53min. ભર્તુહરિને વાંચજો. कृश काण:….मदन:…II13II સ્વામીજીનું પ્રકાશન ભર્તુહરિ નાં બે શતકો, પાનું 169-170. વાસના એક વાસ્તવિકતા છે. તમારે જો સારો, શુદ્ધ સમાજ રચવો હોય તો વાસનાની પણ એવી વ્યવસ્થા કરો કે કોઈ માણસ આ ક્ષેત્રમાં પણ ભૂખ્યો ન રહે. તમે સમાજ એવો રચો કે જ્યાં અતૃપ્તિજ અતૃપ્તિ અને પછી તમે શુદ્ધ રાખવાનો પ્રયત્ન કરો તો અહિ પાયાનીજ ભૂલ થઇ રહી છે. કેટલી વિધવાઓ, ત્યકતાઓ, કેટલા વિધુરો, કુંવારાઓ આ બધું ઉભું હોય અને તમે રામાયણની સપ્તાહ કરાવોને, ભાગવતની સપ્તાહ કરાવોને, તમારી સમાજ રચનામાંજ ત્રુટી છે.