[આ લેખનું અક્ષરાંકન સ્વામીજીનાં પુસ્તક ‘ચાણક્યની રાજનીતિ ’ માંથી કરવામાં આવ્યું છે.]

 

कार्याकार्यतत्वार्थदर्शिनो मन्त्रिण: || ૩૩ ||
કાર્ય અને અકાર્યના તત્વને જાણનારા જ મંત્રી થઇ શકે છે.

સૌથી મહત્વની વસ્તુ છે મંત્રીની નિયુક્તિ. જો અયોગ્ય વ્યક્તિને મંત્રી બનાવી દેવાય તો સર્વનાશ થઇ શકે છે. હંમેશાં ખુરશી કરતાં તેમાં બેસનાર માણસ મોટો હોવો જોઈએ. જો ખુરશી મોટી અને માણસ નાનો હશે તો જવાબદારીઓ પાર પાડી શકશે નહિ. એટલે જે માણસ કાર્ય અને અકાર્યને તત્વથી જાણી શકતો હોય તેને જ મંત્રી બનાવવો જોઈએ. ઘણી વાર રાજા કરતાં પણ મંત્રી વધુ યોગ્યતા ધરાવતો હોય છે. જેમ શેઠ કરતાં મુનીમ, ગુરુ કરતાં શિષ્ય અને પતિ કરતાં પત્ની વધુ યોગ્ય હોય છે, તેમ રાજા કરતાં પણ પ્રધાનમંત્રી વધુ યોગ્યતા ધરાવતો હોવો જોઈએ. પણ આવી વધુ યોગ્યતાનો મંત્રી કે મુનીમને, શિષ્ય અને પત્નીને ઘમંડ ન થવો જોઈએ. જો ઘમંડ થશે તો તે રાજા વગેરેને તુચ્છ માનતાં થઇ જશે. પરિણામે રાજા વગેરે તેમનો ત્યાગ કરશે. એટલે વધુ યોગ્યતાની સાથે નમ્રતા અને વિનયવિવેકમાં વાંધો ન આવવો જોઈએ.
બીજા પક્ષે રાજા વગેરેએ પણ પોતાના મંત્રી વગેરે ની વધુ યોગ્યતાને અહોભાવથી સ્વીકારવાની. તેને એમ થવું જોઈએ કે ધન્ય છે મને, આવો મહાન મંત્રી વગેરે મળ્યાં. આવા વલણથી રાજા વગેરે પૂરેપૂરા લાભાન્વિત થઇ શકશે અને મંત્રી વગેરે લાંબા સમય સુધી ટકીને રહી શકશે.