[ સનાતન ધર્મ એટલે શું? માણસે બનાવેલા શાસ્ત્રીય ધર્મ(સંપ્રદાયો), કુદરતે મૂકેલા આવેગો, લાગણીઓ વિશે વિસ્તારથી સમજાવતો, ચિંતનથી ભરેલા આ લેખને આપણે ચાર-પાંચ ભાગમાં માણીશું. પહેલા ભાગમાં કુદરતી ધર્મ અને બીજા ભાગમાં આવેગો, લાગણીઓ અને મનુષ્ય બાકીની સૃષ્ટિ કરતાં કેવી રીતે જુદો પડે છે ? માણ્યું.  આ ભાગ માં આપણે શાસ્ત્રીય ધર્મ એટલે શું માણીએ. આ લેખનું અક્ષરાંકન સ્વામીજીના પુસ્તક ‘ઉપસંહાર‘ માંથી કરવામાં આવ્યું છે. ]

 

શાસ્ત્રીય ધર્મ

કુદરતી ધર્મની સાથે મનુષ્યોએ પોતાની વિશેષ વ્યવસ્થા કરવા જે ધર્મ-સંપ્રદાયો રચ્યા, તે ‘શાસ્ત્રીય ધર્મ’ છે. વિશ્વના જુદા-જુદા ભાગોમાં મનુષ્યોએ વધારાની વ્યવસ્થા માટે લિખિત અથવા અલિખિત નિયમો બનાવ્યા. તે શાસ્ત્રીય ધર્મ છે. વિશ્વનું કોઈ પણ શાસ્ત્ર સીધી રીતે ઈશ્વરથી લખાયેલું કે રચાયેલું નથી. કોઈ ને કોઈ માણસના દ્વારા તે પ્રાપ્ત થયેલું છે. બીજું, વિશ્વના બધા શાસ્ત્રીય ધર્મો – જેને હવે આપણે સંપ્રદાયો કહીશું – સૃષ્ટિની શરૂઆતથી ચાલ્યા હોય તેવું નથી, કોઈ સો બસો, હજાર-બે હજાર વર્ષની આજુબાજુથી ચાલતા આવે છે. સૃષ્ટિરચનાને બે અબજથી પણ વધુ વર્ષો થયાં છે, એટલે કોઈ પણ શાસ્ત્રીય રચના બે અબજ વર્ષ જૂની નથી. એવું પણ કહી શકાય કે બે-ત્રણ કે ચાર હજાર વર્ષથી લિખિત શાસ્ત્રીય પદ્ધતિ શરૂ થઇ છે. અને હવે વૈજ્ઞાનિક પ્રવાહમાં ધીરે ધીરે તે પ્રભાવહીન થઇ રહી છે. ભવિષ્યમાં શાસ્ત્રીય ધર્મોનો પ્રભાવ ઓસરતો જશે અને મોટા ભાગની વ્યવસ્થા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી થશે. મનુષ્યના જીવન ઉપર વિજ્ઞાન સર્વતોમુખી છવાઈ જશે, પણ હમણાં આપણે શાસ્ત્રીય ધર્મોની થોડી ચર્ચા કરીએ.
શાસ્ત્રીય ધર્મ, માનવજીવન માટે કલ્યાણકારી અથવા અકલ્યાણકારી પણ બને છે, તેને માપવા-સમજવા માટે સર્વ પ્રથમ એ જોવાનું કે તે કુદરતી વ્યવસ્થાથી નજીક છે કે દૂર છે? કુદરતી વ્યવસ્થાથી ધર્મ જેટલો નજીક હશે તેટલો કલ્યાણકારી થશે. જો તે દૂર થઇ જશે તો અકલ્યાણકારી થઇ જશે. આપણે એ પણ યાદ રાખવું પડશે કે કુદરત પણ એક શાસ્ત્ર છે. બલકે તે જ સર્વોપરી શાસ્ત્ર છે. તેનાથી વિમુખ થઈને વ્યવસ્થા ગોઠવનાર અવ્યવસ્થા કરી બેસશે. કુદરતે જે આવેગો બનાવ્યા છે તે સૃષ્ટિક્રમને ચાલુ રાખવા અત્યંત જરૂરી છે. મનુષ્ય તેને વિકૃત કે અતિરેક્પૂર્ણ ન કરી બેસે તેટલી જ વ્યવસ્થા શાસ્ત્રીય ધર્મે કરવાની છે. તેની જગ્યાએ જો તે આવેગોને મૂળમાં જ નષ્ટ કરવાની સાધના બતાવે તો તે નિષ્ફળ, થકવી દેનારી અને હાનિકારક થઇ જશે. શાસ્ત્રનો વિધિ-નિષેધ, શું ખાવું અને શું ન ખાવું, ક્યારે ખાવું, કેટલું ખાવું વગેરે બાબત હોય તે બરાબર છે. પણ ‘ખાવાનું જ નહિ’ તેવાં વિધાનો કુદરતવિરોધી હોવાથી અકલ્યાણકારી થઇ જશે. કામવાસનાનો આવેગ કુદરતી છે. મનુષ્ય (પ્રાણીઓ નહિ) તેને વિકૃત કે અતિરેક્પૂર્ણ રીતે શાંત કરવા પ્રયત્ન ન કરે તેવાં વિધાન શાસ્ત્ર કરે તે યોગ્ય જ છે, પણ સાથે સાથે તે કુદરત સહજ આવેગોનું કુદરતી માર્ગથી શમન કરે તે પણ જરૂરી છે. જો તે સંપૂર્ણ નિષેધ કરશે તો પછી આવેગો વિકરાળ થઈને ખોટા માર્ગે વળી જશે. માત્ર મનુષ્યોમાં જ હોમોસેક્સ્યુઅલ, લેસ્બીયન અને બીજી બધી અનેક પ્રકારની અકુદરતી વિકૃતિઓ અસ્તિત્વ ધરાવે છે. આ બધું અતિનિષેધનું પણ પરિણામ હોઈ શકે. શાસ્ત્રીય ધર્મનું કામ કુદરતી ધર્મની સાથે માનવીય ધર્મનો તાલમેલ બેસાડવાનું છે. તે આ રીતે બેસાડી શકાય.

સામાજિક જીવનમાં

નર-નારીનું આકર્ષણ અને આવેગો કુદરતી છે. પણ તેથી બળિયાના બે ભાગ જેવી સ્થિતિ ન થઇ જાય એટલા માટે, શાસ્ત્રીય ધર્મે લગ્નવ્યવસ્થા ગોઠવી, પહેલા સમર્થ પુરૂષ ગમે તેટલી સ્ત્રીઓ રાખતો અને ગમે તેને પોતાની બનાવી લેતો, તેમાં ભયંકર મારામારી અને યુદ્ધો થતાં, કબીલાના કબીલા નષ્ટ થઇ જતા. આ અનર્થોથી બચવા લગ્નવ્યવસ્થા ગોઠવાઈ, ક્રમે ક્રમે તે પરિષ્કૃત થતી ગઈ અને છેવટે એક પુરુષે એક સ્ત્રીની વ્યવસ્થા ગોઠવાઈ. આ કુદરતી વ્યવસ્થાની પૂરક વ્યવસ્થા થઇ કહેવાય. જેમાં સૌનું રક્ષણ અને હિત સચવાયું. પતિવ્રતા અને એક પત્નીવ્રત આદર્શોથી લગ્નસંસ્થા વધુ દ્રઢ અને પવિત્ર બની. ‘પરસ્ત્રી માત સમાન’ નો આદર્શ સ્થાપિત થયો અને પતિ-પત્નીના સંબંધો સમાજજીવનના મૂલાધાર બન્યા. આ માનવીય વ્યવસ્થા વિશ્વભરના સમાજોમાં એકસરખી નથી રહી, સૌને પોત-પોતાની અલગ-અલગ પરિસ્થિતિ પ્રમાણે વ્યવસ્થા કરવી પડી. પણ લગભગ બધે જ પુરુષોની પ્રધાનતા હોવાથી આ આખી વ્યવસ્થા પુરુષપ્રધાન રહી છે. પણ પુરુષપ્રધાન વ્યવસ્થાએ પોતાની આવશ્યકતા પ્રમાણે સ્ત્રીની ભૂમિકા ગોઠવી દીધી. તેને પતિવ્રત તો નક્કી કર્યું પણ પત્નીવ્રત નક્કી ન કર્યું, પતિની પાછળ સતી થવું, આજન્મ વિધવા રહેવું, દેવદાસી થવું વગેરે અનેક વ્યવસ્થાઓ એવી કરી જે કુદરતથી વિરુદ્ધની કહેવાય. વળી પાછું આ બધું સંસ્કૃતિના નામે કર્યું, એટલે જડબેસલાક થઇ ગયું. કુદરત કહે છે કે જો વિધુર પુરૂષને બીજાં લગ્ન કરવાની ઈચ્છા થાય તો વિધવાને પણ થાય જ, એકના માટે લગ્નની છૂટ અને બીજાના માટે ધર્મના નામે પ્રતિબંધ એ કુદરતવિરોધી અન્યાય જ કહેવાય.
મંદિરમાં પથ્થરની મૂર્તિ બેસાડી, તેને ભગવાન માનીને થાળ-ભોગ, કેસરસ્નાન વગેરે થાય તે તો જાણે ઠીક, પણ એ ભગવાનની સાથે કોઈની આઠ-દસ વર્ષની કન્યાને પરણાવી દેવામાં આવે, આવી સેંકડો-હજારો દેવ્દાસીઓથી મંદિરો ઊભરાતાં હોય. હવે કોઈ એ મંદિરોને શુદ્ધ – પવિત્ર રાખવા માગે તો તે દિવાસ્વપ્ન જોઈ રહ્યા છે. કન્યાઓ યુવાન થતાં જ આવેગોની શિકાર થવાની જ. તેના શિકારીઓ કાં તો સામેથી તેને મળી રહેશે કાં તો પછી તે પોતે શોધી કાઢશે. કુદરતના આવેગો કોઈને પણ છોડતા નથી. આ આખી વ્યવસ્થ જ કુદરતવિરોધી છે. આવી વ્યવસ્થાથી હજારોનાં જીવન ધમરોળાઈ રહ્યાં છે. એટલે વ્યવસ્થા એવી હોવી જોઈએ કે વિધવા પણ વિધુર પુરુષની માફક પુન:લગ્ન કરી શકે. પ્રત્યેક પુરુષને જીવનભર કોઈ ને કોઈ સ્ત્રીની અને પ્રત્યેક સ્ત્રીને કોઈ ને કોઈ પુરુષની હૂંફની જરૂરત હોય જ છે. આ કુદરતી અપેક્ષા છે. શાસ્ત્રીય ધર્મે આવી અપેક્ષાઓ પૂરી કરવી જોઈએ. જો આવું ન કરી શકાય તો સમાજ સડવા લાગશે. જ્યાં સ્ત્રી વિનાના પુરુષો અને પુરુષો વિનાની સ્ત્રીઓ અનિચ્છાએ મોટા પ્રમાણમાં રહેતાં હશે ત્યાં અનેક દોષો આવવાના જ છે.

ધાર્મિક-આધ્યાત્મિક જીવનમાં

ઉપરની વાતો સામાજિક જીવનની થઇ. ધાર્મિક અને આધ્યાત્મિક જીવનમાં કેટલાક લોકોએ નર-નારીને પરસ્પરની પૂરક માનીને આજીવન સહવાસની વ્યવસ્થા કરી. ઋષિઓ, પયગંબરો, શીખ-ગુરુઓ, સૂફીઓ, સંતો વગેરે મોટે ભાગે સજોડે જીવન જીવ્યા છે. જ્યારે પાછળથી આધ્યાત્મને ત્યાગપ્રધાન બનાવવામાં આવ્યું જેમાં પુરુષે સ્ત્રીનો ત્યાગ કરવો જરૂરી બન્યો. આવી જ રીતે મોડે મોડે મોક્ષમાર્ગી સ્ત્રીઓએ પણ પુરુષોનો ત્યાગ કરવો જ રહ્યો. સંસાર ભોગવનારને મોક્ષ હોય જ નહિ તેવી ધારણા દ્રઢ થઇ અને દીક્ષા-પરિવ્રજ્યા એ જ એક માત્ર કલ્યાણનું સાધન મનાયું. અહીંથી અકુદરતી માર્ગની શરૂઆત થઇ કહેવાય. શરીરમાં સોયા ભોંકવા કે વાળ ખેંચવા જેવી કેટલીયે ક્રિયાઓ મોક્ષના નામે થવા લાગી. માણસને કુદરતના સહજ પ્રવાહથી વધુ ને વધુ દૂર લઈ જવામાં આવ્યો. સમષ્ટિનું અંતિમ લક્ષ્ય મોક્ષ નિર્ધારિત કરાયું હોવાથી દેશનો ક્રીમવર્ગ ત્યાગી બન્યો, ત્યાગથી થનાર અન્નવસ્ત્ર આવાસની દ્રષ્ટિએ પરાવલંબી થઇ જાય, એટલે એક બહુ મોટો પરોપજીવી વર્ગ તૈયાર થયો, વળી પાછો આ વર્ગ સર્વોચ્ચ પૂજ્ય બન્યો. તેણે લોકોને ત્યાગી થવાનો જથ્થાબંધ ઉપદેશ આપવા માંડ્યો અને સંસારી જીવનને મોહમાયાભર્યું પાપી જીવન સમજાવવા લાગ્યો. આથી યોદ્ધાઓ, સેનાપતિઓ કે વૈજ્ઞાનિકો થવાની જગ્યાએ ત્યાગીઓનાં ટોળેટોળાં થવા લાગ્યાં. આ ટોળાં એમની પોતાની જાણ બહાર રાષ્ટ્રની ગુલામીની ભૂમિકા તૈયાર કરતાં રહ્યાં. કારણ કે તેમના ઉપદેશથી પ્રજા બળવાન, સાહસિક કે મહત્વાકાંક્ષી થતી ન હતી પણ દુર્બળ, સાહસહીન અને ઈચ્છાશક્તિ વિનાની થતી હતી. વિદેશી આક્રાન્તાઓને  આ રીતે રાજ્ય કરવાનું સરળ કરી આપ્યું. વારંવાર ફરીફરીને એક જ ઉપદેશ અપાયો કે ‘જીવનનું એક માત્ર લક્ષ્ય મોક્ષની પ્રાપ્તિ જ છે.’ બાકીનાં બધાં લક્ષ્યો તરફ ચાલનારને ચોરાસી લાખ યોનીઓમાં ભટકવું પડે છે. એટલે સર્વસ્વનો ત્યાગ કરીને માત્ર મોક્ષના લક્ષ્યમાં લાગી જાવ.’ આવા ઉપદેશોથી પ્રજામાં રાજકીય, આર્થિક, વૈજ્ઞાનિક, ભૌગોલિક, સામુદ્રી, અંતરક્ષીય કે સૈનિક લક્ષ્યોની મહત્વાકાંક્ષા પેદા ન થઇ. બધાં જ મોક્ષ તરફ વળી ગયા, પેલાં વાસ્તવિક લક્ષ્યો તરફ ખાસ કોઈ ન વળ્યું, એટલે દેશ તેને ક્ષેત્રના મહાપુરુષો વિનાનો થઈને ગુલામ થયો, દરિદ્ર થયો, કાયર થયો, અજ્ઞાની થયો.