[આ લેખનું અક્ષરાંકન સ્વામીજીનાં પુસ્તક ‘ચાણક્યની રાજનીતિ ’ માંથી કરવામાં આવ્યું છે.]
सम्पाध्यात्मानमन्विच्छेत् सहायवान् || ૧૫ ||
પોતાને રાજગુણોથી યુક્ત બનાવીને પછી સહાયક અધિકારીઓ શોધવા જોઈએ.
સહાયકો વિના શાસન ચાલી શકે નહિ, એટલે રાજાએ પહેલાં પોતાને યોગ્ય ગુણવાન બનાવીને પછી યોગ્ય અધિકારીઓ શોધવા જોઈએ.
એક નિયમ છે કે યોગ્ય વ્યક્તિની પાસે જ યોગ્ય વ્યક્તિઓ ટકતી હોય છે. અયોગ્ય પાસે યોગ્ય અને યોગ્યની પાસે અયોગ્ય વ્યક્તિઓ ટકી શકતી નથી.
યોગ્યતા ત્રણ રીતે માપવાની : ૧. જે પદ ઉપર તેને નીમવાનો હોય તે વિષયની તેનામાં તજજ્ઞતા હોવી જરૂરી છે. માનો કે વિત્તમંત્રીની જગ્યાએ જે અર્થશાસ્ત્રની કુશળ વ્યક્તિ હોય તેની જ નિયુક્તિ થાય. આ પ્રથમ યોગ્યતા છે. ૨. તે પૂર્ણ પ્રામાણિક અને વફાદાર હોય. કેટલીક વાર વ્યક્તિ તજજ્ઞ તો હોય પણ પ્રામાણિક ન હોય, વફાદાર ન હોય, તો તે ભયંકર અનર્થકારી થઇ શકે છે. એટલે તે વ્યક્તિ પ્રામાણિક અને વફાદાર પણ હોવી જોઈએ. પ્રમાણિકતા અને વફાદારીનું પ્રથમ માપ તેની ખાનદાની છે. તે કયા કુળની અથવા વંશની છે તે જોવું જરૂરી છે. પછી છેવટનું માપ તો અનુભવ છે. ૩. તે વ્યક્તિ આજ્ઞાંકિત હોવી જોઈએ. તે સ્વામીની આજ્ઞાનું પાલન કરે છે કે ઉદ્દંડ છે? ગમે તેટલો યોગ્ય માણસ પણ જો અનુશાસિત ન હોય અને ઉદ્દંડ હોય તો તેને રાખીને કોઈ સુખી ન થઇ શકે. આ ત્રણ યોગ્યતાઓ જોઈને પછી લાંબા સમયસુધીના અનુભવોથી વ્યક્તિને ઓળખી શકાય. યોગ્ય વ્યક્તિની જરૂર કદર કરતા રહેવું જોઈએ. યોગ્ય વ્યક્તિ ગમે તેટલા નાના પદ ઉપર હોય તોપણ તેને બઢતી આપીને ઊંચા પદે ચઢાવવી જોઈએ.
આવા કુશળ – વફાદાર આજ્ઞાંકિત અધિકારીઓથી શાસન સરળતાથી ચલાવી શકાય.
Leave A Comment