ગીતામાં યોગની ભૂમિકા – ભાગ (૨)
[ગીતામાં યોગની ભૂમિકા નો ભાગ -૧ આપણે માણ્યો, હવે માણીએ કૃષ્ણને યોગેશ્વર કેમ કહ્યાં છે. આ પ્રકરણ નું અક્ષરાંકન ‘પ્રવચનમંગલ‘ પુસ્તક માંથી કરવામાં આવ્યું છે. ]
યોગ અને યોગેશ્વર
અહીં બારમા અધ્યાયમાં “કે યોગવિત્તમા:” માં પણ યોગ શબ્દ માત્ર સમાધિ કરનાર યોગીઓ માટે નથી. પણ આવા જ નિષ્કામ સેવાપરાયણ ઉપાસક માટે છે. યોગ શબ્દ અનેક યોગો સાથે સંકળાયેલો છે, સાથે સાથે ભક્ત સાથે પણ સંકળાયેલો છે. ગીતાજીમાં શ્રીકૃષ્ણ માટે ઘણાં વિશેષણો વપરાયાં છે. માધવ, હૃષીકેશ, મધુસૂદન વગેરે. આ બધા શબ્દોનો રૂઢાર્થ તો કૃષ્ણ જ થાય છે. પણ ગીતામાં એક શબ્દ વારંવાર ખાસ વિશેષ ભાવમાં આવેલો છે, તે શબ્દ છે ‘યોગેશ્વર’. એવું લાગે છે કે ગીતાકારને યોગેશ્વર શબ્દ બહુ પ્રિય છે. “યોગેશ્વર તતો મે ત્વં દર્શયાત્માનમવ્યયમ” (૧૧-૪), હે યોગેશ્વર ! હવે તમારા અવ્યયસ્વરૂપ યોગૈશ્વર્યને બતાવો. “મહાયોગેશ્વરો હરિ ?”, “પશ્ય મે યોગમૈશ્વરમ” , “યત્ર યોગેશ્વર: કૃષ્ણ:” , “યોગં યોગેશ્વરાત કૃષ્ણાત” વગેરે અનેક સ્થળે કૃષ્ણને યોગેશ્વર કહ્યા છે. તે એમ બતાવવા કે શ્રીકૃષ્ણ માત્ર યોગી જ નથી પણ બધા જ પ્રકારના યોગોને જાણનાર તથા બધા જ પ્રકારના યોગીઓના સ્વામી છે. (more…)