જે વ્યક્તિ કે પ્રજા અન્યાય-અત્યાચારનો સામનો કરતી નથી અથવા બદલો લેતી નથી તે વારંવાર અન્યાય-અત્યાચારનો ભોગ બનતી રહે છે. પ્રાચીન કાળમાં અન્યાય-અત્યાચાર કરનારાઓને રાક્ષસ કે દૈત્ય કહેવાતા હતા. જો પ્રાચીન કથાઓ સત્ય હોય તો ભારતભૂમિ ઉપર પહેલાં ઘણા રાક્ષસો કે દૈત્યો રહેતા હતા અને તેમનાથી આર્ય પ્રજા ભારે ત્રસ્ત હતી. આ ત્રાસથી ત્રાણ મેળવવા દુખિયારા લોકો ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરતા રહેતા. જે કામ પોતાના પુરુષાર્થથી ન થઈ શકે તે કામ પૂરું કરવા પ્રાર્થના સહાયક બને છે. જો બધાં જ કાર્યો પોતાના પુરુષાર્થથી થઈ જતાં હોત તો પ્રાર્થનાની જરૂર રહેત નહિ. પણ માણસની સીમા છે. તે ગમે તેટલો સમર્થ હોય તોપણ સીમા બહારનું કામ કરી શકતો નથી. માનવીય સીમા વ્યક્તિ દીઠ અલગ-અલગ હોય છે. તેની ક્ષમતાની દૃષ્ટિએ માણસ-માણસ એકસરખા નથી હોતા. ઉત્તમ પ્રજા તે કહેવાય, જે પોતાની સર્વોચ્ચ ક્ષમતાવાળી યોગ્ય વ્યક્તિને નેતા બનાવે. જે પ્રજા પોતાના સર્વોચ્ચ યોગ્ય ક્ષમતાવાળા નેતાની ઉપેક્ષા કરીને જાતિ, વર્ણ કે પરિવારના મોહમાં અધમ કક્ષાના માણસને નેતા બનાવે છે તે પોતે જ પોતાના ભવિષ્યને અંધકારમય બનાવતી રહે છે.

ધર્મ અન્યાય-અત્યાચાર કરવાનું ન શિખવાડે; છતાં એ પણ સત્ય છે કે ધર્મના નામે પારાવાર અત્યાચારો થયા છે અને થઈ રહ્યા છે. પણ ધર્મ અન્યાય-અત્યાચારનો સામનો કરવાનું તથા અત્યાચારીને દંડ દેવાનું તો જરૂર શિખવાડે. જો ધર્મ આટલું પણ ન શિખવાડે તો પ્રજા જેમજેમ વધુ ને વધુ ધર્મનું પાલન કરતી થાય તેમતેમ વધુ ને વધુ અત્યાચારનો ભોગ બનતી જાય. ધર્મથી પ્રજામાં ન્યાય, દયા, કરુણા, ઉદારતા, સેવા વગેરે ઘણા સદ્ગુણો આવતા હોય છે, પણ આ ગુણોની સાથે પરાક્રમ અને શૌર્ય જેવા મુખ્ય ગુણ પણ ધર્મથી જ આવતા હોય છે. જો ધર્મ દ્વારા પરાક્રમ અને શૌર્યનો ગુણ ન આવે અને તેના બદલે ડહાપણભરી કાયરતા આવે તો સમજવું કે ધર્મ પ્રજાને માર ખાતી કરી દેશે. માર ખાતી પ્રજા કદી ખુમારીવાળી ન હોય. અને ખુમારી વિનાનું જીવન સોનેમઢ્યું હોય તોપણ વિધવા સ્ત્રી જેવું લાચાર અને ઓશિયાળું હોય.

સૂરજ રોજ ઊગે છે, પણ તે સૌના માટે સરખો નથી હોતો. કોઈના માટે તે સોનાનો થઈને ઊગે તો કોઈના માટે તે યમરાજ કે શેતાન થઈને ઊગે છે. તે દિવસે ભારતમાં – ખાસ કરીને પંજાબમાં સૂરજ યમરાજ થઈને ઊગ્યો. 13-4-1919નો સૂરજ કાળો મેશ જેવો—સાક્ષાત્ યમરાજનું રૂપ ધારણ કરીને ઊગ્યો. અમૃતસરના જલિયાંવાલાબાગમાં હજારો પંજાબીઓ ભેગા થઈને ઉત્સવ મનાવી રહ્યા હતા. પુરુષો જ નહીં, સ્ત્રીઓ અને બાળકો પણ નાચકૂદ કરી રહ્યાં હતાં. ચારે તરફ આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ હતું. તેવામાં કોઈએ અંગ્રેજ સરકારના મોટા અધિકારીને સમાચાર પહોંચાડ્યા કે હજારો લોકો વિદ્રોહ કરવા ભેગા થયા છે. ક્યારે શું થઈ જાય તે કહેવાય નહીં. સરકારે પોલીસ મોકલવાની જગ્યાએ સીધી સેના મોકલી દીધી. ફ્લૅગ માર્ચ કરતી-કરતી સેના અને બગીમાં બેઠેલો જનરલ ડાયર તરત જ જલિયાંવાલાબાગમાં પહોંચી ગયા અને એક દીવાલની ઓથ લઈને લાઈનસર ગોઠવાઈ ગયા. જનરલ ડાયર નીચ પ્રકૃતિનો માણસ હતો. પ્રકૃતિ જન્મજાત હોય છે. વ્યક્તિ જ્યાં જાય, જ્યાં રહે ત્યાં પોતાની પ્રકૃતિ સાથે લઈને જતો અને રહેતો હોય છે. ડાયરના મનમાં ભારતીયો પ્રત્યે ભારે ઘૃણા હતી. ઘૃણા વાંઝણી નથી હોતી. શક્તિશાળી વ્યક્તિની ઘૃણા અત્યાચારના રૂપમાં પરિણમતી હોય છે, તો દુર્બળની ઘૃણા ગાળોમાં અને નિંદામાં પરિણમતી હોય છે.

ઓછામાં ઓછી ત્રણ જગ્યાએ ઘૃણાવાળો માણસ નિયુક્ત ન થવો જોઈએ: 1. ન્યાયાધીશ, 2. ધર્માચાર્ય અને 3. રાજા અથવા રાજનેતા. જો આ ત્રણે જગ્યાએ ઘૃણાથી ખદબદતા લોકો બેસી જાય તો ન્યાય, ધર્મ અને જનતાનો વિનાશ કરી બેસે. તેમાં પણ જે જાતીય ઘૃણાથી પીડાતો હોય તે તો મહાઅનર્થ કરી નાખે. ડાયર એવો જ માણસ હતો. તે ભારતીયો પ્રત્યે ઘોર ઘૃણાથી પીડાતો હતો. તે તો અત્યાચાર કરવાનો મોકો શોધતો હતો. કશી જ સાવધાન થવાની કે વીખરાઈ જવાની ચેતવણી આપ્યા વિના તેણે ગોળીબારનો હુકમ કરી દીધો! નિયમ પ્રમાણે પહેલાં ચેતવણી અપાય, પછી ગૅસના સેલ છોડાય, તોપણ ટોળું ન વીખરાય તો લાઠીચાર્જ થાય અને જ્યારે આવા ઉપાયો વ્યર્થ જાય ત્યારે છેવટે ગોળીબાર થાય—અને તે પણ કમરથી નીચેના ભાગમાં થાય. આ બધા નિયમોને તાક ઉપર મૂકીને સીધો જ ગોળીબાર કરી દીધો! ધડાધડ ગોળીઓ છૂટવા માંડી. લોકોમાં ભાગંભાગ શરૂ થઈ ગઈ. ભાગવાનો રસ્તો સેના રોકીને ઊભી હતી તેથી લોકો કૂવામાં કૂદી પડવા મંડ્યા. કેટલાક દીવાલો કૂદવા લાગ્યા. પણ બધું વ્યર્થ. થોડી જ મિનિટોમાં સરકારી આંકડા પ્રમાણે 319 માણસો માર્યાં ગયાં. બિનસરકારી આંકડા પ્રમાણે એક હજારથી પણ વધારે નિર્દોષ નર-નારી અને બાળકો શહીદ થઈ ગયાં. એક હજાર અને બસો લોકો ઘાયલ થઈ ગયાં. આ બધાં રાતભર જલિયાંવાલાબાગમાં પાણી-પાણીની ચીસો પાડીને તડપતાં રહ્યાં. નીચ ડાયર મગરૂરીથી બધું જોતો રહ્યો. હાહાકાર મચી ગયો. આ પૂરી દર્દનાક ઘટનાનો સાક્ષી એક બાર વર્ષનો બાળક હતો, જે ગોળીબારમાં જમીન ઉપર સૂઈ જવાથી બચી ગયો હતો અને સમસમી રહ્યો હતો. અત્યાચારથી સમસમી ઊઠે તો બદલો લે. અત્યાચારથી ગભરાઈને પોકેપોકે રડવા બેસે તે દબાઈ-કચડાઈને મરે.

અંગ્રેજોએ અળખા થયેલા ડાયરને ઇંગ્લૅન્ડ પાછો બોલાવી લીધો. પ્રજામાં અળખા થયેલા અધિકારીને કાં તો બદલી નાખવો જોઈએ, કાં પછી નિવૃત્ત કરી દેવો જોઈએ જેથી પ્રજાનો રોષ ઠંડો પડી જાય. પ્રજાને રોષે ભરાયેલી રાખીને રાજ્ય કરી શકાય નહીં. પ્રજાને રાજી રાખીને જ રાજ્ય કરાય.

ડાયરને ઇંગ્લૅન્ડ બોલાવ્યા પછી તેનું જાહેર સન્માન કરવામાં આવ્યું અને લોકોએ ઉઘરાણું કરીને 20 હજાર પાઉન્ડની રકમ ભેટમાં પણ આપી. જેમ પ્રજાને સાચવવી જેટલી જરૂરી છે, તેમ અધિકારીઓને સાચવવા પણ જરૂરી છે. અધિકારીઓનું મોરલ તૂટવું ન જોઈએ. ડાયરે ખોટું કર્યું હતું, જરૂર કરતાં ઘણું વધારે બળ વાપર્યું હતું, તોપણ તેણે જે કર્યું તે અંગ્રેજી રાજ્યના હિતમાં કર્યું હતું, તેથી તેનું મોરલ સચવાવું જોઈએ એવું અંગ્રેજો માનતા હતા. જો યોગ્ય અને બાહોશ અધિકારીઓને વારંવાર હડધૂત કરી તેમનું મોરલ તોડી નાખવામાં આવે, તો તે હતાશ થઈને બાહોશપણું ખોઈ બેસે જેથી તે સારી વ્યવસ્થા કરી શકે નહીં. બાહોશ અધિકારીઓ જ જાનની બાજી લગાવીને સેવા કરતા હોય છે.

આ વાતને વર્ષો વીતી ગયાં. અંગ્રેજો સમજ્યા કે વાત પૂરી થઈ ગઈ. પણ ના, વાત પૂરી થઈ ન હતી. પેલો 12વર્ષનો બાળક ઉધમસિંહ દિનપ્રતિદિન મોટો થવા લાગ્યો. તેના મનમાંથી બદલાની ભાવના નીકળતી ન હતી. ડાયર ઇંગ્લૅન્ડ જતો રહ્યો છે તે તે જાણતો હતો. હવે તો ઇંગ્લૅન્ડ જઈને જ બદલો લઈ શકાય. તે એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા ઇંગ્લૅન્ડ પહોંચ્યો, કૉલેજમાં દાખલ થઈ ગયો અને ભણવા લાગ્યો. તેની બાજનજર ડાયરને શોધતી રહી. અંતે તેણે ડાયરને શોધી કાઢ્યો.

તે દિવસ 13-3-1940નો હતો. એક સભાભવનમાં અફઘાનિસ્તાન બાબતે સભા થવાની હતી. સભાનું આયોજન “રોયલ સેન્ટ્રલ એશિયન સોસાયટી’ અને “ઇસ્ટ ઇન્ડિયા એસોસિએશન’ના સંયુક્ત ઉપક્રમે રખાયું હતું. લોર્ડ જેટલેન્ડ સભાપતિ હતા. ડાયર પણ મહેમાન તરીકે તેમની બાજુમાં ગોઠવાયો હતો. જલિયાંવાલાબાગની ઘટનાને એકવીસ વર્ષ વીતી ગયાં હતાં, બધું ઠંડું થઈ ગયું હતું અને ભુલાઈ ગયું હતું. માત્ર ઉધમસિંહનું જ હૃદય બળતું હતું. તે હજી કશું ભૂલી શક્યો ન હતો.

ઉધમસિંહ ભરેલી પિસ્તોલે સભામાં પહોંચી ગયો અને છેક આગળની હરોળમાં ગોઠવાઈ ગયો. જેવી સભા પૂરી થઈ કે બધા ઊભા થઈ ગયા, ઉધમસિંહ પણ ઊભો થઈને ડાયર સામે ધસી ગયો અને સંતાડેલી પિસ્તોલ બહાર કાઢીને ધાંય-ધાંય પાંચ ગોળીઓ ડાયરના શરીરમાં ધરબી દીધી. ડાયર ઢળી પડ્યો. અને તેના પ્રાણ ઊડી ગયા. સભામાં ભાગદોડ મચી. ઉધમસિંહ ભાગ્યો પણ પકડી લેવાયો. તેના ઉપર કેસ ચાલ્યો. તેને ફાંસીની સજા થઈ.

ફાંસીએ લટકતાં પહેલાં તેણે કહ્યું કે “મેં જલિયાંવાલાબાગનો બદલો લીધો છે. હું ધન્ય થઈ ગયો! મારા દેશ અને મારી પ્રજા માટે મેં મારું જીવન કુરબાન કરી દીધું. આ જ મારો મોક્ષ અને આ જ મારું સ્વર્ગ!”

હસતાં-હસતાં ઇંગ્લૅન્ડમાં તે ફાંસીએ લટકી ગયો.

ડાયરની હત્યાના સમાચાર જ્યારે ભારત પહોંચ્યા ત્યારે ઉધમસિંહનો જયજયકાર થઈ ગયો. તેનાં માતા-પિતા ધન્યધન્ય થઈ ગયાં. હજાર કુરકુરિયાં પેદા કરવાં તેના કરતાં એક સિંહ પેદા કરવો સારો. ઉધમસિંહ સાચે જ સિંહ હતો.