shivaji-ni-shauryagathaરાષ્ટ્રની સર્વોચ્ચ મહત્તા તો તેની સુરક્ષા-વ્યવસ્થાથી જ કાઢી શકાય. રાષ્ટ્ર ભલે દરિદ્ર હોય, ભલે નિરક્ષર હોય, પછી પછાત હોય પણ તે સુરક્ષિત તો છે ને? તેના ઉપર કોઈ ડોળો તો નથી નાખી શકતું, તેની સીમા તો સુરક્ષિત છે ને? તો તે મહાન છે. નેપાળનો જ દાખલો લ્યો. નેપાળ સમૃદ્ધ નથી, સુશિક્ષિત નથી. વૈજ્ઞાનિક રીતે પછાત પણ છે. તોપણ તે કદી કોઈનું ગુલામ થયું નથી. જેવું તેવું પણ તેણે પોતાની આઝાદી ટકાવી રાખી છે. આ તેની ઓછી મહત્તા ન કહેવાય.

ભારત માટે આપણે ગમે તેવાં બણગાં ફૂંકીએ પણ તેની સીમા કદી સુરક્ષિત ન રહી. છેક પ્રાચીનકાળથી હુમલા થતા જ રહ્યા અને તે પણ સફળ પરિણામદાયી નીવડતા રહ્યા. દૂરદૂરની અને નજીકની પ્રજા વારંવાર ચઢી આવતી. જીતતી, રાજ્ય કરતી અને અહીં જ રહી જતી. ખરી મુશ્કેલી મુસ્લિમોના હુમલાથી થઈ. તે માત્ર તલવાર લઈને જ ન આવ્યા, ધર્મ પણ સાથે લાવ્યા. તેમનું આક્રમણ માત્ર ભૂમિ પૂરતું જ ન રહ્યું, ધાર્મિક પણ રહ્યું. જે રીતે બને તે રીતે અહીંની પ્રજાને ઇસ્લામ તરફ વાળવાનું પણ આક્રમણ હતું. ભૂમિ વિજયથી કાલિક ફાયદો હતો પણ ધર્મવિજયથી તો સ્થાયી ફાયદો હતો. એકતરફ ભારતમાં પ્રચલિત ધર્મથી લોકોનો એક ભાગ અસંતુષ્ટ હતો તો બીજી તરફ ઇસ્લામ સ્વીકારવાના ઘણા ફાયદા હતા. એટલે ક્રમે ક્રમે લોકો એ તરફ વળ્યા. ધર્માંતરણથી પોતાને મોટી હાનિ થઈ રહી છે તેવું ભાન હિન્દુ ધર્મના મોટા ધર્માચાર્યોને હતું જ નહિ. તેથી સંખ્યારક્ષાનો કાંઈ ઉપાય જ ન કર્યો. સંખ્યાવૃદ્ધિની તો શક્યતા જ ન હતી. આ પરિસ્થિતિ હજી આજે પણ ચાલુ જ છે. મોટાં મોટાં મંદિરો, મહાલયો બંધાય છે. પણ સંખ્યા તીવ્રગતિથી ઘટી રહી છે. તે તરફ ધ્યાન જતું નથી અને કદાચ જાય તો કશું કરી શકાતું નથી. આ કરુણ સ્થિતિ ભવિષ્યની દુર્દશાની નિશાની જ કહેવાય.

શિવાજી મહારાજના સમયમાં બે ધર્મો ભારતને પડકારી રહ્યા હતા. મુસ્લિમોનું વર્ચસ્વ લગભગ પૂરા ભારત ઉપર સ્થપાઈ ગયું હતું. હિન્દુઓના ઉચ્ચ વર્ગના લોકોના સહકારથી તેમની પક્કડ મજબૂત થઈ ગઈ હતી પણ મુસ્લિમોમાં પરસ્પરમાં સ્પર્ધા હતી. સ્પર્ધા હોય એટલે શત્રુતા પણ હોય જ. ઉત્તરમાં તુર્કો પછી અફઘાનો અને પછી મોગલોએ પગદંડો જમાવ્યો હતો. તો દક્ષિણમાં નિઝામશાહી, કુતુબશાહી અને આદિલશાહીનાં રાજ્યોની સત્તા સ્થાપિત થઈ ચૂકી હતી. વિજયનગરમાં હિન્દુ રાજ્ય હતું, પણ તે અસ્ત પામી ચૂક્યું હતું. નાનાં ખંડિયાં રાજ્યો ભલે હોય પણ કોઈ મોટું સામ્રાજ્ય ન હતું. એવામાં એક નવી શક્તિનો ઉદય થયો. ગોરી પ્રજા સમુદ્ર માર્ગે આવી. એક પછી એક પોર્ટુગીઝો, ડચો, ફ્રેંચો અને છેવટે અંગ્રેજો આવ્યા. બધા જ વ્યાપાર કરવા આવ્યા હતા. તે ચઢિયાતાં શસ્ત્રોના પણ વ્યાપારી હતા. દેશી રાજાઓ તેમની પાસેથી શસ્ત્રો ખરીદતા અને યુદ્ધો કરતા. ખુદ મહારાજ પણ તોપો ખરીદતા અને તેમની ભવાની તલવાર ગોરાઓ પાસેથી ખરીદેલી હતી. આપણાં જહાજોની તુલનામાં તેમનાં જહાજો ઘણાં મોટાં અને મજબૂત રહેતાં. એમ કહી શકાય કે શસ્ત્રોની બાબતમાં તો તે આપણા કરતાં ચઢિયાતા હતા. આમ તો બધી રીતે ચઢિયાતા જ કહેવાય. ચઢિયાતા ન હોત તો મુઠ્ઠીભર પ્રજા અહીં જામી ન શકી હોત અને રાજ પણ ન કરી શકી હોત. આ કટુ સત્યને આપણામાંના ઘણા સ્વીકારી શકતા નથી. તેથી તે બણગાંખોર થઈ ગયા છે. બણગાં મારીને પણ ગૌરવ તો લઈ શકાય છે. ભલે તે ખોખલું જ કેમ ન હોય!

સમુદ્રી કિનારે મુઠ્ઠીભર આફ્રિકન પ્રજા પણ પગ જમાવી ચૂકી હતી. તે હતી સીદી પ્રજા. તેણે જંજીરાનો ટાપુ કબજે કરીને સમુદ્ર ઉપર દમ-દાટી મારતો હતો. મહારાજનાં જહાજો સાથે તેને અવાર-નવાર ટસલ થયા કરતી. હજી સુધી તેને સંપૂર્ણ હરાવી શકાયો ન હતો. કારણ કે તે મોગલોનો આશ્રિત થઈ ગયો હતો. મહારાજનું રાજ્ય સમુદ્રકિનારે ફેલાયેલું હતું. કુર્લાથી કોંકણપટ્ટી સુધીનો પ્રદેશ મહારાજના હાથમાં હતો. મુંબઈ અને સુરત અંગ્રેજોના હાથમાં હતું. એવું કહેવાય છે કે ઇંગ્લૅન્ડના દ્વિતીય ચાર્લ્સનાં લગ્ન પોર્ટુગીઝની રાજકુમારી સાથે થયાં હતાં. તેની પહેરામણી નિમિત્તે મુંબઈના માછીમારોનો ટાપુ ચાર્લ્સને મળ્યો હતો. ચાર્લ્સે આ ટાપુ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વાર્ષિક 10 પાઉન્ડના ભાડે આપ્યો હતો. એટલે ત્યારે તે ટાપુ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાં હતો. તેનો ગવર્નર અંગિયર હતો, જે ડાહ્યો વ્યવહારુ માણસ હતો. તે મોગલો સીદી અને શિવાજી મહારાજ એમ ત્રણે સાથે મેળ કરીને વ્યાપાર કરવામાં માનતો હતો. તેની પરવાનગી ન હોવા છતાં પણ પોતાનાં જહાજો મહારાજના પ્રદેશમાં લૂંટફાટ કરવા મુંબઈ થઈને મોકલતો રહેતો હતો. તે પણ ક્રૂર હતો અને હિન્દુ પ્રજાને સતાવતો રહેતો. તેથી મહારાજે અંગ્રેજ ગવર્નર અંગિયાર સાથે સંધિ કરી હતી. સીદીના ત્રાસથી હિન્દુ પ્રજાને મુક્ત કરવા અંતે મહારાજે વહાણો તૈયાર કર્યાં. બન્ને વચ્ચે સમુદ્રયુદ્ધ થયું, જેમાં મહારાજનાં વહાણોએ સીદીને હરાવી દીધો અને છેક સુરત સુધી ભગાડી દીધો.