श्रुतवन्तमुपधाशुद्धं मन्त्रिणं कुर्वीत || ૨૧ ||
જે ક્ષોત્રિય હોય અને ગુપ્ત પરીક્ષામાં ઉત્તીર્ણ થયો હોય તેવી કુશળ વ્યક્તિને જ મંત્રી બનાવવી.

રાજાએ રાગવશ પોતાનાં સગાં કે સ્નેહીજનોને મંત્રી ન બનાવવાં તે વાત કહ્યા પછી હવે કેવી વ્યક્તિને મંત્રી બનાવવી તે કહે છે.
જેને શાસ્ત્રોનું બહોળું જ્ઞાન હોય – અહીં શાસ્ત્ર શબ્દનો અર્થ તે-તે વિષયોનું જ્ઞાન. જેમ કે કોઈને યુદ્ધમંત્રી કે રક્ષામંત્રી બનાવવો છે, તેનામાં યુદ્ધ-શાસ્ત્રનું ઊંડાણભર્યું જ્ઞાન હોવું જરૂરી છે. પુસ્તકો વાંચી જવા-માત્રથી પૂરું જ્ઞાન થતું નથી. એટલે ક્ષોત્રિય શબ્દનો પ્રયોગ કરાયો છે. તેણે અનેક અનુભવી-જ્ઞાની વ્યક્તિઓ પાસેથી તે-તે વિષયનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન સાંભળ્યું હોય. પુસ્તકો વાંચીને થયેલા જ્ઞાનને ચર્ચાના દ્વારા રિફાઈન કરવું જરૂરી હોય છે. માત્ર પુસ્તકિયું જ્ઞાન વ્યક્તિને વેદિયા બનાવે છે, એટલે બહોળી ચર્ચા-વિચારણા અને અનુભવો કરવા પણ જરૂરી હોય છે. આવી વ્યક્તિને જ તે-તે મહત્વના પદની જવાબદારી આપવી જોઈએ.
માત્ર કોઈ વ્યક્તિ વિદ્વાન કે તજજ્ઞ હોય એટલું જ પર્યાપ્ત નથી, પણ તે વિશ્વાસુ અને વફાદાર પણ હોવી જોઈએ. વિશ્વાસ અને વફાદારી કાર્યોથી જણાય છે. એટલે આવી વ્યક્તિને ગુપ્ત રીતે નાણવી પણ જોઈએ. આપણે ત્યાં પૈસાને નાણાં કહેવાય છે. પહેલાં નોટો ન હતી, ચાંદીના રૂપિયા હતા, જેમને સાચા-ખોટા જાણવા માટે પથરા ઉપર પછાડીને નાણવામાં આવતા. જેમ નાણાંને નાણવા પડે તેમ માણસોને પણ નાણવાથી સાચા-ખોટાની ખબર પડતી હોય છે. બરાબર નાણી લીધા પછી જ મંત્રીની સાથે ગુપ્ત મંત્રણા કરવી. ફૂટી ગયેલા મંત્રીઓએ જેટલું નુકસાન રાષ્ટ્રનું કર્યું છે તેટલું બીજા કોઈએ કર્યું નથી.