વર્ણાશ્રમ ધર્મ દ્વારા ચાર વર્ણોથી સમાજરચના થઈ હતી અને ચાર આશ્રમોથી વ્યક્તિના જીવનની વ્યવસ્થા થઈ હતી. ચાર આશ્રમોમાં 57મા વર્ષે વાનપ્રસ્થ અને 75મા વર્ષે સંન્યાસ ગ્રહણ કરવાની વ્યવસ્થા વ્યાવહારિક ન હોવાથી ચાલી શકી નહીં. મોટા ભાગે શ્રમણકાળના ઉદય પૂર્વે સુધી ઋષિવ્યવસ્થા હતી. સર્વોચ્ચ શિખર ઉપર ઋષિઓ હતા. સંન્યાસી ખાસ દેખાતા નહીં. પણ પછી બુદ્ધ—મહાવીરથી શ્રમણકાર્ય શરૂ થયાં. આ કાળમાં વર્ણવ્યવસ્થા શિથિલ થઈ ગઈ. અને વ્યક્તિના જીવનને ચારની જગ્યાએ બે ભાગમાં વિભક્ત કર્યું : 1. ગૃહસ્થ અને 2. સાધુ. બંને ફરજિયાત નહીં. ગૃહસ્થ ન થવું હોય તો સીધા જ નાની ઉંમરથી જ સાધુ થઈ જવાય. અને સાધુ ન થવું હોય તો જીવનભર ગૃહસ્થ રહેવાય. આમ ચારમાંથી બે વ્યવસ્થાઓ થઈ. તેમાં જૈનોના સાધુઓ ચાતુર્માસ સિવાય સતત ભ્રમણ કરતા હોવાથી નાના સાધુઓનું ભણવાનું કઠિન બન્યું. તોપણ તેમનામાં ઘણા મહાન વિદ્વાનો થયા. જ્યારે બૌદ્ધ સાધુઓને સતત ભ્રમણ કરવાનું ન હોવાથી તેમણે મઠો બનાવ્યા અને તે મઠોમાં મોનેસ્ટ્રીઓ બનાવી. અર્થાત્ નાના અને યુવાન સાધુઓને તેમાં રાખીને શાસ્ત્રાધ્યયન કરાવવાનું થયું. નાલંદા બૌદ્ધકાળની દેન કહી શકાય. આવી મોટી વિશ્વપ્રસિદ્ધ વિદ્યાપીઠ જૈનો નથી આપી શક્યા.

આ રીતે ત્યારે અને અત્યારે પણ બૌદ્ધોમાં બાળદીક્ષાનું પ્રમાણ બહુ મોટું રહ્યું છે. તેનું મોટું જમાપાસું એ કહેવાય કે તેમણે બાળભિક્ષુઓને મોનેસ્ટ્રીમાં રાખીને ભણાવવાની વ્યવસ્થા કરી હતી. એક સમય તો એવો પણ હતો કે ત્રણ બાળકોમાંથી વચેટ બાળકને ભિક્ષુ બનાવવો જ પડે. આથી તેમના ત્યાં ભિક્ષુ-ભિક્ષુણીઓનાં બહુ મોટાં ટોળાં થયાં. ટોળાં તો જૈનોનાં પણ થયાં પણ તે સતત ભ્રમણ કરતાં રહ્યાં.

જીવનવ્યવસ્થાની દૃષ્ટિએ બુદ્ધ ઘણા ઉદાર છે. તેથી જૈનો જેવાં કઠોર તપો, વ્રતો અને કઠોર નિયમો નથી રાખ્યા, આહારમાં તેમણે બધી છૂટ આપી છે. જે જૈનોમાં નથી હોતી. આ જ કારણસર બૌદ્ધધર્મ વિશ્વવ્યાપી થઈ શક્યો છે તેવું લાગે છે. પણ નાની ઉંમરમાં સાધુ થયા પછી બૌદ્ધ ધર્મની એક બીજી જમા બાજુ પણ છે તે જ્ઞાન-વિજ્ઞાન માટે દેશ-દેશાંતરમાં ભ્રમણ કરતા રહ્યા છે. પલાંઠી વાળીને એક જગ્યાએ બેસી નથી રહ્યા. તેમણે ઘણા પ્રવાસીઓ પણ પેદા કર્યા છે. જે જૈનો નથી કરી શક્યા. જૈનોની જીવનપદ્ધતિની મર્યાદા એવી છે કે તેમાં પ્રવાસીઓ પેદા કરી શકાય નહીં. જ્યારે બૌદ્ધોની જીવનપદ્ધતિ પ્રવાસને અનુકૂળ હોય છે. આવા જ એક મહાન પ્રવાસીની આપણે ચર્ચા કરવાની છે. તેનું નામ છે—હ્યુ-એન સાંગ. જોકે લોકો પોતપોતાની રીતે તેને જુદાજુદા ઉચ્ચારણોથી ઓળખાવે છે. વિદેશી ભાષાનું શુદ્ધ ઉચ્ચારણ ભાગ્યે જ કરી શકાતું હોય છે, તેથી ઉચ્ચારણભેદ રહેતો જ હોય છે.

ઈ. સ. 602માં ચીનના હોનાન પ્રાંતમાં હ્યુનો જન્મ એક વિદ્વાન સાધુના ત્યાં થયો હતો. ચીની પ્રજાની એક ખાસ જમા બાજુ એ પણ કહેવાય કે તેમનાં નામ બહુ ટૂંકાં કદાચ એક જ અક્ષરનાં હોય છે. આ સારી વાત કહેવાય. બહુ લાંબાં લાંબાં અને જોડાક્ષરોથી ભરેલાં ઉચ્ચારણમાં જીભના કટકા થઈ જાય તેવાં નામ સારાં નહીં. તેમાં પણ ગુજરાતમાં તો નામ પાછળ ભાઈ કે બહેન, બા, ભા વગેરે માનવાચી શબ્દો લગાડવા જ પડે. માઓ એટલે માઓ. માઓ ભાઈ કહેવું ન પડે. આવું જ પશ્ચિમમાં, આવું જ મહારાષ્ટ્રમાં, માત્ર નામ જ બોલવા-લખવાનું. આપણે ત્યાં માત્ર નામ લખો તો તોછડાઈ ગણાય. અપમાન માનગર્ભિત હોય છે. વારંવાર મોહનલાલભાઈ કહો અને પછી મોહન કહો તો અપમાન થાય. પ્રથમથી જ મોહન કહો તો અપમાન ન થાય. મહારાષ્ટ્રના મોહન ધારિયા મંત્રી બને તોય મોહન જ કહેવાય.

હ્યુ બહુ તેજસ્વી હતો. દેખાવમાં અને પ્રતિભામાં બંને રીતે તે તેજસ્વી હતો. કેટલાંક વ્યક્તિત્વો એવાં હોય કે જોતાં જ નજર ઠરી જાય. સૌંદર્ય પણ ત્રણ પ્રકારનું હોય છે. સાત્ત્વિક સૌંદર્ય દર્શનીય હોય છે. દર્શન કરીને પવિત્રતા અનુભવાય તે સાત્ત્વિક સૌંદર્ય કહેવાય. કેટલાંક સૌંદર્યો હોય તો જબરાં પણ રાજસિક હોય. મારકણી આંખો જેના તરફ જુએ તે ઠરે નહીં, મરી જાય. આવું જ એક તામસિક સૌંદર્ય પણ હોય છે. જે જોનારને ભય ઉપજાવે. હ્યુનો ચહેરો શીતળતા અને શાંતિભર્યો લાગે. તેના રોમેરોમથી શાંતિ અને પ્રસન્નતા નીતરતી રહે. જેવું રૂપ તેવી જ પ્રતિભા. પ્રતિભાનાં પણ ત્રણ રૂપ હોય છે : સાત્ત્વિક, રાજસિક અને તામસિક, સાત્ત્વિક પ્રતિભા શાંતિ આપે. રાજસિક પ્રતિભા ચંચળતા વધારે અને તામસિક પ્રતિભા શત્રુતા પેદા કરે.

હ્યુના મોટા ભાઈએ તેને પોતાના જ મઠમાં જાતે શિક્ષણ આપવાનું શરૂ કર્યું. કોઈને ગમે કે ન ગમે રૂપ સૌને વહાલું લાગતું હોય છે. તેમાં પણ જો ગુણભર્યું રૂપ હોય તો તો કહેવું જ શું? હ્યુ ભણતાં-ભણતાં મોટો થવા લાગ્યો. પછી તેને ચેગ તાઓ મઠમાં સાધુની દીક્ષા આપી. વાત સમજવા જેવી છે. કોઈ વ્યક્તિ જ્યારે કોઈ સંસ્થામાં દીક્ષા લે છે ત્યારે તે સંસ્થા તેની પાલક અને રક્ષક બની જાય છે. કદાચ આજ કારણસર બૌદ્ધ સાધુઓ કે જૈન સાધુઓ બજારમાં રખડતા- ભટકતા જોવા નહીં મળે. આ બાબતમાં આપણી હિન્દુઓની સાધુસંસ્થા તદ્દન ભિન્ન છે. ભિખારી, બાવા, સાધુ, સંન્યાસીમાં ભેદ કરવો કઠિન થઈ જાય. ચારે તરફ અફરાતફરી, પણ આનું એક જમા પાસું પણ છે. જે સાધુ ભલે રખડતો-ભટકતો હોય પણ જો તે કોઈ ચોકઠામાં ફીટ થયો નહીં હોય તો તેનું પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ પણ હશે. ભિખારીમાં પણ કોઈ કોઈ ગજબનું વ્યક્તિત્વ છુપાયું હશે. જ્યારે બીજી તરફ ચોકઠામાં પુરાઈ જવાથી યોગ-ક્ષેમની સુરક્ષા તો મળી રહે પણ પાંખો કતરાઈ જાય. મુક્ત ગગનમાં ઊડી ન શકે.

હ્યુને સાધુની દીક્ષા આપી, આ બાળદીક્ષા જ હતી, જે યોગ્ય ન કહેવાય. પણ જો તેણે આવી દીક્ષા ન લીધી હોત તો તેણે જે પ્રવાસ કર્યા અને વિદ્વત્તા પ્રાપ્ત કરી તે ન કરી શક્યો હોત. બધાંએ લગ્ન કરવાં જ જોઈએ એવો કડક નિયમ બનાવી શકાય નહીં. લગ્ન કર્યા પછી લગ્નજીવન સફળ થવાની કોઈ ગૅરંટી ન હોય. લગ્નજીવનની નિષ્ફળતા બહુ દુ:ખદાયી હોય છે. તેનો જવાબદાર કોણ? એટલે કેટલીક વાર બાળદીક્ષા કે યુવાન દીક્ષા પણ કલ્યાણકારી થઈ શકે છે. પણ તે અપવાદરૂપ હોય, સૌના માટે ન હોય. ત્યાંનું શિક્ષણ પૂરું કરીને હ્યુ ચેંગ આનના વિશાળ બૌદ્ધ મંદિરમાં ગયો. અહીં ઉચ્ચતમ શિક્ષણ પ્રાપ્ત થતું હતું. હવે તો હ્યુ અધ્યાપનકાર્ય પણ કરાવવા લાગ્યો. અધ્યયન ઘણા કરી શકે પણ અધ્યાપન બધા ન કરાવી શકે. વિદ્વાન હોય તો પણ શૈલી ન હોય તો સફળ અધ્યાપક ન થઈ શકાય. શૈલી કુદરતી બક્ષિસ હોય છે. કઠિનમાં કઠિન વિષયને પણ સરળતાથી સમજાવી શકાય છે. શૈલી ન હોય અને માત્ર પાંડિત્ય જ હોય તો વિદ્યાર્થીઓ બોર થઈ જાય. કશું સમજાય નહીં. અહીં વિશાળ પુસ્તકાલય હતું. હ્યુએ ખૂબ વાંચન વધાર્યું. વિશાળ પુસ્તકભંડારની સગવડ મળવી એ જિજ્ઞાસુ માટે સ્વર્ગથી પણ વધારે કહેવાય. હ્યુએ ઘણા ગ્રંથોનું અધ્યયન કર્યું. તેમાંથી તેને ભારત જવાની તીવ્ર ઇચ્છા જાગી. “ભગવાન બુદ્ધ ભારતના ભારત અમારી તીર્થભૂમિ પુણ્યભૂમિ મારે તે ભૂમિનાં દર્શન કરવાં છે.” આવી ભાવના વહેવા લાગી. ધાર્મિક વ્યક્તિ માટે કેટલીક ભૂમિઓ પુણ્યરૂપ અને પવિત્ર હોય છે તેથી તેને તે તીર્થ માને છે. તે ભૂમિનાં દર્શન માત્રથી તે ધન્ય થઈ જતો હોય છે. ભાવના અને પ્રેમ તાલાવેલી જગાડે. તાલાવેલીથી કઠિન કામ પણ થવા લાગે. ભાવના વિનાના માણસને તાલાવેલી ન હોય. કદાચ હોય તો વાસનાની હોય. વાસના ઢાળ તરફ નીચે દોડાવે. ભાવના ઉપર શિખર તરફ ચઢાવે, બંનેમાં આ મહત્ત્વનો ફરક કહેવાય.

મધ્યચીનમાંથી ભારત જવું હોય તો કેવી રીતે જવાય? તેનો નકશો દોરવા માંડ્યો. ગોભીનું કારમું રણ, હિમાલયનાં બર્ફિલાં ઉત્તુંગ શિખરો, કેટલાં વનો, પણ હ્યુએ નક્કી કર્યું. જે થવું હોય તે થાય પણ ભારત તો જવું જ છે.

તે ચીનના રાજા પાસે મંજૂરી લેવા પહોંચ્યો, પણ રાજાએ મંજૂરી ન આપી ત્યારે ચીનમાં ગૃહયુદ્ધ ચાલતું હતું. અશાંતિ હતી એટલે મહારાજા કાઓત્સુએ ચોખ્ખી ના પાડી દીધી. હવે શું થાય?

પણ હ્યુ તો કોઈને કહ્યા વિના, કોઈને પૂછ્યા વિના એક દિવસ પહેરેલે કપડે ભાગ્યો—જે થવું હોય તે થાય. સગવડોમાં જીવેલો જીવ અગવડો વેઠી શકતો નથી. પણ જો વૈરાગ્ય અને ઉત્સાહ હોય તો ગમેતેવી અગવડો પણ તે સહન કરી શકે છે. પકડાઈ ન જવાય તેવા ભયથી તે રાત્રે-રાત્રે ચાલે. દિવસે ક્યાંક સંતાઈને પડ્યો રહે. આમ કરતાં-કરતાં અડધો ભૂખ્યો, અડધો તરસ્યો તે કવા ચાઉ પ્રાંત પહોંચ્યો. સાધુઓ માટે એક વાત સારી, લગભગ દરેક જગ્યાએ કોઈ ને કોઈ ધર્મસ્થાન હોય. ત્યાં આશરો તો મળી જાય. પ્રાંતના ગવર્નરને ખબર પડી. તેણે મળવા બોલાવ્યો. તેનો દેખાવ અને પ્રતિભાથી ગવર્નર ખૂબ પ્રભાવિત થયો. જેમજેમ વાતો ચાલતી રહી તેમતેમ તેનો પ્રભાવ વધતો ગયો. હ્યુએ પોતાનું પ્રયોજન બતાવ્યું. ભારત જવું છે. ભગવાન બુદ્ધની ભૂમિનાં દર્શન કરવાં છે. ગવર્નરે છેક સીમા સુધીની બધી વ્યવસ્થા કરી આપી. આમ અનાયાસે સહાયતા પ્રાપ્ત થઈ ગઈ. તે હાર્યો નહીં. ઘણી વાર તેને ખાવાનું કશું ન મળતું. આમ કરતાં કરતાં તેણે ચીનની સીમા ગુપચુપ પાર કરી દીધી. હાશ, હવે ભય ઓછો થયો. આ બામીયાનનો પ્રદેશ હતો. પાછળથી અહીં જ બુદ્ધની બે ભવ્ય પ્રતિમાઓ પહાડો કોતરીને બનાવેલી, જેને તાલીબાનોએ તોપના ગોળા મારીને તોડી નાખી હતી. હ્યુ જ્યારે યાત્રા કરતો હતો ત્યારે ઇસ્લામનો ઉદય થયો ન હતો. ત્યાં બધે જ બૌદ્ધધર્મની જ શાખાઓ હતી. તેણે હિન્દુકુશનાં ઉત્તુંગ શિખરો પાર કર્યાં અને છેક કાબુલ નદીના કિનારે જલાલાબાદ પાસેના હાનાનગર પહોંચ્યો. ત્યાંથી તે આગળ વધ્યો. વિશાળ સિંધુ નદી પાર કરી અને છેક તક્ષશિલા પહોંચી ગયો. ત્યારે તક્ષશિલાની જાહોજલાલી હતી. હજી મુસ્લિમ વિધ્વંસકો આવ્યા ન હતા. તક્ષશિલા ત્યારના વિશ્વની સર્વોચ્ચ વિદ્યાપીઠ હતી અહીં મહર્ષિ પતંજલિ એક સમયના કુલપતિ હતા. હજારો વિદ્યાર્થીઓ અને સેંકડો આચાર્યો બધી વિદ્યાશાખાઓનું અધ્યયન-અધ્યાપન કરતા-કરાવતા હતા. હવે આજે તો આ સ્થાન પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં પરિવર્તિત થઈ ગયું છે. હ્યુ જ્યારે તક્ષશિલા પહોંચ્યો ત્યારે ઈ. સ. 631 ચાલતો હતો. ત્યારે કાશી કરતાં પણ તક્ષશિલાનું મહત્ત્વ વધારે હતું. તક્ષશિલાનાં ખંડેરો જોનારની આંખમાં આજે પણ આંસુ આવી જાય છે. વિધ્વંસકોને વિધ્વંસમાં આનંદ આવતો હોય છે. ઘણો સમય હ્યુ તક્ષશિલામાં રહ્યો ત્યાંથી કાશ્મીર ગયો. ત્યારે કાશ્મીર પંડિતોનો દેશ હતો. બૌદ્ધ ધર્મના પણ ઘણા મઠો હતા. કાશ્મીરની ઉત્તરે ગીલગીટમાં આજે પણ એક શાંગ્રીલા નામનું બૌદ્ધ સ્થાન છે. ત્યાં બૌદ્ધની ભવ્ય પ્રતિમા હજી પણ છે. ત્યાં એવો રિવાજ છે કે આવતા-જતા માણસો બુદ્ધની પ્રતિમાને એક એક પથરો જરૂર મારે છે. પથરો શોધવો ન પડે એટલા માટે ત્યાં પથરાનો મોટો ઢગલો કાયમ રાખવામાં આવે છે. રાજસત્તાની માફક ધર્મસત્તાનું પણ કેવું ઉત્થાન—પતન થાય છે તે બામિયાન અને શાંગ્રીલા જોવાથી સમજાય છે.

કાશ્મીરના અનેક વિદ્વાન પંડિતોનો મેળાપ કરીને પછી હ્યુ મથુરા ગયો. ત્યારે મથુરાની જાહોજલાલી હતી. આજ મથુરામાંથી મહમદ ગજનવી સેંકડો મણ સોનાની મૂર્તિઓ લઈ ગયો હતો. મથુરાથી કન્નોજ (કાન્યકુબ્જ) પાટલિપુત્ર, બોધ ગયા, રાજગૃહ થઈને નાલંદા પહોંચ્યો. ત્યારે નાલંદા પણ વિશ્વની સર્વોચ્ચ વિદ્યાપીઠ હતી. તક્ષશિલા કરતાં પણ અહીં વધારે વિદ્યાર્થીઓ ભણતા હતા. ત્યાં વિશ્વનું સૌથી મોટું પાંચ માળનું પુસ્તકાલય હતું. જેનાં ખંડેર મેં જોયેલાં. મહમ્મદ બખ્તીયારે તેને આગ લગાડી દીધી હતી. ત્રણ મહિના સુધી આગ ધધકતી રહી. માત્ર 200 ઘોડેસવારો લઈને તે આવેલો અને દશ હજાર વિદ્યાર્થીઓ અને એક હજાર આચાર્યોને ગાજર-મૂળાની માફક વેતરી નાખ્યા હતા. આમાં ઘણા શતાવધાની, અષ્ટાવધાની હતા, પણ કોઈ શસ્ત્રાવધાની ન હતા. કારણ કે બધા અહિંસાવાદી હતા. કરુણા જ કરુણા દેખાય. અગિયાર હજાર આચાર્યો અને છાત્રોને 200 ઘોડેસવારો રહેંસી નાખે. આથી વધુ કરુણા શી હોઈ શકે?!

હ્યુ નાલંદામાં રહ્યો ત્યારે પાટલિપુત્રમાં સમ્રાટ હર્ષવર્ધનનું રાજ્ય હતું. એ સુવર્ણ યુગ હતો, ત્યારે કોને ખબર હશે કે નાલંદાની આવી દશા થશે! હજી પણ “અહિંસા પરમો ધર્મ:”ની જગ્યાએ “વીરતા પરમો ધર્મ:” સૂત્ર સ્વીકારાય તો નવનિર્મિત અક્ષરધામોની રક્ષા કરી શકાય કે પછી સાઇકલનું પૈડું એનું એ જ ફરીફરીને બતાવતું રહેશે? નાલંદાના કુલપતિ શીલભદ્ર હતા. નાલંદા વિદ્યાપીઠનો લેવાય તેટલો લાભ લઈને આચાર્ય શીલભદ્રની વિદાય લઈને આજુબાજુના બૌદ્ધ તીર્થો કરીને હ્યુ કામરૂપ આસામ પહોંચ્યો. કામરૂપનો રાજા બ્રાહ્મણ હોવા છતાં હ્યુથી પ્રભાવિત થયો. તેણે હ્યુનું ભારે સ્વાગત કર્યું. ખરેખર તો રાજાનો કોઈ સંપ્રદાય ન હોવો જોઈએ. તેણે પ્રજાના બધા સંપ્રદાયોનો આદર કરવો જોઈએ. હિન્દુ ધર્મની આ ખાસ વિશેષતા જ કહેવાય કે તે કટ્ટર થઈ શકતો નથી, તેમાં સહજ ધર્મઉદારતા રહેતી આવી છે. વિદ્વાનોની સેવા અને આદર કરવો એ રાજધર્મ છે. અહીં એક વિચિત્ર ઘટના ઘટી. કન્નોજના સમ્રાટ કામરૂપના ખંડિયા રાજા કુમાર બ્રાહ્મણના ત્યાં હ્યુ ગયો તેથી હર્ષવર્ધનને ખોટું લાગ્યું. ધાર્મિક ક્ષેત્રમાં પણ માનાપેક્ષી લોકોને ખોટું લાગતું જ હોય છે. પોતાની સાચી-ખોટી અપેક્ષા પૂરી ન થાય કે ન સચવાય તો ભક્તો-ચાહકો નારાજ થઈ જાય. મનસ્વી સાધુ-સંતોને તેમની પસંદગી કે નારાજગીની પડી ન હોય, પણ મહંત કક્ષાના વ્યાવહારિક સાધુ-સંતો કોઈ દૂઝણી ગાયને હાથમાંથી છટકવા ન દે. તે તેમનું સમાધાન કરવા ભરપૂર પ્રયત્ન કરે.

હર્ષે કામરૂપના કુમાર બ્રાહ્મણને હ્યુને લઈને પોતાની પાસે આવવા હુકમ કર્યો પણ સ્વાભિમાની કુમારે જણાવી દીધું કે, “તમે માથું લઈ શકો છો પણ ઇચ્છાવિરુદ્ધ હ્યુને મારાથી કન્નોજ લાવી શકાશે નહીં” હર્ષે જવાબ આપ્યો કે “ભલે તો માથું લઈ આવો” હવે શું કરવું? હ્યુને વાતની ખબર પડી. રાજા અને મહારાજા વચ્ચે આટલી હદે પોતાના માટે ખેંચાતાણ થઈ છે તે જાણીને તેને દુ:ખ થયું. મારા નિમિત્તે કોઈ મોટો અનર્થ ન થઈ જાય તે હેતુથી તેણે પોતે જ કન્નોજ જવાનું નક્કી કર્યું. ભારતના રાજાઓ બહુ ભાવુક હોય છે. તે વાતવાતમાં યુદ્ધ કરી બેસતા હોય છે. ભાવુકતા અને ધીર-ગંભીરતા સાથે ન રહી શકે.

હ્યુ પાછો કન્નોજ ગયો. હર્ષે તેનું ભવ્ય સ્વાગત કર્યું. યાદ રહે કામરૂપ તથા કન્નોજના બંને રાજાઓ હિન્દુ સમ્રાટો છે છતાં તે બૌદ્ધ વિદ્વાન સાધુ પ્રત્યે પુષ્કળ આદરભાવ રાખે છે એ જ તેમની વિશેષતા કહેવાય. કન્નોજમાં હ્યુને ઘણું રોકાવું પડ્યું. કારણ કે હર્ષ તેને છોડતો જ નહીં. હ્યુએ તેના રાજ્યના, પ્રજાના, વહીવટનાં ઘણાં વખાણ કર્યાં છે.

કન્નોજ આવતાં પહેલાં તે દક્ષિણ ભારતના કાંજીવરમ, ભરૂચ, વલ્લભિપુર, ગિરનાર, કચ્છ અને માળવા પણ ભ્રમણ કરી આવ્યો હતો. ભારતનો સાધુ ભારતમાં નહીં ફર્યો હોય તેટલું હ્યુ ભારતમાં ફર્યો હતો. કહે છે કે એક વાર તો તાંત્રિક કાપાલિકોએ તેને પકડી લીધો હતો અને નરબલિ આપવા તેને નવડાવી-ધોવડાવીને તૈયાર કર્યો હતો. પણ છેવટની ઘડીએ તેની આંગળી કપાયેલી હોવાથી છોડી મૂક્યો હતો. અક્ષત શરીર હોય તેનું જ બલિદાન અપાય. આવા નિયમે તેનું રક્ષણ કરી દીધું. કેવી કેવી આપત્તિઓ અને વિપત્તિઓ હ્યુએ ભોગવી હશે તેની કલ્પના જ ધ્રુજાવી દે તેવી છે.

કન્નોજમાં પણ તેને વધુ માન-સન્માન મળતું હોવાથી એક વર્ગ વિરોધી થઈ ગયો હતો. માન, ઈર્ષ્યા વિનાનું ભાગ્યે જ હોય છે અને ઈર્ષ્યા વિરોધ વિનાની નથી હોતી. હર્ષ સમજી ગયો. તેણે વિરોધીઓને ફટકાર્યા અને હ્યુને પૂરું રક્ષણ
આપ્યું.

આ સમયમાં બૌદ્ધધર્મના બે મુખ્ય ફાંટા મહાયાન અને હીનયાનમાં પણ વિખવાદ શરૂ થયો હતો. સંપ્રદાયો શાશ્વત નથી હોતા. ધર્મ જ શાશ્વત હોય છે. સંપ્રદાયોનો ઉદય અને અસ્ત થતો રહે છે. તેથી ઉદયકાળમાં અને અસ્તકાળમાં પરસ્પરમાં પણ સચ્ચાઈ સાબિત કરવા સંઘર્ષ થતા રહેતા હોય છે. હર્ષે બૌદ્ધધર્મના બંને સંપ્રદાયોનું સંમેલન બોલાવ્યું. તેની અધ્યક્ષતા હ્યુને આપી. ઘણા દિવસો સુધી ચર્ચા ચાલી. ભારતીય ધર્મોમાં ઊજળી બાજુ એ રહેતી આવી છે કે અહીં ચર્ચા-શાસ્ત્રાર્થ થતો હોય છે. જે ધર્મોમાં આવી ઊજળી બાજુ નથી હોતી તે શાસ્ત્રાર્થ નહીં શસ્ત્રાર્થ કરી બેસતા હોય છે. તેથી ઝનૂની બર્બર થઈ જતા હોય છે.

કહેવાય છે કે ઘણા દિવસો સુધી ચર્ચા ચાલતી રહી. હજી નિર્ણય આવતો ન હતો ત્યાં એક દિવસ વિશાળ સભામંડપમાં આગ લાગી ગઈ હતી. આ સભામંડપની વિશાળતાનો ખ્યાલ આવશે કે તેમાં 20 તો માંડલિક રાજાઓ આવ્યા હતા, એક હજાર સાધુઓ અને પંડિતો આવ્યા હતા. બૌદ્ધ, જૈન અને હિન્દુ ધર્મના મોટા મોટા આચાર્યો આવ્યા હતા. કહેવાય છે કે ભગવાન બુદ્ધની સુવર્ણપ્રતિમા એક સો ફૂટના ઊંચા સ્તંભ ઉપર બેસાડવામાં આવી હતી. શેઠ-શાહુકારો તથા પ્રજાનો વિશાળ વર્ગ આ સભામાં રોજ ભાગ લેતો હતો. 75 દિવસ સુધી આ સભા ચાલી. જો સભામંડપમાં અગ્નિ ન લાગી હોત તો કદાચ હજી વધુ દિવસ પણ ચાલત.

ધર્મચર્ચા અથવા સિદ્ધાંતચર્ચા જરૂરી છે તેથી પ્રજાના બૌદ્ધિક પક્ષને ઉત્તેજન મળે છે પણ તે સાર્થક હોવી જોઈએ. વિતંડાવાદી ન હોવી જોઈએ. કહેવાય છે કે સ્વામી વિવેકાનંદ દક્ષિણ ભારતના એક ધર્મસ્થાનમાં ગયા હતા ત્યાં સાત દિવસથી પંડિતોમાં શાસ્ત્રાર્થ ચાલતો હતો. કોઈ નિર્ણય થતો ન હતો. શાસ્ત્રાર્થનો વિષય હતો. સંડાસ ગયા પછી માટીથી પાંચ વાર હાથ ધોવા કે સાત વાર? સ્વામીજીને હસવું આવ્યું, ધર્મ અને જીવનના સળગતા પ્રશ્નોની ચર્ચા પડતી મૂકીને આવી તુચ્છ અને ક્ષુલ્લક બાબતોની ચર્ચા કરવી એ પંડિતોની યુગવિસ્મૃતિ જ કહેવાય.

સોળ વર્ષ સુધી હ્યુ ભારતમાં રહ્યો, હવે તેનું મન સ્વદેશ જવા ઉતાવળું થયું હતું, બધાને વિનય કરીને મનાવીને તે દેશ જવા તૈયાર થયો. હર્ષે તેનો વિદાય સમારંભ ગોઠવ્યો. તેના ઉપર ભેટો અને સોગાદોનો વરસાદ વરસ્યો. વિદ્વાનને કદી પણ ખાલી હાથે વિદાય ન કરાય આ આપણી સંસ્કૃતિ રહી છે. કહેવાય છે કે હ્યુ આવ્યો ત્યારે ચીંથરેહાલ એકાકી હતો. પણ વિદાય થયો ત્યારે સેંકડો ખચ્ચરો ભરીને પુસ્તકો, ભેટો, બુદ્ધપ્રતિમાઓ વગેરે લઈને વિદાય થયો. તેને શણગારેલા હાથી ઉપર બેસાડીને વાજતે-ગાજતે શોભાયાત્રા કાઢીને વિદાય આપી. તેની રક્ષા માટે હર્ષના સૈનિકો સાથે હતા. જલંધર પાસેથી સિંધુ નદી ઓળંગીને યારકંદ થઈને પામીરનો પઠારો ચઢીને ઘણાં કષ્ટો વેઠીને તે અઢળક જ્ઞાનખજાના લઈને જ્યારે ચીન પહોંચ્યો ત્યારે ચીનની પ્રજા તેના સ્વાગત માટે ઘેલી થઈ ગઈ. બાદશાહે તેનું ભવ્ય સન્માન કર્યું. થોડા દિવસ ઘણી ધૂમધામ ચાલી. લેખક, ચિંતક, વિચારક, તત્ત્વદર્શી જો માન-પાન-પ્રતિષ્ઠામાં પડી જાય તો તેનું લેખનકાર્ય ન થઈ શકે. તત્ત્વલેખકોએ તો દૂર એકાંતમાં જ રહેવું ઠીક. જ્યાં તેને લોકો ઓળખી શકતા ન હોય, તેથી તેને પૂરો સમય મળે. આદ્ય શંકરાચાર્ય, ભાષ્ય લખવા માટે હિમાલયના કેદારનાથ ક્ષેત્રમાં ચાલ્યા ગયેલા. જો તે કોઈ મોટા નગરમાં રહ્યા હોત તો રોજ પધરામણીઓ થાત. પણ ભાષ્ય ન લખી શકાત. ચિંતકે લોકમાન્યતાથી દૂર રહેવું જોઈએ. હા, લોકભૂખ્યા લોકો ભલે પધરામણીઓ કરાવતા ફરે. તે નિર્માતા નથી હોતા. પાકને લણનારા હોય છે. તેમને કણસલાં લણવા દો.

હ્યુ દૂરના એક જૂના બૌદ્ધ મઠમાં એકાંતમાં ચાલ્યો ગયો અને હાથમાં કલમ લઈને બેસી ગયો. 74 બૌદ્ધ ગ્રંથોનું સંસ્કૃતમાંથી ચીની ભાષામાં તેણે ભાષાંતર કર્યું. આ સિવાય ઘણું સાહિત્ય રચ્યું. મારા સદ્ભાગ્યે ચીની પ્રવાસમાં હું આ જગ્યાએ ગયેલો જ્યાં આજે પણ હ્યુની સ્મૃતિમાં 7 માળનો ભવ્ય પેગોડો ઊભો છે. છેક ઉપલા માળે ચઢવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. 65 વર્ષની ઉંમરે હ્યુએ ઈ. સ. 664માં પોતાનો દેહ છોડ્યો. પણ તેના અમર પ્રવાસ જિજ્ઞાસુઓને આજે પણ પ્રેરણા પૂરી પાડે છે.

Xuanzang

2-12-11