[ વિજ્ઞાન ના આગમનથી પ્રજાની જાગૃતિ થાય છે તે આપણે અત્યારે ભારતમાં અનુભવી રહ્યાં છીએ. રાજકીય વ્યવસ્થા કેવી હોવી જોઈએ એના ઉપર સ્વામીજીના વિચારો માણીએ. આ લેખનું અક્ષરાંકન સ્વામીજીના પુસ્તક ‘વાસ્તવિકતા‘ માંથી કરવામાં આવ્યું છે. ]

વ્યક્તિ તથા પ્રજાને સુખ-દુઃખમાં મહત્વનો ભાગ રાજવ્યવસ્થા ભજવતી હોય છે. રાજા વિના અરાજકતા આવી જતી હોય છે. અરાજકતાથી માત્સ્યન્યાય થતો હોય છે. અર્થાત મોટું માછલું નાં માછલાને ગળી જાય તેમ બળવાન દુર્બળનું શોષણ કરતો હોય છે. બળિયાના બે ભાગ થઇ જતા હોય છે. એટલે રાજવ્યવસ્થા સારી હોય તો જ પ્રજા સુખી થાય. સારી રાજવ્યવસ્થાનાં આટલાં લક્ષણો છે.
૧. પ્રજા સુરક્ષિત હોય.
૨. પ્રજા સમૃદ્ધ હોય.
૩. પ્રજા વૈચારિક મુક્તિ અનુભવતી હોય.
૪. પ્રજાને ધાર્મિક સ્વતંત્રતા હોય.
૫. પ્રજાને દેશ-વિદેશમાં આવાગમનની છૂટ હોય.
૬. મુક્ત વ્યાપાર અને મુક્ત ઉદ્યોગો હોય.
૭. પ્રજાને ઝડપી અને સાચો ન્યાય મળતો હોય.
૮. પ્રજાનો અવાજ મહત્વના રાજનિર્ણયોમાં પ્રભાવી હોય.
આટલી બાબતો જ્યાં હોય ત્યાં સુરાજ્ય અથવા રામરાજ્ય આવ્યું કહેવાય. યોગ્ય, કુશળ અને ઉત્તમ રાજા વિના આ કદી પણ શક્ય નથી. પહેલાં રાજાશાહી હતી. રાજા વંશપરંપરાથી થતો. ચૂંટણી ન હતી. રાજા થવા માટે પ્રજાનો કશો અવાજ ન રહેતો. રાજાને અનેક કુંવરો હોય તો વારસદારોમાં કલહ થતો. એ રાજાને અનેક રાણીઓ હોય તો પ્રત્યેક રાણી પોત-પોતાના કુંવરને રાજગાદી અપાવવા ષડયંત્રો રચતી. આમાં મંત્રીમંડળના સભ્યો પણ સામેલ થઇ જતા, ઘણું મોટું ષડયંત્ર ચાલતું. રાજાની હત્યા પણ થઇ જતી. પછી માંડ રાજગાદીનું ઠેકાણું પડતું. રાજવંશોમાં વારંવાર પરિવર્તન થયા કરતુ. અશાંતિ થતી, સ્થિરતા ન રહેતી, આ પ્રક્રિયામાં કોઈ કોઈ સારો રાજા પણ આવી જતો જે મહાન થતો અને વર્ષો સુધી પ્રજા તેને યાદ કરતી. પણ ઘણા રાજાઓ મનમુખી અને અત્યાચારી પણ થતા. જે પ્રજાને ત્રાસ આપતા. આવા રાજાને પ્રજા ધુત્કારતી. તે કદી પણ પ્રજાનું મન જીતી શકતો નહિ.
આ રાજવ્યવસ્થામાં લગભગ વિશ્વભરમાં પરિવર્તન આવ્યું. વીસમી શતાબ્દીમાં રાજાશાહીની જગ્યાએ ઘણા રાજ્યોમાં લોકશાહી આવી. જ્યાં રાજા રહી ગયા ત્યાં પણ તેમના ઉપર કોઈ ને કોઈ પ્રકારનું નિયંત્રણ આવ્યું. તદ્દન સ્વચ્છંદી રાજા હવે જોવાં નહિ મળે. એ સારી વાત છે.
લોકશાહી ચૂંટણી વિના હો નહિ એટલે ચૂંટણી આવી. ચૂટણીના ચાર પ્રકાર રહ્યાં છે: ૧. માત્ર વિશિષ્ટ વ્યક્તિઓને જ નેતા ચૂંટવાનો અધિકાર. ૨. એક જ પક્ષ ચૂંટણી લડે અને તેના જ નેતાઓ રાજ કરે. ૩. બહુ પક્ષો ચૂંટણી લડે. પણ માત્ર પુરુષોને જ મત આપવાનો અધિકાર અને ૪. બહુ પક્ષો ચૂંટણી લડે અને સૌ કોઈ પુખ્ત વયના માણસો, નર-નારી સૌને મત આપવાનો અધિકાર.
આ ચાર પ્રકારની ચૂટણીઓથી રાજવ્યવસ્થા ચાલવા લાગી. તેમાં માત્ર વિશિષ્ટ વ્યક્તિઓ, વર્ગો કે જાતિઓના મતોથી ચૂંટાતો નેતા, સૌનો નેતા ન કહેવાય. પણ પેલા વારસાગત નેતા કરતા સારો કહેવાય.
સામ્યવાદીઓ બીજા પક્ષોને સહન કરી શકતા નથી. તેથી જ્યાં-જ્યાં તેમનું શાસન હોય છે, મોટા ભાગે એક પક્ષીય રાજશાસન ચાલતું હોય છે. ચૂંટણી થાય છે. નેતા બદલાય છે પણ પક્ષ બદલાતો નથી. કારણ કે બીજો પક્ષ જ નથી, નેતા પણ એકવાર નેતા બન્યા પછી વર્ષો સુધી બદલાતો નથી. સ્ટાલીન, માઓ વગેરે તેના ઉદાહરણ છે. સ્ટાલીન કે માઓ જેવી હસ્તીઓની સામે કોણ ઊભું રહી શકે? અને કોણ જીતી શકે? શક્ય જ ન બને. આ પધ્ધતિમાં કેટલાંક જમા પાસાં છે તો ઘણાં ઉધાર પાસાં પણ છે.

લોકશાહી

૧. વિશ્વમાં જેટલી શાસનપદ્ધતિઓ છે તેમાં સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ લોકશાહી છે. પણ લોકશાહીની સફળતા લોકોની કક્ષાને આધીન છે.

૨. જે પ્રજાને રાજકીય પ્રશ્નોનું પૂરેપૂરું જ્ઞાન હોય, જે પ્રજા મતદાન પ્રત્યે પૂરેપૂરી સભાન હોય, જે મોરલવાળી પ્રજા હોય, તે જ સાચી લોકશાહી ભોગવી શકે.

૩. જે પ્રજા રાજકીય પ્રશ્નોને સમજતી જ ન હોય, જે પ્રજા મતદાન પ્રત્યે ઉદાસીન હોય, જે પ્રજાને ખરીદી શકાતી હોય, લલચાવી શકાતી હોય, તે સાચી લોકશાહી ઉત્પન્ન કરી શકે નહિ, કદાચ કરે તો ભોગવી શકે નહિ.

૪. સાચી લોકશાહી સાચા નેતાઓથી ચાલતી હોય છે. સાચા નેતાઓને સાચી પ્રજા જ ચૂંટી શકતી હોય છે. પ્રજાની કક્ષા નિમ્નસ્તરની હોય તો સચ માણસો ચૂંટાઈ શકે નહિ. સમજુ માણસોની ઉપેક્ષા અને અણસમજુ માણસોનું જથ્થાબંધ ગાડરિયું મતદાન લોકશાહીના સ્તરને વધુ ને વધુ નીચે ઉતારી દેતું હોય છે.

૫. જે મતદાતા માત્ર દેશનો જ વિચાર કરીને મતદાન કરે છે તે ઉત્તમ છે. જે મતદાતા દેશવિરુદ્ધ પ્રાંતનો જ વિચાર કરીને મતદાન કરે છે તે મધ્યમ છે. જે મતદાતા માત્ર પોતાનો કે પોતાની જ્ઞાતિનો જ વિચાર કરીને મતદાન કરે છે તે કનિષ્ઠ છે. જે મતદાતા, રાષ્ટ્રદ્રોહ, પ્રજાદ્રોહ કરીને શત્રુને કે શત્રુઓના એજન્ટોને મતદાન કરે છે, તે અધમ છે.

૬. ભારતમાં છેલ્લી બે કક્ષાઓ વધી ગઈ છે. તેથી ભારતની લોકશાહી ક્રમેક્રમે અને હવે તીવ્ર ગતિથી પતન તરફ દોડી રહી છે.

૭. ચૂંટણી સમયે અવનવી લલચાવનારી કોમ કે ધર્મઆધારિત યોજનાઓ બહાર પાડવી અને મતદાતાઓનું કોમવાર કે ધર્મવાર વર્ગીકરણ કરવું એ દેશને તોડવા જેવો અપરાધ છે.

૮. પૂરા દેશની બધી પ્રજા એક સમાન છે, તેની જગ્યાએ પ્રજા-પ્રજા વચ્ચે વિભાજન કરવાં, રાષ્ટ્રીય યોજનાની જગ્યાએ કોમવાર કે ધર્મવાર ભેદભાવપૂર્ણ યોજનાઓ અને પ્રજાને હાનિ પહોંચાડનારી થવાની છે. આ રીતે એકતા તૂટતી હોય છે.

૯. કશી જ યોગ્યતા કે ક્ષમતા વિના પણ ચૂંટણી લડવાનો અધિકાર આપવો, એ હલકા માણસોને ઊંચી ખુરશી ઉપર બેસાડવાની આત્મહત્યા છે. પદ પ્રમાણે ચૂંટણી લડવાની યોગ્યતા નક્કી થવી જ જોઈએ. મતદાતાની પણ ઓછામાં ઓછી યોગ્યતા તો નિર્ધારિત થવી જ જોઈએ.

૧૦.  એવી વ્યવસ્થા થવી જોઈએ કે જેથી ચૂંટણી લડનારની જ્ઞાતિ, ધર્મ, પ્રાંત કે વર્ગની જાહેરાત ન થાય. મત વ્યક્તિને નહિ, માત્ર પક્ષને જ અપાય.

૧૧. આટલાં માણસોને મતથી વંચિત કરી દેવાં જોઈએ. ૧. અપરાધીઓને, ૨. સંતતિનિયમન ન કરનારાઓને, ૩. સરકારી મકાનો ખાલી ન કરનારાઓને ૪. રાષ્ટ્ર અને રાષ્ટ્રની એકતાને હાનિ પહોંચે તેવી પ્રવૃત્તિઓ કરનારાઓને ૫. સતત ત્રણ ચૂંટણીઓમાં મતદાન ન કરનારાઓને – આટલા લોકોનો મતાધિકાર છીનવી લેવો જોઈએ.

૧૨. ચૂંટણીનો એક જ હેતુ હોવો જોઈએ – જે સારામાં સારો દેશનો ક્રીમ વર્ગ છે તે જ લોકસભા કે વિધાનસભામાં જાય. ગમે તેમ કરીને પણ કચરાવર્ગને જતો રોકવો જોઈએ. જો કચરો ભેગો થઇ જશે તો તે દેશને પાયમાલ કરી નાંખશે. ક્રીમ એટલે બુદ્ધિશાળી, તજજ્ઞ, વિશ્વાસુ, વફાદાર, સક્ષમ અને મોરલવાળો વર્ગ. વર્ગ એટલે ન્યાત-જાત કે ધર્મ નહિ, માત્ર ભારતીય.

૧૩. માત્ર ભારતીયો દ્વારા જ ભારતની એકતાનું જતન થશે. ભારતીયોમાં અંદરોઅંદર વિભાજન થાય તેવું કશું જ ન કરાય. ભારતીયતા વધારો અને મજબૂત થાવ, કોમવાદ, પ્રાંતવાદ કે સંપ્રદાય વધારીને કદી મજબૂત ન થવાય. દુર્બળ જ થવાય.

૧૪. કોઈ પણ ધર્મ કે વર્ગ પ્રત્યે તુષ્ટિકરણ નહિ, સમાનપણું જ રાખી શકાય. એક વર્ગનું તુષ્ટિકરણ બીજા વર્ગમાં અસંતોષ ઉત્પન્ન કરશે જ. જે આજે નહિ તો કાલે વિભાજનનાં દુષ્પરિણામો આપશે. તેનાથી દેશ અને પ્રજાને બચાવવી જોઈએ.