[ સ્વામીજી ની નવા પુસ્તક વાસ્તવિકતા માંથી આ પ્રકરણ લેવામાં આવ્યું છે.]

વીતરાગ થવાનો અર્થ લાગણીહીન થવાનો હોય તો-
૧. વીતરાગ થવા કરતાં લાગણીશીલ થવું વધુ ઉત્તમ છે.
૨. વીતરાગ થવું એટલે લાગણીહીન થવું. લાગણીહીનતા એટલે જીવનહીનતા, લાગણી નથી તો
જીવન નથી.
૩. લાગણીથી હરખ પેદા થાય છે. હરખથી માણસને જીવન ભર્યુંભર્યું લાગે છે.
૪. તિજોરી પૈસાથી ભરાય છે, પેટ અનાજથી ભરાય છે, મગજ જ્ઞાનથી ભરાય છે અને હૃદય લાગણીઓથી ભરાય છે.
૫. ખાલી તિજોરી, ખાલી પેટ, ખાલી મગજ એટલું દુઃખ નહિ આપે જેટલું ખાલી હૃદય દુઃખ આપે.
૬. જેનું હૃદય શુદ્ધ લાગણીઓથી ભરાયેલું રહે છે તે મહાદુઃખોમાં પણટકી શકે છે. કારણ કે લાગણીઓ જીવનપ્રદાયિની શક્તિ છે.
૭. ગીતા લાગણી ને ભાવના કહે છે.
नास्ति बुद्धियुक्तस्य ना चायुक्तस्य भावना

न चा भावयतः शान्तिरशान्तस्य कुतः सुखम्

૮. લાગણી પામવી અને પમાડવી એ સૌથી મોટું ટોનિક છે. જે લોકો નથી તો કોઈની લાગણી પામતા કે નથી કોઈને પમાડતા તે આપોઆપ નિસ્તેજ થઇ જતા હોય છે.
૯. લાગણીને આંધળી માની છે. તે જયારે કુપાત્ર પર ઢળે છે ત્યારે મોહ થઇ ને ડૂબાડનારી બને છે અને તે જયારે સુપાત્ર ઉપર ઢળે છે ત્યારે તરીને તારનારી બને છે.
૧૦. આંધળી લાગણીની આંખ વિવેક છે. વિવેક એટલે સદબુદ્ધિ.
૧૧. સદબુદ્ધિ ઈશ્વરભજન અને સત્સંગ થી આવતી હોય છે.
૧૨. લાગણી મહાન શક્તિ છે. તેનો નાશ કરવાનો ન હોય તેને સુધારવાની હોય. સુધારેલી લાગણી જ ભક્તિ બને છે. તેનાથી પ્રભુપ્રાપ્તિ પણ થાય છે.
૧૩. લાગણીહીનતા એ જ્ઞાનનું લક્ષણ નથી. કઠોરતાનું જ લક્ષણ કહેવાય.
૧૪. લાગણીહીન અને કાળમીંઢ પથ્થરમાં કશો ફરક નથી, કદાચ ફરક છે તો એટલો જ છે – પથ્થર બીજાને મારે છે લાગણીહીનતા તો પોતાને પણ મારે છે. કારણ કે લાગણીહીન કોઈની લાગણી મેળવી શકતો નથી. તે એકાકી, ખાલીપણું ભોગવીને જીવે છે.
૧૫. વૈરાગ્ય વિના વીતરાગ ન થવાય. પણ વીતરાગનો અર્થ સર્વસ્વનો ત્યાગ નથી પણ કુતત્વની સાથે સુતત્વોનો પણ ત્યાગ કરનારા કેટલાયને અન્યાય કરીને જીવન હારી જતાં હોય છે.
૧૬. શુભ લાગણીઓવાળા શુભ સંબંધો જીવનનૌકા છે. તેના સહારે જીવન જીવાય છે અને તરાય પણ છે.