શ્રીકૃષ્ણ એટલે શું? – ભાગ ૧

[ આ લેખ સ્વામીજી ના પુસ્તક ‘પ્રવચનમંગલ’ માંથી લેવામાં આવ્યો છે. લેખને આપણે બે-ત્રણ ભાગોમાં વહેંચીને શ્રીકૃષ્ણ ને સમજવાનો પ્રયત્ન કરીશું. લેખનાં તત્વાર્થને સાથે રાખવા માટે કેટલોક ભાગ અહીં નથી સમાવી શકાયો. સુજ્ઞ વાચકોને પુસ્તક માંથી વાંચી લેવા વિનંતી. આ લેખમાં શ્રીકૃષ્ણ-પ્રાગટ્ય, કૃષ્ણ-તત્વ અને તામસી માયા (પૂતના) નો સમાવેશ કરવામાં આવ્યો છે.]

શાસ્ત્ર ના પ્રકાર

શાસ્ત્રના પણ ત્રણ સ્તર છે: ૧. શબ્દાર્થ, ૨. ભાવાર્થ અને ૩. તત્વાર્થ. પ્રાથમિક સમજણવાળા માણસ માટે શબ્દાર્થ પર્યાપ્ત છે. “ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ:” જેવા શ્લોકમાં “ધર્મક્ષેત્ર એવું જે કુરુક્ષેત્ર તેમાં લડાઈની ઈચ્છાવાળા એકત્રિત થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું? કે સંજય કહે,” આટલો અર્થ ઘણો થઈ ગયો. તેની સમજણ આટલામાં જ અધધધ થઈ જવાની. પણ માત્ર શબ્દાર્થમાં શાસ્ત્ર સમાપ્ત નથી થતું. શબ્દાર્થથી તો તેનો આરંભ થાય છે. શબ્દાર્થ એકડો છે. જેને શબ્દાર્થથી તૃપ્તિ ના થઈ શકે, કંઇક વધુ માટે જેની આકાંક્ષા-જીજ્ઞાસા રહે તેવા માટે ભાવાર્થ છે. શબ્દેશબ્દના અર્થ સાથે, તેના આગળપાછળના સંદર્ભ સાથે તેનું વિસ્તૃતીકરણ કરીને તેનો ભાવ બતાવવાનો હોય છે. વ્યાખ્યા વિના ભાવ સ્પષ્ટ ના થાય, એટલે વિસ્તૃત વ્યાખ્યા કરી કરીને એક એક શબ્દનો ભાવ બતાવવામાં આવે તો શાસ્ત્રના કથ્યને વ્યક્તિ બરાબર સમજી શકે, પણ ભાવાર્થમાં પણ શાસ્ત્ર પૂરું થતું નથી. ભાવાર્થ શબ્દાર્થનું સુસંગત વ્યાખ્યાન છે. (more…)