[ગીતામાં યોગની ભૂમિકા નો ભાગ -૧ આપણે માણ્યો, હવે માણીએ કૃષ્ણને યોગેશ્વર કેમ કહ્યાં છે. આ પ્રકરણ નું અક્ષરાંકન ‘પ્રવચનમંગલ‘ પુસ્તક માંથી કરવામાં આવ્યું છે. ]

 

યોગ અને યોગેશ્વર

અહીં બારમા અધ્યાયમાં “કે યોગવિત્તમા:” માં પણ યોગ શબ્દ માત્ર સમાધિ કરનાર યોગીઓ માટે નથી. પણ આવા જ નિષ્કામ સેવાપરાયણ ઉપાસક માટે છે. યોગ શબ્દ અનેક યોગો સાથે સંકળાયેલો છે, સાથે સાથે ભક્ત સાથે પણ સંકળાયેલો છે. ગીતાજીમાં શ્રીકૃષ્ણ માટે ઘણાં વિશેષણો વપરાયાં છે. માધવ, હૃષીકેશ, મધુસૂદન વગેરે. આ બધા શબ્દોનો રૂઢાર્થ તો કૃષ્ણ જ થાય છે. પણ ગીતામાં એક શબ્દ વારંવાર ખાસ વિશેષ ભાવમાં આવેલો છે, તે શબ્દ છે ‘યોગેશ્વર’. એવું લાગે છે કે ગીતાકારને યોગેશ્વર શબ્દ બહુ પ્રિય છે. “યોગેશ્વર તતો મે ત્વં દર્શયાત્માનમવ્યયમ” (૧૧-૪), હે યોગેશ્વર ! હવે તમારા અવ્યયસ્વરૂપ યોગૈશ્વર્યને બતાવો. “મહાયોગેશ્વરો હરિ ?”, “પશ્ય મે યોગમૈશ્વરમ” , “યત્ર યોગેશ્વર: કૃષ્ણ:” , “યોગં યોગેશ્વરાત કૃષ્ણાત” વગેરે અનેક સ્થળે કૃષ્ણને યોગેશ્વર કહ્યા છે. તે એમ બતાવવા કે શ્રીકૃષ્ણ માત્ર યોગી જ નથી પણ બધા જ પ્રકારના યોગોને જાણનાર તથા બધા જ પ્રકારના યોગીઓના સ્વામી છે. પણ યોગેશ્વરનાં દર્શન કરતાં પહેલાં તેના ઐશ્વર્યાનાં દર્શન કરવાં જરૂરી છે. એટલે ૧૧મા અધ્યાયમાં “પશ્ય મે યોગમૈશ્વર્યમ” કહીને અર્જુનને યોગૈશ્વર્યનાં દર્શન કરાવ્યાં. જેણે યોગૈશ્વર્યનાં દર્શન નથી કર્યાં તે યોગેશ્વરને કદાચ નહિ ઓળખી શકે. એટલે પહેલાં વિભૂતિયોગ-વિશ્વરૂપદર્શનયોગ અને પછી ભક્તિયોગનો ક્રમ ગોઠવ્યો છે. અધ્યાત્મિક મહત્તા માટે ભૌતિક મહત્તા નકારાત્મક નથી, તે સકારાત્મક પણ હોઈ શકે છે. ખરેખર તો તેને સર્વાતોભાવથી નકારાત્મક બનાવી દેનાર અધ્યાત્મિક વ્યક્તિઓએ એકાંગી દર્શન કર્યું છે, જેના પરિણામે સમાજ અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ થયો છે.

અધ્યાત્મિક મહત્તાનું પ્રથમ પરિણામ એ હોવું જોઈએ કે તેણે ભૌતિક ઐશ્વર્યને કેટલું પારમાર્થિક રૂપ આપ્યું, તેની (ભૌતિક ઐશ્વર્યની) જડતામાં કેટલું ચૈતન્ય પૂર્યું. દુર્ભાગ્યવશ આપણે એવી આધ્યાત્મિક વ્યાખ્યા કરીએ છીએ. જ્યાં ભૌતિક ઐશ્વર્ય નકાર બની જાય, પાપ બની જાય, બંધન બની જાય, નર્ક બની જાય. લક્ષ્મીના સ્પર્શમાત્રથી દાઝી ઉઠનારા ત્યાગીઓ (જો કે બીજી રીતે તો તે પણ લક્ષ્મીઘેલા થતા જ હોય છે) કરતાં લક્ષ્મીનો પરમાર્થભાવે સદુપયોગ કરી હજારોનાં દુઃખ દૂર કરનારા નિષ્કામસેવી કાર્યકર્તાઓ ઘણા મોટા ત્યાગી છે, સાચા ત્યાગી છે. પ્રથમના કોરાત્યાગમાં જડતા છે. તે સરલ પણ છે; તેનાં મૂળ લોકપ્રતિષ્ઠામાં છે. જો લોકપ્રતિષ્ઠા ના મળે તો આ ત્યાગ તદ્દન અલ્પજીવી તથા નિરર્થક બની જાય.

વિવેકશૂન્ય ત્યાગ

હું કાશીમાં રહેતો ત્યારની વાત છે. સવારના આઠનવ વાગ્યે એક ચીંથરેહાલ વૃદ્ધ, જર્જરિત સંન્યાસી આશ્રમના બાંકડે બેસી સ્વર સહિત શુદ્ધ ઉચ્ચારણથી વેદગાન કરવા લાગ્યા. અમે બધા વિદ્યાર્થીઓ તેમના શુદ્ધ તથા મધુર ગાનને સાંભળવા ભેગા થયા. આવા વિદ્વાન પુરૂષ આમ ચીંથરેહાલ કેમ હશે તે સૌના મનનો પ્રશ્ન હતો. વેદગાન બંધ થયા પછી અમે બધાએ ભાવથી પૂછ્યું કે તમે કોણ છો, અને કેમ આવ્યા છો? તેમણે જવાબ આપ્યો કે હું વૃદ્ધ સંન્યાસી છું, દુઃખી છું. શિયાળો બેસી ચૂક્યો છે, મારી પાસે પૂરતાં વસ્ત્રો નથી એટલે તમારી પાસે જૂનાં-પુરાણા વસ્ત્રો લેવા આવ્યો છું. અમે કહ્યું કે તમે વિદ્વાન દેખાવ છો, છતાં તમારા આવા હાલ કેમ થયા છે? તમારે ઊતરેલા ચીથરાં પહેરવાં પડે તે તો બહુ ખરાબ કહેવાય. તેમણે જે વિસ્તારથી જવાબ આપ્યો તે આ પ્રમાણે હતો:

“વર્ષો પહેલાં ભરયુવાવસ્થામાં હું સંન્યાસી થયેલો. ત્યાગ-વૈરાગ્યથી ભરપૂર મારું જીવન હતું. પ્રભુકૃપાથી થોડું શાસ્ત્રજ્ઞાન પણ ખરું. હું જ્યાં જાઉં ત્યાં મારો જયજયકાર થાય. લોકો મારાં જ્ઞાન-વૈરાગ્ય તથા ત્યાગનાં ભરપૂર વખાણ કરે. આ વખાણ સાંભળી સાંભળીને વધુ ને વધુ વખાણ થાય તેટલા માટે હું વધુ ને વધુ ત્યાગમય જીવન જીવવા લાગ્યો. ખાવામાં, પહેરવામાં, રહનસહનમાં એટલો બધો ત્યાગભાવ રાખું કે લોકો આશ્ચર્યચકિત થઈને મારી વાહ વાહ કરે. ત્યાગ ખોટો ન હતો, પણ તેનું ધ્યેય ખોટું હતું. લક્ષ્ય હતું માત્ર લોકપ્રતિષ્ઠા. એ લોકપ્રતિષ્ઠાની પ્રબળ ભૂખે મને વિવેકશૂન્ય બનાવ્યો. કોઈ વાર કોઈ મારી પાસે પૈસા મૂકે તો હું ઉપાડીને ગંગાજીમાં ફેંકી દઉં. નોટ હોય તો ફાડી નાખું. મારાં આવા અવિવેક્પૂર્ણ કૃત્યને ખોટું સમજવાને બદલે લોકો કોઈ મહાન કાર્ય કર્યું હોય તથા હું કોઈ ઉચ્ચ ભૂમિકાનો સંત હોઉં તેવી રીતે મારો વધુ ને વધુ જયજયકાર કરતા રહ્યા. આ જયજયકારે મને વધુ ને વધુ અવિવેક તરફ ધકેલ્યો. ત્યાગના અહંકારમાં હું સૌને તુચ્છ સમજતો. સંસારની સર્વોત્તમ મહત્તા મને મારામાં જ દેખાવા લાગી, બાકી બધે હીનતા જ દેખાવા લાગી.

પછી એ અહંકારે મને ગબડાવ્યો. ભૂંડા દિવસો શરૂ થયા. મારી આરતી ઉતારનારાઓ મારાં પ્રત્યે ધૂળ ઉડાડતા થયા. મારું આંતરિક અસલી સ્વરૂપ પ્રકટ થવા લાગ્યું. સૌએ મારો ત્યાગ કર્યોં. દિનપ્રતિદિન હું દીન હીન-કંગાલ થતો ગયો. આજે હું પૈસા-પૈસાને શોધી રહ્યો છું. જે નોટો હું ફાડી નાખતો, તે જ નોટ હવે મને જોવા પણ નથી મળતી. મારો ત્યાગ વિવેકશૂન્ય જડતાવાળો હતો. ઈશ્વરને રાજી કરવા નહિ, પણ લોકોને રાજી કરવા માટે હતો, અને લોકોને સતત કોણ રાજી રાખી શક્યું છે? આજે આરતી ઉતારે ને કાલે ધૂળ ઉડાડે. મોહ છોડાવનાર સ્વયં મોહમાં પકડાયો. તમને હું હાથ જોડીને કહું છું. કદી આવો જડ ત્યાગ ના કરશો. લક્ષ્મી એ પાપ નથી, પરમેશ્વરનું ઐશ્વર્ય છે. તેનો સાચો ત્યાગ તેનો સદુપયોગ છે. તેનો આક્રોશપૂર્વક ગંગાજીમાં ઘા કરવો કે તેને ફાડી-બાળી નાખવી તે ત્યાગ નથી, પણ ત્યાગના અહંકારમાંથી જન્મેલી અધમતા છે. આવી અધમતા જ્યાં મહત્તાનો માપદંડ થતી હોય તે સમાજ, ત્યાગના નામે વધુ ને વધુ અધમતા તરફ ધકેલાતો જશે. તેમના ત્યાગીઓ લોકરંજક હશે, ઢોંગી અને દંભી હશે.”

પેલા વૃદ્ધ સન્યાસીને જે અનુભવ બતાવ્યો, તેણે અમને પ્રભાવિત કર્યાં. લોકકીર્તિ માટે જડ ત્યાગ કરવા કરતાં પ્રભુચાહના માટે હજારોનાં દુખને દૂર કરવાનું નિમિત્ત બનવા માટે લોકસંગ્રહી થવું વધુ શ્રેયસ્કર છે. એટલે ગીતાએ ભૌતિક શક્તિઓ તથા અધ્યાત્મિક શક્તિઓનો સુમેળ માન્યો છે. આવો સુમેળ કરવો તે પણ યોગ્ય જ છે. શ્રીકૃષ્ણ જીવનની સર્વ દિશાઓના યોગેશ્વર છે. તે કોરા ભૌતિકજડવાદી બાથ તેમ તે કોરા અધ્યાત્મવાદી પણ નથી, તે તો સર્વવાદી છે, જેમાં ભૌતિકતા પણ આધ્યાત્મિકતાના રંગે રંગાઈને દીપી ઊઠે છે.