[આ લેખનું અક્ષરાંકન સ્વામીજીનાં પુસ્તક ‘ચાણક્યની રાજનીતિ ’ માંથી કરવામાં આવ્યું છે.]

 

त्रयाणामेकवाक्ये सम्प्रत्ययः || ૩૨ ||
મંત્રણાની સિદ્ધિ ત્રણની એકમતિથી થાત હોય છે.

મંત્રણા કોની સાથે કરવી? તો કહે છે કે ત્રણ જણાએ મંત્રણા કરવી ૧. રાજા, ૨. પ્રધાનમંત્રી, ૩. તે-તે વિષયનો સલાહકાર.
આ ત્રણે જ્યારે મંત્રણા કરતાં-કરતાં જે મુદ્દા ઉપર એકમત થાય તે મુદ્દાને મહત્વ આપવું જોઈએ. જે મંત્રી રાજાને ગમે તેમ હાએ હા કરે તે કલ્યાણકારી ન બની શકે. જરૂર પડે ત્યારે તેણે રાજા કરતાં પોતાનો જુદો મત બતાવવો જોઈએ. જોકે તેને અલગ મત બતાવીને તે જ પ્રમાણે ચાલવાની હઠ ન પકડવી જોઈએ. તેણે નમ્રતાથી કહેવાનું કે “મને આ ઠીક નથી લાગતું. પછી આપને ઠીક લાગતું હોય તો કરો. હું આપની સાથે છું.” વગેરે. આવું જ વલણ સલાહકારનું હોવું જરૂરી છે. ઘણીવાર સલાહકાર પણ હઠ પકડતા હોય છે કે “હું કહું તેમ જ કરવાનું.” આવું કરવું યોગ્ય ન કહેવાય. સલાહકારે સલાહ આપીને પોતાનું કાર્ય પૂર્ણ થયું માનવાનું છે. રાજાને તે પ્રમાણે ન કરવું હોય તો તેની મરજી. તેણે હઠ ન પકડવી જોઈએ. પણ જ્યારે ત્રણે હઠીલા ન હોય તો પક્ષાપક્ષનો વિચાર કરીને ત્રણે જે વાત ઉપર એકમત થાય તે પ્રશ્નને ઉકેલવો સરળ થઇ જતો હોય છે.