[ સનાતન ધર્મ એટલે શું? માણસે બનાવેલા શાસ્ત્રીય ધર્મ(સંપ્રદાયો), કુદરતે મૂકેલા આવેગો, લાગણીઓ વિશે વિસ્તારથી સમજાવતો, ચિંતનથી ભરેલા આ લેખને આપણે ચાર-પાંચ ભાગમાં માણીશું. પહેલા ભાગમાં કુદરતી ધર્મ અને બીજા ભાગમાં આવેગો, લાગણીઓ અને મનુષ્ય બાકીની સૃષ્ટિ કરતાં કેવી રીતે જુદો પડે છે ? ત્રીજા ભાગ માં આપણે શાસ્ત્રીય ધર્મ એટલે શું માણ્યું. ચોથા ભાગમાં આપણે શાસ્ત્રીય ધર્મના ત્રણ વિભાગો: માન્યતા, આચારો અને કથાઓ એટલે શું? માણ્યું. હવે આ પાંચમાં (અને છેલ્લા) ભાગમાં આપણે રૂઢીઓ અને ધર્મની સાર્થકતા-સફળતા શેમાં? વિશે સ્વામીજીના વિચારો માણીશું. આ લેખનું અક્ષરાંકન સ્વામીજીના પુસ્તક ‘ઉપસંહાર‘ માંથી કરવામાં આવ્યું છે. ]

રૂઢીઓ

ધર્મનું ત્રીજું સોપાન રૂઢીઓ છે. કુદરતી વ્યવસ્થા પછી શાસ્ત્રીય વ્યવસ્થા કરતાં પણ વધુ પકડ જમાવતું ત્રીજું તત્વ રૂઢીઓ પ્રત્યેક પરંપરામાં થોડીઘણી તો હોય જ છે. જન્મથી માંડીને મૃત્યુ પર્યંત થનારા રીતી-રિવાજો મોટા ભાગે રૂઢીઓ કહેવાય છે.જેમ કે બાળક જન્મે ત્યારે થાળી વગાડવી, સાકર વહેંચવી, તેનું નામ પાડવું, લગ્ન વખતે સાસુ દ્વારા વરનું પોંખાવું, નાક પકડવું કે બીજા રીતી-રિવાજો, થાપા લગાવવા, મામા દ્વારા કન્યાને તેડીને ચોરીમાં લાવવી, ખાવું-ખવડાવવું વગેરે રૂઢીઓ, જે પોતપોતાના રીતિરિવાજો તરીકે ઓળખાય છે, તે આપણા જીવનમાં કામ કરતી હોય છે. ઘણા લોકો તેને ડોશીશાસ્ત્ર પણ કહે છે. એક કાશીશાસ્ત્ર અને બીજું ડોશીશાસ્ત્ર. ઘણી વાર કાશીશાસ્ત્ર કરતાં ડોશીશાસ્ત્રની પકડ વધારે જોવા મળે છે.

ધર્મની સાર્થકતા-સફળતા શેમાં?

ધર્મની સાર્થકતા અને સફળતાને માપવાનાં બે મુખ્ય તત્વો છે: કુદરત અને માનવતા. જો તેનાં મૂળ કુદરતી વ્યવસ્થાની ધરતીમાં હશે તો અને જો તેનાં પાંદડાં માનવતાવાદી આયામમાં હશે તો તે સાર્થક ધર્મ થઇ શકશે. પણ જો આ બેમાંથી એકે નહિ હોય તો તે ધરાર નિષ્ફળતા પ્રાપ્ત કરશે.
હવે ધર્મની સાર્થકતા અને સફળતાને માપવાનાં બીજાં બે ઘટકો વિશે વિચાર કરીશું. એક છે રાષ્ટ્રવાદ અને બીજું છે વિજ્ઞાનવાદ.
ધર્મ રાષ્ટ્રવાદી છે? અર્થાત રાષ્ટ્રની અપેક્ષાઓ પૂરી કરી શકે છે? માનો કે રાષ્ટ્રને અનાજ જોઈએ, જો ધર્મ, ખેતી-વાડીને પાપ માનીને તેને રોકતો હશે તો તે રાષ્ટ્રની અપેક્ષા પૂરી કરી શકશે નહિ. ઉપનિષદોમાં જણાવ્યું છે કે ‘અન્ન બહુ કુર્વીત’ અર્થાત અનાજ ઘણું પેદા કરો. આ રાષ્ટ્રવાદની પૂરવાની થઇ. ઉત્તમ ખેતીનું સૂત્ર નીકળ્યું અને રાષ્ટ્ર ધન-ધાન્યથી ભરપૂર થઇ સ્વાવલંબી થયું. આ થયો રાષ્ટ્રવાદ. પણ ધર્મે કહ્યું કે ખેતી ન કરશો. મહાપાપ લાગશે અને લોકો ખેતી વિમુખ થયા. હવે ભૂખે મરવાના દિવસો આવ્યા. રાષ્ટ્ર લાચાર અને દુર્બળ થશે. કારણ કે ધર્મ, ખેતીવાડીથી વિરુદ્ધ આદેશ આપે છે. રાષ્ટ્રને ખેતી માટે, પીવા માટે અને ઉદ્યોગો માટે પાણીની જરૂર છે, એટલે મોટા મોટા બંધ બાંધવા, નહેરો કાઢવી અને રાષ્ટ્રને લીલુંછમ કરવું તે જરૂરી છે. પણ ધર્મ આવા બંધોનો વિરોધ એટલા માટે કરે છે કે તેમાં માછલાં વગેરે જંતુઓ પડશે અને લોકો તેમને પકડીને ખાશે એટલે હિંસા થશે. પાપ લાગશે. માટે સરદાર સરોવર જેવા બંધોનો પ્રગટ અથવા અપ્રગટ વિરોધ કરીને તેને રોકવાનો પ્રયત્ન કરવો એ રાષ્ટ્રહિત ન કહેવાય. રાષ્ટ્રહિત અને ધર્મવ્યવસ્થા પરસ્પરમાં વિરોધી ન હોવાં જોઈએ. જો હશે તો ધર્મ, રાષ્ટ્રને હાનિકર્તા થઇ જશે. શત્રુઓના દ્વારા થનારી હાનિ કરતાં પણ આ વૈચારિક હાનિ વધુ ભયંકર હશે.
માનો કે રાષ્ટ્રને હજારો વીર સૈનિકોની તથા શસ્ત્રોની જરૂર છે. પણ ધર્મ, અનુયાયીઓને સૈનિક થવા, શસ્ત્ર ધારણ કરવા જરાય પ્રોત્સાહિત નથી કરતો, ઊલટાનું તે હતોત્સાહિત અથવા નિષેધ કરે છે, તો રાષ્ટ્ર દુર્બળ થઈને ગુલામ થશે. આવી જ રીતે પ્લેગ વગેરે રોગ ફેલાવનારા ઉંદરો, હડકાયાં કૂતરાં, ખેતીનો નાશ કરનારાં પ્રાણીઓ વગેરેનો નાશ કરવો રાષ્ટ્રહિત માં જરૂરી છે. પણ જો ધર્મ આડે આવશે તો તેથી ઉંદરો, હડકાયાં કૂતરાં વગેરે વધી જશે અને રાષ્ટ્રને રોગીષ્ઠ અને દુઃખી કરી નાખશે. આવી અનેક વાતોથી ધર્મની સફળતા-નિષ્ફળતાને માપી શકાય. તટસ્થ બુદ્ધિથી જો ડાહ્યા માણસો વિચાર કરશે તો જણાશે કે, આપણે આપણી ધાર્મિક વ્યવસ્થાથી સુખી ઓછા પણ દુઃખી વધારે થઈએ છીએ. જ્યાં સુધી ધર્મવ્યવસ્થાને કુદરત-સાપેક્ષ, માનવતાલક્ષી, રાષ્ટ્ર્લક્ષી બનાવવામાં નહિ આવે ત્યાં સુધી પ્રજા જેમ જેમ વધુ ચુસ્તીથી ધર્મ પાળશે તેમ તેમ વધુ ને વધુ દુઃખી થતી જશે.
આવી જ રીતે ધર્મને વિજ્ઞાનસહ્ય બનાવવો પણ જરૂરી છે. વિજ્ઞાન વિરોધી માન્યતાઓ (માનો કે કોઈ કહે કે આ પૃથ્વી ગોળ નહિ પણ રકાબી જેવી ચપટી છે. પૃથ્વી નહિ પણ સૂર્ય ફરે છે વગેરે), તેવા આચારો વગેરે પાળવાથી પ્રજા વધુ ને વધુ દુઃખી થતી જશે. માલમૂત્રાદિનો ત્યાગ એવી રીતે કરવામાં આવે કે જેથી ગંદકી વધે અને આજુબાજુના લોકો દુઃખી થાય તો આવા આચારો લોકવિરોધી થઇ ઘૃણા વધારનારા થઇ જશે. પોતાના આચારથી લોકો દુઃખી ન થાય, કોઈને અગવડ ન થાય તે જોવું પણ જરૂરી છે.