શાંતિદાતા શિવ – સંતોક્પુરા શિવાલયના જીર્ણોધ્ધાર નિમિત્તે

Side B –
– મનુષ્ય સિવાય પશુ-પક્ષી, જીવ-જંતુ કોઈપણ ઈશ્વરની ઉપાસના કરતા નથી. એમનું એકજ કામ છે સવાર-સાંજ ખાવું, પીવું અને ઊંઘવું એટલે વાત પૂરી થઇ. માણસજ એવો છે, જે ભગવાનની ઉપાસના કરે છે. હિંદુ ધર્મમાં ઉપાસનાના બે પ્રકાર છે, નિરાકાર ઉપાસના અને સાકાર ઉપાસના. જે આપણો મૂળ ધર્મ છે એમાં ઉપનિષદમાં પરમેશ્વરને નિરાકાર બતાવ્યો છે. એને હાથ નથી, પગ નથી, કાન નથી, આંખ નથી છતાં એ સચરાચર બધે વ્યાપક પરિપૂર્ણ એક બ્રહ્મ છે. પણ કાળે કરીને બાજુમાં એક સાકાર ઉપાસના શરુ થઇ, કારણકે લોકોને નિરાકારમાં રસ પડતો ન હતો. આ સાકાર ઉપાસનામાં બે મુખ્ય ધારા થઇ, એક શૈવ ધારા અને બીજી વૈષ્ણવ ધારા. આ બંને ધારાઓ જુદી નથી પણ એકની એકજ છે. અમે સન્યાસીઓ બંને ધારાને માનીએ છીએ. તમારે જેને ભજવું હોત તેને ભજો, સંપ્રદાયોની જેમ અમે ભેદ ન કરાવીએ, કોઈપણ દેવ કે મંત્ર ન છોડાવીએ કારણકે અંતે તો બધું એકનું એકજ છે. આ શૈવ અને વૈષ્ણવ ધારાઓને પોત-પોતાની વિશેષતા છે. શિવ અને વિષ્ણુના બે રૂપો છે. શિવના બે સાકાર રૂપો છે અને વિષ્ણુના પણ બે સાકાર રૂપો છે. એક વિષ્ણુ શાલીગ્રામ છે અને બીજા એક છે શંખ, ચક્ર ગદાવાળા અને સાથે છે લક્ષ્મીજી. એક શિવ લિંગાત્મક છે અને બીજા શિવ ભષ્મ લગાવેલા, પોઠિયા પર બેઠેલા, વાઘાંબર પહેરેલા હાથમાં ત્રિશુળ, ડમરુ અને સાથે છે પાર્વતીજી. શરૂઆતમાં વર્ષો પહેલાં શાલિગ્રામની અને શિવલિંગની પૂજા થતી. વિષ્ણુ ઐશ્વર્યના દેવ છે અને શિવજી જ્ઞાન અને વૈરાગ્યના દેવ છે. લોકોને વધુ ઐશ્વર્ય ગમે. @4.47min. તમે ઐશ્વર્યની ઉપાસના કરો તો તમે ટાટા, બિરલા, અંબાણી બનો. અઢળક પૈસો ઘરમાં આવે પણ તમે જ્ઞાન વૈરાગ્યની ઉપાસના કરો તો તમે વ્યાસ બનો, કણાદ બનો, કપિલ બનો, આઈનસ્ટાઈન સેક્સ્પીઅર બનો. આ જ્ઞાન વૈરાગ્યની ધારા છે. ઐશ્વર્યની ધારમાં જે લોકો અબજોપતિ થયા, પણ મર્યા એટલે નામશેષ થઇ ગયા.આજે એમને કોઈ યાદ નથી કરતું. ઐશ્વર્યની દેવી લક્ષ્મીજી રુષ્ટપુષ્ટ છે, ત્યાં મોટી લાઇન છે તો દુબળી પાતળી કીર્તિની દેવી સરસ્વતી દુબળી-પાતળી છે અને ત્યાં રેંજીપેંજી બે-ત્રણ છોકરાંઓ ઊભા છે, લાઇનજ નથી, કહે છે, માં તારા ખોળામાં બેસાડ. સરસ્વતી કહે છે, મૂર્ખાઓ મારા ખોળામાં બેસીને શું કરશો? મારા સ્તનમાં દૂધ નથી, હું પરણેલી નથી. તમારે પોતાનો અંગૂઠો ચૂસીને જીવવું પડશે. એના કરતા પેલી લક્ષ્મીજીની લાઇનમાં જાવ ત્યાં દૂધજ દૂધ છે. એકાદ-બે છોકરાઓ એવા હોય છે કે માં, અમે અંગૂઠો ચૂસીને જીવીશું પણ તારા ખોળામાંજ બેસીશું. @9.46min. પછી સરસ્વતી તે છોકરાંની લઈને ખોળામાં બેસાડે છે. તે વ્યાસ બને, કાલિદાસ બને, સેક્સ્પીઅર વિગેરે બને. બિરલા મરી જાય, ટાટા મરી જાય પણ વ્યાસ ના મરે, કાલિદાસ ના મરે, આઈનસ્ટાઇન ના મારે. આ ભેદ તમે સમજો. શિવની જે ઉપાસના છે તે જ્ઞાન વૈરાગ્ય માટે છે અને વિષ્ણુ ની ઉપાસના છે તે ઐશ્વર્ય માટે છે. બંનેની ઉપાસના પધ્ધતિ પણ એવીજ છે. વૈષ્ણવ મંદિરમાં સવારથી ભોગ શરુ થાય, જરિયન જમા, મુગટ-માળા આખો દિવસ બસ ખર્ચાજ ખર્ચા. શિવાલયમાં કોઈ ભોગજ નહીં. ખાલી તમારી શ્રદ્ધા હોય તો પાંદડું(બીલીપત્ર) લઇ જાવો અને થોડું પાણી ચઢાવો. “त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं त्रयायुधं, त्रिजन्म पाप संहारं एक बिल्वं शिवार्पणम्” ઓછામાં ઓછા ખર્ચે, સાદામાં સાદી જીવન પધ્ધતિ, કોઈ પડદો નહિ, દાદો 24 કલાક જાગતોજ હોય. એટલે જેને જ્ઞાન-વૈરાગ્યની ભૂખ હોય એ શિવની ઉપાસના કરે. એક બહું દરિદ્ર બ્રાહ્મણ પરિવારનું ઉદાહરણ સાંભળો. આ બ્રાહ્મણ પરિવારને ભગવાને ત્રણ વરદાન આપ્યા છતાં દરિદ્રીના દરિદ્રીજ રહ્યા તે સાંભળો. @15.35min. જેને પોતાના પતિમાં સંતોષ નથી અને જેને પોતાની પત્નીમાં સંતોષ નથી તેને આખી દુનિયા સુખી ન કરી શકે. તમે એકબીજામાં સંતોષ અનુભવો એમાંજ સુખ છે. શિવ ઉપાસનાની ખાસિયત છે કે જેમ જેમ તમે ઉપાસના કરતા જાવ એમ એમ તમારી બુધ્ધિ નિર્મળ પવિત્ર થતી જાય અને એ પવિત્ર બુદ્ધિમાંથી જે પ્રગટ થાય તે અમર વસ્તુ પ્રગટ થાય. તમારા ઘરમાં શિવજીનો ફોટો હોય તો તમે ધારી ધારીને જુઓ કે એમાં કેટલા મેસેજ છે, તે સાંભળો. ભગીરથ-ગંગાજીની કથા સાંભળો. ત્રણ પ્રકારના માણસો હોય છે. પૂર્વજોનો વિચાર કરનારા, પોતાનો વિચાર કરનારા અને આવનાર પેઢીનો વિચાર કરનારા. તમે આજે જે છો તે તમારા પૂર્વજોના પૂણ્યપ્રતાપે છો. તમારી પાસે જે સમૃધ્ધિ છે, એ તમારા પૂર્વજોનું તપ છે. ભગવાનને ભૂલવા હોય તો ભૂલી જાવ પણ માં-બાપને ન ભૂલશો, પૂર્વજોને ન ભૂલશો. એટલે 12 મહીને એક દિવસ યાદ કરીને શ્રાધ નાંખીએ છીએ. @20.03min. પુષ્પાબહેન અને એમના દીકરાઓને પ્રત્યે બહુંજ માન છે કે શિવાલયનો જીર્ણોધ્ધાર કરાવી રહ્યા છે. ભગીરથ પૂર્વજોની ચિંતા કરે છે. કોઈએ રસ્તો બતાવ્યો કે ઉપરથી ગંગા નીચે ઊતરે તો તારા પૂર્વજોનો ઉધ્ધાર થાય. ભગીરથે વર્ષો સુધી તપસ્યા કરી પછી ગંગાજી પ્રસન્ન થયા. ગંગાજી કહે હું નીચે તો ઊતરું પણ મારા વેગને કોણ સહન કરે? ભગીરથ વેગને સહન કરે એવી વ્યક્તિને શોધવા લાગ્યા અને અંતે એમને સ્મશાનમાં મહાદેવજી મળ્યા. મહાદેવજી કહે છે, તું ચિંતા કરીશ નહિ, હું આવીશ. શિવજી જટા ફેલાવીને બેઠા છે. ગંગાએ જોયું કે નીચે કોઈ તુચ્છ માણસ બેઠો છે એટલે માર્યો જોરથી કુદકો. સદીઓ વીતી ગઈ પણ ગંગાજી જટામાંથી બહાર નીકળી શક્યા નહિ, એટલે હાર્યા અને થાક્યા. જ્ઞાન અભિમાની હોય અને એ હારે ત્યારે એમાં ભક્તિ પ્રગટ થાય. ગંગાજી કહે હું તમને સમજી ન શકી, મને રસ્તો આપો. જે ડંખ ન રાખે એ ભોળાનાથ હોય. @26.07min. ડંખીલો માણસ હોય કે ડંખીલી પ્રજા હોય તેનો ઉદ્ધાર ન થાય. પાટીદાર પ્રજા એ ડંખીલી પ્રજા નથી. મહાદેવ ભોળા છે એટલે ભોળાનાથ કહેવાય છે. ગંગાજી જ્યાં નીચે ઉતર્યા ત્યાં ગો-મુખ બન્યું, આગળ ચાલતાં ગંગોત્રી બની અને એથી આગળ ચાલતાં હરિદ્વાર અને પછી બંગાળના ઉપસાગર પહોંચી ત્યારે ગંગાસાગર બની અને ભગીરથના પૂર્વજોનો ઉધ્ધાર થયો. આ જટાઓ શું છે? એનો છેડોજ નહિ, અંતજ નહિ એ જટા છે, એ વૈરાગ્ય છે અને એમાં ઘુમરીઓ લેનારી ગંગા છે, એ જ્ઞાન છે. એટલે જેનામાં વૈરાગ્યનું ફાઉન્ડેશન હોય તેમાંજ જ્ઞાન ટકી શકે. એટલે સજ્જનો જયારે પણ તમે મહાદેવના મંદિરમાં જાવ ત્યારે સમજો કે આ જટાઓ છે, એ વૈરાગ્યની જટાઓ છે. વૈરાગ્યનો અર્થ ઘરબાર છોડી દેવું એવો નથી પણ પાપ કરતાં પાછો પાડે, તમને પાપ કરવા ન દે, એનું નામ વૈરાગ્ય. સ્વામીજી મોરીસીઅસ ગયેલા, ત્યાં ગંગા તળાવ બનાવ્યું છે અને એમાં 108 ફૂટ ઊંચી મહાદેવની સુંદર ભવ્ય પ્રતિમા છે. મોરીસીઅસમાં હિંદુ પ્રજા ઘણી છે. ત્યાં લાખ હિંદુઓ ભેગા થાય છે અને ત્યાં તે સમયે ત્રિશુળને કંકુમાં બોળીને ચાંલ્લા કરતા હતા. @29.57min. ત્યાં ગોરા લોકો પણ આવેલા અને એમણે બધાએ ચાંલ્લો કરાવ્યો. મુસલમાન ચાંલ્લો ના કરવા દે. મુસલમાન કટ્ટરવાદી હોય. એક ગોરી બાઈને આ ચાંલ્લા વિષે જાણવાની જીજ્ઞાસા થઇ એટલે પુજારીને પૂછ્યું પણ એને શું કહેવું તે આવડ્યું નહિ એટલે પૂજારીએ સ્વામીજીને જવાબ આપવાનું કહ્યું. સ્વામીજીએ જવાબ આપ્યો કે દુઃખનાં ત્રણ કારણો છે, તે આધિ, વ્યાધિ અને ઉપાધિ એટલેકે આધિભૌતિક, આધિદૈવિક અને આધિઉપાધિક.એની સમજણ ઉદાહરણ સાથે સાંભળો. @34.50min. એક બહેનનો એક પ્રશ્ન સાંભળો. આધિ, વ્યાધિ અને ઉપાધિ આ ત્રણે દુઃખોથી ભક્તોને બચાવવા મહાદેવજી ત્રિશુળ રાખે છે. એના ભક્તોને કહે છે, તું શરણે આવ અને “ૐ નમ: શિવાય” જપ કર અને તારા ત્રણે દુઃખ દુર થશે. વિષ્ણુના ઉપાસકને સુખ મળે પણ મહાદેવના ઉપાસકને શાંતિ મળે. પેલી ગોરી બાઈ કહે છે આ તો “WONDERFUL” છે. અમારું બધુંજ વન્ડરફુલ છે પણ કોઈને ખબરજ નથી. કોઈવાર વિચાર કર્યો કે મહાદેવજીના ગાળામાં સાપ કેમ છે? એટલા માટે કે મૃત્યુની એ જગ્યા ગળું છે. મૃત્યુ એટલે નાગ. અને એને શંકર ભગવાને આભૂષણ બનાવી દીધું, એટલે કે મૃત્યુથી ડરવાનું ન હોય. UK ના વેમ્બલી વિસ્તારમાં આપણી હિંદુ બહેનોના અછોડા તૂટવાની વાત સાંભળો. @41.33min. આ સંતોક્પુરા ગામમાં વર્ષો જુનું મહાદેવજીના મંદિરના જીર્ણોધ્ધારની જરૂર પડી એ વિષે અમારે ત્યાં એવું માનવું છે કે નવું મંદિર બનાવવું એના કરતાં જુના મંદિરનો ઉધ્ધાર કરો એમાં હજાર ઘણું પૂણ્ય છે. મહાદેવજી અજન્મા સનાતન છે એમ વિષ્ણુ પણ અજન્મા અને સનાતન છે. કબીરનો આ દોહો હંમેશાં યાદ રાખજો, “साहब सबका बाप है, बेटा किसीका नाही, बेटा होक अवतरे वो तो साहब नाही” @44.49min. ઘણા હેતુઓ માટે આ સંસ્થા ઊભી થઇ, ગામના લોકોએ આનંદ પૂર્વક આ બધું કામ કર્યું, એ જોઇને મને આનંદ થયો. હું ભગવાન, રાજ રાજેશ્વર મહાદેવને પ્રાર્થના કરું કે આપ સૌ સંપીને એક થઈને રહો. ફળે ફૂલે વિકસે બધા સુખી થાય, આભાર ધન્યવાદ, હરિઓમ તત્સત.