[આ લેખ સ્વામીજીના પુસ્તક ‘વાસ્તવિકતા’ માંથી લેવામાં આવ્યો છે.]
૧. જે જે ક્રિયાઓ ઈશ્વરની સમીપમાં લઇ જાય તે બધી ઉપાસના છે.
૨. શારીરિક, માનસિક, વાચિક, બૌદ્ધિક રીતે ઉપાસના કરી શકાય છે.
૩. ઉપાસના અવશ્ય કરવી જોઈએ. તેનાથી વધુ બીજું કોઈ કલ્યાણકારી કર્મ નથી.
૪. સાચી ઉપાસના લાંબો સમય કરવાથી ઘણી યોગ્ય ઈચ્છાઓ પૂરી થાય છે. ઉપાસના કલ્પતરુ છે.
૫. ઉપાસનાનો મૂલ આધાર શ્રદ્ધા છે. શ્રદ્ધા તૂટે તેવો સંગ ન કરવો. શ્રદ્ધા વધે તેવો સંગ કરવો.
૬. ઉપાસના ચમત્કારો માટે નથી. ચમત્કારદર્શીઓથી દૂર રહેવું.
૭. ઉપાસનાથી જ્ઞાનપ્રાપ્તિ પણ થાય છે.
૮. ઉપાસનાથી સાચી શાંતિ પણ પ્રાપ્ત થાય છે.
૯. ઉપાસનાથી જીવન ધન્ય ધન્ય થઇ જાય છે.
૧૦. ગરીબ-દુઃખી માણસે નિરાશ થયા વિના ઉપાસના જરૂર કરવી.
૧૧. આર્ત, અર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની એ ચાર ભેદથી ઉપાસકો બતાવાયા છે, જ્ઞાની (નિષ્કામી) ઉપાસક શ્રેષ્ઠ છે.
૧૨. ઉપાસના બને તેટલી એકાંતમાં કરવી. પણ નામજાપ તો જાહેરમાં પણ કરવા, હા, પ્રદર્શન ની લાલસા વિના.
૧૩. ઓછામાં ઓછી સામગ્રીથી ઉપાસના કરવી. બને તો કશી જ સામગ્રી વિના ઉપાસના કરવી.
૧૪. મંત્ર કે દેવ બદલ બદલ ન કરવો. દેવ કે મંત્ર મહાન નથી, શ્રદ્ધા મહાન છે.
૧૫. કોઈપણ એક મંત્ર અને પ્રીયદેવ સ્વીકારી લેવો. બધા જ દેવો એક ઈશ્વરનું પ્રતિક છે. ભેદ ન કરવો. ભેદ કરાવનારાથી દૂર રહેવું.
૧૬. ઉપાસના કરવી પણ કર્મકાંડ ઓછું કરવું. ઈશ્વરમાં સીધેસીધું મન ન લાગે તોપણ જાપ કરવા.
૧૭. સામગ્રીથી પણ ઉપાસના થાય પણ તે ખર્ચાળ ઉપાસના છે.
૧૮. સાકાર અથવા નિરાકાર કોઈ પણ રકાર સ્વીકાર શકાય છે. પણ એકનો સ્વીકાર કરીને બીજાનો વિરોધ ન કરવો. સહિષ્ણુ થવું.
૧૯. સવારે-સાંજે પ્રાર્થના જરૂર કરવી.
૨૦. બને તો સમૂહપ્રાર્થના કરવી. પુરા પરિવારને સાથે રાખવો. તેથી સંસ્કાર પડે છે.
૨૧. પ્રાચીનકાળમાં લોકો સંધ્યા કરતા. પછી મૂર્તિપૂજા આવી એટલે આરતી પૂજા થવા લાગી. સંધ્યાની જગ્યાએ લોકો દેવદર્શન કરવા મંદિરે જવા લાગ્યા.
૨૨. મંદિરે જરૂર જવું. અત્યંત શ્રદ્ધા અને નમ્રતાથી દર્શન કરવાં. પ્રતિમામાં પરમેશ્વરની અનુભૂતિ કરવી.
૨૩. મંદિરને દુકાન ન બનાવવી. જે મંદિરોને કોમર્શીઅલરૂપ અપાયું હોય ત્યાં ન જવું. તેને પ્રોત્સાહન ન આપવું.
૨૪. મંદિરને દુકાન બનાવનારા મહાત્મા નથી હોતા. વ્યાપારી હોય છે.
૨૫. મંદિરમાં કક્ષા ન પાડવી. સૌ સમાન છે.
૨૬. ગરીબ અને શ્રીમંતો માં ભેદ કરનારા, દક્ષિણાલોભી પૂજારીઓને પ્રોત્સાહન ન આપવું.
૨૭. મંદિર વિના ઘરે કે જંગલમાં પણ ઉપાસના થઇ શકે છે. જ્યાં મન લાગે તે જ મંદિર છે.
૨૮. સ્નાન કરીને, સ્વચ્છ થઈને જ મંદિરે જવું. બાહ્ય પવિત્રતા પણ જરૂરી છે.
૨૯. કદાચ સ્નાનાદિની સગવડ ન હોય તો સ્નાન વિના પણ મંદિરે જઈ શકાય છે. પણ દૂરથી દર્શન કરવાં. બીજા દર્શનાર્થીઓને તકલીફ ન થાય.
૩૦. ઈશ્વરને સૂતક લાગતું નથી. ઉપાસના રોકવી નહિ.
૩૧. રજસ્વલા સ્ત્રીએ પણ ઉપાસના કરવી. મંત્ર અભડાતો નથી. પણ લોકોની રુચિનું ધ્યાન રાખીને દુરથી દર્શન કરવાં.
૩૨. રજસ્વલાપણું કુદરતી પ્રક્રિયા છે. કલ્યાણકારી છે. વંશ વારસા માટે જરૂરી છે. તેનાથી ઘૃણા ન કરવી. અભડાવું નહિ. હા, સ્વચ્છતા જરૂર રાખવી.
૩૩. ઉપાસકે ખોટી અને વ્યર્થની ચર્ચા ન કરવી.
૩૪. વિશ્વનાં, જીવનનાં અને ઈશ્વરનાં બધાં રહસ્યો આપણે જાણી શકતા નથી. તેની માયા અપરંપાર છે. જાણકારીનો ગર્વ ન કરવો. હાથ જોડીને રહેવું.
૩૫. જે સંપ્રદાયમુક્ત – વાળાબંધીથી મુક્ત હોય તેવા વિશાળ વલણવાળા સંતનો સત્સંગ કરવો. વાડામાં પડવું નહિ.
૩૬. ઉપાસકે દયાળુ અને પરમાર્થી થવું. બને તો દીન-દુખિયાની સેવા કરવી.
૩૭. પોતાના ઇષ્ટદેવને મક્કમતાથી પકડવા પણ બાકીના સૌને પગે લાગવું. વિરોધ ન કરવો. હું જ સાચો છું તેવો અભિનિવેશ ન કરવો. તું પણ સાચો છે તેવી ઉદારતા બતાવવી.
૩૮. બધું ઈશ્વરનું નિર્માણ છે. તે સહેતુક છે. વ્યર્થ નથી. તેનો હેતુ ન સમજાય તોપણ તેનો
તિરસ્કાર ન કરવો.
Leave A Comment