[આ લેખનું અક્ષરાંકન સ્વામીજીનાં પુસ્તક ‘ ચિંતન-કણિકાઓ’ માંથી કરવામાં આવ્યું છે. ]
- સુખનાં મૂળ વ્યવસ્થા છે અને દુઃખનું મૂળ અવ્યવસ્થા છે. કુદરતની પણ એક નિશ્ચિત વ્યવસ્થા છે, એટલે વિશ્વનું અસ્તિત્વ છે. શરીરરચનાથી માંડીને બ્રહ્માંડોની રચના સુધીનું અસ્તિત્વતંત્ર આશ્ચર્યચકિત કરી મૂકે તેવું છે.
- વૃદ્ધાવસ્થા કોઈ ને કોઈની ઓથ અને હુંફ ખોળે છે. જો મળે તો વૃદ્ધાવસ્થા ધન્ય થઇ જાય. જો ન મળે, અર્થાત પાછલી જીંદગી ઓથ કે હુંફ વિના જ જીવવાની થાય તો તેમાં નીરસતા, લાચારી અને ઉદાસીનતા છવાઈ જાય.
- કોઈ પણ પ્રજાએ સ્વીકારેલી જીવનની ઉચ્ચ પદ્ધતિનું નામ સંસ્કૃતિ છે. આવી ઉચ્ચ પદ્ધતિનું સ્થાન સંસ્કારમાં હોય છે. સંસ્કારો ધાર્મિક તથા સામાજિક વિધિઓ, આચારો વગેરેથી આવતા તથા દ્રઢ થતા હોય છે. સંસ્કાર વિના સંસ્કૃતિ નહીં અને સંસ્કૃતિ વિના ઉચ્ચતા નહીં. બીજી રીતે એમ કહી શકાય કે સત્ય, દયા, ઉદારતા વગેરે મૂળ ધર્મતત્વોને વધુમાં વધુ ઊપસાવી આપે તે સંસ્કૃતિ કહેવાય.
- માનવવિકાસમાં તેના સ્વરૂપને ઘડનારાં બે તત્વો મુખ્ય રહ્યાં છે: ૧. ધર્મ અને ૨. સંસ્કૃતિ. ધર્મ, ચિંતન માટેનો અભિગમ તૈયાર કરે છે. જીવનને એક નિશ્ચિત દ્રષ્ટિથી જોવાનું, જોખવાનું તથા માણવાનું કામ ધર્મ કરે છે. બીજી બાજુ ધર્મનું પોષક તત્વ સંસ્કૃતિ છે. સંસ્કૃતિ જીવનમાં મૂલ્યોનું નિર્ધારણ કરે છે. ખાસ કરીને સામાજિક જીવન, સ્ત્રીપુરુષોનાં પારસ્પરિક જીવન.
- કુદરત એ ધર્મ છે. તે સનાતન છે, પણ ધર્મની સાથે સંસ્કૃતિની પણ આવશ્યકતા છે. સંસ્કૃતિ માત્ર માનવજાતિ પાસે જ છે. પશુ-પક્ષીઓ પાસે કુદરતસહજ ધર્મ તો છે, પણ સંસ્કૃતિ નથી. સંસ્કૃતિ એક રીતે જીવનવ્યવસ્થાની મર્યાદાઓ અંકિત કરે છે. જો આવી મર્યાદારેખા દોરવામાં ન આવે તો માનવજાતિ પરસ્પરમાં લડીઝઘડીને બરબાદ થઇ જાય. ઓછામાં ઓછું દુર્બળો માટે તો જીવનની તમામેતમામ તકો ઝડપાઈ જાય.
- સંસ્કૃતિ એક વહેતી નદી છે. તેમાં સતત આજુબાજુની નદીઓ ભળ્યા કરે છે. પણ જો તે (સંસ્કૃતિ) વિશાળ નહિ હોય તો તેણે પોતે જ બીજામાં ભળી જવું પડતું હોય છે. વિશાળતા વિના સાતત્ય કે અસ્તિત્વ શક્ય નથી.
ચિંતન કણિકા