[ આ લેખનું અક્ષરાંકન સ્વામીજીના પુસ્તક ‘વાસ્તવિકતા’ માંથી કરવામાં આવ્યું છે.]
૧. ધર્મ, દર્શન અને વિજ્ઞાન ત્રણે અલગઅલગ તત્વો છે પણ એકબીજાનાં પૂરક અને બાધક પણ છે.
૨. ધર્મ: જીવનવ્યવસ્થા કરે છે. તે આચારપ્રધાન હોય છે. તે સર્વજન માટે હોય છે અને એક હોય છે.
૩. દર્શન: વૈચારિક જિજ્ઞાશાનું સમાધાન કરે છે. તે વૈયક્તિક હોય છે અને અનેક હોય છે.
૪. વિજ્ઞાન: પ્રયોગશાળા-પ્રમાણિત હોય છે. તેથી તેનું સત્ય સર્વજન માટે સરખું હોય છે. તેનો સ્વીકાર શ્રદ્ધા વિના પણ થઇ શકે છે.
૫. દર્શન, પ્રતીભાવૃત હોય છે, તેથી સર્વજન માટે એકસરખું નથી હોતું. દ્વૈત-અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, શુદ્ધાદ્વૈત, દ્વૈતાદ્વૈત, અચિંત્ય ભેદાભેદ, સ્યાદવાદ, ક્ષણિકવાદ, સત્કાર્યવાદ, અસત્કાર્યવાદ વગેરે દર્શનો છે. ધર્મ નથી. પ્રતિભાભેદથી દર્શનભેદ થાય છે. તેથી તે અનેક છે.
૬. આત્મા, પરમાત્મા, જગત વગેરેનું સૂક્ષ્મ ચિંતન દર્શનમાં થાય છે. આ બધા વિષયોમાં સૌનો એક મત નથી. તેથી સૌનાં દર્શનો અલગઅલગ છે. કારણ કે પ્રતિભાઓ અલગઅલગ છે.
૭. વિજ્ઞાન એટલા માટે સર્વજનીય મનાય છે, કારણ કે તેનું સત્ય પ્રયોગશાળામાંથી પ્રગટતું હોય છે. તેના પ્રયોગો વિશ્વમાં ગમે ત્યાં ગમે તે કરી શકે છે અને સરખું પરિણામ મેળવી શકે છે.
૮. ધર્મ, કુદરતી વ્યવસ્થા છે. કુદરતી વ્યવસ્થા સનાતન છે એટલે ધર્મને સનાતન ધર્મ કહેવાય છે.
૯. કુદરતી વ્યવાસ્થમાં જયારે માનવીય વ્યવસ્થા ભળે છે ત્યારે સંપ્રદાય કે મજહબ બને છે.
Leave A Comment