વીર સાવરકર
હિન્દુ ધર્મ બહુમાર્ગી છે. અર્થાત્ ઈશ્વરને મેળવવા માટે ઘણા માર્ગો છે. બધા જ સ્વીકાર્ય છે. તેથી તેમાં કટ્ટરતા નથી આવી. સાકાર ભક્તિ, નિરાકાર ભક્તિ, કર્મમાર્ગ, જ્ઞાનમાર્ગ, યોગમાર્ગ વગેરે રુચિ પ્રમાણેના અનેક માર્ગો ઈશ્વર સુધી પહોંચવાના છે. જેમ બધી નદીઓ હિમાલયમાંથી નીકળીને વાંકીચૂંકી થઈને વહેતી વહેતી અંતે સમુદ્રમાં જ મળે છે તેમ બધી ઉપાસનાઓ અંતે તો પરમાત્માને જ મળે છે. આ માત્ર ઉદારતા જ નથી, વાસ્તવિકતા પણ છે. જે લોકો આવી બહુમાર્ગિતાની જગ્યાએ એક જ માત્ર એક જ માર્ગનો આગ્રહ રાખે છે તે આપોઆપ ચુસ્ત કટ્ટર થઈ જાય છે. તે બીજા માર્ગોને સહન કરી શકતા નથી, આથી તેમનામાં સહિષ્ણુતા નથી આવતી. જ્યાં સહિષ્ણુતા ન હોય ત્યાં હૃદયની એકતાનો સંભવ નથી રહેતો. આ રીતે એકમાર્ગી ધર્મ પ્રજા-પ્રજા વચ્ચે એકતા નથી કરી શકતો. નથી થવા દેતો.
આવી જ સ્થિતિ રાષ્ટ્રની આઝાદી માટે પણ છે. રાષ્ટ્રને આઝાદ કરવા માટે પણ ઘણા માર્ગો હતા. સૌનું લક્ષ્ય એક જ હતું આ દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થાય, કોઈ તેને હિંસાના માર્ગે મુક્ત કરાવવા માગતા હતા તો કોઈ તેને અહિંસાના માર્ગે મુક્ત કરાવવા માગતા હતા. માર્ગ બદલવાથી લક્ષ્ય કે નિષ્ઠા બદલાઈ જતી નથી. કોઈ સફળ થાય અને કોઈ ન થાય તેથી પણ પ્રવાસીઓની મહત્તા ઓછી થતી નથી.
ત્યારે બધા જ ક્રાન્તિકારીઓ સહજ પ્રાપ્ત અને ટૂંકા માર્ગે આગળ વધતા હતા. તે હતો હિંસાનો માર્ગ. કોઈ પણ અંગ્રેજ અમલદાર કે સંસ્થા ઉપરનો હુમલો એ પૂરી સરકાર ઉપરનો જ હુમલો છે. તેથી સરકાર વિચલિત થાય છે. ખળભળાટ થાય છે. આખું માળખું હચમચી ઊઠે છે. રાજસત્તા ચલાવવી કઠિન થઈ જાય છે. અને અંતે આઝાદીની પ્રાપ્તિ થાય છે. આ રીતે વિશ્વના ઘણા દેશો આઝાદ થયા હતા. રશિયા, ચાયના વગેરે તેનાં ઉદાહરણો છે. આ માર્ગે ખૂનખરાબા થાય છે તેની ના નહિ પણ એ અનિવાર્ય છે. ખૂનખરાબા વિનાની આઝાદી મફતમાં મળી ગયેલી ચોકલેટ જેવી છે. તેની કદર—કિંમત થતી નથી. બલિદાન જ કદર કિંમત—કરાવતાં હોય છે. આવી જ એક કથા અહીં ચિત્રિત કરી રહ્યા છીએ. (more…)