[ આ લેખ સ્વામીજી ના પુસ્તક ‘પ્રવચનમંગલ’ માંથી લેવામાં આવ્યો છે. લેખને આપણે બે-ત્રણ ભાગોમાં વહેંચીને શ્રીકૃષ્ણ ને સમજવાનો પ્રયત્ન કરીશું. લેખનાં તત્વાર્થને સાથે રાખવા માટે કેટલોક ભાગ અહીં નથી સમાવી શકાયો. સુજ્ઞ વાચકોને પુસ્તક માંથી વાંચી લેવા વિનંતી. આ લેખમાં શ્રીકૃષ્ણ-પ્રાગટ્ય, કૃષ્ણ-તત્વ અને તામસી માયા (પૂતના) નો સમાવેશ કરવામાં આવ્યો છે.]
શાસ્ત્ર ના પ્રકાર
…
શાસ્ત્રના પણ ત્રણ સ્તર છે: ૧. શબ્દાર્થ, ૨. ભાવાર્થ અને ૩. તત્વાર્થ. પ્રાથમિક સમજણવાળા માણસ માટે શબ્દાર્થ પર્યાપ્ત છે. “ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ:” જેવા શ્લોકમાં “ધર્મક્ષેત્ર એવું જે કુરુક્ષેત્ર તેમાં લડાઈની ઈચ્છાવાળા એકત્રિત થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું? કે સંજય કહે,” આટલો અર્થ ઘણો થઈ ગયો. તેની સમજણ આટલામાં જ અધધધ થઈ જવાની. પણ માત્ર શબ્દાર્થમાં શાસ્ત્ર સમાપ્ત નથી થતું. શબ્દાર્થથી તો તેનો આરંભ થાય છે. શબ્દાર્થ એકડો છે. જેને શબ્દાર્થથી તૃપ્તિ ના થઈ શકે, કંઇક વધુ માટે જેની આકાંક્ષા-જીજ્ઞાસા રહે તેવા માટે ભાવાર્થ છે. શબ્દેશબ્દના અર્થ સાથે, તેના આગળપાછળના સંદર્ભ સાથે તેનું વિસ્તૃતીકરણ કરીને તેનો ભાવ બતાવવાનો હોય છે. વ્યાખ્યા વિના ભાવ સ્પષ્ટ ના થાય, એટલે વિસ્તૃત વ્યાખ્યા કરી કરીને એક એક શબ્દનો ભાવ બતાવવામાં આવે તો શાસ્ત્રના કથ્યને વ્યક્તિ બરાબર સમજી શકે, પણ ભાવાર્થમાં પણ શાસ્ત્ર પૂરું થતું નથી. ભાવાર્થ શબ્દાર્થનું સુસંગત વ્યાખ્યાન છે. છતાં હજી પણ જેની જીજ્ઞાસાની સુધા શમી ના હોય, હજી જેને વધુ ઊંડાણમાં ઉતરવું હોય તેના માટે તત્વાર્થ છે. તત્વાર્થ ભાવાર્થનું વ્યાખ્યાન નથી. પણ મૂળ શબ્દનું તાત્વિક રૂપ છે.કુરુક્ષેત્ર જેવી ક્રૂર ભૂમિને ધર્મક્ષેત્ર વિશેષણ કેમ આપ્યું? ત્યાં કયો ધર્મ થતો હતો? ગીતાનો પ્રથમ શબ્દ ધર્મક્ષેત્ર જ કેમ રાખ્યો? વગેરે વિચાર કરતાં એમ લાગે કે આ કુરુક્ષેત્ર કોઈ પાર્થિવ ભૂગોળના ભાગનું નામ છે કે પછી કોઈ અન્ય તત્વને બતાવવા માગે છે? અધ્યાત્મિક અર્થમાં ભૌતિક અર્થોનો લગભગ વિલય થઇ જાય છે તથા “યત પિંડે તદ બ્રહ્માંડે” વાળી ઉક્તિ પ્રમાણે બાહ્ય દ્રશ્યો, બાહ્ય રૂપો તથા બાહ્ય ઘટનાઓ બાહ્ય ના રહેતાં આંતરિક તત્વોનાં જ્ઞાપક બની જાય છે. બસ આ તત્વાર્થ છે. શાસ્ત્રચિંતકે આ ત્રીજા સ્તર સુધી પહોંચવાનું છે.
શ્રીકૃષ્ણ-પ્રાગટ્ય
તો આવો, આપણે ભગવાન શ્રીકૃષ્ણના ત્રીજા સ્વરૂપ-તાત્વિક સ્વરૂપ ને સમજવાનો પ્રયત્ન કરીએ. શ્રીમદ ભાગવતમાં શ્રીકૃષ્ણજન્મ વિષેની પ્રસિદ્ધ કથાઓ તમે જાણો છો, છતાં અતિ સંક્ષેપમાં તેને કહું છું.
મથુરાનો રાજા કંસ, પોતાની બહેન દેવકી તથા બનેવી વાસુદેવને મથુરા બોલાવે છે. અતિ પ્રેમથી બન્નેને રાખે છે, જમાડે છે તથા બહેનને ખૂબ ખૂબ વસ્ત્રાદિ આપી વિદાય કરે છે.
ભારતીય સંસ્કૃતિમાં ભાઈ-બહેનનો જેવો સંબંધ છે. તેવો ભાગ્યે જ બીજે જોવા મળશે. સ્ત્રી માત્ર ભોગ્યા થઈને જ માન્યા નથી થતી, તે બહેન તથા માતા થઈને પણ માન્યા બને છે. ખરેખર તો તેનું ભોગ્યા રૂપ બન્ને પક્ષે સભય છે. જો માત્ર ભોગ્યા રૂપથી જ તે માન્યા થઇ હોયતો, ચંચળ રૂપ તથા ક્ષણિક યુવાવસ્થા ઢળતાં જ તે માન્યાપણું ખોઈ બેસશે. પુરુષ પક્ષે, વધુ પ્રભાવશાળી ભોગ્યા સ્ત્રી જોતાં જ પ્રથમની ઓછી પ્રભાવવાળીનું માન્યા રૂપ સમાપ્ત થઇ જશે કે ઘટી જશે. એથી ઘોર દુઃખ તથા અશાંતિ થશે. ભોગવૃત્તિ જેવો કોઈ હીન સ્વાર્થ નથી અને સ્વાર્થથી બંધાયેલા સંબંધો અસ્થિર તથા છેતરનારા હોય છે. એટલે ભારતીય પરંપરામાં સ્ત્રીનું મહત્વ માત્ર ભોગ્યા માનીને જ નથી કલ્પ્યું. તેનું વધુ મહત્વ માતૃરૂપમાં છે તથા બહેનરૂપમાં પણ છે. જે ભાઈને વીર થવાની પ્રેરણા આપી તે બહેન કહેવાય. એટલે બહેન ભાઈને વીરા કહીને બોલાવે છે. ભાઈ માત્ર ભોગ-વિલાસી ન થઇ જાય, પોતાનાં કઠોર કર્તવ્યોમાં પણ તે હિંમત રાખીને ઝઝૂમતો રહે એટલે બહેન તેને વીર કહીને બોલાવે છે. તમે તમારી બહેનોને ભૂલી ના જશો. ખબર છે ! તમને કેટલા રમાડ્યા છે એ અબળાએ? તમારાં કેટકેટલાં હાલરડાં ગાયાં છે એણે ! આજે હવે તે દુઃખી હોય, પીડાતી હોય, ઓથહીન હોય અને તમે તેને એવા સમયે પણ યાદ ના કરતા હો તો તમે ભારતીય સંસ્કૃતિને સમજ્યા નથી, કૃતઘ્ન છો.
તો કંસ પોતાનાં બહેન-બનેવીને ખૂબ પ્રેમથી સારી સારી વસ્તુઓ આપી, વિદાય કરવા રથ સાથે ઠેઠ ભાગોળ સુધી આવ્યો. ભાઈ-બહેનનો વિયોગ થઇ રહ્યો છે, આંસુથી આંખો છલકાઈ રહી છે. દેવકી રથ ઉપર ચઢીને વિદાયપ્રણામ કરી રહી છે. ત્યાં તો આકાશવાણી થઇ : “ હે કંસ, સાંભળ, આ તારી બહેનના આઠમા ગર્ભથી જે બાળક થશે તે તારો કાળ થશે.” બસ ! વાણી સાંભળતાં જ કંસનો વ્યવહાર ઓચિંતો જ બદલાઈ ગયો. હમણાં સુધી જે બહેન પ્રત્યે તેનું હૃદય વહાલથી ઊભરાઈ રહ્યું હતું તે જ બહેન કાળ પેદા કરનારી જણાતાં જ ભયંકર ક્રોધ તથા ઘૃણાનું પાત્ર બની ગઈ. “ રાંડ, ચુડેલ, તું જીવતી રહે તો મારો કાળ જન્મે ને?” આવું કહીને ચોટલો પકડીને રથથી નીચે ખેંચી તલવારથી માથું કાપવા તત્પર થયો. ચારે તરફ હાહાકાર થઇ ગયો. ઘણા લોકોએ સ્ત્રીહત્યા નહિ કરવા કંસને સમજાવ્યો. વસુદેવ પોતે દયાર્દ્રભાવે આજીજી કરવા લાગ્યા કે બહેનને છોડી દો. છેવટે બન્નેએ કારાગૃહમાં રહેવું તથા પ્રત્યેક બાળક કંસને સોંપી દેવું તેવી શરત સાથે દેવકીને છોડી અને તરત જ તોતિંગ કારાગૃહમાં બન્નેને પૂરી દીધાં.
યાજ્ઞવલ્કયએ ઠીક જ કહ્યું છે કે: आत्मनस्तु कामाय सर्वं प्रिय भवति અર્થાત વ્યક્તિની વસ્તુ પ્રત્યે જે પ્રિયતા છે તે વ્યક્તિ યા વસ્તુના કારણે નથી, પણ પોતાના સુખ માટે છે. પોતાનું સુખ ઘટે કે સમાપ્ત થઇ જાય તો તે જ વ્યક્તિ યા વસ્તુને માણસ ઘીની માખીની માફક ફેંકી દે છે. સંબંધના મૂળ સ્વાર્થનું પાણી પીને વૃક્ષને લીલું રાખતાં હોય છે. જો સ્વાર્થનાં નીર સુકાઈ જાય તો ગમે તેવો મધુરઆત્મીય સંબંધ હોય તો તે પણ સુકાઈ જાય છે. તેમાં પણ મોહ તો એક ઊભરો છે. ચોમાસાની નદીની માફક ઊભરાઈ જતાંય વાર નહિ ને ઉતરાઈ જતાં પણ વાર નહિ. જેને ઘણા સંબંધો છે તેને અનિચ્છાએ પણ આ તથ્યનાં દર્શન થયા કરતાં હોય છે. વ્યક્તિ સંબંધ વિના રહી નથી શકતી, ભલે તે સંબંધો તેને સુખ કરતાં દુઃખ દેનારા જ કેમ ના હોય. જો વ્યક્તિ સંબંધ વિના રહી શકે, જીવી શકે. એકાકીપણાને આશીર્વાદ માની શકે, તો તેના કેટલાય સંતાપો શમી જાય. અથવા સંબંધનાં મૂળ સ્વાર્થ યા મોહમાં ના રાખતાં પ્રેમ અને અનાસ્ક્તીમાં રાખે તો પ્રત્યેક સંબંધ ધર્મકર્તવ્ય બની જાય.પોતાનું સર્વસ્વ સંબંધિત વ્યક્તિઓ માટે સમર્પિત કરીને રહે તો પ્રેમ; સંબંધની અસરને અંતર સુધી ન પ્રસરવા દે, અંતરને નિર્લેપ રાખે તો અનાસક્તિ પ્રેમનું બળ હૃદય છે; અનાશક્તિનું બળ સમજણ છે.
કંસનો સંબંધ મોહભર્યો હતો. એટલે જેટલો જલદી ઊભરાયો તેટલો જ જલદી ખાલીખમ થઇ ગયો. મોહના છેડે શૂન્યતા નથી હોતી. તેના છેડે કાં તો વેર, કાં તો નિરાશા હોય છે. શક્તિશાળી વ્યક્તિનો મોહ વેરમાં બદલાય છે, શક્તિહીન વ્યક્તિનો મોહ નિરાશામાં બદલાય છે. કંસ શક્તિશાળી છે એટલે સગી બહેન સાથે વેર લઇ રહ્યો છે. કારાગૃહમાં વારાફરતી સંતાન થતાં રહ્યાં. વસુદેવ નવજાત શિશુને કંસને સોંપતા રહ્યાં અને કંસ અટ્ટહાસ્ય કરીને પ્રત્યેક બાળકને પછાડી પછાડીને મારતો રહ્યો.
…
શ્રીકૃષ્ણપ્રાગટ્યની આ જગપ્રસિદ્ધ કથા તમે સૌ જાણો છો. કથાનો વિસ્તાર મારું ધ્યેય નથી તે તમે જાણો છો જ. પણ આ કથાનાં બીજાં પાસાં યા સ્તર છે તેનો વિચાર કરવાનો છે.
પ્રથમ તો તેનું વ્યવહારિક પાસું લઈએ, ઘણાં લોકો આખું જીવન ભગવાન આગળ માથું પછાડી પછાડીને રડતા હોય છે: “પ્રભો, મને આ નથી મળ્યું ને તે નથી મળ્યું. પ્રભો, હું બહુ દુઃખી છુ. મારાં દુઃખો કાપો.” આમ કહી કહીને રડ્યા કરતાં હોય છે. તેમને શ્રીકૃષ્ણ સંદેશ આપે છે: “જુઓ, મારી તરફ જુઓ. હું કારાગૃહમાં ભયંકર મૃત્યુની છાયા નીચે જન્મ્યો. જન્મતાં જ માનું ધાવણ અને તેનો ખોળો છોડીને ભાગવું પડ્યું. હું ઘોર અંધારી કાજળ જેવી રાતમાં જન્મ્યો, છતાં ઊજળો થયો, છતાં ભગવાન થયો. અજવાળિયામાં જન્મીને કોઈ ઊજળો થાય તો તેમાં શી બહાદુરી કરી? શેઠનો દીકરો શેઠ, રાજાનો દીકરો રાજા કે પંડિત નો દીકરો પંડિત થાય તેમાં કોઈ જાદુગરી ના ગણાય. ખરી બહાદુરી તો તે ગણાય કે એક ભિખારીનો દીકરો સ્વપુરુષાર્થે રાજા થાય. જન્મતાં જ મને શું મળ્યું હતું? મૃત્યુ, ભય, અંધકાર, પણ… પણ હું હસતો જ રહ્યો… હસતો જ રહ્યો. જિંદગીની ભંયકર ક્ષણોમાં પણ જે હસતા રહે તે કનૈયો કહેવાય. તે જ ગીતાનો ગાનારો થાય. થોડા થોડા દુઃખે રોતી સૂરત થઇ જનાર શું ગીતાનો ગાનાર થઇ શકે?
શ્રીકૃષ્ણની જીવનદિવ્યતા જન્મથી પૂરા જીવન સુધી ડગલે ને પગલે જોઈ શકાય તેવી છે. વ્યાવહારિક પક્ષે પણ તે પ્રેરણાથી ભરપૂર છે. પણ આપણે તો આ આખી કથાના આધ્યાત્મિક સ્તર વિષે વિચાર કરવાનો છે.
પ્રથમ તો કંસે આકાશવાણી સાંભળી કે દેવકીના આઠમા ગર્ભથી તારો નાશ થશે. તે પછી દેવકીનો વધ કરવા કંસ તૈયાર થયો. વસુદેવ વગેરે વચ્ચે પડ્યા એટલે વધ ના કર્યો. પણ બન્નેને સાથે જેલમાં પૂરી દીધાં. માનો કે તે વખતે કુટુંબનિયોજનનાં ઓપરેશનો પ્રચલિત નહિ હોય, નહિ તો બેમાંથી ગમે તેનું તેવું ઓપરેશન કરી નાખીને કંસ ભયમુક્ત થઇ શક્યો હોત, પણ બન્નેને ભેગાં ના રાખ્યા હોત તોપણ ‘કાળ’ના જન્મની સંભાવના ના રહી હોત. વસુદેવને વિદાય કરી દેવકીજીને મથુરામાં રાખી લીધાં હોત તો આઠમા શું પ્રથમ ગર્ભની પણ સંભાવના ના રહી હોત. આઠ આઠ પ્રસૂતિઓ સુધી બહેન-બનેવીને સાથે રાખવાની ભૂલ કોઈ પણ શાણો રાજા કરે ખરો? તેને કોઈ સલાહકાર પણ નહિ મળ્યો હોય કે કાળને જન્મવા દઈને પછી મારવો તેના કરતાં તેના જન્મની શક્યતા જ સમાપ્ત કરી દેવી ઉત્તમ છે. આઠ આઠ બાળકોની ક્રૂર હત્યા, તેના કારણે પ્રજા માનસનો કચવાટ, બહેન-બનેવીને જેલયાત્રા, જેલની રક્ષાવ્યવસ્થા. આ બધું કરવું સારું કે બહેનને બનેવીથી જુદી રાખી ઇષ્ટ સિદ્ધિ સાધવી સારી? પછી કંસ ગમે તેવો તોય ભાઈ હતો. આઠ આઠ નવજાત બાળકોને પછાડીને મારી નાખવા જેવી નીચતા કલ્પવી કઠિન છે. પુરાણોની આ કથાઓ માત્ર કથાઓ નથી પણ રહસ્યો છે. જે શબ્દાર્થમાં જ રમનાર છે તેમને માટે તે કથાઓ છે. જે ભાવાર્થ સુધી પહોંચનાર છે, તેમના માટે તે બોધ છે. પણ જે તત્વાર્થ સુધી ઊંડે ઊતરનાર છે, તેમના માટે તે રત્નોનો ભંડાર છે. રહસ્યનો સ્ફોટ થતાં જ સત્ય-તત્વ તથા આનંદનો પ્રકાશ ફૂટી નીકળે છે. આવો, આપણે તેના તત્વાર્થને સમજવા પ્રયત્ન કરીએ.
કૃષ્ણ-તત્વ
શ્રીમદ ભગવતગીતાના બારમા અધ્યાયના પ્રથમ શ્લોકનું વ્યાખ્યાન કરતાં કરતાં આપણે ‘ત્વાં’ શબ્દની વ્યાખ્યાના પ્રસંગમાં શ્રીકૃષ્ણના તાત્વિક સ્વરૂપને સમજવા પ્રયત્ન કરી રહ્યા છીએ. આપના સામે આ પ્રશ્નો છે:
૧. શ્રીકૃષ્ણ દેહધારી કોઈ વ્યક્તિ છે? ૨. શ્રીકૃષ્ણ દેહધારી કોઈ વ્યક્તિ નહિ પણ અનંત ગુણશાળી પરમાત્માના દિવ્ય અમૂર્ત ગુણોમાં સર્વોપરી ગુણ પ્રેમનું મૂર્તિમંત પ્રતિક છે? કે ૩. શ્રીકૃષ્ણ, વ્યાસસાહિત્યનું કાલ્પનિક પાત્ર માત્ર છે?
આ ત્રણે સંભાવનાઓ માટે પૂરતાં પ્રમાણો જેને જોઈએ તેને મળી શકે તેમ છે. શાસ્ત્રપ્રમાણ કે અન્ય કોઈ પ્રમાણ રુચિસાપેક્ષ હોય. જેને જે બાબતની રુચિ હોય તેને તેવાં પ્રમાણ ગમે, તે તેવું શોધે, તેવું મળે ત્યારે તેનું મન ઠરે. વિપરીત પ્રમાણને તોડમરોડ કરીને રુચિ પ્રમાણે વાળવા-ગોઠવવાનો પ્રયત્ન થાય. આનું નામ તો રાગ-દ્વેષ છે, આના કારણે તો મતો-પંથો-સંપ્રદાયો થાય છે. કલહો-ક્લેશો પણ આ જ કારણે થઇ રહ્યા છે. રુચિનિરપેક્ષ દ્રષ્ટિ થવી અતિ કઠિન છે. ગમોઅણગમો જીવનનાં બધાં જ ક્ષેત્રોમાં ભાગ ભજવતો હોય છે. પરિણામે માણસ મહત્તાથી પછડાતો રહે છે. રુચિસાપેક્ષ ભૂમિકા પાર કરી દેનાર કોઈ કોઈ વિરલા જ સંસારને ગીત આપતા હોય છે. બાકીના લોકો તો મતમતાંતરોના કીચડ ગૂંથવામાં અને પોતાની આંખે જાણી કરીને સાત સાત પડવાળા પાટા બાંધવામાં જ માત્ર સાક્ષાત્કારનો વ્યામોહ સેવતા હોય છે.
અગાઉ શ્રીકૃષ્ણના જન્મની પરિસ્થિતિ બતાવી. સામાન્ય માણસને પણ તે ઘટિત ઘટના ના લાગે. ઘણી વાર કથાઓ, જે બુદ્ધિશાળી ના લાગે. તેના પ્રત્યે બૌદ્ધિક સમાધાન શોધનાર વર્ગને અણગમો થઇ જતો હોય છે. પરિણામે આ બધું તૂત છે, પોપલીલા છે, ગપ્પાં છે, વગેરે પ્રકારનો મત બંધાઈ જતો હોય છે. જોકે આવો ઉતાવળીયો મત બાંધી બેસનાર પોતે તો દોષી છે જ, કારણ કે શાસ્ત્ર ધીરજથી શોધવાની વસ્તુ છે. ઉતાવળથી તડ અને ફડ કરી નાખવાની વસ્તુ નથી. એટલે તેણે ધીરજપૂર્વક રહસ્યોને શોધવા પ્રયત્ન કરવો જોઈતો હતો. પણ શાસ્ત્રવેત્તા, ધર્મગુરુઓ, આચાર્યો વધુ દોષી છે, જેમણે લોકોને શબ્દાર્થમાં જ રમાડ્યા કર્યા. પોતે રહસ્યોણે પામ્યા નહિ -પામવા પ્રયત્નો કર્યા નહિ યાને લોકોને માત્ર શબ્દાર્થની ભ્રમણામાં ભટકાવ્યે રાખ્યા. હું કોઈ રહસ્યોનો મહાન જાણકાર છું એવો મારો દાવો નથી. હું તો માત્ર અતિસામાન્ય જિજ્ઞાસુ માત્ર છું, પણ એટલું તો કહી શકું કે માત્ર શબ્દાર્થમાં રમ્યા કરવાથી જ શાસ્ત્રનું હાર્દ મળી શકતું નથી, તેમાં પણ ‘વિદ્યાવતાં ભાગવતે પરીક્ષા” ની શક્તિ પ્રમાણે, શ્રીમદ ભાગવત મોટા મોટા વિદ્વાનોની પરીક્ષાનો ગ્રંથ છે, પરમહંસોનો ગ્રંથ છે, સામાન્ય ગ્રંથ નથી. શ્રી વ્યાસજીનો આ અંતિમ ગ્રંથ મનાય છે. શાંતિપ્રાપ્તિ માટે રચાયેલો ગ્રંથ છે. તેની કાંઇક વિશેષતા હશે જ. અસ્તુ.
આવો, શ્રીકૃષ્ણના જન્મની અલૌકિકતાની સાથે બીજી કેટલીક લીલાઓ પણ જાણીએ.
પૂતના
કંસને ખબર પડી ગઈ કે નંદજીને ત્યાં જે બાળક રમી રહ્યો છે તે મારો કાળ છે. તે બાળકને મારી નાખવા તેણે પૂતના નામની રાક્ષસીને મોકલી; સુંદર વસ્ત્રો સજ્જ, ભદ્ર સ્ત્રી જેવી દેખાતી પૂતના જશોદાજી પાસે આવી. શ્રીકૃષ્ણને રમાડવા યાચના કરે છે. શ્રીકૃષ્ણના બાળલાવણ્ય ઉપર આખું ગામ ઘેલું થયું છે. સૌ કોઈ તેણે ખેંચી ખેંચીને રમાડવા લઇ જાય છે. એટલે શ્રીકૃષ્ણને રમાડવા કોઈ માગણી કરે તો જશોદા માટે નવી વાત ન હતી. તેમણે કહ્યું : “ ખુશીથી રમાડો બહેન, આ રહ્યો મારો લાલો. “ અને લાલો કિલકીલારીઓ કરી રહ્યો હતો. તેને હાથમાં લેતાં પૂતના રાક્ષસીનાં હૃદયમાં પણ વહાલની સેરો ફૂટવા લાગી. ‘ આહા ! કેવું સુંદર ! કેટલું સરસ બાળક ! આને તો વળી મરાતું હશે? કંસની બુદ્ધિ બગડી છે.’ આવા ભાવો થવા લાગ્યા.
નાઝીઓએ જર્મનીમાં આવાં કેટલાય બાળકો છાતી ઉપર પથ્થર મૂકીને મારી નાખ્યા હતાં, હિટલરને રાજી કરવા. અહીં પૂતના પણ કંસને રાજી કરવા આવી છે. એટલે વહાલની સેરો ઉપર જડબેસલાક બૂચ લગાવી બાળકનો નાશ કરવા ગુપ્ત ઉપાય કરવા લાગી. સ્તન ઉપર હળાહળ ઝેર ચોપડ્યું હતું તે સ્તન બાળકના મુખમાં આપી ધવરાવવા લાગી.
…
…
…
આ કથા ઉપર વિચાર કરવા જેવો છે. પૂતનાને કયા સંબંધના કારણે માસી કહેવામાં આવી છે? શું તે દેવકીની બહેન છે? જો હા, તો પછી રાક્ષસી કેમ? ત્યારે શું જશોદાની બહેન છે? ના, તો પછી કયા સંબંધે તેને ભાગવતકાર માસી કહીને બોલાવે છે? એક ધાવણું બાળક, ભયંકર રાક્ષસીને મારી નાખે એ શું શક્ય છે? જો નાં, તો આવો, તેનો આધ્યાત્મિક ભાવ જોઈએ.
ત્રણ બહેનો છે: સાત્વિકી (દેવકી), રાજસિકી (જશોદા) અને તામસિકી (પૂતના). દેવકી શબ્દ જ બતાવે છે કે દૈવી માયા જ શ્રીકૃષ્ણને પ્રગટાવે. ગીતામાં જેને દૈવી સંપત્તિ તથા દૈવી માયાના નામથી બતાવી છે તે શ્રી દેવકીજી છે. દૈવી માયા યા સાત્વિકી માયા શ્રીકૃષ્ણને માત્ર પ્રગટાવે છે (શ્રીકૃષ્ણ એટલે સમગ્ર ઐશ્વર્ય, સમગ્ર ધર્મ, સમગ્ર યશ, સમગ્ર સૌંદર્ય, સમગ્ર જ્ઞાન અને સમગ્ર વૈરાગ્ય. આ છ તત્વો-ભાગોનો પૂર્ણ યોગ બરાબર પૂર્ણ પ્રેમ.) દૈવી માયા વસુદેવને વરેલી છે. વસુદેવ એટલે નિગમ. શ્રીકૃષ્ણોપનીષદમાં આવું વિવેચન છે:
માયા સા ત્રિવિધાપ્રોક્તા સત્વરાજસતામસી |
તામસી દૈત્ય પક્ષેશુ માયા, ત્રેધા હ્યુંદાહ્યતા ||
અજેયા વૈષ્ણવી માયા, જપ્યેન ચ સતા પૂરા
દેવકી બ્રહ્મપુત્રા સા યા વેદૈસપગીયતે
નિગમો વસુદેવો યો વેદાર્થ: કૃષ્ણરામયો: ||
શ્રીરામકૃષ્ણ પરમહંસે કહ્યું છે કે બધી જ માયા ડૂબાડનારી નથી હોતી, તારનારી પણ માયા જ છે. બિલાડી જયારે ઉંદર ઉપર ઝપાટો મારે છે ત્યારે તેના રોમેરોમમાં ક્રૂરતા ઊભરાઈ આવે છે. દાંતમાં પકડાયેલા ઉંદરને જોતજોતામાં ચૂંથી નાખે છે. પણ તે જ બિલાડી જ્યારે તે જ દાંતોથી પોતાનાં નવજાત બચ્ચાંઓને પકડીને સાત ઘર ફેરવે છે ત્યારે તે બચ્ચાઓનું એક રૂંવાડું પણ ખરવા દેતી નથી. તેના પોતાના રોમેરોમમાં વહાલ ટપકતું હોય છે. તેમ તામસી માયા જીવને ક્ષણવારમાં ચૂંથી નાખે છે પણ સાત્વિકી યા દૈવી માયા જીવને તારે છે, બચાવે છે. એટલે માયાને ગાળો દેનારને માયા બમણા તમાચા મારે છે. તેને હાથ જોડીને રહો તો એક જ તમાચો મારે, પણ જો તેનો તિરસ્કાર કે તુચ્છતા કર્યાં તો મર્યા સમજો. મા કહીને તેનાં ચરણે નમો તો તે જ્ઞાનની સાત ભૂમિકા ફેરવીને આંખ ઉઘાડનારી બ્રહ્મવિદ્યા છે. અંબા, સરસ્વતી, અન્નપુર્ણા, બ્રહ્માણી સર્વ તે છે.
અહીં દેવકી-વસુદેવ એટલે દૈવી માયા તથા નિગમ છે, જે શ્રીકૃષ્ણને પ્રગટાવે છે. સત્વગુણમાં પ્રગટાવવાની શક્તિ છે, પાલનની શક્તિ રજોગુણમાં છે. સરસ્વતી પ્રગટાવે, લક્ષ્મીજી પાલન કરે. લક્ષ્મીમાં પ્રગટાવવાની ક્ષમતા નહિવત છે, કોઈ મોટું કારખાનું, બંધ કે ભવ્ય ઈમારત બાંધવી હોય તો પહેલાં સરસ્વતી-તેનું બૌદ્ધિક રૂપ, પ્લાન, ડીઝાઈન તૈયાર કરે. ખરી વસ્તુ મસ્તિષ્કમાં પ્રગટે, તેનું પ્રતીકાત્મક રૂપ કાગળ ઉપર ડીઝાઈન તરીકે પ્રગટે અને તેનું મૂર્તિમંત રૂપ લક્ષ્મીજી દ્વારા જે તે સ્થળે થાય. એટલે દૈવી માયા દેવકીજી છે, કંસ કલિયુગ છે, જેણે દેવી માયા તથા નિગમને જેલમાં પૂરી દીધાં છે. જેણે પોતાની જ આણ વર્તાવવી હોય તેણે નિગમ(શાસ્ત્ર) તથા દૈવી માયાને જેલમાં જ પૂરવાં રહ્યાં. જેણે પોતાની આણ નહિ પણ રામદુહાઈ ફેરવવી હોય તેણે આ બન્નેને પૂજવાં રહ્યાં. પોતાની આણ વર્તાવનાર રાવણ, કંસ, દુર્યોધનનો નાશ થઇ ગયો. જ્યારે રામદુહાઈ ફેરવનારનો આજે પણ જયજયકાર થઇ રહ્યો છે.
શ્રી યશોદાજી રજ:પ્રધાન સત્વમયી શક્તિ છે, જે શ્રીકૃષ્ણને માખણ (તત્વ) આપી આપીને પોષી રહ્યાં છે. શ્રી નંદજી-પરમાનંદ જ છે. હવે રહી ત્રીજી બહેન તામસી માયા-પૂતના, જેનું કામ શ્રીકૃષ્ણને મારી નાખવાનું છે. પૂતના એટલે ભોગદાયિની તામસી માયા.
યોગીના સાધનપથમાં એક ભાગ એવો આવે છે કે જ્યાં સિદ્ધિઓ ભોગોના રંગબેરંગી થાળો ભરીને ઊભી હોય છે. તેમનું રૂપ, રંગ અને આકર્ષણ એટલું પ્રબળ હોય છે કે ભલભલા યોગીઓ અહીં આવીને લૂંટાઈ જતાં હોય છે, ભિખારી થઇ જતા હોય છે. સ્તન એ ભોગનું પ્રતિક છે. તેના ઉપર ચોપડેલું હલાહલ ઝેર એ ભોગોના ઉપર સૌંદર્યનું આંતરિક કાતિલ તત્વ છે, જેને ચૂસાવી ચૂસાવીને આજ સુધી કોણ જાણે કેટલાય યોગીઓને આ પૂતનાએ મારી નાખ્યા છે. એક શ્રીકૃષ્ણ જ એવા છે, જે કાતિલને ચૂસીને પણ અમર રહી જાય છે અને મારનારીને ચૂસી નાખે છે. પૂતનાને માર્યા વિના કૃષ્ણ થઇ જ ના શકાય. પણ હજી ઘણા અસુરો બાકી છે, આ તો શરૂઆત માત્ર છે.
Leave A Comment