['વાસ્તવિકતા' પુસ્તક માંથી સાભાર. ૧૫ મી ઓગસ્ટ ને ધ્યાન માં રાખી ને થોડીક ઈતિહાસ ની વાતો. ભાગ-૧, ભાગ-૨, ભાગ-૩ ]આઝાદી પહેલાં અને પછીની સ્થિતિ
1947માં આપણને આઝાદી મળી અંગ્રેજો ચાલ્યા ગયા. તે પછી પાકિસ્તાને પાંચ વાર આક્રમણો કર્યાં. અને ચીને એક વાર આક્રમણ કર્યું. આપણે એકે વાર પણ કોઈ ઉપર આક્રમણ ન કર્યું. કારણ કે ચિંતન જ એવું હતું. થોડી વિગત જોઈએ. ગાંધીજીનું નવું ચિંતન તો આક્રમણમાં માનતું જ ન હતું. થોડી વિગત જોઈએ.
પ્રથમ કાશ્મીર ઉપર આક્રમણ
1. આઝાદી પછી ઘણાં રજવાડાં સરદાર સાહેબના પ્રયત્નોથી ભારતમાં ભળી ગયાં. પણ નિઝામ હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીર જેવાં થોડાં રજવાડાં ભળ્યાં નહિ, સરદાર સાહેબે નિઝામ અને જૂનાગઢને તો ભારતમાં ભેળવી દીધાં. પણ કાશ્મીર પ્રશ્ન નહેરુજીના હાથમાં હતો. ત્યાંના રાજા હરિસિંહ સ્વતંત્ર રહેવા માગતા હતા, ભારતમાં ભળવા માગતા ન હતા. પં. નહેરુજી તેને સમજાવી શક્યા નહિ. લાગ જોઈને પાકિસ્તાને કાશ્મીર ઉપર છદ્મ હુમલો કરી દીધો. 22-10-1947ના રોજ સેનાના માણસોને કબાયલીઓના વેશમાં બંદૂકો સાથે કાશ્મીર ઉપર આક્રમણ કરવા મોકલી દીધા. હરિસિંહે પોતાની સેના સામનો કરવા મોકલી પણ તેમાં મુસ્લિમોની બહુલતા હોવાથી તે પેલા પક્ષમાં ભળી ગઈ. આક્રાન્તા છેક શ્રીનગર સુધી પહોંચવાની તૈયારીમાં હતા ત્યાં હરિસિંહને ભાન થયું. તેણે મદદ માટે દિલ્હી સરકારને પ્રાર્થના કરી. પં. નહેરુને મોડેમોડે સદ્બુદ્ધિ સૂઝી. તેમણે કેસ સરદાર સાહેબને સોંપ્યો. સરદાર સાહેબે પહેલી શરત હરિસિંહ સામે મૂકી કે તમે ભારતમાં ભળી જાવ તો મદદ કરીએ. હરિસિંહે ભારતમાં ભળી જવાની સહી કરી. સરદાર સાહેબે રાતોરાત શ્રીનગરના હવાઈ મથકે સેના ઉતારી દીધી. જનરલ થિમૈયાના નેતૃત્વમાં સેનાએ શ્રીનગર બચાવી લીધું અને પછી પાકિસ્તાનીઓને ખદેડવા લાગ્યા. હવે થોડું જ કાશ્મીર લેવાનું બાકી હતું, ત્યાં સરદાર સાહેબની ઇચ્છા વિરુદ્ધ નહેરુજી યુનોમાં ગયા. યુનોએ યુદ્ધવિરામ કરાવ્યો. આપણી સેના અટકી ગઈ. 2/3 ભારતમાં અને 1/3 કાશ્મીર પાકિસ્તાનમાં ગયું. હજી પણ આ જ દશા છે. L.O.C. ઉપર આપણા લાખ્ખો સૈનિકો રોકાયેલા રહે છે. પ્રશ્ન બગડી ચૂક્યો છે. કોઈ ઉકેલ દેખાતો નથી.
આ પાકિસ્તાનનું પહેલું આક્રમણ હતું. સરદાર સાહેબ ન હોત તો આજે આટલું કાશ્મીર પણ આપણી પાસે ન હોત. આપણે આક્રમણ તો ન કર્યું, પૂરું પ્રત્યાક્રમણ પણ ન કર્યું. પ્રશ્ન સળગતો રહી ગયો.
ચીનનું આક્રમણ
2. તિબેટ ઉપર આક્રમણ કરીને અંગ્રેજોએ લ્હાસામાં ભારતનું થાણું સ્થાપી, ચીનને દૂર રાખ્યું હતું. પણ આઝાદી પછી પં. નહેરુજીએ (સરદારના વિરોધ છતાં) તે થાણાં ઉઠાવી લીધાં, ચીનને રાજી કરવા. પરિણામે ચીન છેક ભારતના સીમાડે આવી ગયું. લદ્દાખ અને નેફામાં તેણે વિશાળ જમીન ઉપર દાવો કર્યો. પ્રથમ નકશાયુદ્ધ થયું અને પછી ઈ.સ. 1962માં રીતસરનું આક્રમણ કરી દીધું. આપણી કશી તૈયારી ન હતી. ચીન છેક બોમદીલા સુધી પહોંચ્યું. હવે તેલ રિફાઇનરીઓ અને પછી કલકત્તા હાથવેંતમાં હતું. પણ હવે કદાચ અમેરિકા કૂદી પડશે તેવી બીકથી એકપક્ષીય યુદ્ધવિરામ કરીને તે પાછું જતું રહ્યું. ભારત માટે આ નાલેશીભર્યો પરાજય હતો. પં. નહેરુને ભારે આઘાત લાગ્યો. પછી બે જ વર્ષમાં તેમનું અવસાન થઈ ગયું. પણ દેશને ચિંતન બદલવાનો બોધપાઠ તો મળ્યો. આપણે ચીન ઉપર ન તો આક્રમણ કર્યું, ન પ્રત્યાક્રમણ કર્યું. શક્તિ જ ન હતી, ના, તેવું ચિંતન હતું.
કચ્છયુદ્ધ
3. 1964માં પાકિસ્તાને અણધાર્યું કચ્છ ઉપર આક્રમણ કરી દીધું. કચ્છનો કેટલોક ભાગ પડાવી લીધો. આપણું ગુપ્તચર તંત્ર સૂતું જાગ્યું. આપણે તો સામનો પણ ન કર્યો. ટ્રિબ્યુનલ રચાઈ, અને તેમાં આપણે કાયદેસર કેટલોક પ્રદેશ પાકિસ્તાનને આપી દેવો પડ્યો. આ વખતે પણ ન તો આક્રમણ કર્યું, ન પ્રત્યાક્રમણ કર્યું. ત્યારે શાસ્ત્રીજી પ્રધાનમંત્રી હતા.
4. કચ્છમાં આપણી દુર્બળતા જોઈને 1965માં પૂરી તૈયારી સાથે જમ્મુના છામ્બક્ષેત્ર ઉપર પાકિસ્તાને આક્રમણ કરી દીધું. જનરલ યાહ્યાખાન અમેરિકન બનાવટની 90 ટૅન્કો લઈને પૂરી તૈયારી કરીને આગળ ધસ્યો. હંમેશાં આક્રમણ કરનાર પૂરી તૈયારી કરીને આક્રમણ કરતો હોય છે. જ્યારે રક્ષાત્મક જીવન જીવનારા તૈયારી વિનાના હોય છે. યાહ્યાખાન આગળ વધતો જ ગયો. જ્યારે અખનૂર માત્ર ત્રણ જ કિલોમીટર દૂર રહ્યું ત્યારે ભયંકર દબાણ નીચે શાસ્ત્રીજીએ લાહોર સિયાલકોટ તરફ સેના મોકલી. દશ દિવસ મોડું થયું હતું. પાકિસ્તાનની તુલનામાં આપણાં શસ્ત્રો બધી રીતે ઊતરતાં હતાં. તેની પાસે અમેરિકાની આધુનિક પેટન્ટ ટૅન્કો હતી તો આપણી પાસે થોડા પ્રમાણમાં અંગ્રેજો મૂકી ગયેલા એ જૂની ટૅન્કો હતી, પાકિસ્તાન પાસે અમેરિકન બનાવટનાં સૈબર જેટ અને ફેન્ટમ ફાઇટરો હતાં તો આપણી પાસે જૂનાં હન્ટર, કેનબરા અને માખી જેવાં ગ્નેટ હતાં. આ યુદ્ધમાં નૌસેના કામે ન લાગી. પાકિસ્તાને પીલબોક્સ અને ઇચ્છુગીલ નહેર બનાવી હતી, જેથી આપણે લાહોર ન લઈ શક્યા. સિયાલકોટ પણ ન લઈ શક્યા. આઠ-દશ કિ.મી. સુધી જઈને અટકી ગયા. અંતે યુદ્ધવિરામ થયો. તાશ્કંદ કરાર થયો. શાસ્ત્રીજીને એટેક આવ્યો અને તાશ્કંદમાં જ તેમનો દેહવિલય થયો. બન્ને પક્ષોએ પોત-પોતાની જીતનો દાવો કર્યો. કોઈ પરિણામ ન આવ્યું.
બાંગ્લાદેશ
5. પાકિસ્તાનના બે ભાગ હતા. પૂર્વ અને પશ્ચિમ. બન્ને વચ્ચે બે હજાર કિ.મી.નું અંતર હતું. ક્ષેત્રફળની દૃષ્ટિએ પશ્ચિમ પાકિસ્તાન મોટું હતું પણ વસ્તી પૂર્વ પાકિસ્તાન અર્થાત્ પૂર્વ બંગાળની વધારે હતી. ભાગલા વખતે જ લાખ્ખો હિન્દુ બંગાળીઓ નિરાશ્રિત થઈને ભારત આવ્યા હતા તોપણ હજી ત્યાં ઘણા હિન્દુઓ હતા. અવામી લીગના નેતા શેખ મુજ્જીબુર રહેમાન ચૂંટણીમાં જીત્યા પણ તેમને પ્રધાનમંત્રી બનાવવાની જગ્યાએ જેલમાં નાખ્યા. માર્શલ લો લાગુ કરી દેવાયો. કાયમી ઉકેલ એ હતો કે પૂર્વ પાકિસ્તાનની વધારાની એક કરોડ વસ્તીને ઓછી કરી નખાય. હિન્દુઓ ઉપર જુલમ તૂટી પડ્યો અને બધા ભાગીને ભારત આવી ગયા, જનરલ યાહ્યાખાન શાસક હતો. તેણે કસાઈ જેવા ટીક્કાખાનને પૂર્વ બંગાળ સોંપીને હાહાકાર મચાવી દીધો. હવે શું કરવું? ભારત ચૂપ હતું. સવા કરોડ નિરાશ્રિતોથી દેશ ઊભરાઈ રહ્યો હતો. ત્યારે ઇંદિરાબહેન પ્રધાનમંત્રી હતાં. આ બાઈ બાહોશ અને કુશળ રાજનેતા હતી. તેણે માણેકશાને ફિલ્ડ માર્શલ બનાવી પૂર્વ પાકિસ્તાન ઉપર ભરડો કસવા માંડ્યો. પાકિસ્તાને જ પ્રથમ હુમલો કર્યો. ભારતે પ્રત્યાક્રમણ કર્યું અને પૂર્વ પાકિસ્તાનને ‘બાંગ્લાદેશ’ બનાવી દીધો. આ સાચો વિજય હતો. જોકે આ વિજયમાં મુખ્ય કારણ તો બન્ને પાકિસ્તાનો વચ્ચે 1500થી 2000 કિ.મી.નું અંતર હતું. તોપણ વિજય તો થયો. પણ સિમલા કરારમાં આપણે બધું ગુમાવી દીધું. સંધિ કરતાં ન આવડી. ચાલો એક વાર તો વિજય થયો.
6. ઈ.સ. 1992માં કારગિલ યુદ્ધ થયું. લુચ્ચાઈથી પાકિસ્તાને આપણી કારગિલ પર્વતમાળાની ઊંચી ચોકીઓ પચાવી પાડી. એક બૌદ્ધ ધર્મીએ આપણને સમાચાર આપ્યા કે શિખરો ઉપર પાકિસ્તાનીઓ જામી ગયા છે. ઉતાવળમાં-હડબડાટમાં આપણે તોપોના ગોળા છોડવા માંડ્યા. પણ આના પહેલાં આપણા દશ શસ્ત્ર ડેપો એક પછી એક બળી ચૂક્યા હતા. બોફોર્સ તોપના ગોળા ખૂટી પડ્યા. આપણા જવાનોએ ઘણી બહાદુરી બતાવી, ઘણી ખુવારી પણ વેઠી અંતે અમેરિકાના દબાણથી બધી ચોકીઓ ખાલી કરીને પાકિસ્તાનના માણસો પાછા ચાલ્યા ગયા, આપણે રાજી થઈ ગયા. પ્રત્યાક્રમણ કરવાનો સારો મોકો હોવા છતાં પણ આપણે પ્રત્યાક્રમણ ન કર્યું. મને લાગે છે કે આપણે કમજોર હતા, તેથી સહન કરતા રહ્યા.
7. પાર્લમેન્ટ ઉપર હુમલો, મુંબઈ ઉપર હુમલો, નકલી નોટો દાખલ કરવી, વારંવાર આતંકવાદીઓ દ્વારા વિસ્ફોટો કરાવવા વગેરે અનેક પ્રબળ કારણો હોવા છતાં આપણે કદી આક્રમણ કરતા નથી. મને લાગે છે કે આપણે કમજોર છીએ. આ રહ્યાં કમજોરીનાં કારણો :
1. તટસ્થ નીતિના કારણે આપણો કોઈ મિત્ર નથી. પીઠબળ વિના યુદ્ધ ન કરી શકાય.
2. આપણી પાસે શું છે તે મહત્ત્વનું નથી પણ શત્રુપક્ષની તુલનામાં તે કેટલું છે તે મહત્ત્વનું છે. પાકિસ્તાનની તુલનામાં આજે પણ આપણાં શસ્ત્રો ઊતરતાં અને ક્ષેત્રફળની દૃષ્ટિએ ઓછાં છે, પાકિસ્તાન પાસે અમેરિકન બનાવટનાં ઉત્તમ શસ્ત્રો છે. જ્યારે આપણી પાસે રશિયન બનાવટનાં કચરા જેવાં અને ઊતરતાં શસ્ત્રો છે. જેમાં 30% નિષ્ક્રિય પડ્યાં રહે છે. મિગવિમાનો આપોઆપ આકાશમાં નષ્ટ થઈ જાય છે.
પાકિસ્તાનની સાથે ચીન-અમેરિકા અને મુસ્લિમ દેશો છે. આ કુલ શક્તિ ઘણી મોટી છે. જ્યારે આપણા પક્ષે કોઈ નથી. પાકિસ્તાને કરાંચી અમેરિકાને અને ગ્વાદર (બલૂચિસ્તાનમાં) ચીનને સોંપી રાખ્યું છે. જેથી આપણે આ બંદરો ઉપર હુમલો કરી શકીએ તેમ નથી. આવાં બધાં અનેક કારણોસર આજે પણ આપણે તેમના સરવાળા આગળ કમજોર છીએ. જેથી આક્રમણ કરી શકાતું નથી. જો વિચારધારા બદલાય અને આપણે વિશ્વાસુ મિત્રો કરીએ તથા પ્રબળ શસ્ત્રસરંજામ ભેગો કરીએ તથા આક્રમક ચિંતન અપનાવીએ તો જ આક્રમણ કરી શકાય.
8. ખરેખર તો જ્યારે દેશના ભાગલા પડ્યા ત્યારે માત્ર બે જ ભાગલા ન પાડતાં 4-5 ભાગલા કરવાની જરૂર હતી. પઠાણો તથા બલોચી પાકિસ્તાનમાં ભળવા તૈયાર ન હતા. સરહદના ગાંધી બૂમો પાડતા રહ્યા કે અમને વરુઓના હવાલે ન કરો. પણ આપણે તેમનો પક્ષ લીધો નહિ. જો પખ્તુનિસ્તાન અને બલૂચિસ્તાનને અલગ રાષ્ટ્ર બનાવ્યાં હોત તો તે ભારે મુત્સદ્દી થઈ કહેવાત. પણ તેવું ન થયું. આપણા કાચા નેતાઓએ પાકિસ્તાનને મજબૂત બનાવવાનું કાર્ય કર્યું. હવે પરિણામ ભોગવીએ છીએ.
9. અંગ્રેજોના સમયમાં ભારતના ચારે તરફના સીમાડા શાંત હતા. હવે ચારે તરફ સીમાડા સળગી રહ્યા છે. કાશ્મીર પ્રશ્ન અહિંસાથી કે વાટાઘાટોથી ઉકેલી શકાય તેમ છે જ નહિ. તેનો એક માત્ર ઉકેલ યુદ્ધ જ છે, જે આપણે કરી શકતા નથી. કારણ કે આક્રમણ આપણા ચિંતનમાં જ નથી. તેથી આપણે કમજોર છીએ. હવે તો કાશ્મીરની પ્રજા પણ પકડ બહાર નીકળી ગઈ છે. એટલે આ પ્રશ્ન વધુ વિકટ બન્યો છે. વણઉકેલાયેલો આ પ્રશ્ન આપણી સેનાના 1/3 ભાગને કાયમી રીતે રોકી રાખે છે. જેનો ખર્ચો હવે તો પાંચેક ખરબ જેટલો થવા જાય છે.
10. આવી જ રીતે ચીન સાથેની સીમાનો પ્રશ્ન પણ ઉકેલાતો નથી. આ પ્રશ્ન કાયમ લટકતી તલવાર જેવો થઈ ગયો છે. અહિંસા કે વાટાઘાટો કામ આવતી નથી, આ નિમિત્તે જ્યારેત્યારે ચીન જ પ્રથમ આક્રમણ કરશે. તે મોકાની રાહ જોઈને બેઠું છે. આપણે ત્યાં પણ મોટી સેના રોકી રાખવી પડે છે અને કિંકર્તવ્યવિમૂઢ થઈને બેઠા છીએ.
ભારતના સીમાડા સુરક્ષિત નથી. જેથી પ્રજાને જે રાજસુખ મળવું જોઈએ તે મળતું નથી, વાસ્તવિકતા એ છે કે આપણે વફાદાર મિત્રો બનાવીએ, પ્રચંડ શસ્ત્રસામગ્રી મેળવીએ, પ્રખર સેનાપતિઓને આગળ કરીએ અને આક્રમક બનીએ, ચિંતન બદલીએ.
11. આક્રમણનો અર્થ એવો નથી કે ગમે ત્યારે ગમે તેની ઉપર હુમલો કરી દેવો. પણ આક્રમણનો અર્થ એવો છે કે જેનાથી આપણને ભય હોય, આપણી સુરક્ષા જોખમાતી હોય તેને પ્રથમ સમજાવવા પૂરા પ્રયત્નો કરવા, તેમ છતાં પણ જો ન માને અને આપણી અસુરક્ષા વધારવાની પ્રવૃત્તિ ચાલુ રાખે તો, તે બળવાન બનીને હુમલો કરે તેના પહેલાં જ તેના ઉપર આક્રમણ કરીને તેને તેના ઘરમાં જ પંગુ બનાવી દેવો, જેથી આપણી સુરક્ષાને આંચ ન આવે. તેની સાથે એવી સંધિ કરવી કે જેથી તે મિત્ર બની જાય. કદાચ મિત્ર ન બને લો કાંઈ નહિ, દુશ્મન તો ન જ બને. કોઈ વાર કોઈ દુશ્મન આક્રમણ કરી બેસે તો તેને બોધપાઠ આપવા માટે ભરપૂર પ્રત્યાક્રમણ કરી દેવું. તેની કમજોર કડી ઉપર સખત ફટકો મારવો અને તેની રક્ષાસાંકળ તોડી નાખવી, જેથી તેને બોધપાઠ મળે. ફરી આક્રમણ ન કરે. આ બન્નેનો હેતુ રાષ્ટ્રરક્ષા જ છે. યુદ્ધનો ઉન્માદ નથી, આ બન્ને ન કરી શકાય તો રાષ્ટ્રરક્ષા થઈ શકે નહિ.
Leave A Comment