સમાજ ક્રાંતિ – કન્યા છાત્રાલય અને શ્રી નાગરદાસ શ્રીમાળીની પ્રતિમાનું ઉદ્ઘાટન

Side A –
– સ્થળનો ઉલ્લેખ નથી. ગાંધીજી અને પ્રશ્નો – જે લોકો પ્રશ્નોથી ભાગે છે અથવા લોકોને ભગાડે છે, તે કાયર સમાજની પેદાશ કરે છે. જે લોકો પ્રશ્નો સામે ઝઝૂમવાનું શીખવે છે, તે પ્રજાને સાચું નેતૃત્વ આપે છે. ગાંધીજી સાથે મતભેદ હોઈ શકે, પરંતુ આ એક એવો માણસ છે, જેણે બધા પ્રશ્નોને સ્પર્શ કરેલો. તમે રાજકીય ક્રાંતિ કરી શકો, કારણકે ત્યાં કોઈની બુદ્ધિ બદલવાની નથી. પરંતુ તમારે ધર્મ ક્રાંતિ કરવી હોય તો બહું અઘરું કામ છે, કારણકે ધર્મના મૂળ શાસ્ત્રમાં અને શાસ્ત્રના મૂળ પરમાત્મામાં હોય છે. @2.54min. ટર્કી દેશમાં હતાતુર્ક કમાલ પાસાએ કરેલી ક્રાંતિ વિશે જરૂર સાંભળો. આ માણસે આખા તુર્કસ્તાનને બદલી નાખ્યું. તુર્કસ્તાન મુસ્લિમ દેશ હોવા છતાં કોઈ દાઢી રાખી શકે નહિ, બુરખા પહેરી શકે નહિ, ક્યાય મદ્રેસા જોવા મળે નહિ અને કોઈ જગ્યાએ અરબી લીપી જોવાની મળે નહિ. ચર્ચિલે કમાલ પાસા માટે લખ્યું છે કે હતાતુર્ક કમાલ પાસા જેવો માણસ વિશ્વમાં સો વર્ષમાં એકજ વખત થતો હોય છે. આખી દુનિયામાં બે પ્રકારની પ્રજા બધી જગ્યાએ વસે છે. રાજ કરનારી અને ગુલામ. @8.59min. ભારતમાં અસ્પૃશ્યતા ધર્મના માધ્યમથી આવી. આ અસ્પૃશ્યતા સામે પહેલી આહલેક નરસિંહ મહેતાએ પોકારી. પશ્ચિમમાં પાદરીના દીકરા કાર્લ માર્કસે કરેલી ક્રાંતિ વિશે સાંભળો. નરસિંહ મહેતા નાગર તથા ગાંધીજી વાણિયાના દીકરા હતા, એમને ક્યાં અસ્પૃશ્યતા નડતી હતી? સ્વામીજીના વિધવા-વિવાહના કાવ્ય વિશે. @14.11min. નરસિંહ મહેતા હરિજન વાસમાં ભજન કરવા ગયા. જે અન્યાયની સામે માથું નમાવે, બાથ ન ભીડે, એ સંત કહેવાયાજ નહિ પણ સાધુડા કહેવાય. નરસિંહ મહેતાએ હરિજનોનો પ્રસાદ આરોગ્યો અને એમને ન્યાત બહાર મૂક્યા. ભારતની પ્રજા ભૂતકાળને પૂજે છે, વર્તમાનમાં પાખંડીની પૂજા કરે છે. આ પ્રજાના દોષના કારણે પ્રજા ઠોકર ખાતી રહી છે. @20.48min. ગાંધીજીના રચનાત્મક કાર્યમાં અસ્પૃશ્યતાનો મહત્વનો ભાગ હતો અને એ કાર્ય કરનારી પહેલી પેઢી સવર્ણોની છે. ગાંધીજીએ સાધુ ન બનાવ્યા. ભગવાન બુદ્ધે, મહાવીરે અને શંકરાચાર્યે સાધુ બનાવ્યા અને લોકોને પલાંઠી વાળતા શીખવ્યા તેથી તેઓ નિષ્ક્રિય થઇ ગયા. સુઈગામના દુષ્કાળ રાહતમાં એક ઠાકોરની વાત સાંભળો. @25.59min. ગાંધીજીએ કહ્યું કોઈ અસ્પૃશ્ય નથી અને સૂત્ર આપ્યું “જન સેવા એજ પ્રભુ સેવા.” @31.30min. અસ્પૃશ્યતા નિવારણમાં સૌથી વધુ મહત્વનો ભાગ હોટલોએ ભજવ્યો છે. ઔદિચ્ચ બ્રાહ્મણોની રાંધેલી રસોઈ નાગર બ્રાહ્મણો ન ખાય પણ હોટલમાં જઈને ગાંઠીયા ખાઈ આવે. સુધારાનું મૂળ અંગ્રેજો છે. વિલાયતમાંથી ગુલામી આવી અને વિલાયતમાથીજ આઝાદી આવી. ગોંડલ નરેશ ઇંગ્લેન્ડ જઇ આવ્યા પછી ગોંડલ સ્ટેટની દશા બદલી નાંખી. ગાંધીજીએ સાધુ બનાવ્યા હોત તો સાધુઓએ ગાંધુજીને ભગવાન બનાવી દીધા હોત. @37.17min. જૈન પરંપરામાં એક અદભૂત સાધુ થયા. એમના પદો વાંચો તો રૂવાંડા ઊભા થઇ જાય. ઉપાશ્રમમાં બેસે, પ્રવચન શરુ કરે, પણ સમયના પાકા. એક નગર શેઠ દશ મિનીટ મોડા આવ્યા પછી શું થયું તે સાંભળી લેવું. @40.12min. મૈસુરના ટીપુ સુલતાનની વાત સાંભળો. ગાંધીજીએ કહ્યું કે અસ્પૃશ્યતાતો દૂર કરો પરંતુ એથી પ્રશ્ન ઉકેલવાનો નથી. એમણે એક બીજું શું કામ કર્યું તે સાંભળો. @43.48min. બ્રાહ્મણો કેમ દરિદ્ર થઇ ગયા? પાકિસ્તાનથી આવેલા સિંધીઓ કેવી રીતે ઘરવાળા, પૈસાદાર થયા? કારણકે મફતનું ખાવા ન હોતા માંગતા. એક પંડિતની વાત. સારસ્વત વ્યાકરણ વિશે. વાસ્તુશાસ્ત્ર અને અંધશ્રદ્ધા વિશે. મુહરત વગર લગ્ન કરો, ફાયદોજ ફાયદો.

Side B –
– ધર્મ શ્રદ્ધામાં છે અને શ્રદ્ધા એક બળ ઊભું કરે છે. પાટણમાં એક સજ્જન શુકન-અપશુકન નક્કી કરતાં ગાયના શીંગડામાં ભરાયા અને જાંઘ તૂટી ગઈ. વહેમ કઢાવે એનું નામ ધર્મ કહેવાય. વહેમ નાંખે એનું નામ ધર્મ ન કહેવાય તે સાંભળો. @3.09min. દલિતોમાં પણ એક એવો વર્ગ છે, જે કટ્ટર દુશ્મન છે, છતાં એમનો દોષ નથી, દોષ અમારો છે, કારણકે એમની સાથે વર્તાવ એવો થયો છે. ડંખ રાખે એનું નામ સંત ન કહેવાય, ડંખ કાઢી આપે એનું નામ સંત કહેવાય. બહુ નજીકનો માણસ જેટલું અમૃત આપે એટલું કોઈ ન આપે અને ઝેર પણ નજીકનો માણસ આપે એટલું કોઈ ન આપે. દરેકની જિંદગીમાં થોડા-ઘણા ડંખ રહેતાજ હોય છે એ કાઢી આપે એને અધ્યાત્મ કહેવાય, એને સંત કહેવાય. @4.43min. રામ અને લક્ષમણ સીતાજીની શોધમાં નીકળ્યા છે, વરસાદ પડી રહ્યો છે, તુલસીદાસ વર્ણન કરે છે, “मेघ परे अघाध गिरी कैसे, खलके बचन संत सहे जैसे.” નાગરદાસભાઈના જીવનમાંયે કેટલા ડંખ હશે, છતાં એક એક ડંખ કાઢી નાખ્યા, કારણકે એમને એક સંત મળ્યા. તમારે જ્યારે મહત્વનું કામ કરવું હોય તો ઘણા માણસોને સાથે રાખીનેજ કરી શકો અને એ ઘણા માણસોની લાગણીઓને પણ સમજવી જોઈએ. નાગરદાસભાઈ સવર્ણો, અવર્ણો, દલિતો, શ્રેષ્ઠીઓ, બધા વર્ગોને સાથે રાખીને હાથ જોડીને રહ્યા છે, કારણકે ગાંધીજીના કાર્યકર્તા છે. પશ્ચિમના દેશોની સ્વચ્છતા વિશે. મુંબઈથી ટ્રેનમાં આવતી વખતે, ધારાવી આગળના દ્રશ્ય વિશે. @11.04min. પહેલા અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટી બની એટલે આપણે પણ મદન મોહન માંલાવિયાને હિંદુ યુનિવર્સીટી માટે કામે લગાવી દીધા. રામપુરના નવાબ પાસે પૈસા કેવી રીતે કઢાવ્યા તે સાંભળો. @15.44min. હવે આ પ્રકારની શિક્ષણ સંસ્થાઓનું એવું રૂપ થવું જોઈએ કે માત્ર દલિતો ન હોય, બક્ષી પંચવાળા ન હોય, સવર્ણો ન હોય પરંતુ ભારતીયો હોય. આ દીવાલને તોડવી છે. આપને બધા ભારતીઓ છીએ. હું પરમેશ્વરને પ્રાર્થના કરું કે આ સંસ્થા ફળે, ફૂલે, વિકસે, દલિત અને સવર્ણો સમાજો નજીક આવે, એક થાય, કોઈ પ્રકારની આભડછેટ ન રાખે, હળી-મળીને સંપીને દેશનો વિકાસ કરે, એવી પરમેશ્વરને પ્રાર્થના, આભાર, ધન્યવાદ. @17.30min. સ્વામીજીની સંસ્થા તરફથી રૂપિયા એક લાખનું દાન. @18.36min. માનવીય સૃષ્ટિની ઉત્ક્રાંતિ અને અપક્રાંતિ. @38.45min. ભજન – વૈષ્ણવ નથી થયો તું રે – શ્રી મતિ મીનું પુરુષોત્તમ.