['વાસ્તવિકતા' પુસ્તક માંથી સાભાર. ૧૫ મી ઓગસ્ટ ને ધ્યાન માં રાખી ને થોડીક ઈતિહાસ ની વાતો. ભાગ-૧, ભાગ-૨, ભાગ-૩ ]

આઝાદી પછીનાં યુદ્ધો

 

આઝાદીની સાથે જ આપણને ગાંધીચિંતન પણ વારસામાં મળ્યું. આ ચિંતનનો ત્યારે ભારે પ્રભાવ હતો. તેથી વર્ષો સુધી આપણું અર્થતંત્ર, રક્ષાતંત્ર, ગૃહરક્ષા વગેરે ગાંધીવિચાર પ્રમાણે ચાલતાં રહ્યાં. ક્રમે ક્રમે શાસકોને સમજાવા લાગ્યું કે આ વિચારોથી રાષ્ટ્રના પાયાના પ્રશ્નો ઉકેલી શકાતા નથી, તેથી ગાંધીવિચારોથી શાસકો દૂર હટવા લાગ્યા. તોપણ તેની પ્રેરણા અને પકડ તો બની જ રહી. ગાંધીવિચારો-માં આક્રમણ તો હતું જ નહિ, પ્રત્યાક્રમણ પણ નહોતું. આપણે અહિંસા-લડતથી આઝાદી મેળવી હતી અને તેનો ભારે નશો ગાંધીવાદીઓને હતો. પણ નિઝામ, જૂનાગઢ, કાશ્મીર, ગોવા વગેરે સ્થળે અહિંસા જરાય ન ચાલી. સેના જ કામમાં આવી. એનો અર્થ એવો થયો કે અહિંસા માત્ર અંગ્રેજો સામે જ ચાલી શકે છે. બીજે નહિ, ગાંધીજીએ હિન્દ સ્વરાજમાં જે લખ્યું છે તેની થોડી ઝલક જોઈએ.

1. ‘દારૂગોળો એ હિન્દને સદે તેવી વસ્તુ નથી.’

2. ‘ગાયની રક્ષા કરવાનો ઉપાય એક જ છે, મારે મારા મુસલમાન ભાઈની પાસે હાથ જોડવા ને તેને દેશની ખાતર ગાયને ઉગારવા સમજાવવું. જો તે ન સમજે તો ગાયને જતી કરવી… મને એ ગાયની ઉપર અત્યંત દયા આવતી હોય તો મારે મારા પ્રાણ દેવા પણ કોઈ મુસલમાનનો પ્રાણ લેવો નહિ.’ (હિન્દ સ્વરાજ, પૃ. 27)

આ અહિંસામાર્ગ અને તેમાંથી પ્રગટેલી શરણાગતિ કહેવાય. પણ માનો કે ગાયની જગ્યાએ કોઈ ગુંડો મારી દીકરીને બળાત્કાર માટે લઈ જતો હોય તો? મારે હાથ જોડવા? અને ગુંડો ન માને તો વલવલતી દીકરીને જતી કરવી?

‘જેને વૈર નહિ તેને તલવાર નહિ.’

આવા બધા અનેક વિચારો ગાંધીજીએ આપણને આપ્યા હતા તેના ગર્વમાં નેતાઓ છાતી ઠોકીઠોકીને કહેતા હતા કે ‘આ દેશ ભગવાન બુદ્ધ અને મહાત્મા ગાંધીનો દેશ છે.’ અર્થાત્ આ દેશ અહિંસાવાદી દેશ છે. આ પરિપ્રેક્ષ્યમાં આઝાદી મળી એટલે સેના, શસ્ત્રો અને સેનાનાયકોની ઘોર ઉપેક્ષા થઈ. કારણ કે આક્રમણ કરવું જ ન હતું. કશી જ તૈયારી ન કરી. પણ બધી ધારણાઓ ખોટી ઠરી, વગેરે વગેરે પાકિસ્તાને ચાર-પાંચ વાર આક્રમણ કર્યાં, ચીને એક વાર આક્રમણ કર્યું. ગાંધીવિચારો અપ્રસ્તુત થઈ ગયા. હવે જે યુદ્ધ થશે તે ચીન અને પાકિસ્તાન બન્નેની સાથે એકસાથે થશે. જરૂર થવાનું છે. ગમે તેટલી આજીજી-પ્રાર્થના-વિરોધપત્રો મોકલો, યુદ્ધ થવાનું જ છે. પેલા પૂરી તૈયારી કરી રહ્યા છે. આપણે હજી પણ ઘેનમાં છીએ. ભાનમાં નથી, ભવિષ્યમાં થનારા આ યુદ્ધથી થથરી જવાય છે. કારણ આપણે હજી પણ શસ્ત્રો, સેના અને વ્યૂહની રીતે તૈયાર નથી, 1962માં જે ધબડકો કર્યો હતો તેવો જ ફરીથી થશે તેવું દેખાય છે. ભગવાન બચાવે અને સાચું ચિંતન આપે.

હવે આપણે આ બન્ને પાડોશીઓ સાથે અનેક મોરચે લડવાનું છે. સ્થિતિ તો એવી છે કે કોઈ એક સાથે પણ આપણે લાંબો સમય વિજયી યુદ્ધ લડી શકીએ તેમ નથી. વહેલી તકે પરિસ્થિતિ સુધારવી જોઈએ. જેમાં, મિત્રો બનાવવા, પ્રચુર આધુનિક શસ્ત્રો મેળવવાં, આક્રમક વ્યૂહ રચવો અને સેનાને તૈયાર રાખવી : આ બધું તરત જ કરવા જેવું છે.

હવે આગળ વાંચો…

અત્યાર સુધીના કાળને ત્રણ ભાગમાં વહેંચી ત્રણ તારણ કાઢી શકાય : 1. હિન્દુકાળ, 2. મુસ્લિમકાળ અને 3. અંગ્રેજકાળ.

1. હિન્દુકાળમાં આપણે ક્યાંય આક્રમણ કર્યાં નહિ. અરે, પ્રત્યાક્રમણ પણ કર્યાં નહિ, તેથી ભારત ઉપર સતત આક્રમણો થતાં રહ્યાં અને આક્રાન્તાઓ જીતતા રહ્યા : માત્ર દક્ષિણ ભારતના ચૌલ અને પાંડ્યવંશના રાજાઓ તથા ઉડિસાના રાજાઓ જે શ્રમણપ્રભાવમાં ન હતા તેઓ પૂર્વમાં ઇન્ડોનેશિયા, કંબોડિયા, લાઓસ વગેરે દૂર દૂરના દેશો ઉપર પહોંચ્યા અને ભારતીય સંસ્કૃતિની સ્થાપના કરી. કાળાન્તરમાં તે બધા બૌદ્ધ થયા અને પછી મુસ્લિમ થઈ ગયા.

2. મુસ્લિમકાળમાં તુર્કો, અફઘાનો અને મોગલો ભારત ઉપર એક પછી એક ચઢી આવ્યા. પ્રથમ હિન્દુરાજાઓ અને પછી મુસ્લિમો એકબીજાને હરાવતા રહ્યા. અફઘાનોએ તુર્કોને અને મોગલોએ અફઘાનોને હરાવી ભારત ઉપર રાજ કર્યું : આ સમયમાં મુખ્ય લડાઈઓ મુસ્લિમોમાં અંદરોઅંદર થઈ. હિન્દુઓ પ્રભાવહીન થઈ ગયા. મોગલકાળમાં બે શક્તિઓએ માથું ઊંચક્યું. 1. મરાઠા, અને 2. શીખ. બાકી ખાસ કાંઈ પ્રતિક્રિયા થતી દેખાઈ નહિ. હિન્દુઓ પાસે માત્ર 2-4 જાતિઓમાં જ યોદ્ધાઓ થતા. બાકીની બધી પ્રજા યોદ્ધા વિનાની હતી. 2-4 જાતિઓમાંથી રાજપૂત જાતિના કેટલાક રાજાઓ મોગલો સાથે ભળી ગયા અને તેમના સેનાપતિ થઈને તેમની તરફથી લડતા રહ્યા. મુસ્લિમકાળમાં ભારત બહાર ખાસ આક્રમણો થયાં નથી, તેમ જ સમુદ્રી આક્રમણો પણ થયાં નથી, ભારતની અંદર જ વધુ લડાઈઓ થઈ.

3. અંગ્રેજકાળમાં અંગ્રેજોએ ભારતની અંદરની લડાઈઓ પૂરી કરી, તેઓ અર્થપૂર્ણ લડાઈ લડતા. હારેલા શત્રુને પાછળથી મિત્ર બનાવી પોતાની સાથે કાયમી રીતે જોડી દેતા. મુસ્લિમોની મોટા ભાગની લડાઈઓ વિદ્રોહને દબાવવાની થતી. જ્યારે અંગ્રેજો એવી સંધિ કરતા કે વિદ્રોહ કરવાનું કારણ રહેતું નહિ. અંગ્રેજોએ ભારત બહાર દશ આક્રમણો કર્યાં. જેમાં અફઘાનિસ્તાન ઉપર ત્રણ વાર, નેપાળ ઉપર એક વાર, સિક્કિમ ઉપર એક વાર, ભુતાન ઉપર એક વાર, તિબેટ ઉપર એક વાર, બર્મા ઉપર ત્રણ વાર—આ બધાં યુદ્ધો હેતુપૂર્ણ રહ્યાં. આના કારણે ભારતની સીમા ચારે તરફ વધી ગઈ. અને ભારત સુરક્ષિત થઈ ગયું. અંગ્રેજોએ ફ્રેંચો અને ડચો સાથે સમુદ્રી યુદ્ધો કરી તેમને કાં તો ભગાડી દીધા કે પછી પ્રભાવહીન કરી નાખ્યા. આરબ સમુદ્રમાં છેક એડન અને હોરમુઝ સુધી પોતાની સત્તા સ્થાપી તો લક્ષદ્વીપો કબજે કરી હિન્દમહાસાગરમાં દૂર-દૂર સુધી રક્ષાપંક્તિ ઊભી કરી. બીજી તરફ બંગાળની ખાડીમાં આંદામાન-નિકોબારની લાંબી દ્વીપમાળા છેક ઇન્ડોનેશિયા સુધીની કબજે કરી લીધી. સિંગાપોર, હોંગકોંગ વગેરે દૂર-દૂરના ટાપુઓ કબજે કરી પોતાની આણ વર્તાવી. એથી ભારત સુરક્ષિત થઈ ગયું. પછી ભારત ઉપર ન તો કોઈ આંતરિક યુદ્ધ થયું, ન બહારથી આક્રમણ આવ્યું. જો આ બધાં આક્રમણો ન કર્યાં હોત તો ભારત સતત દેશી-વિદેશી આક્રાન્તાઓના યુદ્ધોમાં રગદોળાતું રહેત.

અંગ્રેજોના ગયા પછી—આઝાદી આવી તેની સાથે જ પાછું ચિંતન બદલાયું. આ દેશ બુદ્ધ—મહાવીર અને ગાંધીનો છે એવું પં. નહેરુજી એક ખાસ હેતુ માટે ગૌરવથી બોલતા રહ્યા. ખરેખર તો આ ત્રણેનું નિશ્ચિત ચિંતન આપણે સ્વીકાર્યું. અર્થાત્ ‘અહિંસા’. આપણે સેના અને શસ્ત્રોની ઉપેક્ષા કરી. ગાંધીજી કહેતા કે ‘જેને વૈર નહિ તેને તલવાર નહિ’ જૈનો તો સબમરિનનું નામ ‘અરિહંત’ પાડ્યું તેમાં જ ઊકળી ઊઠ્યા. શત્રુનો નાશ કરનારું નામ અમારા ભગવાનનું છે. ને આવાં ભયંકર ઘાતક હથિયાર ઉપર ન શોભે. જરા વિચાર કરો કે નામ માત્રથી આટલો બધો ધાર્મિક વિરોધ થાય તો કાલે યુદ્ધ સમયે, આ સબમરિન અણુમિસાઇલ છોડી અણુબોમ્બ દ્વારા 5-25 હજાર માણસોની હત્યા કરી નાખે તો તો શુંય થઈ જાય? ચિંતન જ આવું છે. નાગાસાકી અને હિરોસીમા ઉપર અણુબોમ્બ ફેંકી લાખ્ખોનો કચ્ચરઘાણ વાળનાર અમેરિકન પાઇલોટોએ એટલું જ કહ્યું હતું કે અમે અમારા કર્તવ્યનું પાલન કર્યું છે, તેનો સંતોષ છે. બોમ્બ ફેંકતાં તે ધ્રૂજ્યા નહિ, ગભરાયા નહિ, હિચકિચાયા નહિ. એક આવું ચિંતન છે. બીજી તરફ નામ માત્ર રાખવાથી હાહાકાર થઈ ગયો, તો સમય આવ્યે, પરિણામ લાવતાં તો શુંનું શું થઈ જાય? આ બીજું ચિંતન છે. કદાચ ખરા સમયે અણુબોમ્બના ફેંકનારને બિરદાવનારા નીકળી પડે તો નવાઈ નહિ. દોષ તો કોઈનો નથી. ચિંતનનો જ દોષ છે. છેલ્લી ઘડીએ અર્જુન પણ આવા પલાયનવાદી ચિંતનનો શિકાર થયો હતો, પણ શ્રીકૃષ્ણે ગીતાજ્ઞાનથી તેનું ચિંતન સુધાર્યું હતું. નવાઈ તો જુઓ, આ જ કારણસર (લાખ્ખોનો નાશ કરાવવાના કારણસર) કેટલાક ચુસ્ત અહિંસાવાદીઓ તેમને નરકે ગયાનું કથન કરે છે. તેમનો દોષ નથી, ચિંતનનો જ દોષ છે. આ બધા ચિંતનમાં મ. ગાંધીજીએ ત્રણ છોગાં લગાવી દીધાં. બધા જ પ્રશ્નો અહિંસાથી ઉકેલાય છે, તેથી સેના અને શસ્ત્રોની જરૂર જ નથી, આપણે વિશ્વને આવો ઉપદેશ આપતા રહ્યા. અને કશી સૈનિક તૈયારી કરતા ન રહ્યા. આવી સ્થિતિમાં ભારત વધુ ને વધુ દુર્બળ થતું ગયું. આપણે સદીઓથી માર ખાતા હતા, મ. ગાંધીજીએ આદર્શપૂર્વકનો માર ખાતાં શિખવાડ્યું. આપણને સદી ગયું, ગુરુ ગોવિંદસિંહજી સિવાય મારવાનું શિખવાડનાર કોઈ ન નીકળ્યું. હવે પરિણામ જુઓ.