['વાસ્તવિકતા' પુસ્તક માંથી સાભાર. ૧૫ મી ઓગસ્ટ ને ધ્યાન માં રાખી ને થોડીક ઈતિહાસ ની વાતો. ભાગ-૧, ભાગ-૨, ભાગ-૩ ]તુર્કો પછી
પહેલાં આરબોએ સિંધ ઉપર સત્તા સ્થાપિત કરી અને પછી તુર્કોએ દિલ્હી ઉપર સત્તા સ્થાપિત કરી. તેઓ દિલ્હીથી બાકીના ભારતનાં જુદાં-જુદાં રજવાડાં ઉપર ચઢાઈ કરતા રહ્યા અને સીમા વધારતા રહ્યા. પણ (મરાઠા સિવાય) કોઈ હિન્દુ રજવાડાંએ દિલ્હી ઉપર હુમલો કર્યો હોય તેવું જણાયું નથી.
મારી દૃષ્ટિએ આ મુસ્લિમ સત્તાની સ્થાપનાથી ભારતને એક લાભ એ થયો કે તે પછી બહારની કોઈ જાતિઓ ભારત ઉપર ચઢી ન આવી. (જેમ પહેલાં શક-હૂણ વગેરે આવતા તેમ). તેમ છતાં મંગોલો ભારત ઉપર ચઢી આવ્યા. તે રાજ કરવા નહિ માત્ર લૂંટફાટ અને હત્યાઓ કરવા વિશ્વભરમાં ફરતા અને ધાડ પાડતા હતા. ચંગીઝ ખાંની પરંપરામાં તૈમૂર થયો.
1. ઈ.સ. 1396-97માં તૈમૂર ભારત ઉપર ચઢી આવ્યો. અનેક નગરો લૂંટતો બાળતો તે દિલ્હી પહોંચ્યો. દિલ્હીનો સુલતાન ભાગી ગયો. 27-12-1398ના રોજ તૈમૂરે દિલ્હી લૂંટ્યું. તૈમૂરના પ્રત્યેક તાતાર સૈનિકને 150-150 જેટલી ગુલામ સ્ત્રીઓ લૂંટમાં મળી. પાંચ દિવસ દિલ્હી રહી, બધું ખેદાનમેદાન કરીને તે મેરઠ પહોંચ્યો. મેરઠની પણ આવી જ દશા થઈ. ઘણી સ્ત્રીઓને ગુલામ બનાવી.
2. તૈમૂર મેરઠથી હરદ્વાર પહોંચ્યો. ત્યારે કુંભમેળો ભરાયો હતો. તેણે પૂરા કુંભમેળાના સાધુ-સંતોને કાપી નાખ્યા. એક મહિના સુધી આજુબાજુનો પ્રદેશ લૂંટ્યો. અહીંથી પ્રત્યેક તાતારી સૈનિકને 20-20 સ્ત્રીઓ ગુલામ તરીકે મળી. અને અસંખ્ય ગાયો પકડી.
3. તૈમૂરે કાશ્મીર લૂંટ્યું. પછી જમ્મુના રાજાને હરાવ્યો. બંદી બનાવ્યો. તેણે ઇસ્લામ સ્વીકાર્યો એટલે તેને મુક્ત કર્યો. તે પછી સ્વદેશ ચાલ્યો ગયો.
4. ફરી પાછા મંગોલો સુલેમાન પર્વતો પાર કરીને ભારત ઉપર ત્રાટક્યા. આ વખતે દિલ્હી ઉપર અલાઉદ્દીન ખીલજીની સત્તા હતી. તેણે પોતાના ભાઈ ઉલૂઘખાંને સામનો કરવા મોકલ્યો. (યાદ રહે, મંગોલો દિલ્હી પહોંચે ત્યાં સુધી તે બેસી ન રહ્યો. આ ઉલૂઘખાં ગુજરાત ઉપર પણ ચઢી આવેલો. તેણે સિદ્ધપુરનો રુદ્રમાળ તોડ્યો હતો. તથા પાટણના રાજા કરણસિંહ વાઘેલાને ભગાડીને તેની રાણી કમલાદેવીને દિલ્હી લઈ જઈ બાદશાહને પરણાવી હતી.) આ ઉલૂઘખાંએ મંગોલોને રોક્યા અને હરાવ્યા. વીસ હજાર મંગોલોને મારી નાખ્યા. ઘાયલ મંગોલોને પણ મરાવી નાખ્યા. બંદી બનાવેલા મંગોલોને દિલ્હી લઈ આવ્યો અને હાથીઓના પગ નીચે કચડાવીને મારી નાખ્યા.
5. હારેલા મંગોલો સલ્દી નામના નેતાની સરદારીમાં ફરીથી આવી પહોંચ્યા. ઉલૂઘખાંએ ફરીથી તેમને હરાવ્યા.
6. ફરી પાછા મંગોલો કુતુલુગ ખ્વાજાની સરદારીમાં છેક દિલ્હી સુધી પહોંચી ગયા. ઉલૂઘખાં ફરી પાછો યુદ્ધે ચઢ્યો. જોકે આ યુદ્ધમાં ઉલૂઘખાં મરાયો પણ મંગોલોને હરાવી દીધા. ભગાડી દીધા.
7. ફરી પાછા અલીબેગની સરદારીમાં મંગોલો ચઢી આવ્યા. પણ અમરોહા પાસે પાછા જતા રહ્યા.
8. ફરી પાછા મંગોલો ઇકબાલના નેતૃત્વમાં ચઢી આવ્યા. આ વખતે પણ તે હાર્યા. ઇકબાલ મરાયો. મંગોલોથી ભારતને બચાવવાનું શ્રેય મુસ્લિમ શાસકોને મળવું જોઈએ. જે હિંમત અને કુશળતાથી તેમણે પ્રત્યાક્રમણ કરીને સામનો કર્યો તે દાદ માગી લે તેવી વાત હતી.
9. કુતુલુગ ખ્વાજા મંગોલ સેનાપતિ બે લાખની સેના લઈને ભારત આવી ગયો. દિલ્હીથી છ કિ.મી. નજીક જ શિબિર નાખી. અલાઉદ્દીન ખીલજીએ તેનો સામનો કર્યો. લગભગ પાંચ દિવસ યુદ્ધ ચાલ્યું. આ વખતે અલાઉદ્દીને જે કુશળતા, મક્કમતા અને બહાદુરીથી મંગોલો સામે લડાઈ કરી તે દાદ આપવા જેવી છે. અંતે મંગોલો ભાગી ગયા. દિલ્હી બચી ગયું.
10. મંગોલ સરદાર તરગી ફરીથી દિલ્હી ઉપર ધસી આવ્યો. ત્યારે સુલતાન ચિત્તોડના યુદ્ધમાં રોકાયેલો હતો તે તરત જ ઝડપથી દિલ્હી પહોંચ્યો. અને મંગોલોને ભગાડી દીધા.
11. ફરીથી અલીબેગ, તરતાક અને તરગી એમ ત્રણે સરદારો મળીને મંગોલસેના સાથે ભારત ચઢી આવ્યા. અલાઉદ્દીને હિન્દુસેનાપતિ નાયકને સેના લઈને સામે મોકલ્યો. મંગોલો હાર્યા, અલીબેગ અને તરતાકને બંદી બનાવ્યા.
12. હારનો બદલો લેવા ફરી પાછા મંગોલો ચઢી આવ્યા. આ વખતે સુલતાને મલિક કાફૂરને સામનો કરવા મોકલ્યો. મંગોલો હાર્યા. તેના સેનાપતિને બંદી બનાવ્યો. મંગોલ સેનાપતિ કલકને દિલ્હી લાવી મારી નાખ્યો. તેના લોહી તથા હાડકાંનો ઉપયોગ કિલ્લો ચણવામાં કર્યો. મંગોલ સૈનિકોને હાથીના પગ નીચે કચડાવી નાખ્યા.
બસ, હવે મંગોલોના ત્રાસથી પ્રજા મુક્ત થઈ ગઈ. આ પછી તેમણે કદી ભારત ઉપર હુમલા ન કર્યા. આ એક જ કાર્ય માટે અલાઉદ્દીન ખીલજીને ધન્યવાદ ઘટે. તેની બીજી પ્રવૃત્તિનાં વખાણ ન થાય પણ કદાચ બીજા રાજાઓ આ મંગોલોના ત્રાસથી ભારત અને ભારતની પ્રજાને બચાવી શક્યા ન હોત. હવે ખેડૂતો નિર્ભય થઈને ખેતી કરવા લાગ્યા.
યાદ રહે, અહીં પ્રત્યેક વાર સુલતાને સફળતાપૂર્વક સામે ચાલીને પ્રત્યાક્રમણ કર્યું હતું. જો તે કિલ્લા સુધી આવવાની રાહ જોઈને બેસી રહ્યો હોત તો મંગોલો દિલ્હી તથા ભારતને ધમરોળી નાખત. પ્રત્યાક્રમણથી રક્ષા થઈ.
આ રીતે લગભગ 200 વર્ષ સુધી ભારત વિદેશીઓથી રક્ષિત રહ્યો. મુસ્લિમો ભારતના રાજાઓ તથા પોતાના સરદારોના વિદ્રોહો સાથે લડતા રહ્યા. પણ બહારથી કોઈએ ભારત ઉપર ચઢી આવવાની હિંમત ન કરી આ જમા પાસું હતું.
13. ઈ. સ. 1525માં મોગલ બાબર ભારત ઉપર ચઢી આવ્યો. પહેલીવાર તે તોપો લઈને આવ્યો હતો. તેની પાસે માત્ર આઠ જ હજાર સૈનિકો હતા. જ્યારે ઇબ્રાહિમ લોદી પાસે એક લાખ સૈનિકો હતા. પાણીપતના મેદાનમાં બન્ને સેનાઓ લડી. જોતજોતામાં બાબરની તોપોએ અને કુશળ રણનીતિએ લોદીના એક લાખ સૈનિકોનો કચ્ચરઘાણ વાળી નાખ્યો. લોદી હારી ગયો. 1192માં પૃથ્વીરાજને હરાવીને શહાબુદ્દીન ગોરીએ જે મુસ્લિમ રાજસ્થાપના કરી હતી તે 1526માં બાબરે સમાપ્ત કરી દીધી અને મોગલવંશની સ્થાપના કરી દીધી. જે કામ બાબર કરી શક્યો તે આપણે ન કરી શક્યા. અર્થાત્ લોદીવંશની સમાપ્તિ ન કરી શક્યા.
14. ઈ. સ. 1739માં ઈરાનનો બાદશાહ નાદીરશાહ દિલ્હી ઉપર ચઢી આવ્યો. ઔરંગઝેબ પછી મહમ્મદ શાહ દિલ્હીનો બાદશાહ હતો. તેણે 20 કરોડ આપીને સંધિ કરી, તે નાદીરશાહને મળવા તેની છાવણીમાં ગયો. તેને બંદી બનાવી લીધો. નાદીરશાહે પોતાને દિલ્હીનો બાદશાહ જાહેર કરી દીધો. તેણે તા. 11-3-1739ના રોજ કત્લેઆમનો હુકમ આપ્યો અને સાંજ સુધીમાં ત્રીસ હજાર માણસો કાપી નાખ્યા. દિલ્હી સળગાવી દીધું. મયૂરાસન વગેરે લૂંટી લીધું. 348 વર્ષમાં જે સંપત્તિ દિલ્હીમાં ભેગી થઈ હતી તે ઈરાનીઓએ લૂંટી લીધી. 57 દિવસ નાદીરશાહ દિલ્હીમાં રહ્યો. મુહમ્મદ શાહને મુક્ત કરીને તે પાછો ઈરાન ચાલ્યો ગયો. આ બાદશાહ યોગ્ય ન હતો. તેથી મોગલોની પડતી થઈ અને વારંવાર હાર થવા લાગી.
આ બધું લખવા પાછળ મારો હેતુ પરદેશીઓનાં ભારત ઉપરનાં થનારાં આક્રમણો અને તેના પ્રતિકારમાં આપણા તરફથી આક્રમણ કે પ્રત્યાક્રમણ ન થવાથી દેશની રક્ષા ન થઈ શકી તે બતાવવાનો છે. આપણે આરબ, ઈરાન કે ગઝની ઉપર આક્રમણ ન કર્યાં. ન પ્રત્યાક્રમણ કર્યાં. તેથી દેશ આક્રાન્તાઓના હાથે રગદોળાતો રહ્યો. કારણ શું? મારી દૃષ્ટિએ ઇસ્લામના ચિંતન અને આપણા ચિંતનનો ભેદ કારણ છે. જે આક્રમકતા ઇસ્લામ આપે છે તે બૌદ્ધ-જૈન-હિન્દી ત્રણનું સંયુક્ત ચિંતન નથી આપતું. આપણે ખૈબર બોલનઘાટ પાર કરીને પેલી તરફ ન ગયા. તેથી પેલા અહીં આ તરફ આવ્યા. અહીંનાં મંદિરો સોનાથી ઊભરાતાં હતાં તેની ચમક ત્યાં સુધી પહોંચી. ગઝનવીને તો સોના કરતાં પણ મંદિર-મૂર્તિઓ તોડવામાં વધુ આકર્ષણ હતું. તેનાં સત્તર આક્રમણોમાં તે કદી હાર્યો નહિ. જો આપણે પહેલેથી જ ગઝનીને ધમરોળ્યું હોત તો તે અહીં ન આવ્યો હોત. અરે, પછી પણ પ્રત્યાક્રમણ કર્યાં હોત તોપણ ઘણું બચી જાત. પણ એવું ન થયું. કારણ કે ચિંતન જ એવું હતું. આક્રમણ નહિ, પ્રત્યાક્રમણ પણ નહિ, રક્ષિતજીવન, શસ્ત્રોની ઉપેક્ષા, ત્યાગ-વૈરાગ્ય અને મોક્ષની વાતો, પલાયનવાદ—આ બધું મળીને આપણને હરાવતાં રહ્યાં. કારણ કે આક્રમણ કે પ્રત્યાક્રમણ વિનાના આપણે હતા.
અત્યાર સુધી જે હુમલા થયા તે ખૈબર બોલનના રસ્તે થયા. હવે સમુદ્ર તરફ જોઈએ.
16. વાસ્કો-ડી-ગામા નવ મહિનાની ભારે સાહસભરી સમુદ્રયાત્રા કરીને 22-5-1498ના રોજ તે કાલીકટ પહોંચ્યો. કેરલમાં ત્યારે ત્રણ રાજાઓ રાજ કરતા હતા. 1. કાલીકટમાં ઝામોરીન, કોચીન અને ત્રાવણકોરમાં ક્ષત્રિયવંશના રાજાઓ હતા. આ બન્ને ઝામોરીનને શૂદ્ર માનીને તિરસ્કાર કરતા હતા. આ કુસંપનો લાભ ગામાએ લીધો. તેણે ઝામોરીનનો પક્ષ લીધો. મસાલાઓ ભરીભરીને પોતાનાં ચાર જહાજો લઈને તે પાછો પોર્ટુગીઝ ચાલ્યો ગયો. તેનાં બે જ વર્ષ પછી પેડ્રો અલવેરેજ 13 મોટાં જહાજો લઈને ભારત ચઢી આવ્યો. તેનાં જહાજોમાં તોપો જોડેલી હતી. ત્યારે આ સમુદ્ર ઉપર આરબોનું નિયંત્રણ હતું. કેરલમાં આરબ વ્યાપારીઓ વસી ચૂક્યા હતા. (આજે મોપલા જિલ્લો તેમનો ગણાય છે.) પેડ્રો આરબોનો નાશ કરી વ્યાપાર પોતાના હાથમાં લેવા માગતો હતો. આપણે તો મહત્ત્વાકાંક્ષા વિનાના સમુદ્રથી અભડાઈને સમુદ્રથી દૂર રહેતા હતા. ધરતી ઉપરના રાજ્યથી જ સંતોષ હતો. પેડ્રોએ આરબોનું દમન શરૂ કર્યું.
17. ઈ.સ. 1503માં ઓલ્ફોન્સો અલબુકર્ક ચઢી આવ્યો. તેણે કોચીનના રાજાને પોતાના પક્ષમાં લઈને ઝામોરીનના મહેલને આગ લગાડી દીધી. સમુદ્રકિનારો પડાવી લીધો. કિલ્લો બનાવી લીધો. બીજાપુરના નવાબ પાસેથી ગોવા પડાવી લીધું. તેને કેન્દ્ર બનાવ્યું. દીવ, દમણ, પોંડિચેરી વગેરે સમુદ્રકિનારાનાં કેટલાંય બંદરો પડાવી લીધાં અને સત્તા સ્થાપી દીધી.
પ્રશ્ન એ થાય છે કે પેલા જે સમુદ્ર રસ્તે અહીં આવ્યા તે રસ્તે આપણે જહાજોનો મોટો કાફલો લઈને યુરોપ કેમ ન પહોંચ્યા? જો આપણે ત્યાં ગયા હોત તો પેલા અહીં ન આવત. આપણે પહેલું આક્રમણ ન કર્યું. પછી પ્રત્યાક્રમણ પણ ન કર્યું. કારણ કે આપણને એવી મહત્ત્વાકાંક્ષા જ ન હતી. ચિંતન જ એવું ક્યાં હતું? પ્રત્યાક્રમણ પણ ન કર્યું એટલે ગુલામ થઈ ગયા.
કેટલાક લોકો કહે છે કે વાસ્કો લૂંટારો હતો. ડાકુ હતો. વગેરે. પ્રશ્ન એ થાય છે કે તે કાંઈ દાન-ધર્માદા કરવા ભારત નહોતો આવ્યો. તે તો ચોર-ડાકુ હતો, પણ આપણે કેમ લૂંટાયા? તે સફળ કેમ રહ્યો? શું આપણે સંત-સજ્જન હતા તેથી લૂંટાયા કે પછી નમાલા હતા? દૂરંદેશી ન હતા? પોતાના પક્ષની દુર્બળતાઓ સ્વીકારીએ તો ભવિષ્ય સુધરે.
18. પોર્ટુગીઝો પછી ઈ.સ. 1602માં ડચો આવ્યા. હવે રસ્તો ખૂલી ગયો હતો. તેમણે મદ્રાસ તરફ કોઠીઓ સ્થાપી.
19. પોર્ટુગીઝો પછી, સો વર્ષ પછી, ભારતમાં અંગ્રેજો આવ્યા. યાદ રહે એ રસ્તે આપણે ક્યાંય ગયા ન હતા. ચિંતન જ એવું હતું. કોઈ ધર્મ સમુદ્ર ખૂંદી વળવા અને દૂર-દૂર સુધી ભારતનો ધ્વજ લહેરાવવાની પ્રેરણા આપતો ન હતો, બધા મોક્ષ તરફ લોકોને વાળતા હતા અને સમુદ્રથી અભડાવાતા હતા. વળી પાછું અંગ્રેજો કંપની બનાવીને વ્યાપાર કરવા આવ્યા. ઇંગ્લૅન્ડનો રાજા આવ્યો ન હતો. કંપનીના નોકરો આવ્યા હતા.
20. અંગ્રેજોએ ડચોને ભારતમાંથી ભગાડી મૂક્યા (આપણે નહિ) ડચો ઇન્ડોનેશિયા તરફ ચાલ્યા ગયા. અંગ્રેજોએ ક્રમેક્રમે પૂરા ભારત ઉપર સત્તા જમાવી દીધી.
21. ઈ.સ. 1746થી 1885 સુધીનાં 140 વર્ષ સુધી અંગ્રેજો સતત યુદ્ધો કરતા રહ્યા. માત્ર કંપનીના નોકરો. આ રીતે વતનથી દશ હજાર માઈલ દૂર આવાં યુદ્ધો કરે, જીતે, રાજ કરે અને પાંચ વર્ષ પૂરાં કરીને વાઇસરોય પાછો ચાલ્યો જાય. (ગાદી પચાવી ન પાડે) તે નવાઈની જ વાત કહેવાય. અંગ્રેજ પ્રજાની ડિસિપ્લિન અને મોરલ દાદ માગી લે તેવું કહેવાય. છેક કાબુલથી રંગૂન અને લ્હાસાથી કોલંબો સુધીનો વિશાળ પ્રદેશ તેમણે કબજે કરી ભારતમાં જોડી દીધો. પહેલી વાર આ પ્રદેશ આક્રમણોથી મેળવ્યો હતો. કંપનીના નોકરો કઈ પ્રેરણાથી આટલાં યુદ્ધો કરતા રહ્યા અને દેશને વિશાળ અને શત્રુના ભયથી મુક્ત કરતા રહ્યા તે ઇતિહાસના વિદ્યાર્થીએ જાણવું જોઈએ. આપણે આવાં આક્રમણો કેમ ન કર્યાં? અરે પ્રત્યાક્રમણો પણ કેમ ન કર્યાં.
જેણે આ બધાં યુદ્ધોની વિગત જાણવી હોય તેણે મારાં ઇતિહાસ સંબંધી બે પુસ્તકો (ભારતીય યુદ્ધોનો સંક્ષિપ્ત ઇતિહાસ અને ભારતમાં અંગ્રેજોનાં યુદ્ધો) જરૂર વાંચવાં. સિકંદર, નેપોલિયન વગેરે રાજાઓ હતા. તેઓ પોતાના માટે કે પોતાના વારસદારો માટે વિશ્વયુદ્ધો કરતા હતા. જ્યારે આ તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નોકરો હતા. આ યુદ્ધોથી તેમને કે તેમના વારસદારોને ભવિષ્યનો કોઈ લાભ ન હતો. શા માટે શાંતિથી હિમાલયમાં બેસીને ધ્યાન કરવા ન લાગ્યા? હા, તેઓ હિમાલય ગયા, પણ હિલસ્ટેશનો (સિમલા વગેરે) બનાવી સારી રીતે રાજ ચલાવવા ગયા.
22. ભારતને સંપૂર્ણ સુરક્ષિત બનાવવા અંગ્રેજોએ અફઘાનો સાથે ત્રણ યુદ્ધો કર્યાં.
પ્રથમ અફઘાનિસ્તાન ઉપર 1839માં અંગ્રેજોએ હુમલો કર્યો. કારણ કે અફઘાનિસ્તાનનો બાદશાહ દોસ્તમહમદ રશિયાના પ્રભાવમાં ચાલ્યો ગયો હતો અને ભારતના સીમાડા માટે તે બહુ ચિંતાનો વિષય હતો. રશિયાને દૂર રાખવા અંગ્રેજોએ આક્રમણ કર્યું અને સફળ રહ્યા. હવે ખૈબર – બોલનવાળો માર્ગ રક્ષિત થઈ ગયો. ભારતની રક્ષા થઈ.
23. અફઘાનિસ્તાનના પ્રથમ યુદ્ધ પછી બીજા યુદ્ધની ઘડી આવી. રશિયા સીમાડા વધારી રહ્યું હતું. તે છેક અફઘાનિસ્તાન સુધી પહોંચી ગયું હતું. તેને રોકવા ગવર્નર-જનરલ લીટનના સમય કાળમાં 20-11-1878ના રોજ લીટનની ત્રણ સેનાઓ અફઘાનિસ્તાન ઉપર હુમલો કરવા આગળ વધી. અફઘાનિસ્તાનનો શાસક શેરઅલી ગભરાઈ ગયો અને રશિયા તરફ ભાગી ગયો. અંગ્રેજોએ તેના પુત્ર યાકુબખાં સાથે સંધિ કરી, રશિયાનો પ્રભાવ સમાપ્ત કર્યો. પણ થોડા જ સમયમાં અંગ્રેજ એલચીને હિંસક ટોળાંએ મારી નાખ્યો. અંગ્રેજો રોષે ભરાયા. ફરી બીજી સેના મોકલી અને યાકુબખાંની જગ્યાએ શેરઅલીના ભત્રીજા અબ્દુલ રહેમાનને નવો અમીર બનાવી પોતાને અનુકૂળ કરી લીધો.
અંગ્રેજોએ જો આ બીજું આક્રમણ ન કર્યું હોત તો રશિયા છેક પંજાબ સુધી આવી જાત. અફઘાનિસ્તાનના અમીર હબીબુલ્લાહની હત્યા ધર્મઝનૂની લોકોએ કરી નાખી. હબીબુલ્લાહ સુધારાવાદી હતો. પેલા ધર્મઝનૂનીઓને તે પસંદ ન હતું. તેથી તેની હત્યા કરી નાખી. અફઘાનિસ્તાનમાં અરાજકતા ફેલાઈ ગઈ. આ તકનો લાભ રશિયા વગેરે દેશો લેવા માગતા હતા. આવા સમયે અમીર તરીકે અમાનુલ્લા આવ્યો. તેણે દસ વર્ષ શાસન ચલાવ્યું પણ પછી તેણે અંગ્રેજોનો વિરોધ કરવા માંડ્યો, તે રશિયા સાથે સંધિ કરવા માગતો હતો. અંગ્રેજોએ ખૈબરઘાટથી સેના મોકલી, 1919માં અફઘાનો સાથે ત્રીજું યુદ્ધ શરૂ થઈ ગયું. હવે હવાઈ જહાજો આવી ગયાં હતાં. અંગ્રેજોએ લડાકુ હવાઈ જહાજ દ્વારા કાબુલ ઉપર બોમ્બમારો શરૂ કર્યો. ધર્મઝનૂની ટોળાં કાબુલ છોડીને ભાગવા માંડ્યાં. અંતે અફઘાનો થાક્યા અને હાર્યા. 1919માં રાવલપીંડીમાં સંધિ થઈ. જો આ ત્રણ આક્રમણો અંગ્રેજોએ ન કર્યાં હોત તો રશિયા ભારત ઉપર ચઢી આવત. અંગ્રેજો રહ્યા ત્યાં સુધી કદી અફઘાનોએ ફરી ઉત્પાત મચાવ્યો નહિ.
આક્રમણ જ રક્ષાનું પ્રથમ સાધન છે, તે સિદ્ધ થયું. ઉત્તર-પશ્ચિમ ભારતની સીમાઓ સુરક્ષિત થઈ ગઈ.
હવે નેપાળે પ્રશ્નો ઊભા કર્યા હતા તે ભારત તરફ સીમાડા વધારતું હતું. તેને રોકવું જરૂરી હતું.
25. ઈ.સ. 1801માં અંગ્રેજોએ આક્રમણ કરીને ગુરખાઓ પાસેથી ગોરખપુર જિલ્લો લઈ લીધો.
ઈ.સ. 1814માં લોર્ડ હેિસ્ટંગ્સે ફરી પૂરી લડાઈ શરૂ કરી. ચારેતરફથી અંગ્રેજી સેના નેપાળમાં દાખલ થઈ. અને 1815માં ગુરખાઓએ હાર માની લીધી. પણ સંધિ સફળ ન રહી તેથી ફરી યુદ્ધ ચાલુ થયું. 28-2-1816ના રોજ અંગ્રેજોએ કાઠમંડુ લઈ લીધું. હવે નેપાળીઓ પૂરા હારી ગયા અને પહેલી કરેલી સંધિનું પાલન કરવા તૈયાર થયા.
આ સંધિ દ્વારા નેપાળ તરફથી અને તેની ઉત્તરે તિબેટ-ચીન તરફથી ભારત સુરક્ષિત થઈ ગયું.
26. ભારતની છેક પૂર્વમાં બર્મા રાજ્ય હતું. બર્મા સૈનિક રાજ્ય હોવાથી તે અવાર-નવાર પાડોશીઓ ઉપર આક્રમણ કરતું રહેતું. તેણે ભારત ઉપર હુમલો કરી દીધો. ચિતાગોંગ પાસેનો શાહીપુર નામનો બેટ લઈ લીધો. તે સેના આગળ વધવા લાગી ત્યારે ગવર્નર જનરલ આર્મહસ્ટ હતો તેણે તુરત જ પ્રત્યાક્રમણનો હુકમ કર્યો. બર્મી સેનાએ, આસામ જીતી લીધું હતું. 1824માં અંગ્રેજોએ યુદ્ધ શરૂ કરી દીધું. ભારે ખુવારી વેઠીને અંગ્રેજોએ શાહી બેટ પાછો મેળવી લીધો. એકસાથે ત્રણ ક્ષેત્રોમાં અંગ્રેજોએ પ્રત્યાક્રમણ કર્યાં : 1 આસામમાં, 2. અરાકાન – ચિતાગોંગમાં અને 3. રંગૂનમાં. અંગ્રેજોએ આસામ પાછું લઈ લીધું. અરાકાનમાં બર્મી સેનાપતિ મહાબંદુલા ભારે બાહોશ અને જબરો હતો, તેણે બ્રિટિશ સેનાને હરાવી દીધી. આવા સમયે અંગ્રેજોએ ચુપચાપ એક મોટી નૌસેના રંગૂન બંદરે મોકલી અને તોપોના ગોળા છોડવા માંડ્યા. ત્યારે રંગૂન રેઢું હતું. આ તકનો લાભ અંગ્રેજોએ ઉઠાવ્યો. તેમણે રંગૂન લઈ લીધું. બ્રિટિશ સેના ઇરાવતી નદીના સહારે આગળ વધી. બંદુલા હેરાન થઈ ગયો. તે સેના લઈને પાછો ફર્યો. રંગૂન બચાવવું જરૂરી હતું. બંદુલા અને અંગ્રેજો વચ્ચે રંગૂન આગળ લડાઈ થઈ પણ બંદુલા હારી ગયો. અને ભાગી ગયો. અંગ્રેજોએ પૂરેપૂરો વિજય મેળવી બર્માને કાયમી રીતે આધીન કરી લીધું. આ રીતે પૂર્વતરફનાં આક્રમણોથી ભારતની રક્ષા થઈ. જો અંગ્રેજોએ જોરદાર પ્રત્યાક્રમણ ન કર્યું હોત તો ભારતનો ઘણો પૂર્વનો ભાગ બર્મા ગળી ગયું હોત.
27. બર્માનું બીજું યુદ્ધ 1852માં થયું.
બર્માના પ્રથમ યુદ્ધ વખતે જે સંધિ થઈ હતી તેને બર્મી સરકાર તોડવા માંડી. અંગ્રેજ વ્યાપારીઓની કનડગત શરૂ થઈ. આ વ્યાપારીઓએ ગવર્નર જનરલ ડેલહાઉસીને ફરીયાદ કરી. ગવર્નરે કેપ્ટન લેમ્બર્ટને બે યુદ્ધ જહાજો સાથે રંગૂન મોકલ્યો. તેણે રંગૂનથી દૂર રહીને બધાં અંગ્રેજ બાળબચ્ચાંને જહાજ ઉપર બોલાવી લીધાં. તરત જ ગોળા દાગવા માંડ્યા. બર્માના મહારાજાનું જહાજ બંદરમાં ઊભું હતું તે હાઇજેક કરી તેમાં અંગ્રેજ વ્યાપારીઓને શરણ આપી દૂર સમુદ્રમાં મોકલી દીધા. યુદ્ધજહાજો ભયંકર તોપમારો કરી રહ્યાં હતાં, તેવામાં જનરલ ગાડવિન એક મોટી સેના લઈને રંગૂન પહોંચી ગયો. 11-4-1852ના રોજ યુદ્ધ ચાલુ થઈ ગયું. અંગ્રેજોએ ઘણો પ્રદેશ જીતી લીધો. ‘લોઅર બર્મા’ નામનો નવો પ્રાન્ત બનાવ્યો. રંગૂનને રાજધાની બનાવી. આ રીતે છેક પૂર્વમાં અંગ્રેજોએ ભારતની સુરક્ષા નિશ્ચિત કરી દીધી. અંગ્રેજોએ જો આ આક્રમણો ન કર્યાં હોત તો શું થાત? તો બર્મા છેક બંગાળ સુધીનો પ્રદેશ હડપ કરી જાત.28. બર્માનું તૃતીય યુદ્ધ
ઈ. 1886. અંગ્રેજોએ દ્વિતીય બર્મા યુદ્ધમાં બર્માના બે ભાગ કરીને લોઅર બર્માનો પ્રાંત બનાવી દીધો હતો. હવે અપર બર્માનો વારો હતો, ત્યાંથી પૂર્વી ભારત ઉપર હુમલો થવાનો ભય હતો, ત્યારે ગવર્નર-જનરલ ડફરીન હતો. અપર બર્મામાં થીબો રાજ કરતો હતો. તેણે ફ્રાંસ સાથે ગાઢ સંબંધો વધારવા માંડ્યા. ડફરીન ચમક્યો. તેણે તરત જ રંગૂનથી ઇરાવતી નદીના રસ્તે અપર બર્માની રાજધાની માંડલે સેના મોકલી. યુદ્ધ વિના જ માંડલે કબજે થઈ ગયું. તેણે થીબાને પકડીને રત્નાગીરી મોકલી દીધો, જ્યાં તેનું મૃત્યુ થઈ ગયું. હવે પૂરા બર્મા ઉપર અંગ્રેજોની સત્તા સ્થાપિત થઈ ગઈ. જો અંગ્રેજોએ આ આક્રમણ ન કર્યું હોત તો બર્મામાં ફ્રાંસ પેસી જાત અને ભારતની સુરક્ષાને હાનિ થાત. હવે રંગૂનથી કાબુલ સુધી કોઈ ભય ન રહ્યો. આ રીતે રાષ્ટ્રની રક્ષા થતી હોય છે.29. તિબેટ યુદ્ધ
ઈ. 1904 હિમાલયનાં ત્રણ રાજ્યો નેપાળ, ભુતાન અને સિક્કિમ ઉપર અંગ્રેજોનો પૂરેપૂરો પ્રભાવ થઈ ગયો હતો. નેપાળથી ઉત્તરમાં તિબેટની સમીપમાં બે મોટાં રાષ્ટ્રો હતાં. રશિયા અને ચીન. રશિયાને દૂર રાખવા અંગ્રેજોએ ચીનને મહત્ત્વ આપ્યું. લોર્ડ કર્ઝનને દિલ્હીમાં બેઠાં બેઠાં દેખાયું કે પામીરની પર્વતશૃંખલાઓ ઉપરથી રશિયનો તિબેટ તરફ હાથ લંબાવી રહ્યા છે. તેમને દૂર રાખવા જોઈએ. કર્ઝને એક પત્ર લઈને દૂતને લ્હાસા દલાઈ લામા પાસે મોકલ્યો. જેથી વાટાઘાટો માટે તે દૂત મોકલે. દલાઈ લામાએ પત્ર ખોલ્યો પણ નહિ અને દૂતને પાછો વાળી દીધો. કર્ઝને ફરી પત્ર મોકલ્યો પણ કાંઈ નહિ. તિબેટ રશિયા તરફ ઝૂકી રહ્યું હતું. ઝાર સાથે વારંવાર મંત્રણાઓ થતી હતી, અંગ્રેજો સાવધાન થઈ ગયા. તેમણે સેના મોકલી તિબેટ ઉપર આક્રમણ કરી દીધું. 1904માં લ્હાસા કબજે કરી લીધું. કઠોર શરતો સાથે સંધિ થઈ. જોકે બ્રિટિશ સરકારે તે શરતો ઢીલી કરાવી. વિજયી અંગ્રેજો હજી પાછા કલકત્તા પહોંચ્યા પણ ન હતા ત્યાં તો ચીની સેનાએ લ્હાસા કબજે કરી લીધું. અંગ્રેજો ફરી લ્હાસા આવ્યા અને ચીન સાથે સંધિ કરી, જેમાં અંગ્રેજોનું એક થાણું કાયમ માટે લ્હાસામાં સ્થાપવાનું થયું. 1947માં દેશ આઝાદ થયો ત્યાં સુધી આ થાણું હતું. પણ પછી ચીન-મૈત્રીની ઘેલછામાં પં. નહેરુજીએ આ થાણું ઉઠાવી લીધું. સરદાર સાહેબે સખત વિરોધ કરેલો. પણ નહેરુ માન્યા નહિ. હવે ચીન છેક લદાખ અને નેફાની સીમા સુધી પહોંચી ગયું અને ભારતના વિશાળ ભૂભાગ ઉપર અધિકાર બતાવવા માંડ્યું. આપણે તેને દૂર રાખી શક્યા નહિ. આપણે તો આક્રમણ ન કરી શક્યા, પણ અંગ્રેજોએ જે મેળવેલું અને આપણને આઝાદીના વારસામાં આપેલું એ પણ સાચવી શક્યા નહિ. હવે ચીન આપણી છાતી ઉપર બેસી ગયું છે.30. ભુતાન યુદ્ધ ઈ. 1869
ભુતાને આસામ જતા બધા રસ્તાઓ કબજે કરી લીધા. જેથી આસામનો સંપર્ક તૂટી જાય તેવી સ્થિતિ થઈ. અંગ્રેજોએ તરત જ સેના મોકલી, પર્વતીયક્ષેત્રમાં ભારે પડ્યું. પણ અંતે અંગ્રેજો જીત્યા અને બધા રસ્તા પાછા મેળવ્યા. દાજિર્લિંગ, સીલીગુડી જલપાઈગુડી વગેરે પ્રદેશો આ વિજયથી ભારતમાં ભળ્યા. વિચાર કરો. આક્રમણ ન કર્યું હોત તો પૂર્વ ભારત ગુમાવવું જ પડત. આવું જ સિક્કિમ સાથે પણ યુદ્ધ કરીને અગવડને દૂર કરી રાજકીય સગવડો મેળવી.આવી રીતે ભારતની ચારે તરફ યુદ્ધો કરી કરીને અંગ્રેજોએ ભારતને સુરક્ષિત કર્યું. આઝાદી પછી આ બધું આપણે સાચવી ન શક્યા. જેથી ભારત અસુરક્ષિત થઈ ગયું છે.
31. પીંઢારા યુદ્ધ—1817-18. દેશના સીમાડાને સુરક્ષિત કરવા જેટલી જ જરૂર અંદરના ભાગોને શાંત કરવાની હોય છે. તે સમયે દેશી રજવાડાંઓની સેનામાંથી છૂટા થયેલા પઠાણો—બલોચો આરબો વગેરે પીંઢારા થઈ ગયા હતા. હજારોનાં ટોળાં બેફામ રીતે લોકો ઉપર ત્રાટકતાં. લૂંટફાટ અને બળાત્કારો કરી પ્રજાને ત્રાહિ-ત્રાહિ કરી મૂકતાં. કોઈ રજવાડું તેમને રોકી શકતું નહિ. આ વખતે લોર્ડ હેસ્ટંગ્સિ ગવર્નર જનરલ હતો, તેણે નિશ્ચય કર્યો કે પીંઢારાઓ-નો મૂળમાંથી નાશ કરવો. તેણે એક લાખ ને તેર હજારની સેના તૈયાર કરી. 300 તોપો આપી. સેનાને બે-ત્રણ ભાગમાં વહેંચી. ઉત્તરી સેનાનું નેતૃત્વ તેણે પોતે લીધું. ચારે તરફથી ખદેડતા-ખદેડતા પીંઢારાઓને ચંબલના એવા ક્ષેત્રમાં લઈ આવ્યા, જ્યાં તેમનો સર્વનાશ કરી નાખ્યો. પીંઢારાઓના ચાર સરદારો હતા. 1. વાસીબ મોહમ્મદ, 2. આમીરખાન, 3. કરીમખાન અને ચિત્તુ. ચિત્તુને ચિત્તાઓએ ફાડી ખાધો. આમીરખાનને ટોંકની જાગીર આપી કાયમી દાસ બનાવી લીધો. બાકીના બેને મારી નાખ્યા. પ્રજા પીંઢારાઓના ત્રાસથી મુક્ત થઈ ગઈ. હવે શાંતિથી ખેતી કરવા લાગી. અંગ્રેજોએ આ કામ ન કર્યું હોત તો ભારતની પ્રજા કદી સુખી ન થઈ શકી હોત. અંગ્રેજોના આ પીંઢારાનાશના એક જ કામ માટે ભારતની પ્રજા જેટલો આભાર માને તેટલો થોડો.
આઝાદી પછી પૂર્વ ભારતમાં નક્સલવાદ, માઓવાદ વગેરે સંગઠનો હાહાકાર મચાવી રહ્યાં છે. સરકાર કશું કરી શકતી નથી, અંગ્રેજોના આ પીંઢારાયુદ્ધમાંથી પ્રેરણા લઈને મક્કમ ઇચ્છાશક્તિથી ચારેતરફથી આક્રમણ કરીને તેમનો નિવેડો લાવી શકાય. પણ ‘વો દિન કહાં કિ મિયાં કે પાંવમેં જૂતિયાં.’
આટલો લાંબો ઇતિહાસ મારે એટલા માટે લખવો પડ્યો કે આક્રમણનું મહત્ત્વ લોકો સમજી શકે. શત્રુ ઉપર પ્રથમ આક્રમણ કરીને કે પછી પ્રત્યાક્રમણ કરીને જ તમે દેશની રક્ષા કરી શકો. અહિંસાની તાલીઓ વગાડીને નહિ. અંગ્રેજો સુધી ભારત ઉપર ચઢી આવનારા એક એકથી ચઢિયાતા તેથી પૂર્વવર્તીને હરાવીને રાજ કરતા રહ્યા. અંગ્રેજો પછી ફરી પાછા આપણે આવ્યા અને દેશની કેવી રક્ષા કરી તે જુઓ આગળ. *
Leave A Comment