[ અસંખ્ય સંપ્રદાયો, પંથો, પરિવારો અને મંડળોમાં વહેંચાયેલી પ્રજા ઈશ્વરની જગ્યાએ કોઈ વ્યક્તિની પૂજા કરે છે અને ધર્મની જગ્યાએ ધર્માભાસનું સેવન કરે છે. પ્રજાને જરૂર છે ઈશ્વરના એકીકરણની. હજારો દેવી દેવતા અને ઈશ્વરોમાં જ નહિ પણ વ્યક્તિપૂજામાં વહેચાયેલી ગુમરાહ પ્રજાને એકેશ્વરનિષ્ઠામાં સ્થિર કરવાની જરૂર છે. પ્રજાને જરૂર છે સમાનતા અને સમતા આપનારા માનવતાવાદી ધર્મની.  હવે તો નિષ્ક્રિયતાને ખંખેરીને સૌ કોઈ પોતાના જ ભવિષ્યને સુધારવાના કામે લાગે. – સ્વામી સચ્ચિદાનંદ

‘હવે તો જાગીએ’ પુસ્તકની ભૂમિકા માંથી. ]

 

૧. વર્ણવ્યવસ્થા

હિંદુ પ્રજા માટે તત્કાળ ઉકેલ માગનારા ચાર પ્રશ્નો છે: (૧) વર્ણવ્યવસ્થા, (૨) સેંકડો સંપ્રદાયો, પંથો, પરિવારો અને મંડળો, (૩) વ્યક્તિપૂજા અને (૪) ધાર્મિક સંપત્તિ તથા આવકનો સદુપયોગ.
વર્ણવ્યવસ્થા ઉપર મેં સ્વતંત્ર એક પુસ્તક જ લખ્યું છે. આ વ્યવસ્થાથી કેટલી મોટી હાનિ થઇ છે તથા થઇ રહી છે, તેનો આછો ખ્યાલ આ પુસ્તક વાંચનારને આવ્યા વિના રહેશે નહિ એટલે અહીં તેનું પુનરાવર્તન કરવું યોગ્ય નથી, પણ હજી પણ જવાબદાર માણસો આ વ્યવસ્થાને વળગી રહેવા, તેનો બચાવ કરવા મરણિયો પ્રયાસ કરી રહ્યા છે. આ વર્ણવ્યવસ્થાનું સંપૂર્ણ વિસર્જન કરી દેવાયું છે, તેવી જવાબદાર માણસો તથા સંસ્થાઓ તરફથી જાહેરાત થઇ નથી. એક તરફ વર્ણવ્યવસ્થા અને તેના ચુસ્ત પોષક ગ્રંથોને ધર્મગ્રંથો તરીકે ચાલુ રાખવા અને બીજી તરફ પછાત વસ્તી બીજા ધર્મોમાં ન ચાલી જાય તે માટે એકતાના નારા આપવા તે પ્રશ્નનો સાચો ઉકેલ નથી, પણ પ્રશ્ન ઉપર ધૂળ નાખી પ્રશ્નને સંતાડી દેવાની ચાલાકી માત્ર છે.
વર્ણવ્યવસ્થા જ્યાં સુધી બ્લૂપ્રિન્ટ રહેશે ત્યાં સુધી ઉપર ઉપરથી કરેલા સુધારાના પ્રયત્નો ક્ષણિક, અલ્પજીવી અને પ્રભાવહીન જ રહેવાના. પ્રતિદિનસેંકડો માણસો બીજા ધર્મોમાં તણાય જાય છે, તેનું કારણ માત્ર આર્થિક લાલચ જ નથી, જો આર્થિક લાલચથી જ ધર્માંતર થતું હોય તો એ જ શસ્ત્ર વાપરીને પોતાના ભાઈઓને ધર્માન્તરિત થતા રોકી શકાવા જોઈએ તથા નવાને લાવી શકાવા જોઈએ. હિંદુ પ્રજા બહુ મોટા પ્રમાણમાં ધાર્મિક ક્ષેત્રમાં પૈસો વાપરે છે. કુંભમેળાઓ, યજ્ઞો, સપ્તાહો, રાજભોગો, સમૈયાઓ અને એકની એક જગ્યાએ પરસ્પરની સ્પર્ધામાં ભવ્ય મંદિરો તથા સમાધિઓ બાંધવા પાછળ લાખ્ખો નહિ કરોડો રૂપિયા તે પાણીની માફક વહાવે છે. બીજા ધર્મોની માફક આમાંથી માત્ર દશ ટકા પૈસા પણ જો દુખિયારા માણસો તરફ વાળવામાં આવે તો એક તો ધર્મ દીપી ઊઠે અને બીજી તરફ માત્ર લાલચના કારણે જ થનારું ધર્માંતર અટકી શકે. બહુ મોટા પાયા ઉપર આવું કામ કેમ નથી થતું?

કર્મનું વિભાજન એ માનવવ્યવસ્થા છે

શું હજી પણ આપણે વર્ણવ્યવસ્થાની બ્લૂપ્રિન્ટને ધર્મનો મૂળ આધાર માનીને સનાતન ધર્મને ‘વર્ણાશ્રમધર્મ’ બનાવવા માગીએ છીએ? ધર્મને જયારે ‘સનાતન ધર્મ’ સ્વીકારવામાં આવે છે ત્યારે તે સહજ રીતે માનવધર્મ બની જાય છે પણ જો તેને ‘વર્ણાશ્રમધર્મ’ માનવામાં આવે તો ધર્મની પરિધિ વર્ણ તથા આશ્રમની વ્યાખ્યા તથા તેનું પાલન કરાવવા ઉપર દ્રઢ થઇ જાય છે. વર્ણનું વિભાજન, કર્મના વિભાજનથી થયું છે. આ કર્મનું વિભાજન જો સમાપ્ત થઇ જાય તો વર્ણનું વિભાજન નિષ્પ્રાણ બની જાય. કર્મનું વિભાજન એ માનવવ્યવસ્થા છે, ઈશ્વરીય વ્યવસ્થા નથી. ઈશ્વરીય વ્યવસ્થાનો આરોપ કરીને કર્મના વિભાજનને સ્થાયીરૂપ આપવાનો પ્રયત્ન એટલે જાજરૂ સાફ કરનારને યાવચ્ચન્દ્રદિવાકરૌ માત્ર જાજરૂ સાફ કરનાર જ બનાવી રાખવો. રાજાના પુત્રને રાજા, શેઠના પુત્રને શેઠ અને વિદ્વાનના પુત્રને વિદ્વાન જ થયા કરવાની તકો ગોઠવી આપવી એવો એનો અર્થ થયો.
આ વ્યવસ્થા ક્યારનીય તૂટી પડી છે. હવે ભંગીનો દીકરો કલેક્ટર થઇ શકે છે અને ખેડૂતોના દીકરાઓ મોટી સંખ્યામાં શેઠ થયા છે. રાજા રામમોહનરાયથી માંડીને સ્વામી દયાનંદજી અને ગાંધીજીના પ્રયત્નોનું આ પરિણામ છે. કોઈ સરકારની તાકાત નથી કે તે વર્ણવ્યસ્થાને રાજમાન્યતા આપી શકે. કારણ કે ભારતના બંધારણે પ્રત્યેક નાગરિકને પૂર્ણ સમાનતાનો હક આપ્યો છે. માનવસમાનતા અને વર્ણભેદ સાથે રહી શકે જ નહિ. વર્ણભેદ વિના વર્ણવ્યવસ્થા ન રહી શકે. એટલે રાજકીય ફલક ઉપર તથા ધંધાના ફલક ઉપર હવે લગભગ વર્ણભેદ નથી રહ્યો, તોપણ મંદિરોમાં, પૂજાપાઠમાં, ઘરોમાં તથા ઘણાં રસોડાંઓમાં હજી પણ વર્ણભેદ છે જ. હવે જરૂર છે આ વર્ણભેદની બ્લૂપ્રિન્ટને જ સમાપ્ત કરવાની.

વર્ણવાદને માનવતાવાદમાં બદલો

બધા જ જવાબદાર માણસો તથા સંસ્થાઓ મળીને એક સ્વરથી ઉદ્ઘોષણા કરે કે અમે ધર્મના પ્રત્યેક ક્ષેત્રમાંથી વર્ણભેદને સમાપ્ત કરીએ છીએ, વર્ણભેદનાં સમર્થક પુસ્તકોને ત્યાજ્ય માનીએ છીએ તથા પૂરી માનવજાતને ધાર્મિક સમાનતા આપીએ છીએ, એટલું જ નહિ પણ તેને પ્રોત્સાહિત કરવા ક્રિયાત્મક વલણ પણ અપનાવીએ છીએ. આ પાયાના પ્રશ્નને ઉકેલવાનો મહત્વનો નિર્ણય છે. આવી ઉદ્ઘોષણાથી રોટી તથા બેટી વ્યવહારની સંકુચિતતા બહુ ઝડપથી સમાપ્ત થશે. વિશ્વની બધીજ પ્રજામાં સૌથી દુર્બળ પકવાશય હિંદુ પ્રજાનું છે. તે નથી કોઈની રોટી ખાઈ શકતો કે નથી કોઈની બેટી લઇ શકતો. આપવાની તો વાત જ દૂર રહી.
એક મુસ્લિમ પણ શ્રીકૃષ્ણના અનન્ય ભક્ત એવા ભક્ત છે. હિંદુ ધર્મપુસ્તકોનો એટલો ગહન અભ્યાસ કર્યો છે કે કલાકો સુધી તેમની ધર્મકથા સાંભળ્યા જ કરો. ભજનકીર્તનમાં જવું, સત્સંગ કરવો વગેરે બધું જ હિંદુચરિત્ર તેમના જીવનમાં જોવા મળે છે. આ ભાઈને એક ભાઈએ કહ્યું, ‘તાંણે તમે હિંદુ થઇ જાવ ને.’ બહુ શાંતિથી પેલા ભક્તે જવાબ આપ્યો, ‘હા, જરૂર, મારી પણ એજ ઈચ્છા છે, પણ મારી દીકરી તમારા દીકરા સાથે અને મારો દીકરો તમારી દીકરી સાથે પરણાવો તો હું હમણા જ હિંદુ થવા તૈયાર છું.’ સાંભળતાં જ પેલા ભાઈ ચાલતા થયા. જે પ્રજા રોટીબેટીનો ઉદાર વ્યવહાર ના રાખી શકે, તે વર્ધમાન ન થઇ શકે. તે તો સંકુચિત થતી થતી ઘટતી જ થાય. જો જવાબદાર ગુરુઓ તથા હિતકારી સંસ્થાઓ પ્રતિવર્ષ આંતરજ્ઞાતિય, આંતરવર્ણ, આંતરધર્મનાં લગ્નો ગોઠવે તથા પ્રોત્સાહન આપે તો હિંદુ પ્રજાનું પકવાશય બળવાન બને. પછી તે ઘણું ઘણું હજમ કરતી થાય. આ પાયાનો પ્રશ્ન છે અને તેનો આ ઉકેલ છે. વર્ણવાદની બ્લૂપ્રિન્ટને સમાનતાસૂચક માનવતાવાદમાં બદલવાનું હવે તો અનિવાર્ય થઇ ગયું છે.