આઝાદીની વીરતાભરી લડાઈમાં એક જ ઘરના ત્રણ ત્રણ સગા ભાઈઓ ફાંસીના માંચડે લટકી ગયા હોય તેવી ઘટના ભાગ્યે જ જોવા મળી છે. પૂનાના ચાફેકર પરિવારના ત્રણ સગા ભાઈઓએ આવું ઉદાહરણ પૂરું પાડ્યું છે. દામોદર, બાળકૃષ્ણ અને વાસુદેવ આ ત્રણે હરિ ચાફેકરના સગા દીકરાઓ. બ્રાહ્મણ હોવા છતાં ત્રણેની રુચિ શસ્ત્રોમાં. શસ્ત્ર વીરતાનું પ્રતીક છે. પ્રજાને નમાલી બનાવવી હોય તો સર્વપ્રથમ તેને ગમે તે બહાને શસ્ત્રવિમુખ કરો. આપોઆપ પ્રજા નમાલી થઈ જશે. ભારતમાં ઘણા તથાકથિત ભગવાનોએ અહિંસાના નામે પ્રજાને શસ્ત્રવિમુખ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. શસ્ત્રવિમુખ પ્રજા આપોઆપ વીરતાવિમુખ થઈ જતી હોય છે. વીરતાવિમુખ પ્રજાને સરળતાથી ગુલામ બનાવીને તેના ઉપર જોહુકમીભર્યું શાસન કરી શકાય છે. હરિ ચાફેકર બ્રાહ્મણ હોવા છતાં શસ્ત્રપ્રેમી હતા. તેમણે પોતાના ત્રણે દીકરાઓને શસ્ત્રવિદ્યા શીખવી હતી. કદાચ તે જ કારણસર મહારાષ્ટ્ર બન્યું હશે. પૂરો દેશ રાષ્ટ્ર કહેવાય જ્યારે તેનો એક નાનો પ્રાન્ત મહારાષ્ટ્ર કહેવાતો હશે તેમાં કાંઈક કારણ તો હશે જ. કારણ મારી દૃષ્ટિએ જ્યાં બ્રાહ્મણો પણ વીર અને યોદ્ધાઓ નીપજ્યા હોય, જે માત્ર સીધાભોજી કે ચોરાશીભોજી ન રહેતાં, તેનો “વીરભોગ્યા વસુંધરા”ની સૂક્તિ પ્રમાણે પૂરી વીરતાભર્યો ઇતિહાસ રહ્યો હોય તે રાષ્ટ્ર નહિ પણ મહારાષ્ટ્ર જ કહેવાય.

દામોદર, બાળકૃષ્ણ અને વાસુદેવ ત્રણે ભાઈઓના પિતા હરિ ચાફેકર પૂનાના નિવાસી હતા. તેઓ કીર્તનકાર હતા. મહારાષ્ટ્ર એક તરફ વીરભૂમિ છે તો બીજી તરફ ભક્તભૂમિ પણ છે. વીરતા અને ભક્તિ સગી બહેનો છે. ભક્તિ વિનાની વીરતા, ક્રૂરતા બની જાય છે અને વીરતા વિનાની ભક્તિ ભિખારણ બની જાય છે. આ બન્ને તત્ત્વો એકસાથે જેનામાં પ્રગટે તે સાચો વીર અને સાચો ભક્ત બનતો હોય છે. હરિ ચાફેકર વીરતાભર્યું કથાકીર્તન કરતા એટલું જ નહિ પોતાના પુત્રોને માળા ફેરવવાની સાથે તલવાર ફેરવતાં પણ શિખવાડતા. તેમના ઘરમાં શસ્ત્ર અને શાસ્ત્રનો સુભગ મેળ થયો હતો.

આ પરિવાર લોકમાન્ય તિલકજીના સંસર્ગમાં આવ્યો. સંસર્ગ, જીવન-ઘડતરમાં બહુ જ મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે. પૂરો પરિવાર રાષ્ટ્રિય રંગમાં રંગાઈ ગયો. જે લોકો પરિવારનાં પરિવારોને વેવલી ભક્તિ કે શુષ્ક જ્ઞાનમાત્રમાં રંગી નાખે છે તે ભક્તિ કે જ્ઞાનના નામે પ્રજાને નમાલી બનાવવાનું મહાપાપ કરે છે. ચાફેકર આવા પાપથી મુક્ત હતો.

મોટા દીકરા દામોદરને વિચાર આવ્યો કે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થવું હોય તો બહાદુર થવું જોઈએ. તે ત્રણ-ત્રણ વાર સેનામાં ભરતી થવા ગયો પણ કોઈ ને કોઈ બહાના નીચે તેને ફેલ કર્યો. તે ભરતી ન થઈ શક્યો પણ તે હિંમત ન હાર્યો. તેણે પોતે જ સેના બનાવી. “હિન્દુ ધર્મરક્ષિણી” સભાનું નિર્માણ કર્યું, ત્યારે અને અત્યારે પણ પ્રહાર કરવાની પોચી જગ્યા હિન્દુ ધર્મ હતો. સેંકડો વર્ષોથી ગુલામી ભોગવતી હિન્દુ પ્રજાને એવા એવા ધર્મો મળ્યા હતા જે પ્રજાને વીર નહિ પણ નમાલી બનાવતા હતા. તેમ છતાં ધર્મગુરુઓ પોતાની મહાનતાની બાંગ પોકારતા રહેતા હતા. આમ થવાથી પ્રજા આત્મશ્લાઘી થઈ ગઈ હતી. આત્મશ્લાઘાના મહારોગના કારણે તે વાસ્તવિકતાને સમજતી કે સ્વીકારી શકતી નહિ. તેથી તેના ઉપાયો પણ કરતી નહિ. પલાયનવાદી વેદાન્તીઓ અધ્યાત્મના નામે લોકોને કર્તવ્યવિમુખ કરતા હતા તો બીજી તરફ વેવલી ભક્તિવાળા ભક્તોને શોષણનું કેન્દ્ર અને રમકડાં રમાડતા કરતા હતા. આના કારણે પ્રજા રાજકારણથી વિમુખ, ઉપેક્ષિત થઈ ચૂકી હતી. જેનો લાભ વિદેશી અને વિધર્મી આક્રાન્તાઓને મળતો હતો. તેઓ મનફાવે તેમ જોરજુલમથી રાજશાસન કરતા હતા. પ્રજા માથું ઊંચકતી જ નહોતી. જુલ્મો સહન કરવા તેને પણ ધર્મ અને અધ્યાત્મનું અંગ માની લેવાયું હતું. બધાં દુ:ખોનો જ નિવેડો ભગવાનના અવતાર લીધા પછી જ આવવાનો છે. ત્યાં સુધી બધું ચૂપચાપ સહન કરવાનું છે તેવું શિખવાડવામાં આવતું હતું. બીજી તરફ આ જગત્ મિથ્યા છે અને હું પોતે જ બ્રહ્મ છું. મારે કશું જ કરવાનું નથી. આ તો બધા સ્વપ્નના ખેલ માત્ર છે. તેવી ધારણા દૃઢ કરાવીને લોકોને સર્વોચ્ચ અધ્યાત્મના નામે કાયર—નમાલી—ભાગેડુ—પલાયનવાદી બનાવવામાં આવતી હતી. આવા સમયે મહારાષ્ટ્રમાં—એક નવી જ પરંપરા શરૂ થઈ. સમર્થ સ્વામી રામદાસ અને શિવાજીથી શરૂ થયેલી આ પરંપરા બાળગંગાધર તિલક અને ગોપાળકૃષ્ણ ગોખલે સુધી પહોંચી હતી. ધર્મસંદેશ પ્રજાનું મહત્ત્વપૂર્ણ ઘડતર કરતો હોય છે. હિન્દુ પ્રજા પાસે ધર્મ હતો પણ રાષ્ટ્ર ન હતું. પરલોક હતો પણ આ લોક ન હતો. આ લોકનો ત્યાગ કે ઉપેક્ષા હતી. તેમાં જ ધન્યતા હતી. આવા સંદેશથી પ્રજા રાજવિમુખ બનીને ગુલામ થઈ. પ્રજાને અધ્યાત્મના નામે સુખવિમુખ બનાવવામાં આવી જેથી પ્રજા વિકાસ વિનાની દરિદ્ર થઈ ગઈ. પતનને જ ઉત્થાન માની લેવાયું. આવા સમયે ગોખલે અને તિલક થયા. તેમણે સ્વરાષ્ટ્રનો શંખ વગાડ્યો. જો રાષ્ટ્રના મુખ્ય સંદેશના પડઘા કીર્તનકારો કે કથાકારો સુધી પહોંચે અને તેઓ તેને ઝીલે તો સરળતાથી લોકો સુધી પહોંચી શકે ત્યારે અને આજે પણ કથાઓ—સપ્તાહો પ્રજાઘડતરનું મુખ્ય સ્ટેજ હતું. કથા-કીર્તનકારો માત્ર નાણાં ભેગાં કરનારા થઈ જાય તો કથાકીર્તનના દ્વારા પ્રજાનું ઉત્તમ ઘડતર ન કરી શકે. ઉત્તમ ઘડતર તો નિ:સ્પૃહી કથાકારો જ કરી શકતા હોય છે. જે પોતે પણ રાષ્ટ્રરંગે રંગાયેલા હોય. હરિ ચાફેકર આવા જ રાષ્ટ્રપ્રેમી કીર્તનકાર હતા. મહારાષ્ટ્રના રિવાજ પ્રમાણે આખી રાત ઊભા પગે તેઓ વીર ગાથાઓનું કીર્તન કરતા. હેકડેઠઠ ભક્તો તન્મય થઈને સાંભળતા અને ઘડતર થતું. પિતાના સંસ્કાર પુત્રમાં ઊતર્યા. વળી માતા પણ એવી જ, દરિદ્રતા ભોગવે પણ દીનતા ન બતાવે. શ્રીમંતોની જીહજૂરી કરનારા કથાકારો દરિદ્રતા ન ભોગવી શકે એટલે દીન થઈ જાય. તેમની વાણીમાં વીરતા ન હોય, ખુશામત હોય. તેમનું એક જ સૂત્ર હોય કે “વર મરો કે કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો” હરિ ચાફેકર આવા ન હતા. તેમનાં પત્ની તેમને આવા થવા દે તેવાં ન હતાં.

વીરતા વિના અન્યાય અને જુલમનો પ્રતિકાર ન થાય. જે પ્રજાને જુલ્મોનો સામનો કરવાનો મૅસેજ (સંદેશ) ધર્મક્ષેત્રોથી નથી અપાતો તે આપોઆપ નમાલી થઈ જાય છે. મોટા ભાગના કથાકારો અને કીર્તનકારોએ આ જ કામ કર્યું છે. કરી રહ્યા છે. ઝઝૂમ્યા વિના સત્યની સ્થાપના થઈ શકતી નથી. જે ઉપદેશો ઝઝૂમવાથી જ વિમુખ બનાવી દે તે પ્રજાનું ઘડતર ગુલામી માટે જ કરતા હોય છે.

ત્યારે ભારત ઉપર અંગ્રેજોનું શાસન હતું. પહેલાં મુસ્લિમો અને મોગલોનું શાસન પ્રજા સહી ચૂકી હતી. હવે અંગ્રેજોનો વારો હતો. અહીંના બણગાંવાદીઓ ગમે તેટલાં આત્મશ્લાઘાનાં બણગાં ફૂંકે પણ મુસ્લિમો, મોગલો કે અંગ્રેજો તો અહીંની પ્રજાને સેમીનિગ્રો (અડધા કાળિયા) માનતા હતા. પરાજય આપોઆપ ઘૃણાનું કેન્દ્ર બનતો હોય છે. આવડો મોટો દેશ વારંવાર આક્રાન્તાઓથી હારતો રહ્યો હતો એટલે તેના પ્રત્યે માન-સન્માન કેવી રીતે થાય? વિદેશી શાસકો દેશી શાસ્ત્રો પ્રત્યે તુચ્છતાથી જોતા હતા. તેનાં કારણો પણ હતાં. તે કારણો દૂર કરવાની જગ્યાએ આત્મશ્લાઘી બણગાંખોરો બણગાં ફૂંક્યા કરતા હતા જેથી પરપોટો મોટો તો થતો હતો પણ મજબૂત ન થતો. મજબૂતાઈ તો વાસ્તવિકતાથી આવતી હોય છે. વાસ્તવિકતાથી ઊલટી કલ્પનાઓથી તો પ્રજા વધુ દુર્બળ થતી હોય છે. ત્યારે પૂનામાં પ્લેગ ફાટી નીકળ્યો હતો. અસહ્ય ગંદકી પ્લેગને આમંત્રણ આપે છે અને અખાદ્ય આહાર કોલેરાને બોલાવે છે.

ત્યારે પ્લેગ અને કોલેરા જેવા રોગો વસ્તીનિયંત્રણનું કામ કરી આપતા. ગામોનાં ગામો સાફ થઈ જતાં. લોકો યજ્ઞો કે બીજા ઉપાયો કરતા પણ રોગોની જડ સુધી ન જતા. અહીં હજી જંતુવાદી વિજ્ઞાન આવ્યું નહોતું. બધા રોગો જંતુઓથી થાય છે તેવું પશ્ચિમી વિજ્ઞાન હજી સ્વીકાર્ય બન્યું ન હતું. દૈવી પ્રકોપ, કોઈ નડતર કે એવી જ બીજી કોઈ વાતને કારણ માનીને લોકો મિથ્યા ઉપાયો કરતા હતા.

પ્લેગના કારણે પૂનાના ક્ષેત્રમાં ટપોટપ માણસો મરવા લાગ્યાં હતાં. ત્યારે આ રોગોની દવા શોધાઈ નહોતી. પછી રસીઓ શોધાઈ. ત્યારે ગામોનાં ગામો ખાલી કરાવીને સળગાવી દેવાતાં, કારણ કે જંતુઓને મારી નાખવાં જરૂરી હતાં. જંતુઓ બહુ ઝડપથી ગુણાત્મક રીતે વધતાં હોય છે, તેમનો જલદી નાશ કરાય તો જ પ્રજાને બચાવી શકાય. જંતુવાદી ધર્મો કોઈ પણ ભોગે જંતુઓને બચાવવાનું માનતા હોય છે. તેમના માટે માણસો કરતાં જંતુઓ વધુ મહત્ત્વનાં છે. દોષ તેમનો નથી. મૅસેજ જ એવો છે. આવા ધર્મો પ્રશ્નો નથી ઉકેલી શકતા, પ્રશ્નો ઊભા કરે છે અને પછી પૂર્વનાં કર્મોને કારણ બનાવીને લોકોને શાંત કરી દેતા હોય છે.

ત્યારે પૂનામાં કમિશનર રેન્ડ હતો તે બહુ કઠોર અને ક્રૂર હતો. તેણે ગામોનાં ગામો સળગાવી દીધાં જેથી પ્લેગનાં જંતુઓ મરી જાય. જંતુઓ મર્યાં કે નહિ તે તો ભગવાન જાણે પણ લોકો ઘરબાર વિનાનાં થઈ ગયાં. તે વગર મોતે મરવા લાગ્યાં. આ જ સમયે મહારાણી વિક્ટોરિયાના રાજ્યારોહણનો હીરકમહોત્સવ ઊજવવાનો આવ્યો. ઉત્સવો ઊજવીને પ્રજાનો ઉત્સાહ વધારી શકાય છે. રેન્ડના ત્રાસથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ હતી. 22-6-1897ના રોજ ઉત્સવ ઊજવવાની તડામાર તૈયારી ચાલી રહી હતી. દામોદરનું લોહી ઊકળી ઊઠ્યું. આ ક્રૂરને ખતમ કરવો જોઈએ. તેણે એક પછી એક જુદી જુદી યોજનાઓ બનાવી પણ સફળતા ન મળી. અંતે એક દિવસ રેન્ડ ચર્ચમાંથી નીકળીને બગી દ્વારા બંગલે જઈ રહ્યો હતો ત્યારે દામોદરે યોજના પાર પાડી દીધી. નાનો ભાઈ બાળકૃષ્ણ વૃક્ષની આડે સંતાઈને ઊભો હતો. બગી જોઈને તેણે બૂમ પાડી “નારયા નારયા…” દામોદર સમજી ગયો. ઝપાટો મારીને દામોદર બગીના પાછળના પગથિયે ચઢી ગયો. પડદો ઊંચકીને જોયું તો અંદર રેન્ડ તેની પત્ની સાથે બેઠો હતો, ધડાધડ ગોળીઓ છોડી. રેન્ડ ઢળી પડ્યો. તેની પત્ની હતપ્રભ થઈ ગઈ. ઓચિંતાની ઘટનાથી તે સ્તબ્ધ થઈ ગઈ. નાના ભાઈ બાળકૃષ્ણે આયરિસ્ટને ઠાર માર્યો. હાશ, હવે શાંતિ થઈ. હવે જે કોઈ કમિશનર થશે તે જુલમ કરતાં સો વાર વિચાર કરશે. પ્રતિકાર કરનારી બહાદુર પ્રજા ઉપર લાંબો સમય અત્યાચારો કરી શકાતા નથી. ઘેટાં-બકરાં ઉપર સેંકડો વર્ષોથી છરીઓ ફરે છે. પણ હજી બંધ થઈ નથી. કારણ કે કોઈ પ્રતિકાર કરનારું ઘેટું-બકરું પાક્યું જ નથી.

બન્ને ભાઈઓ ફરાર થઈ ગયા.

રેન્ડ અને આયરિસ્ટની હત્યા એ માત્ર ક્રૂર અધિકારીની જ હત્યા નહોતી. તે બ્રિટિશ સલ્તનતની હત્યા હતી. કારણ કે આ અધિકારીઓ તેના પ્રતિનિધિ હતા. બ્રિટિશ સલ્તનત હચમચી ઊઠી. તહોમતદારોને પકડવા મોટાં મોટાં ઇનામો જાહેર થયાં. ચાફેકરે જે પક્ષ રચેલો તેનો જ એક સદસ્ય દ્રવિડ બંધુ ઇનામની લાલચમાં ગદ્દાર થયો. તેને વીસ હજારનું ઇનામ મળ્યું. તેણે દામોદરને પકડાવી દીધો. દ્રવિડબંધુ એટલે બે ભાઈઓ (1) ગણેશશંકર દ્રવિડ અને (2) રામચંદ્ર દ્રવિડ (બન્ને બ્રાહ્મણો) દામોદર તો પકડાયો પણ બાળકૃષ્ણ ભાગી ગયો.

દામોદર ઉપર કેસ ચાલ્યો અને ફાંસીની સજા થઈ. તિલકજી તેને બે વાર મળ્યા. તેણે ગીતા માગી. કારણ કે તેનામાં ધાર્મિક સંસ્કાર ખૂબ હતા. તે ગીતામાં મન લગાવીને ફાંસીના દિવસની રાહ જોતો રહ્યો. ગીતા વ્યક્તિને જીવતાં તો શિખવાડે છે મરતાં પણ શિખવાડે છે. ગીતા વાંચવાથી તેનું મનોબળ ખૂબ વધી ગયું. નાસ્તિકને બહુ ઓછું મનોબળ હોય છે. કારણ કે મનોબળ શ્રદ્ધામાંથી આવતું હોય છે. તે તેની પાસે નથી હોતી. તેનું મન ખાલી હોય છે. પ્રેમ અને શ્રદ્ધા વિનાનું મન ખાલી હોય છે. ખાલી મન બળ વિનાનું હોય છે.

18-4-1898નો દિવસ આવી ગયો. જેનો રોજ પાઠ કરતો હતો તે તિલકજીની ગીતાને હાથમાં લઈને તે ફાંસી ઉપર લટકી ગયો. તેના પ્રાણ છૂટી ગયા પણ ગીતા ન છૂટી. ગીતા હાથમાં જ રહી.

દામોદરની ફાંસી પછી નાનો ભાઈ બાળકૃષ્ણ જાતે જ પોલીસમાં હાજર થઈ ગયો. તેને પણ ફાંસીની સજા મળી.

સૌથી નાનો ભાઈ વાસુદેવ આ અપરાધમાં ન હતો તોપણ તેણે પોતાના ભાઈઓના માર્ગે જ ચાલવાનું નક્કી કર્યું. હવે કોઈ અંગ્રેજ નિશાન પર ન હતો પણ હવે નિશાને પર હતા બન્ને દ્રવિડ બન્ધુઓ. તેમણે ગદ્દારી કરીને અંગ્રેજો પાસેથી વીસ હજાર રૂપિયા પ્રાપ્ત કર્યા હતા. હવે ક્રાન્તિકારીઓ ઇનામ આપવા માગતા હતા. વાસુદેવે બધી યોજના બનાવી દીધી. તે પોતાના બન્ને ભાઈઓનું શ્રાદ્ધ કરવા માગતો હતો. બદલો લઈને જ શ્રાદ્ધ કરી શકાય. જે ગદ્દારીનો બદલો નથી લેતા કે નથી લઈ શકતા તેમના પૂર્વજોની સદ્ગતિ થતી નથી. ક્ષમા, ક્ષમા માગનારને મળે. ભૂલની ક્ષમા હોય, ગદ્દારીની ક્ષમા ન હોય.

એક વાર એક જગ્યાએ વાસુદેવ ચાફેકર, રાનાડે, અને સાઠે (બધા બ્રાહ્મણો) ગદ્દારોની રાહ જોઈને ઊભા રહ્યા, પેલા બન્ને નીકળ્યા. ધાંય… ધાંય… કરતી ગોળીઓ છૂટી. ગણેશ તો ત્યાં ને ત્યાં જ મૃત્યુ પામ્યો અને રામચંદ્ર હૉસ્પિટલમાં જઈને મૃત્યુ પામ્યો. ઇનામ આપી દીધું. શ્રાદ્ધ પૂરું થયું.

બન્ને પકડાઈ ગયા અને કેસ ચાલ્યો અને ફાંસીની સજા થઈ. વાસુદેવને 8 મે, મહાદેવ રાનડેને 10મી મે, અને બાલકૃષ્ણ ચાફેકરને 12મી મે, 1899એ ફાંસી અપાઈ ગઈ. ભારતમાતાની બલિવેદી ઉપર કોણ જાણે કેટલા શહીદો શહીદ થવાના હતા.