[આ લેખનું અક્ષરાંકન સ્વામીજીનાં પુસ્તક ‘ચાણક્યની રાજનીતિ ’ માંથી કરવામાં આવ્યું છે.]

 

जितात्मा सर्वार्थे संयुज्येत || ૧૦ ||

જિતાત્મા બધી સમૃદ્ધિ ધરાવવાની ક્ષમતા ધરાવે છે.

રાષ્ટ્રની પાસે સમૃદ્ધિ હોવી જોઈએ. માત્ર સમૃદ્ધિ જ નહિ, બધી સમૃદ્ધિથી પરિપૂર્ણ હોવું જોઈએ. રાષ્ટ્ર કંગાળ, ભિખારી – દરિદ્ર કે દેવાદાર ન હોવું જોઈએ. પણ રાષ્ટ્રને જો આવું કરવું હોય તો તેનો નિયંતા રાજા જિતાત્મા અર્થાત રાજવી ગુણોથી સંપન્ન હોવો જોઈએ. ઘણી વાર એવું બનતું હોય છે કે પિતા પુષ્કળ સંપત્તિ આપીને મરી જાય, પણ પુત્ર કે પુત્રોમાં ઉત્તમ ગુણોનો અભાવ હોય તો થોડા જ સમયમાં સંપત્તિનો નાશ કરી બેસે. પહેલાં પરસ્પરના કલહથી રગડા-ઝઘડામાં સંપત્તિ સમાપ્ત થઇ જાય, પછી વ્યસન અને લંપટતામાં સંપત્તિ સમાપ્ત થાય અને છેવટે નાં કરવાનાં કાર્યો કરીને તથા કરવા જેવાં કાર્યો ન કરીને સંપત્તિ ધોઈ નાખે. આ થોડા જ સમયમાં બધું ધૂળધાણી થઇ જાય. એટલે રાજા અથવા શાસક અથવા કોઈ પણ માણસ પ્રથમ જિતાત્મા બને પછી સંપત્તિ પ્રાપ્ત કરે.