“રહિણીરહૈ સોઈ સિક્ખ મેરા, ઉહ ઠાકુર મૈં ઉસકા ચેરા।” -ગુરુ ગોવિંદસિંહજી
હિન્દુ પ્રજા નવરાત્રીની આઠમને ધૂમધામથી ઊજવે છે. પૂર્વ ભારતમાં તો દુર્ગાપૂજાની ધૂમ મચતી હોય છે. એક કર્મકાંડી પંડિતે ગુરુજીને કહ્યું કે જો તમે અમુક પ્રકારનો યજ્ઞ કરો તો દુર્ગાજી પ્રસન્ન થાય અને તમારી ધારેલી ઇચ્છા પૂરી થાય. બધા યુદ્ધોમાં વિજય મળે.
ગુરુજીએ યજ્ઞ કરવાનું સ્વીકારી લીધું. આનંદપુરથી થોડે દૂર એક પર્વત ઉપર આવેલા નયનાદેવીના મંદિરમાં આ ભવ્ય યજ્ઞ કરવાનું આયોજન થયું. મોટો વિશાળ યજ્ઞકુંડ નિર્મિત થયો. ચારે તરફ તંબૂઓ લાગી ગયા. ગુરુજી પોતે પણ ત્યાં વસવા લાગ્યા. યજ્ઞ શરૂ થઈ ગયો. મુખ્ય આચાર્યનો દાવો હતો કે યજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગે માતાજી પ્રગટ થશે અને તમને દર્શન આપીને વિજય વરદાન આપશે. કહેવાય છે કે એ સમયમાં આ યજ્ઞ પાછળ બે લાખ રૂપિયા ખર્ચ થયો હતો. કહેવાય છે કે યજ્ઞ પૂરો થયો પણ માતાજી પ્રગટ ન થયાં. ગુરુજીએ મુખ્ય આચાર્યને કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે “જ્યાં સુધી એક પવિત્ર માણસ આ યજ્ઞમાં પોતાનું બલિદાન નહિ આપે ત્યાં સુધી માતાજી પ્રગટ થશે નહિ.” પંડિતજીનો ઉત્તર સાંભળીને ગુરુજીએ કહ્યું કે “એવો પવિત્ર પુરુષ તો આપ જ છો. બીજો તો કોઈ દેખાતો જ નથી.” પંડિતજીને આશા હતી કે આવો માણસ મળશે નહિ અને પોતે જવાબદારીમાંથી છટકી જશે પણ ગુરુજીએ તો તેમને જ પકડમાં લઈ લીધા. હવે શું કરવું? પંડિતજીએ કહ્યું કે “હું નદીમાં સ્નાન કરીને આવું છું” આટલું કહીને તે સ્નાન કરવા ગયા તે ગયા. પાછા આવ્યા જ નહિ. ગુરુજીએ ભેગાં થયેલા હજારો ભક્તોને કહ્યું કે “આપણે એક અલખ કિરતારમાં માનનારા છીએ. આપણે આ હોમહવન કરતા નથી. તમારી સૌની સ્પષ્ટતા કરવા માટે મેં આ આયોજન કર્યું હતું. હોમ-હવન કરવાથી વિજય નથી મળતો. વિજય તો પરાક્રમથી મળતો હોય છે. આ બધા કર્મકાંડો આજીવિકાભોગી પુરોહિતોએ ઊભાં કર્યાં છે. તેમાંથી છૂટો અને અલખની આરાધના કરો.”
આ દેશમાં હજારો કદાચ લાખ્ખો યજ્ઞો થયા છે. જે પરિણામશૂન્ય રહ્યા છે. તેનાથી પુરોહિતોની આજીવિકા સિવાય કોઈ પ્રશ્ન ઉકેલાતો નથી. સિક્ખ-પંથને આવાં બહુ ખર્ચાળ કર્મકાંડોથી મુક્ત કરવા ગુરુજીએ આ યોજના કરી હતી.પણ ભેગા થયેલા હજારો ભક્તોનો ખરો લાભ ઉઠાવવા તેમણે એક બીજું આયોજન કર્યું. તેમણે સૌને સંબોધીને કહ્યું કે અકાલ પુરુષને એક વીર વ્યક્તિનું બલિદાન જોઈએ છે. જેની ઇચ્છા બલિ થઈ જવાની હોય તે આગળ આવો. ગુરુજી હાથમાં તલવાર ફેરવતા લોકો સામે જોતા હતા ત્યાં સભામાંથી દયારામ ખત્રી નામનો માણસ આગળ આવ્યો. ગુરુજીએ તેની પીઠ થબથબાવી. તેને તંબૂમાં લઈ ગયા અને એક તરફ ચુપચાપ બેસી જવા કહ્યું. એક બકરું હતું તેને ઝાટકો મારી બલિદાન આપ્યું. લોહીની ધારા તંબૂ બહાર નીકળી. લોકો સમજી ગયા કે દયારામનું બલિદાન થઈ ગયું. ગુરુજી લોહી નીંગળતી તલવાર સાથે બહાર નીકળ્યા, ફરીથી બૂમ પાડી. હજી બલિદાન જોઈએ. આવો આવો બલિદાન થવા આવો. સામેની ભીડમાંથી એક પછી એક ચાર માણસો આવ્યા. ચારેને વારાફરતી તંબૂમાં લઈ ગયા. આ ચારેનાં નામ તથા જ્ઞાતિ જાણવા જેવી છે.
1. ધર્મસિંહ જાટર, હિંમતસિંહ કહાર (પાલખી ઊંચકનારો) 3. મોકમસિંહ છીપો—ભાવસાર ગુજરાતનો હતો. તેની સ્મૃતિમાં બેટ દ્વારકામાં ભવ્ય ગુરુદ્વારો નિર્મિત થયા છે. અને 4થો સાહબસિંહ વાળંદ હતો. પહેલો દયારામ ખત્રી હતો. કદાચ પાછળથી બ્રહ્મખત્રી થયા હશે. આ પાંચેને જીવતાજાગતા ગુરુજી તંબૂની બહાર લઈ આવ્યા. આ હતા “પંજપ્યારા” સિક્ખ ધર્મનું રૂપાંતર નવો ધર્મ “ખાલસા”નું ફાઉન્ડેશન, આ પાંચપ્યારે ઉપર નવા ધર્મ ખાલસાની ભવ્ય વીરતાભરી અને બલિદાનભરી ઇમારત ઊભી થવાની હતી.
સિક્ખ સંગત આશ્ચર્યચકિત થઈને પાંચ પુરુષોને જોતી રહી. વાત આગળ વધી. ગુરુજીએ લોઢાનો કટોરો મંગાવ્યો. તેમાં પાણી ભર્યું. પતાસાં નાખ્યાં પછી તલવારથી ફેરવવા લાગ્યા તો અમૃત તૈયાર થઈ ગયું. આ અમૃત પેલા પંચપ્યારાને વારાફરતી પિવડાવ્યું. પિવડાવતી વખતે જે મંત્ર બોલાઈ ગયો તે વેદ-પુરાણનો ન હતો, સ્વયંભૂ હતો. પૂરી બ્લૂપ્રિન્ટ જ બદલવાની હતી. મંત્ર હતો “વાહિ ગુરુજીકા ખાલસા, વાહિગુરુજી કી ફતહિ” આ મંત્ર પાંચ પાંચ વાર બોલાવતા ગયા અને અમૃત પિવડાવતા ગયા. આ મડદાંને જીવતાં કરનારો મરદાનગીભર્યો મંત્ર આજે પણ પૂરા ઉત્સાહથી સમૂહમાં બોલાય છે.
ગુરુજીએ આ પાંચેનાં નામ પાછળ ‘સિંઘ’ શબ્દ લગાડી દીધો. હવેથી પ્રત્યેક સિક્ખ સિંઘ થશે. એવું કહેવાય છે ગુરુજીએ પણ અત્યાર સુધી પોતાનું નામ ગોવિંદરાય હતું તે બદલીને “ગોવિંદસિંહ” કરી દીધું. આ બધા પાછળ એક જ હેતુ હતો કે લોકો ‘દાસ’ ‘રામ’ વગેરે નામોની જગ્યાએ ‘સિંઘ’ બને. ધર્મ પ્રજાનું ઘડતર કરે છે. આ ઘડતર હતું. સિંઘ બનો સિંહ બનો, દેશ ઉપર, ધર્મ ઉપર ભૂંડો ફરી વળ્યાં છે. તેમનો સામનો કરો, તેમનાથી દેશ અને ધર્મને બચાવો. આ ઘડતર હતું.
Pujay swamiji na pustak vachi ne maru jivan badlai gyu chhe vah dhayvad sachu kheva bada sant ne