[કર્મ નો સિદ્ધાંત ભાગ -૧ આપણે માણ્યો. ભાગ ૨ માં કર્મફળ – પુનર્જન્મ, પ્રારબ્ધ અને પુરુષાર્થ વિષે સ્વામીજી ના વિચારો માણીએ. ]

કર્મફળ – પુનર્જન્મ

કર્મફળ અવશ્ય ભોક્તવ્ય માનવાની સાથે જ પુનર્જન્મ સંકળાયેલો છે. જો કર્મફળવાદ ન હોય તો પુનર્જન્મની જરૂર ન રહે. ‘જીવનો જન્મ કેમ થાય છે?’ તેવા પ્રશ્નના ઉત્તરમાં જવાબ અપાય છે: ‘અનેક જન્મોના બાકી રહેલાં કર્મોમાંથી જે કર્મો પાક્યાં છે તેને ભોગવવા માટે.’ એટલે પાકેલાં કર્મો પ્રમાણે જીવાત્માને વર્ણ-જાતિ, ધન, આરોગ્ય, સફળતા-નિષ્ફળતા, નર-નારીના સંબંધો, પુત્ર-પુત્રાદિની પ્રાપ્તિ, આયુષ્ય વગેરે મળે છે. એક રીતે પૂર્વનાં કર્મો પ્રમાણે જ તેને બધું સુખ-દુઃખ પ્રાપ્ત થતું હોય છે. જરા વિસ્તારથી ચર્ચા કરીએ. આટલી ચર્ચા કર્યા પછી હવે મૂળ વાત ઉપર આવીએ.

પુનર્જન્મમાં માનનારા ધર્મો, વર્તમાન જન્મનાં સુખ-દુઃખને ગયા જન્મોનાં પરિણામ માને છે. જેમકે, જન્મ લેવો. ઉત્તમ કર્મોવાળા બ્રાહ્મણાદિ શ્રેષ્ઠ વર્ણોમાં જન્મે છે, જન્મતાં જ તે પૂજ્ય-પવિત્ર, ધનાઢ્ય રાજકુંવર વગેરે બને છે: આ બધું તેને ગયા જન્મનું પુણ્ય ફળ મળ્યું કહેવાય.

આવી જ રીતે ચાંડાલાદિ નિમ્નતમ વર્ણ યા જાતિમાં જન્મનાર, જન્મતાં જ અસ્પૃશ્યતા, તિરસ્કાર, દરિદ્રતા, વિદ્યાહીનતા, સંસ્કારહીનતા વગેરે પ્રાપ્ત કરે છે તે ગયા જન્મનાં નીચ કર્મોને કારણે પ્રાપ્ત કરે છે. આવી જ રીતે પતિ-પત્નીની પ્રાપ્તિ, ધનપ્રાપ્તિ, સંતાનપ્રાપ્તિ, જીવનની સફળતા-નિષ્ફળતા, આયુષ્યની સીમા, આરોગ્ય, કીર્તિ વગેરે બધુંજ પૂર્વનાં કર્મ પ્રમાણે પ્રાપ્ત થતું હોય છે. આવી ધારણાઓ પૂર્વજન્મના આધારે બની છે અને ઘણી મજબૂતાઈથી ઊંડા મૂળ નાખીને સ્થિર થઇ છે.

જરા વિચારીએ, માનો કે પૂર્વનાં ઉત્તમ કર્મોથી એક જીવ રાજાને ત્યાં જન્મી રાજકુમાર બન્યો, પણ આ કર્મફળ માત્ર તેને જ સુખ આપનારું નથી થતું. રાજા-રાણી-પરિવાર અને પૂરી પ્રજા પણ રાજકુમારના જન્મથી સુખી થાય છે. તો આ બધાંને જે રાજકુમારની પ્રાપ્તિનું સુખ મળ્યું તે ક્યાં કર્મોથી મળ્યું?

આવી જ રીતે પૂર્વના કોઈ પાપકર્મથી રાજકુમારને સર્પદંશ થયો અને મારી ગયો. તો આ કર્મથી રાજકુમારને તો પાપકર્મનું પરિણામ મળ્યું. પણ રાજકુમારના મૃત્યુ થી રાજા-રાણી-પરિવાર અને પૂરી પ્રજા પણ દુઃખી-દુઃખી થાય છે. આ દુઃખ તેમને ક્યાં કર્મોથી મળ્યું? કોઈ પણ કર્મ, માત્ર એક જ જીવને સુખ-દુઃખ આપે તેવું બનતું નથી. તે જીવ સાથે સંકળાયેલા અનેક જીવોને તેની અસર થતી જ હોય છે. એટલે કર્મફળ માત્ર એક જીવ પૂરતું સીમિત ન રહેતાં ઘણા જીવો સાથે સંબંધ ધરાવતું થઇ જાય છે.

માનો કે પૂર્વના ઉત્તમ પુણ્યના કારણે રાજકુમારને ઉત્તમ રાણી મળી. પણ પ્રશ્ન એ થાય છે કે રાણીનાં ઉત્તમ પુણ્ય હશે તો તેને ઉત્તમ રાજકુમાર મળ્યો હશે. એટલે એકનાં જ ઉત્તમ કર્મો નહિ પણ બન્નેનાં ઉત્તમ કર્મો હશે એમ કહી શકાય. કેટલીક વાર એક ઉત્તમ હોય અને બીજું અધમ પણ હોય. તેમનું સુખી-દુઃખી દામ્પત્ય, તેમના પૂર્વનાં કર્મોને માની શકાય તો, તેમના સુખી દામ્પત્ય થી સુખી થનારાં બન્ને પક્ષનાં માતા-પિતા વગેરેને પણ પૂર્વનાં પુણ્યકર્મો હશે જ . આ બધાનાં પૂર્વ કર્મો નો એકી સાથે ઉદય થયો હોય તેમ બને. આમ એકસાથે બધાંનો પૂર્વકર્મનો શુભ ઉદય થયો હોય તો માતા-પિતા વગેરે બીજા પ્રસંગોથી દુઃખી કેમ થાય? માનો કે કોઈને રોગ થયો છે, દુઃખી છે. કોઈને શત્રુઓ વધી ગયા છે, દુઃખી છે. કોઈને ધન અથવા પદનો નાશ થયો છે, દુઃખી છે. આવાં અનેક કારણોસર સંબંધિત લોકો પણ સુખી-દુઃખી થતાં હોય છે. તો શું એમ માનવું કે પૂર્વનાં પાપકર્મોના ઉદયથી તે દુઃખી છે? એકસાથે એક જ સમયે આવાં ભિન્નભિન્ન કર્મોનો ઉદય થાય છે, એવું માનવું રહ્યું. અહીં ફરી પાછો પ્રશ્ન થાય કે આ દુઃખી લોકોનાં સંબંધીઓ પણ તેમની દશાથી સુખી છે. એટલે તેમનો પણ પૂર્વના કર્મોનો એવો ઉદય થયો હશે? કેટલીક વાર કોઈના સુખી દામ્પત્ય કે સુખી જીવનની ઈર્ષ્યાથી કોઈ દુઃખી થતું હોય છે તો તે ક્યાં કર્મે થાય છે?

માનો કે દશરથે હરણ સમજીને તીર માર્યું અને તે શ્રવણને વાગ્યું અને તે મરી ગયો. આ પાપકર્મ થયું, તે પૂર્વના કોઈ કર્મથી થયું કે નવું કર્મ થયું? પૂર્વના કર્મે થયું હોય તો દશરથને આગળ કશું ભોગવવાનું ન રહે. કર્મ પૂરું થયું. પણ શ્રવણના મૃત્યુથી તેનાં આંધળાં માતા-પિતા દુઃખી થયાં તે ક્યાં કર્મે દુઃખી થયાં? તે બિચારાં જીવનભર રખડી પડ્યાં તે ક્યાં કર્મે? અને માનો કે દશરથે નવું કર્મ કર્યું, તેનું પાપ બંધાયું અને તે પાપના પરિપાકરૂપે દશરથને પુત્રવિયોગે (શ્રીરામ ના વિયોગે) પ્રાણત્યાગ કરવો પડ્યો. (આવી ધારણા છે) ને ફરી પાછો પ્રશ્ન થાય છે કે દશરથને પુત્રવિયોગે પ્રાણ છોડવો પડ્યો તે તો ઠીક, પણ રામના વિયોગથી કૌશલ્યાદિ રાણીઓ, સીતા, પૂરી પ્રજા વગેરેને પણ અનહદ દુઃખ થયું. તે ક્યાં કર્મોથી થયું?

દશરથે તીર માર્યું અને કરેલું ભોગવ્યું ત્યાં સુધી તો કદાચ ઠીક છે, પણ આ એક વ્યક્તિનું કર્મ બીજાં ઘણાં લોકો સુધી ફેલાઈ જાય છે તેનું શું?

કેટલાક મૂર્ખાઓ તો વળી ત્યાં સુધી કર્મના સિદ્ધાંતને માને છે કે જેની સાથે જેવું કર્યું હોય તેની સાથે તેવું જ કર્મ ભોગવવું પડે. કૂતરાને રોટલો ખવડાવશો તો તમારે પણ કૂતરું થઈને આપેલો રોટલો ભોગવવો પડશે.

માનો કે તમે કૂતરાને રોટલો ખવડાવો છો. પક્ષીઓને દાણા નાખો છો, ગરીબોને જમાડો છો. તો આવતા જન્મે તમે કૂતરો થશો અને પેલો કૂતરો માણસ થઇ તમને રોટલો ખવડાવી દેવામાંથી છૂટશે. પક્ષીઓ પણ માણસ થશે અને તમે પક્ષીઓ થઈને તેના હાથના દાણા ખાશો, પેલો ગરીબ માણસ શ્રીમંત થશે અને તમે ગરીબ થઇ જમશો વગેરે.

માનો કે એક ડૂબતી સ્ત્રીને તમે બચાવી. હવે તમે નવા જન્મે ડૂબો એટલે પેલી સ્ત્રી તમને બચાવે. આવી જ રીતે હત્યા વગેરે કરનારનું પણ સમજવાનું. માનો કે કોઈ પુરુષે કોઈ સ્ત્રી ઉપર બળાત્કાર કર્યો, હવે બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રી આવતા જન્મે પુરૂષ થાય અને પેલો પુરૂષ સ્ત્રી થાય અને પછી બળાત્કાર કરે. એટલે કર્મ પૂરું થાય. જો આવો કર્મ સિદ્ધાંત હોય તો તે કેટલો હાસ્યાસ્પદ અને ઘૃણિત થઇ જાય તે સમજી શકાય એમ છે. ફરી પાછી એની એ જ વાત કે બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રી માત્ર દુઃખી નથી થતી. તેનાં સંબંધીઓ પણ દુઃખી થાય છે. ઘણી વાર તો બળાત્કારી પુરુષનાં સંબંધીઓ પણ દુઃખી થાય છે. આ બધાંએ પૂર્વમાં એવાં કર્મ કર્યા હતાં?

મહત્વની વાત એ છે કે હત્યા-બળાત્કાર વગેરે પૂર્વનાં કર્મોનું વળતર ફળ જ છે. જો તેવું હોય તો પોલીસકેસ, ન્યાય, સજા, ફાંસી વગેરે ન થવું જોઈએ. પણ થાય છે, તો શું પોલીસ, ન્યાયાધીશ, રાજ્ય વગેરે નવાં પાપકર્મો બાંધે છે અને તે નિમિત્તે જન્મ લઈને પેલાના હાથે સજા ભોગવશે? પેલો ન્યાયાધીશ થાય ત્યારે આ બધા સજા ભોગવશે? આવી ધારણા કદાપિ સુસંગત ન કહેવાય.

મને લાગે છે કે આવી રીતનો કર્મનો સિદ્ધાંત નિતાંત હાસ્યાસ્પદ, બાલીશ અને ગૂંચવાડો ઊભો કરનાર થઇ જાય છે. આ પ્રકારના કર્મના સિદ્ધાંતમાં પાયાની ભૂલ પુનર્જન્મવાદ તથા નિત્યશાશ્વત આત્મવાદ છે.

મારી દ્રષ્ટિએ આવાં પૂર્વનાં કર્મો હોતાં નથી. (કારણ કે પૂર્વજન્મ કે પુનર્જન્મ જ નથી). વ્યક્તિ જે સુખી-દુઃખી થાય છે તેમાં મુખ્યત: તે પોતે, ધર્મ, સમાજ, રાષ્ટ્ર અને વાતાવરણ કારણ હોય છે.

પ્રત્યેક વ્યક્તિની પોતાની અલગ-અલગ ક્ષમતા હોય છે. તે યોગ્યતા (અથવા અયોગ્યતા) તેના સુખ-દુઃખમાં મહત્વનો ભાગ ભજવતી હોય છે.

આવી યોગ્યતાને ધર્મવ્યવસ્થા દ્વારા પ્રોત્સાહન મળે તો તે વધુ સારી રીતે ખીલી ઊઠે છે. પણ જો ધર્મ દ્વારા તેને અવરોધવામાં આવે તો તેવી યોગ્યતા (હોવા છતાં) કચડાઈ જાય છે. માનો કે એક વ્યક્તિ બુદ્ધિશાળી છે, પણ ધર્મવ્યવસ્થા પ્રમાણે તેને ભણવાનો નિષેધ છે, એટલે તે ભણી નથી શકતી. ન ભણવાથી તેની આર્થિક સ્થિતિ નીચી રહે છે. આથી તે નિમ્ન કક્ષાનું જીવન જીવતી થઇ જાય છે. આવું પુરા વર્ગ કે વર્ણ માટે પણ થઇ શકે છે. યોગ્યતા હોવા છતાં વર્ણવ્યવસ્થાને કારણે ઘણા લોકો ઉચ્ચ ગુરુગાદી ઉપર નથી બેસી શકતા, ઉચ્ચ સેનાપતિપદે કે રાજાપદે નથી પહોંચી શકતા, નગરશેઠ કે પ્રાધ્યાપક નથી થઇ શકતા. કારણ કે આ બધાં પદો માટે નિશ્ચિત વર્ણ હોવો જરૂરી છે. એવી વ્યવસ્થા ધર્મે કરી છે. આ વ્યવસ્થાથી ઘણાનાં જીવન અવરોધાય છે. આને ધાર્મિક અન્યાય કહેવાય. ધર્મસુધારણા દ્વારા તેને દૂર કરી શકાય.

આવી જ રીતે વ્યક્તિને કે વર્ગમાં યોગ્યતા હોવા છતાં સમાજવ્યવસ્થા એવી છે કે, ઊંચ-નીચના કાલ્પનિક ભેદોને કારણે તેનું જીવન અવરોધાય છે. એક પુરૂષ ઉંમર લાયક હોવા છતાં કન્યા નથી મેળવી શકતો તો બીજી તરફ એક કન્યા યોગ્ય હોવા છતાં મોટી ઉંમરે પણ તે પતિ નથી મેળવી શકતી. એક સ્ત્રી વિધવા થઈને જીવનભર વૈધવ્ય પાળીને દુઃખી થાય છે. કારણ કે સમાજવ્યવસ્થા જ એવી છે કે તેનાં ફરીથી લગ્ન ન થઇ શકે, તો બીજી તરફ પુરુષને બે-ત્રણ-ચાર પત્નીઓ કરવાની પણ છૂટ છે. આવી અનેક પ્રકારની રૂઢીઓના કારણે જકડાયેલો સમાજ પોતાનાં માણસોને દુઃખી કરતો હોય છે. જીવનને અવરોધતો હોય છે. આ સામાજિક અન્યાય છે. આવી રીતે દુઃખી થનાર માણસો પૂર્વનાં કર્મે નહિ પણ સામાજિક અન્યાયથી દુઃખી થતાં હોય છે. એને સમાજસુધારણા દ્વારા દૂર કરી શકાય. આવા સુધારાથી ઘણા નર-નારીઓ આજે સુખી થયાં છે, તે હકીકત છે. આવી જ રીતે રાષ્ટ્રીય વ્યવસ્થાથી પણ વ્યક્તિ સુખી-દુઃખી થતી હોય છે. કેટલાંક રાષ્ટ્રો પોતાની પ્રજા માટે શૈક્ષણિક, આર્થિક, તબીબી અને બીજી ઘણી બધી વ્યવસ્થાઓ ઊભી કરતાં હોય છે. જેના કારણે પ્રજા સુખી હોય છે. પ્રજાના સુખ નું મૂળ રાજા છે. (પ્રજાસુખમૂલ નૃપતિ:) તો કેટલાંક રાષ્ટ્રો આવી કશી સગવડો તો નથી કરતાં ઉપરથી જાત જાતના કઠોર નિયમો-કર વગેરે લાદીને પ્રજાને દુઃખી કરતાં હોય છે. આવી રાજ્યવ્યવસ્થાથી પ્રજા દુઃખી થતી હોય તો તે વ્યવસ્થાને બદલીને પ્રજાને સુખી કરી શકાય છે.

ધર્મ, સમાજ અને રાષ્ટ્રનું એક સમ્મીલિત વાતાવરણ બનતું હોય છે. આ વાતાવરણ યોગ્ય વ્યક્તિને ઘણી ઘણી તકો પૂરી પાડતું હોય છે. તો પ્રતિકૂળ વાતાવરણ વ્યક્તિ યોગ્ય હોવા છતાં પણ તક વિનાની થઈને દુઃખી થતી હોય છે.

હવે એક મહત્વનો અને મુદ્દાનો પ્રશ્ન એ રહે છે કે વ્યક્તિ પોતે યોગ્ય-અયોગ્ય કેમ થતી હોય છે? આમાં આનુવંશિકતા મહત્વનો ભાગ ભજવતી હોય છે. ‘જીન’માં બધા ગુણ-દોષો સમાયેલા હોય છે. ચરોતરનાં પટેલો જ કેમ પરદેશમાં વધુ ગયા અને સફળ રહ્યા? કારણકે તેમનામાં આનુવાંશિક સાહસ વગેરે ગુણો હતા. આવી આનુવંશિકતા સીધી જ પિતાની દીકરામાં નથી ઊતરતી પણ ઉપરની બીજી, ત્રીજી, સાતમી, દસમી પેઢીની વિશેષતા પણ ઊતરી આવતી હોય છે. એટલે ચાર-પાંચ સગા ભાઈઓ હોવા છતાં એકાદ કાલિદાસ, શેક્સપિયર, કોલંબસ જે વાસ્કો-દ-ગામા બનતો હોય છે.

ઉત્તમ વ્યવસ્થા એ છે કે યોગ્ય વ્યક્તિને ધર્મ, સમાજ અને રાષ્ટ્રનું પૂરું સમર્થન મળે. તેને કર્ણ, એકલવ્ય કે શંબૂકની માફક સહન કરવું ન પડે. આ બધું સુધારાથી સુધરી શકે અને બગાડવાથી બગડી શકે. માત્ર પૂર્વનાં કર્મોને વારંવાર આડે ધરીને સમાધાન કરી શકાય નહિ. તેમ કરવાથી નવા પુરુષાર્થને સ્થાન જ ન મળે.

પ્રારબ્ધ-પુરુષાર્થ

એક એવો પણ મત પણ છે કે બધું જ પ્રારબ્ધથી નથી થતું. કેટલુંક પ્રારબ્ધથી થાય છે, તો કેટલુંક પુરુષાર્થથી થાય છે. કારણ કે પ્રારબ્ધ પણ અંતે તો પૂર્વના કોઈ ને કોઈ પુરુષાર્થથી જ બંધાયેલું હોય છે. આ રીતે જોઈએ તોપણ પુરુષાર્થ કારણ છે, જ્યારે પ્રારબ્ધ પરિણામ યા ફળ છે. એટલે પુરુષાર્થની મહત્તા તો રહે જ છે. પણ પ્રશ્ન અહીં એ થાય છે કે પ્રારબ્ધથી શું થાય છે? પહેલાં એવી માન્યતા હતી (અને આજે પણ ઘણા માને છે) કે પ્રારબ્ધ પ્રમાણે વર્ણ, જાતિ, નર-નારીનો દેહ, ધન, આરોગ્ય, સંબંધો વગેરે નક્કી થાય છે. પુરુષાર્થથી રોટલા મળે છે. પુરુષાર્થથી અબજોપતિ ન થવાય. તે તો પૂર્વના પ્રારબ્ધથી જ આપોઆપ મળે છે વગેરે. આ વાત પણ ઠીક નથી લાગતી. વર્ણ અથવા જાતિ પ્રારબ્ધથી મળતાં હોય તો જ્યાં વર્ણવ્યવસ્થા નથી ત્યાં શું થશે? નર-નારીનો દેહ પ્રારબ્ધથી મળતો હોય તો કોઈ વાર કોઈ પુરુષને પૂર્વનાં નારીજીવનનાં સંસ્મરણો-સ્વપ્ન વગેરે થવાં જોઈએ. જેમકે તેને પ્રસૂતિ થઇ રહી છે. તે બાળકને ધવરાવી રહ્યો છે વગેરે. પણ તેવું થતું નથી. આવી જ રીતે કોઈ નારીને નરપણાનાં સંસ્મરણો થવાં જોઈએ. પણ તેવું થતું નથી. વળી હવે તો સંતતિનિયમન દ્વારા સંતાનોને થતાં રોકી શકાય છે. તો પુરુષના બીજને નકામું બનાવવાથી કેટ-કેટલા પૂર્વના જીવો દેહધારણ કર્યા વિનાના રહી જતા હશે? જો પ્રારબ્ધ નિશ્ચિત જ હોય તો સંતતિનિયમન કદી સફળ થઇ શકે જ નહિ, પણ આપણે જોઈએ છીએ કે સંતતિનિયમનથી કેટલાંય બાળકોનો જન્મ અટકાવી શકાય છે. એ જ બતાવે છે કે જન્મનાર બાળક પ્રારબ્ધ યા પૂર્વનાં કર્મોથી જન્મતો નથી, પણ કુદરતી પ્રક્રિયાથી જન્મે છે. નર યા નારી થવું તે વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. કુદરતી વ્યવસ્થા છે કે એક હજાર પુરુષોએ ૯૦૦-૯૫૦ જેટલી સ્ત્રીઓ જન્મે છે. આ કુદરતી સંતુલન છે. જો આ બગડી જાય અર્થાત એક હજાર પુરુષે બસો સ્ત્રીઓ થઇ જાય કે બસો પુરુષે એક હજાર સ્ત્રીઓ થઇ જાય તો મહા અનર્થ થઇ જાય. વળી વૈજ્ઞાનિક પ્રયોગો કરીને ક્લોનીંગ સિસ્ટમનો વિકાસ થયો છે, જેથી એક જ પ્રકારનાં સેંકડો નર-નારી-પશુઓ બનાવી શકાય છે. આ બધાં રૂપે-રંગે જ માત્ર નહિ, પણ ગુણ-અવગુણ-બુદ્ધિ વગેરેમાં પણ હૂબહૂ એકસરખાં થઇ શકે છે. આને પ્રારબ્ધ તો ન જ કહેવાય. એટલે નર-નારીનો દેહ પ્રારબ્ધથી મળે છે, તે કહેવું ઠીક નથી લાગતું. જન્મવું તથા મરવું એ પહેલી તથા છેલ્લી પ્રક્રિયા છે. આગળ ચાલવાની નથી. જે ચાલશે તે સૌ સૌની અલગથી ચાલશે.
પૂર્વના પ્રારબ્ધથી ધન મળે છે તેવી માન્યતા પણ ઠીક નથી લાગતી. પહેલાં વાણિયા જ ધનવાન થતા. શુદ્રો, અતિશુદ્રો વગેરે તો મહાદરીદ્ર થતા. હવે જોઈ શકાય છે કે ધનવાન થવાના ક્ષેત્રોમાં પટેલો, ખેડૂતો, વસવાયાં, શુદ્રો, અતિશુદ્રો વગેરે બધાં જ થવા લાગ્યા છે. આ બધું પ્રારબ્ધથી નહિ પણ રાજકારણ, સમાજકારણ, ધર્મકારણ અને અર્થકારણના સુધારાથી થવા લાગ્યું છે. પ્રારબ્ધથી નહિ.
પ્રારબ્ધ પ્રમાણે આરોગ્ય-રૂપ વગેરે મળે છે તે વાત પણ ઠીક નથી. માતા-પિતાના આરોગ્યથી બાળકને આરોગ્ય મળે છે. જન્મ્યા પછીની સારવાર અને વ્યવસ્થાથી આરોગ્ય મળે છે. દવાખાનાઓ તથા આધુનિક સારવાર પદ્ધતિનાં કારણે બાળમૃત્યુ ઘણું ઓછું થઇ ગયું છે તથા આયુષ્ય લંબાયું છે તે બતાવે છે કે પૂર્વનાં કર્મોથી નહિ પણ આધુનિક તબીબી વગેરે વ્યવસ્થાથી આરોગ્ય-આયુષ્ય વગેરે સુધારી શકાય છે.
આવી જ રીતે સંપર્કમાં આવનાર સાથે સંબંધો બંધાતા હોય છે. પહેલાં સંપર્કો ઘણા ઓછા હતા, હવે દેશ-વિદેશમાં થતા સ્થાનિક જીવનમાં પણ સંબંધો ઘણા વધ્યા છે, એટલે આંતરજ્ઞાતીય લગ્નો વગેરે વધવાનું જ છે, વધ્યાં જ છે. આ બધું પૂર્વના કર્મોથી, પ્રારબ્ધથી નહિ પણ વર્તમાનના સંબંધોથી થતું હોય છે.
એકંદરે એમ કહી શકાય કે પ્રારબ્ધથી શું થાય છે તે કહેવું શક્ય નથી, જે કાંઈ થાય છે, તેને વર્તમાનનાં કારણોથી વ્યાખ્યાયિત કરવું જ ઉચિત લાગે છે.
તો શું પૂર્વના કર્મો-પ્રારબ્ધ નથી? આવા પ્રશ્નના ઉત્તરમાં અત્યારે તો એવું કહેવું ઠીક લાગે છે કે હા, નથી.
માણસને પુરુષાર્થવાદી બનાવવો જોઈએ. પોતાની શક્તિ અને ક્ષમતા પ્રમાણે પુરુષાર્થ કરતા રહેવું અને જે પરિણામ આવે તે સ્વીકારતા રહેવું. જો પરિણામથી સંતોષ થાય તો શાંતિ પામવી પણ જો અસંતોષ થાય તો ફરી ફરીને પુરુષાર્થ કરતા રહેવું અને પરિણામની પ્રાપ્તિ માટે ઝઝૂમતા રહેવું. આ માર્ગ જ ઠીક લાગે છે.
પ્રારબ્ધવાદે ભારતને પારાવાર હાનિ પહોંચાડી છે. તેનાથી મુક્ત થવું અને લોકોને મુક્ત કરવા એ રાષ્ટ્રસેવા છે. એ મુક્તિનું પગથીયું છે.
આટલું કહ્યા પછી પણ કોઈને પ્રારબ્ધવાદમાં વધુ શ્રદ્ધા હોય તો તે માને, મેં તો માત્ર મારા વિચારો રાખ્યા છે. સ્પષ્ટતા કરવી જરૂરી હોવાથી જ વિચારો રાખ્યા છે. ઇઝરાયેલની સમૃદ્ધિ અને ભારતની ગરીબી પ્રારબ્ધથી નથી થઇ, પણ યોગ્ય પુરુષાર્થ અને તેના અભાવથી થઇ છે, એટલે પ્રારબ્ધવાદથી બચવું જોઈએ.