પ્રજાનું જ્યારે પતન થવાનું હોય છે ત્યારે તેને બે તત્ત્વો મળે છે: વિપુલ સંપત્તિ અને લક્ષ્યહીન જીવન. સંપત્તિ કોઈ દોષ નથી જો ન્યાય-નીતિથી પ્રાપ્ત થઈ હોય તો. પણ સંપત્તિની સાથે જવાબદારીઓ જરૂરી છે. જવાબદારીઓનું જ્ઞાનભાન ધર્મ કરાવે છે. ધર્મ ન્યાય-અન્યાયનો ભેદ બતાવે છે. ધર્મ જ હલાલ અને હરામનો ભેદ બતાવે છે. ધર્મ ન હોય તો કોણ નિર્ણય કરે? માણસ તો પોતાને ગમતો જ નિર્ણય કરે અને તે પણ સૌના અલગ અલગ, એટલે વ્યક્તિના જીવનની અને સમૂહના જીવનની વ્યવસ્થા રાખવા ધર્મ જરૂરી છે. ધર્મનો મૂલાધાર શ્રદ્ધા—ઈમાન છે. શ્રદ્ધાથી દૃઢતા અને મક્કમતા આવે છે. દૃઢતા વિના કપરાં કાર્યોમાં લાંબો સમય માણસ ટકી શકતો નથી. મનગમતો નિર્ણય કરીને ફરી જતો હોય છે. પલટીબાજ માણસો મહાપુરુષ ન થઈ શકે. હા, કદાચ પૈસાદાર થઈ શકે. દુર્ભાગ્યવશ ભારતની પ્રજાને લક્ષ્યમાં મોક્ષ મળ્યો. મોક્ષ જ એકમાત્ર જીવનનું લક્ષ્ય છે. મોક્ષનું લક્ષ્ય સંસારત્યાગથી જ પ્રાપ્ત થાય એટલે જે ઊઠ્યો તેણે સંસારત્યાગનો ઉપદેશ આપ્યો. સંસારત્યાગ કરાવવા માટે સંસારની નિંદા કરવી જરૂરી છે. “સંસારમાં ક્યાંય સુખ નથી” “સંસાર નશ્વર છે, ક્ષણિક છે.” “સંસારમાં બધાં સ્વાર્થી છે” “સંસાર નરક છે” વગેરે વગેરે. પ્રશ્ન એ થાય કે સંસારમાં સુખ નથી તો પછી સુખ ક્યાં છે? જ્યાં હોય ત્યાં જાવને. અહીં શું કામ પડ્યા છો? જો સંસાર નશ્વર ન હોય તો શું નિત્ય હોવો જોઈએ? જો સંસાર નિત્ય જ થઈ જાય તો કશું પરિવર્તન જ ન થાય. તેની નશ્વરતા અને ક્ષણિકતા છે તો પરિવર્તન અને વિકાસ છે. જો સંસારમાં બધાં જ સ્વાર્થી હોય તો તમે તો પરમાર્થી છો ને? બધાં જ પરમાર્થી હોય તેવી જગ્યા ક્યાં છે? આવોને સંસારને પરમાર્થી બનાવીએ અને તેની શરૂઆત આપણાથી જ કરીએ. જો સંસાર નરક છે તો પછી સ્વર્ગ ક્યાં છે? આ સંસારને જ સ્વર્ગ બનાવો ને!

આવી રીતે દોષો બતાવી બતાવીને લોકોને સંસારથી ભગાડવાના પ્રયત્નો થયા છે. જેથી પ્રજા પલાયનવાદી થઈ છે. મોક્ષના લક્ષ્યમાં કરવાનું કશું નથી, છોડવાનું જ છે. જેમાં શૌર્યસાહસ બલિદાન વગેરે ન હોય તેવું લક્ષ્ય વ્યક્તિ અને પ્રજાને ઠંડી બનાવી દે છે. ઠંડી પ્રજા અત્યાચારો સહન કરે. સામનો ન કરે. પૂરા ઇતિહાસમાં જોશું તો જોવા મળશે કે પ્રજાએ કદી અત્યાચારો સામે સફળતાપૂર્વક માથું ઊંચક્યું નથી. (અંગ્રેજી કાળ સિવાય) અત્યાચારનું નિવારણ લાલાના અવતારથી થશે તેવી હૈયાધારણ સપ્તાહકારો આપી આપીને લાલાને પારણે ઝુલાવે છે. જે પ્રજા લાલાને જ ઊંઘાડતી હોય તેને કોણ જગાડે?

અને આ બીજા ભાઈ તો વળી તેથીયે આગળ વધ્યા છે. કહે છે કે જગત છે જ નહિ. બધી ભ્રાન્તિ છે. માત્ર હું જ છું અને હું તો સદા શુદ્ધ-બુદ્ધ-મુક્ત પરમ આનંદરૂપ છું. મારે કશું કરવાનું જ ન હોય. લે કર વાત. આ પ્રજા ભાગેડુ અને ઠંડી ન થાય તો બીજું થાય શું?

અને આ ભાઈ કહેતા ફરે છે કે બધું નક્કી જ છે. કાંઈ ફેરફાર ન થઈ શકે. નક્કામા ઉધામા બંધ કરો. દ્રષ્ટા થઈને બધું જોયા કરો.

ધર્મ અને અધ્યાત્મના નામે પ્રજાને વધુમાં વધુ ઠંડી પાડવાનું કામ થયું છે અને તે પણ બ્રહ્મજ્ઞાનના રૂપાળા નામે. વિદેશીઓને મજા પડી ગઈ. કોઈ સામનો જ ન કરે. ગમે તેમ રાજ કરો અને ગમે તેમ જુલ્મ કરો. અમે બધું સહી લેવાના છીએ.

હમણાં તાજાં જ બે ઉદાહરણો આપું. સુપ્રીમ કોર્ટના જજોએ લગ્ન પહેલાંની સૅક્સને સ્વીકૃતિ આપી. વાત આટલેથી જ પૂરી ન થઈ. તેમણે ઉદાહરણમાં રાધાકૃષ્ણનને ટાંક્યાં. આ મર્યાદા બહારની વાત થઈ. પણ કોઈ સપ્તાહકારે તેનો વિરોધ કર્યો જાણ્યો નથી. કશો જ ખળભળાટ નહિ. બોલો, મન ફાવે તેમ બોલો. અમે ઠંડા હિમ જેવા છીએ. ના ના, મડદા જેવા છીએ.

બીજું ઉદાહરણ પોરબંદરમાં કેટલાક દલિતોએ હિન્દુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધધર્મ અંગીકાર કર્યો. ભલે કર્યો. કોઈ વાંધો નહિ પણ એક બૌદ્ધભિક્ષુએ કહ્યું કે “હિન્દુ ધર્મ નરક છે.” સાંભળ્યું. કોઈનું રૂંવાડુંય ફરક્યું? બધા જગદ્ગુરુઓ મૌન થઈ ગયા. ઠંડાહિમ જેવા. ના ના ફરી પાછા મડદા જેવા. પ્રજાની જીવિતતા વિશે શંકા નથી થતી? ઠંડા પડી જવું અને મરી જવું એક ન કહેવાય? પણ અન્યાય-અત્યાચારો સામે કોણ પ્રજાને ઠંડી પાડે છે. તેથી તો વિદેશીઓ અને વિધર્મીઓએ બેફામ બિન્દાસ્ત થઈને રાજ કર્યું હતું. ભારત સ્વાભિમાન પક્ષની રચના કરનાર બાબા પણ ઠંડા નીકળ્યા. ક્યાં ગયું સ્વાભિમાન. ધર્મને નરક કહેનારને કોઈ જવાબ નહિ.

ત્યારે બંગાળમાં રાજકીય ગરમીનું મોજું પેદા થયું હતું. વારંવારના અન્યાય અને અત્યાચારથી લોકો ત્રાસી ગયા હતા. પ્રજાના ઠંડાપણામાં અને ગરમીપણામાં પ્રજાનો ખોરાક પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. સાત્ત્વિકતાના નામે જે લોકો તદ્દન વીર્યહીન ખોરાક ખાય છે તે વધુ ઠંડા થઈ જાય છે. ઠંડાપણાને સાત્ત્વિકતા સમજવાની ભૂલ ન કરી બેસતા.

બંગાળના કોમિલ્લા જિલ્લામાં સ્ટીવેન્સ નામનો જજ ભારે ક્રૂર. ક્રાન્તિકારીઓને દબાવવા તે કઠોરથી કઠોર સજાઓ ફટકારે. લોકો ત્રાસી ગયા. જજે તો ન્યાય કરવાનો હોય તેમાં પણ દયાપૂર્વક ન્યાય કરવાનો હોય. પણ આ મહાશય તો ક્રૂરતાનો અવતાર થઈને ન્યાયનું ત્રાજવું જોખવા બેઠેલા. હવે પ્રશ્ન હતો કે શું કરવું? તેનો ન્યાય કોણ કરે? જ્યારે કોઈ ઉપાય બાકી ન રહે ત્યારે છેવટનો ઉપાય કાયદો હાથમાં લેવાનો બચતો હોય છે. કાયદો જ કાયદાની ઘોર ખોદે તો?

સુનીતિ ચૌધરી આઠમા ધોરણમાં ભણે, માંડ ચૌદ વર્ષની હશે. પરણવાનાં અરમાનો અને લાડકોડ મૂકીને તે વાઘણ બની. મા દુર્ગાની પૂજા તો દર વર્ષે કરતી હતી પણ તે પોતે જ દુર્ગા થઈ ગઈ. તેણે નક્કી કર્યું કે સ્ટીવેન્સને એવો દંડ દેવો કે બીજા જજોને બોધપાઠ મળે. સુનીતિએ પોતાની બહેનપણી શાંતિ ઘોષને સાથે લીધી. બન્ને બહેનપણીઓ ઘોડાગાડી કરીને જજને બંગલે પહોંચી ગઈ. ત્યારે ઘોડાગાડી પણ પ્રતિષ્ઠાનું પ્રતીક હતી.

સ્ટીવેન્સ ક્રાન્તિકારીઓની બીકના કારણે, કોર્ટમાં જતો નહિ. ઘરમાં જ કેસ ચલાવતો. ખૂબ કડક સુરક્ષાની વ્યવસ્થા, બંગલા આગળ કોઈ ચકલુંયે ન ફરકી શકે.

ચોકીદારોને સમજાવીને સુનીતિએ અંદર પત્ર અને હેતુ લખી મોકલ્યો. હેતુ હતો તરણસ્પર્ધામાં ભાગ લેવા આમંત્રણ આપવા બાબત. સ્ટીવેન્સ જાતે બહાર આવ્યા. 13-14 વર્ષની બે છોકરીઓ જોઈને મૂછમાં હસ્યા. આવેદન પત્ર લીધું અને અંદર ગયા. ઉપર લખ્યું પ્રધાનાધ્યાપિકાનો અભિપ્રાય મેળવવો. ડાહ્યા અધિકારીઓ ઉતાવળો નિર્ણય ન કરે. જે-તે વિભાગને પૂછી જુએ પછી નિર્ણય કરે. સ્ટીવેન્સ પાછા ફર્યા, પેલો કાગળ આપવા હાથ લાંબો કર્યો ત્યાં તો સુનીતિએ પિસ્તોલ કાઢીને ધડાધડ બે ગોળીઓ ધરબી દીધી. જજ મહોદય ઘરમાં દોડ્યા પણ ઢળી પડ્યા. છોકરીઓ ન દોડી. “લ્યો, પકડી લ્યો” હવે શાંતિ છે. દંડ આપી દીધો. બીજો ખોડ ભૂલી જશે. અત્યાચારી ઉપર અત્યાચાર કરીને દાખલો બેસાડી શકાય છે, જેથી બીજો અત્યાચારી પેદા ન થાય. આ વીરતા કહેવાય.

કેસ ચાલ્યો. ફાંસીની જ સજા થાય, પણ સુનીતિની ઉંમર 16 વર્ષથી ઓછી હતી તેથી તેને આજીવન કાળાપાણીની સજા થઈ. તેને આંદામાન મોકલી દેવાઈ. તેણે પૂરું જીવન કાળાપાણીમાં કેવી રીતે કાઢ્યું હશે, તેનો કદી કોઈએ વિચાર કર્યો? તેની જુવાની, તેનાં અરમાન, તેની અપેક્ષાઓ બધું જ કાળાપાણીમાં ધરબાઈ ગયું. શા માટે? દેશ માટે. ન્યાય માટે. સલામ… સલામ… સલામ… કેટલી સલામ કરશું સુનીતિને? જેટલી કરો તેટલી થોડી જ કહેવાય.

4-5-10