[ આ લેખનું અક્ષરાંકન સ્વામીજીના પુસ્તક ‘વાસ્તવિકતા’ માંથી કરવામાં આવ્યું છે. ]

કર્મવાદનો અર્થ થાય છે: જે કર્મો કરો છો તેનાં ફળ જરૂર ભોગવવાં પડે છે. ભોગવ્યા વિના છૂટકો જ  નથી.

૧. આપણે સુખી-દુઃખી થઈએ છીએ તેમાં માત્ર પૂર્વજન્મનાં કર્મો જ કારણ નથી. આપણા સુખી-દુઃખી થવામાં મહત્વનાં પાંચ કારણો છે. ૧. ધર્મવ્યવસ્થા, ૨. સમાજવ્યવસ્થા, ૩. રાજવ્યવસ્થા, ૪. પરિવારનો યોગ અને ૫. પોતાની યોગ્યતા.

૨. ધર્મવ્યવસ્થા સનાતન નથી હોતી. દેશકાળ પરિસ્થિતિ પ્રમાણે તે બદલાતી હોય છે. ઘણી વાર સ્વાર્થી લોકો તેનો દુરુપયોગ કરે છે. જેમ કે જાતિ માત્રથી અસ્પૃશ્યતા, જન્મમાત્રથી ઊંચ-નીચના ભેદ, અમુક લોકોને ભણવાનો નિષેધ, અમુક લોકોને અમુક કર્મો કરવાનો નિષેધ વગેરે. આવી અવ્યવસ્થાથી હજારો લોકો પારાવાર દુઃખી થતાં હોય છે. આ દુઃખ પૂર્વનાં કર્મોના કારણે નહિ પણ ધાર્મિક અવ્યવસ્થાથી થયાં કહેવાય. એટલે ધર્મસુધારકો આવીને ધર્મમાં જે ખોટી વ્યવસ્થા થઇ હોય તેને સુધારતા હોય છે. પછી પ્રજા સુખી થતી હોય છે. સમય-સમય ઉપર દેશકાળ પરિસ્થિતિ પ્રમાણે ધર્મવ્યવસ્થા સુધારવી જરૂરી છે. જે નથી સુધારતા તે સ્થગિત થઇ જાય છે. પછી પછાત બને છે.

૩. કુરિવાજો અને કુરૂઢીઓવાળા સમાજમાં લોકો દુઃખી થતાં હોય છે. તેને સુધારવાથી તથા સમાજને હિતકારી બનાવવાથી પ્રજા સુખી થતી હોય છે. આવાં સુખો સમાજસુધારકોથી આવતાં હોય છે. જે સમાજમાં આવા સુધારકો નથી થયા તે પ્રજા દુઃખી થતી હોય છે. આવાં સુખ-દુઃખોને પૂર્વનાં કર્મો સાથે કશી લેવાદેવા નથી હોતી, જેમ કે બળ-વિધવાનાં દુઃખો.

૪. ઉત્તમ રાજવ્યવસ્થાથી પ્રજા સુખી અને જુલમી રાજવ્યવસ્થાથી લોકો દુઃખી થતાં હોય છે. આને રાજસુખ અથવા રાજદુઃખ કહેવાય છે. પૂર્વજન્મને કશી લેવાદેવા નથી.

૫. જો તમને સારો પરિવાર, સારી પત્ની, સારો પતિ વગેરે મળ્યાં હોય તો તમે સુખી થતાં હો છો. પણ જો આ બધાં નબળાં મળ્યાં હોય તો તમે દુઃખી થતા હો છો. દુઃખ દેનાર પતિ અથવા પત્નીને બદલીને તમે દુઃખમુક્ત થઇ શકો છો. અથવા પરિવારનો જે સદસ્ય દુઃખી કરતો હોય તેનાથી છુટકારો મેળવીને તમે દુઃખમુક્ત થઇ શકો છો. પૂર્વજન્મનાં કર્મોને કશી લેવાદેવા નથી.

૬. વ્યક્તિના સુખ-દુઃખમાં સૌથી વધુ મહત્વનું કારણ તે પોતે છે. અર્થાત તેનો સ્વભાવ, પ્રકૃતિ સૌથી મહત્વનો ભાગ ભજવે છે. બીજું, તેની ક્ષમતા પણ છે. બધાંમાં બધી ક્ષમતા નથી હોતી. સ્વભાવ અને ક્ષમતા સુખી-દુઃખી થવામાં મહત્વનો ભાગ ભજવે છે. આ બન્ને શાથી આવે છે તે કહેવું કઠીન છે. કદાચ પૂર્વનાં કર્મે આવતાં હોય.

૭. કેટલાંક દુઃખો આકસ્મિક હોય છે. સંક્રામક રોગોનું સંક્રમણ આકસ્મિક થતું હોય છે. તેમાં તમારાં પૂર્વનાં કર્મો જવાબદાર નથી હોતાં.

૮. સંક્રમણથી, સાવધાની અને યોગ્ય ઉપાયો કરવાથી કે પછી સ્થાન છોડી દેવાથી બચી શકાય છે.

૯. આવી જ રીતે ધરતીકંપ, સુનામી, જ્વાળામુખી, વાહન-અકસ્માતો, સામુહિક રોગચાળો, અતિભોગ, અતિઅભોગ, રાજવિપ્લવ વગેરે અનેક કારણોથી વ્યક્તિ કે સમૂહનાં મૃત્યુ કે દુઃખી થવામાં પૂર્વનાં કર્મો કારણ નથી હોતાં. આ બધાંથી મોટા ભાગે બચી શકાય છે. યોગ્ય ઉપાયો કરવાથી નિવારી શકાય છે.

૧૦. અતિશય ઠંડી, અતિશય ગરમી, અતિશય વૃષ્ટિ, અતિશય અવૃષ્ટિ વગેરે કુદરતી કારણોથી થનારાં સુખ-દુઃખો પૂર્વનાં કર્મોથી નથી થતાં, પ્રયત્નો કરીને આમાં ફેરફાર કરી શકાય છે. નપાણીયા સૌરાષ્ટ્ર જેવા પ્રદેશમાંથી પાણીવાળા સુરત જેવા પ્રદેશમાં આવીને વસો તો તે તમારા સુપ્રયત્નોનું પરિણામ છે. પૂર્વનાં કર્મોનું નહિ. ડેમ, ચેકડેમ, હીટર, A.C. વગેરેથી આવાં દુઃખો દૂર કરી શકાય.

૧૧. તમારાં ઘરમાં પંખો, A.C., સેંટ્રલ હિટિંગ જેવી વ્યવસ્થા લાગુ છે, તેથી તમે સુખી થાવ છો તે તમારા પ્રયત્નોનું પરિણામ છે. પૂર્વનાં કર્મોનું નહિ.

૧૨. ભારત ઉપર સેંકડો આક્રમણો થયાં તે ભારતનાં પૂર્વનાં કર્મોથી નહિ પણ ભારતની કમજોરીથી થયાં. કારણ કે પ્રજા બહુ ઓછા યોદ્ધા પેદા કરે છે. પ્રજા શસ્ત્રવિમુખ છે. તેથી આક્રાન્તા ખેંચાઈ આવે છે. શીખ-મરાઠા-રાજપૂત જેવી થોડી જાતિઓ બાદ કરો તો બાકીની પ્રજા યોદ્ધા નથી કે શસ્ત્રધારી નથી. આથી દેશ કમજોર બને છે.

૧૩. ધર્મ પ્રજાને ઘડે છે. શીખ ધર્મ સિવાય બીજો કોઈ ધર્મ પ્રજાને શસ્ત્રધારી કે બળવાન બનાવતો નથી. ચુસ્ત અહિંસાવાદથી પ્રજા વધુ દુર્બળ થાય છે. કારણ કે તેથી શસ્ત્રવિમુખ થવાય છે.