હિંદુત્વની સમજણ – નાના અંગિયા, કચ્છ – કડવા પાટીદાર સમાજ

Side A –

– થોડી અઘરી વાત કહેવી છે, સાંભળવામાં તકલીફ પડશે, પણ ઘણી અસ્પષ્ટતાઓ દૂર થશે. જિંદગીના જેટલા આંતરિક શત્રુઓ છે, એમાં સૌથી મોટો શત્રુ અસ્પષ્ટતા છે. આ અસ્પષ્ટતા તમારી સાધનને બગાડી નાંખશે. જીવનના બે ભાગ છે, આંતરિક અને બાહ્ય. વ્રુક્ષનું આંતરિક જીવન એના મૂળમાં છે. વ્રુક્ષની કોઈ શાખામાં કોહવારો લાગ્યો હોય, કીડા પડ્યા હોય તો એટલી શાખાને સુધારી શકાય પણ જો એના મૂળમાંજ કંઈક દોષ ઉભો થયો હોય તો એની અસર આખા વ્રુક્ષ પર થતી હોય છે, એમ આંતરિક જીવન એ બાહ્ય જીવનનું મૂળ છે. આંતરિક જીવન જો અસ્પષ્ટતાઓથી ભરેલું હોય તો બાહ્ય જીવન લાંબો સમય ખીલેલું ન રહે. સત્સંગના ઘણા ઉદ્દેશ છે, એમાંનો એક મુખ્ય ઉદ્દેશ છે કે જીવનના બધા ક્ષેત્રો સ્પષ્ટ કરવા. @4.00min. દુનિયાના જે મોટા મોટા ધર્મો છે એ બધા મોટે ભાગે વન-વે છે, આપણો હિંદુઈઝમ ટુ-વે છે. માનો કે તમે ક્રિશ્ચિઅનને ત્યાં જાવ, તો ત્યાં એકજ ગોડ(GOD) છે, એ બાબતમાં કોઈને ભ્રમ નથી, એની કોઈ કથા નથી એટલે એ વન-વે છે. ઇસ્લામ પણ વન-વે છે. અલ્લાહ શબ્દ એ સંસ્કૃતનો છે કેવી રીતે? તે સાંભળો. અલ્લાહની કોઈ કથા નથી. આપણે પણ એકેશ્વરવાદી છીએ, ઉપનિષદ અને વેદોમાં વારંવાર કહ્યું છે કે પરમાત્મા એક છે, એક છે, એક છે. તો પ્રશ્ન થાય કે આટલાં બધા ભગવાન આપણે ત્યાં આવ્યા ક્યાંથી? આજ વાત મારે તમારા આગળ કરવાની છે. આ અસ્પષ્ટતા છે, એટલે આપણે ત્યાં વન-વે ની જગ્યાએ મૂકી દીધો ઓમ(ૐ). ओमित्येकाक्षरम् ब्रह्म…….परमा गतिम् ….(गीता 8-13). અર્જુન, મરતી વખતે કોઈ ૐ ૐ એવું બોલતા મરે તો એ પરમધામને પ્રાપ્ત થાય છે. બોલનાર કૃષ્ણ છે પણ એવું નથી કહેતા કે તું કૃષ્ણ કૃષ્ણ કરજે. મારો જે મુદ્દો કહેવો છે કે આપણે ત્યાં ૐકાર અલ્લાહની અને GODની જગ્યાએ છે. @7.58min. હવે બીજા માર્ગને સમજો. આ માર્ગમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ૐકારની વ્યાખ્યા છે, એ વિષે સાંભળો. વધારે જાણવું હોય તો “माण्डुक्य उपनिषद” વાંચજો, એ ૐકારની વ્યાખ્યા માટેજ રચાયું છે. જે થયું, જે થઇ રહ્યું છે અને જે થવાનું છે એ બધું ૐકારજ છે. નિરાકાર બ્રહ્મને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના રૂપમાં સાકાર કરવામાં આવ્યું, આપણો આ ટુ-વે છે. ફરી પાછો પ્રશ્ન થાય કે આવું શા માટે કર્યું? આવું એટલા માટે કર્યું કે ધર્મ દર્શન અને તત્વ દર્શનની સાથે કલા જોડાઈ, કલાકાર, કવિ એ અમૂર્તને મૂર્ત કરે કે જેવી રીતે હિમાલયને બોલતો કરે, ગંગાને બોલતી કરે. @11.46min. તમે ભિન્ન પ્રકૃતિના માણસ સાથે રહી શકતા હો તો તમારી પાસે માનવતા પ્રગટ થઇ રહી છે. એક પરમ આસ્તિક અને એક પરમ નાસ્તિકનું ઉદાહરણ સાંભળો. न बुद्धिभेदं ….. समाचरन्….(गीता 3-26). અર્જુન જે સામાન્ય માણસ, સામાન્ય ક્રિયા કરતો હોય તો એની બુદ્ધિને વિચલિત ન કરે. જયેન્દ્રપુરી મહારાજની વાત સાંભળો. નાસિક-ત્રંબક ભક્તોના ટોળાં સાથે ગયા, એક એક મૂર્તિને દંડવ્રત કર્યા. એક મહાત્માએ કાનમાં પૂછ્યું કે તમે આખી જીન્દગી વેદાંતની વાત કરી અને આ શું કર્યું? જવાબ આપ્યો “जोषयेत्सर्वकर्माणि….समाचारन्…..(गीता 3-26). માં પગે લાગે, બાપ પગે લાગે તો છોકરું પગે લાગે. @16.48min. આપણે ત્યાં જે આ ટુ-વે બીજો માર્ગ છે, એને સમજશો તો તમે હિંદુ ધર્મને બહું સ્પષ્ટ રીતે સમજશો. પરમેશ્વરના મુખ્ય ત્રણ ગુણો છે. ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય, એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ વિષે વિસ્તારથી સાંભળો. કલાકાર જયારે નિરાકારને આકાર આપે એટલે અમૂર્તને મૂર્ત બનાવે ત્યારે એની પાછળ પણ કંઈ પ્રેરણા હોય છે. કોઈવાર તો વિચાર કરો કે મૂર્તિને આટલા બધા હાથો કેમ? બ્રહ્માના કેમ ચાર મુખ છે? બ્રહ્માનું બીજું રૂપ વિશ્વકર્મા છે. એના ચાર મુખ્ય ઘટકો(તત્વો) છે તે માટી, પાષાણ, લોહ અને ચોથું તત્વ લાકડું છે. આ ચારમાંથી સૃષ્ટિની રચના થાય છે. બ્રહ્માને એક પત્ની છે, એનું નામ સાવિત્રી છે, ૐને કોઈ પત્ની નથી. બ્રહ્માને એક દીકરી પણ છે, એનું નામ સરસ્વતી છે અને એ કુંવારી છે, એટલે એ દુબળી-પાતળી છે. “शुकलाम् ब्रह्मविचार सारपरमाम……….बुद्धि प्रदाम् शारदा:” સરસ્વતી કેમ કુંવારી છે? બહું જ્ઞાની પુરુષ હોય અને એ અભણ સ્ત્રીને પરણે તો પણ સંસાર પાર થઇ જાય. ગાંધીજી બેરિસ્ટર હતા અને કસ્તુરબા અભણ જેવા હતા, ગાંધીજીનું દામ્પત્ય બહુ સારું ચાલ્યું. પણ સ્ત્રી ભણેલી હોય, બહુ વિદુષી હોય અને પુરુષ બિલકુલ અભણ હોય તો એ સંસાર પાર કરવો બહુ મુશ્કેલ કામ છે. એટલે આપણે ત્યાં સ્ત્રી જો બહું ભણે તો એની માનસિક સ્થિતિ એવી થઇ જાય કે એને કુંવારા રહેવું પડે. @24.55min. સરસ્વતી જ્ઞાનનું રૂપ છે, સરસ્વતીના, લક્ષ્મીજીના અને પાર્વતીજીના ત્રણ-ત્રણ રૂપ છે. એક સરસ્વતી સુપર નોલેજ છે, બીજી મધ્યમ અને ત્રીજી અધમ નોલેજ છે. અધમ બુદ્ધિ શકુનીની છે. એને ભગવાન પાસે શું માંગ્યું? આ નિંદિત, અધોગામી બુદ્ધિ છે, એ પૂજાતી નથી. બીજી એક મધ્યમ બુદ્ધિ હોય છે. મધ્યમ બુદ્ધિ પેટ માટે છે. તમે સારામાં સારું લખી શકો છો, કવિતા લખી શકો છો, વેપાર-ઉદ્યોગ લખી શકો છો, આ મધ્યમ બુદ્ધિ છે, જેનાથી આજીવિકા ચાલે. જાત્રા ગયેલા ત્યાનું ઉદાહરણ સાંભળો કે બે પટેલ સજ્જને કેરાલામાં કાથીની દોરડીનો સોદો કરી 4-5 જાત્રા થાય એટલો નફો કરી દીધો દીધો. એક સુપર નોલેજ છે, જેને આપણે દૈવી ઈશ્વરીય જ્ઞાન કહીએ છીએ. સરસ્વતી ત્રણેય છે, પણ એક સરસ્વતી હજારો પિતૃઓને તારનારી છે, કે જે ગંગાને ભગીરથ રાજાએ નીચે ઉતારી. આ આપણો દ્વિતીય માર્ગ છે. ૐકાર ને કોઈ દીકરો કે દીકરી નથી. સરસ્વતીનું રૂપ બ્રહ્માના અસ્તિત્વમાં છે. @30.27min. બ્રહ્મા પછી વિષ્ણુનું કામ છે, પાલન કરવાનું. વિષ્ણુ પાલન કર્તા છે એટલે એનું એક માથું અને હજાર માથાં એમ બે રૂપ છે. એક ગંડકી(નેપાળ)માંથી નીકળતા શાલીગ્રામ અને એક જયપુરના કારીગરો દ્વારા બનાવતા લક્ષ્મીનારાયણ. એવા શિવજીના પણ બે રૂપ, એક નર્મદામાંથી નીકળતું શિવલિંગ અને બીજું હાથ-પગ વાળા કારીગરો દ્વારા બનાવેલું. ગંડકીમાંથી જે શાલીગ્રામ નીકળે એમાં થોડું સોનું હોય છે અને તે સરકારના ખજાનામાં જમા કરાવવાનું હોય છે. શાલિગ્રામને પંચામૃતથી ધોઈને, તુલસીના અઢી પાંદડાં મુકીને “विष्णुपादोद कम्पित्वा पुनर्जन्म न विद्यते” એવું બોલીને, શ્રદ્ધાળુ માણસ આચમન કરે છે. આ એક મેડીસીન થઇ જાય છે તે સાંભળો. સુરતમાં કારગીલના શહીદો માટે રત્નકલાકારો પાસે 25 લાખ ભેગા કરવાના હતા, એના બદલે એક કરોડ અને પચ્ચીસ લાખ ભેગા કર્યા. આ બધા પાટીદાર ભાઈઓ છે. @35.30min. હીરાના એક અભણ વેપારી સજ્જનની વાત સાંભળો. બારેબાર શહીદોના પરિવારને બોલાવ્યા હતા અને દરેકને ચાર ચાર લાખ રૂપિયા સાથે, કારગીલની માટી સહીત બીજું શું આપ્યું તે સાંભળો. ચંદ બારોટ જયારે પૃથ્વીરાજને મળવા ગયેલો ત્યારે વતનની માટી લઇ ગયો હતો તે પૃથીરાજે માથે ચઢાવી હતી. માણસને મરવા પહેલા જે સંકેતો આવે તે વિષે સાંભળો. ચાણક્ય કહે છે, મંદિરમાં, રાજા પાસે, મહાપુરુષ પાસે જાવ ત્યારે ખાલી હાથે ન જવું. બહાર ગયા હોવ તો છોકરાં અને પત્ની માટે પણ કંઈ લઇ જવું. @41.22min. શ્રદ્ધા અને પ્રેમ બંને હૃદયમાં રહે છે, બુદ્ધિમાં નથી રહેતા. જે એકેએક બાબતમાં બુદ્ધિને પ્રધાનતા આપતા હોય, એ કદી શ્રદ્ધાળુ કે પ્રેમી ન થઇ શકે અને એનો કોઈ ઈતિહાસ પણ ન હોય. એક વાણીયાની સભાનો અનુભવ સાંભળો. શૌર્ય ગાથા, ભક્તિ ગાથા અને પ્રેમ ગાથા એક બીજા સાથે જોડાયેલા હોય છે. આ બલિદાનનો માર્ગ છે. @42.46min. આપણે ત્યાં બીજો માર્ગ છે, એમાં સરસ્વતીના ત્રણ ભેદ કરી દીધા. એમાંની મધ્યમ પેટ કમાનારી શક્તિના નામો રહ્યા? જે બહું સુંદર આલીશાન બંગલો બનાવતા હોય છે, તે બીજાના માટે બનાવતા હોય છે. ત્યારે નામ કોના રહે છે? એક તરફ લક્ષ્મીજી બેઠાં છે અને બીજી તરફ સરસ્વતી સુકી પાતળી, સફેદ વસ્ત્ર પહેરીને બેઠી છે.લક્ષ્મીજી પાસે લાંબી લાઈન છે, માંડ માંડ કોઈને એના ખોળામાં બેસાડે છે, તો એનું ટાટા નામ પડે, બિરલા નામ પડે, અંબાણી પડે, ફોર્ડ પડે, રોકફેલર પડે. કેટલાયે લોકો પૈસાદાર થયા, નામ કોઈનું રહેતું નથી. બિરલાએ લક્ષ્મીનારાયણના મંદિરો બનાવ્યા એટલે એનો પૈસો કીર્તિમા બદલાય ગયો. @45.37min. પેલી બાજુ સરસ્વતી છે, દુબળી, પાતળી એના ખોળામાં કોણ બેસવા તૈયાર થાય? એના જેવાજ બે-ચાર રેંજી-પેંજી છોકરાઓ બેસવા તૈયાર થાય. સરસ્વતી કહે મારા ખોળામાં બેસવું હોય તો પગનો અંગુઠો ચૂસીને જીવવું પડશે. પણ જયારે એક-બે છોકરાઓને બેસાડે ત્યારે એનું નામ મહા કવિ કાલીદાસ પડે, સેક્સ્પીઅર પડે, વ્યાસ, વશિષ્ઠ પડે. આ બધાં દુબળી પાતળી સરસ્વતીના છોકરાંઓ છે. પેલો બિરલા, ટાટા, અંબાણી મરી જાય પણ કાલીદાસ ન મરે, સેક્સ્પીઅર ન મરે, નરસિંહ ન મરે, તુકારામ ન મરે કારણકે સરસ્વતી અમર છે. અહિ આપણે ભગવાન લક્ષ્મીનારાયણનો ઉત્સવ ઉજવી રહ્યા છે તો એની પાછળનો સંદેશ શું છે એ જાણવું જોઈએ. બીજા માર્ગ ઉપરના આપણાં બધા ભાગવાનો પરણેલા છે. એક જૈન સજ્જને પૂછ્યું ભગવાન તે કંઈ પરણતા હશે? જવાબમાં સ્વામીજીએ કહ્યું અમે નર-નારીના ઉભય રૂપમાં, શિવ-શક્તિ રૂપમાં ઉપસીએ છીએ અને પુરુષ પ્રધાન, સ્ત્રી પ્રધાન અને ઉભય પ્રધાન ધર્મ વિષે સાંભળો.