મારા મનમાં પણ છેલ્લાં સાઠ વર્ષથી એવી એક શોધ હતી કે કોણ એવો ધર્મગુરુ છે જેનામાં ઓછામાં ઓછા આટલા ગુણો તો હોય જ. હું શોધતો રહ્યો. પહેલાં એ ગુણોને જાણીએ.
1. જે ઈશ્વરવાદી હોય અનીશ્વરવાદી નાસ્તિક ન હોય.

2. જે પોતે ઈશ્વર કે ભગવાન થઈને સ્વયં પૂજાતો ન હોય. પણ ભક્ત થઈને ભક્તિ કરતો હોય.

3. જે પત્નીત્યાગી ન હોય, પણ પત્નીધારી હોય.

4. જે પરિવારત્યાગી ન હોય, પણ પરિવાર સાથે રહેતો હોય.

5. જે સંસારત્યાગી ન હોય.

6. જે કર્તવ્યત્યાગી ન હોય.

7. જે શસ્ત્રત્યાગી ન હોય પણ શસ્ત્રધારી હોય અને લોકોને પણ શસ્ત્ર ધારણ કરાવતો હોય.

8. જે કાયરતાને મખમલી અંચળામાં ઢાંકનારો અહિંસાવાદી ન હોય પણ વીરતાવાદી હોય.

9. જે અન્યાય-અત્યાચાર સામે ઝૂકી જનાર ન હોય પણ ઝઝૂમતો હોય અને લોકોને ઝઝૂમવાનો આદર્શ આપતો હોય.

10. જે વર્ણભેદ કે જ્ઞાતિભેદમાં ન માનતો હોય. જન્મજાત ઊંચનીચની ખોટી માન્યતાથી મુક્ત હોય.

11. જે આભડછેટમુક્ત હોય. સ્પર્શમાત્રથી અભડાતો ન હોય.

12. જે રોટીવ્યવહારની ઉદારતાવાળો હોય.

13. જે બેટીવ્યવહારની ઉદારતાવાળો હોય.

14. જે વ્યક્તિપૂજક ન હોય, ન વ્યક્તિપૂજા કરાવતો હોય.

15. જેના ધર્મમાં ઘણાં કર્મકાંડો ન હોય, ધર્મ સરળ-સહજ અને સર્વમાન્ય—સર્વભોગ્ય હોય.

16. જે પ્રખર બલિદાની હોય છતાં અનાસક્ત—નિર્લેપ હોય.

17. જે કટ્ટર સંપ્રદાયવાદી ન હોય પણ ઉદારમતવાદી હોય.

18. જે બળવાન, તેજસ્વી અને ઉત્તમ વ્યક્તિત્વવાળો હોય.

19. જે કાયર ગણાતી પ્રજાને વીર બનાવતો હોય.

20. દીન-દુ:ખી-લાચાર, અબળાનો રક્ષક હોય.

21. જે માનવતાવાદી હોય.

22. જેના વિચારો વિકાસવિરોધી ન હોય, પણ વિકાસ-સહાયક હોય.

23. જે માત્ર પરલોકવાદી ન હોય, પણ આ લોકની મહત્તાને પણ પૂરેપૂરી સ્વીકૃતિ આપતો હોય.

24. જે શૌર્યની સાથે જ્ઞાન-વિજ્ઞાનને પણ મહત્ત્વ આપતો હોય.

25. જે કર્મઠ હોય અને કર્મઠતાનો ઉપદેશ આપતો હોય.

26. જે પ્રત્યેક કર્તવ્યકર્મને પવિત્ર સમજીને કશી ઘૃણા વિના કરતો કરાવતો હોય.

27. જે પ્રખર રાષ્ટ્રવાદી હોય. રાષ્ટ્રવિરોધી કે રાષ્ટ્રની ઉપેક્ષા કરનારો ન હોય.

28. જે મક્કમ આદર્શવાદી હોય પણ કલ્પનાવાદી ન હોય, વાસ્તવવાદી હોય. 29. જે એકવચની હોય, વિશ્વાસઘાતી વચનભંગી ન હોય.

30. જેનું અધ્યાત્મ નિરાશાવાદી કે પલાયનવાદી ન હોય પણ આશાવાદી અને સાર્થક હોય. પ્રશ્નોને ઉકેલનારું હોય.

31. જેનો ધર્મ સૌને ઊંચનીચના ભેદ વિના સ્વીકારતો હોય. પોતાનામાં સમાવતો હોય અને ધાર્મિક સમાનતા આપતો હોય.

32. જે મહાન ધર્મગુરુ, કુશળ રાજનેતા, નિપુણ સેનાપતિ, વીર યોદ્ધો, પાક્કો અશ્વારોહી, મક્કમ મનોબળવાળો, કુશળ કવિ અને લેખક પણ હોય.

ઉપરના બત્રીસ ગુણો એકસાથે જેનામાં હોય તેવા બત્રીસલક્ષણા ધર્મગુરુની શોધમાં હું હતો, છેવટે ઘણી શોધ પછી આવા મહાન ગુરુ મળ્યા ગુરુ ગોવિંદસિંહજી! મારી બધી જ અપેક્ષાઓ ગુરુજીના વ્યક્તિત્વમાં પૂરી થવા લાગી. જો તમારી ઇચ્છા હોય તો ઉપરના બત્રીસ ગુણો તમે શાંતિથી ગુરુજીના જીવનમાં મેળવી જુઓ તો તમને પણ જણાશે કે ખરેખર આ પૂર્ણ—મહાન વ્યક્તિ જ મહાન ધર્મગુરુ છે.

ગુરુજીને સમજવા હોય તો સર્વપ્રથમ શીખ ધર્મને સમજવો જરૂરી છે. અને તેના પણ પહેલાં ભારતમાં હિન્દુ અને હિન્દુધર્મની સ્થિતિને સમજવી જરૂરી લાગે છે.

For more:

https://play.google.com/store/books/details/Swami_Sachchidanand_Sikha_shikh_Dharmna_Pakshma?id=LbW9AQAAQBAJ