ઈશ્વરનું સ્વરૂપ

[ આ લેખ સ્વામીજી ના પુસ્તક ‘પ્રવચનમંગલ’ માંથી લેવામાં આવ્યો છે.

બે બોલ:

પ્રવચનો મૂળમાં શ્રીમદ્દભગવદ્દગીતાના બારમાં અધ્યાયના પ્રથમ શ્લોક ઉપર જ કેન્દ્રિત કરવામાં આવ્યાં છે,  પણ તેનો વ્યાપ સમાજ, રાષ્ટ્ર તથા જીવનના એકેએક ખૂણા સુધી ફેલાયેલો છે તેની પ્રતીતિ વાચકવર્ગને થશે એટલે તે સંબંધી મારે કશું કહેવાનું નથી –સ્વામી સચ્ચિદાનંદ ]

ઈશ્વરનું સ્વરૂપ

અર્જુનનો પ્રશ્ન એ છે કે વ્યક્ત-અવ્યક્ત, મૂર્ત-અમૂર્ત આ બે પ્રકારની મુખ્ય ઉપાસનાઓ છે તેમાંથી કોનો ઉપાસક વધુ યોગ્ય ગણાય?

જ્યારથી ઉપાસનાનું અસ્તિત્વ છે ત્યારથી ઉપાસકોમાં એક વધુ મોટો મતભેદ છે. ઈશ્વરનું સ્વરૂપ કેવું છે? સાકાર કે નિરાકાર? વ્યક્ત કે અવ્યક્ત? મૂર્ત કે અમૂર્ત? આજ સુધી આ મતભેદ ચાલ્યો જ આવે છે અને ચાલુ જ રહેવાનો, કેમ કે સમાધાન બે પ્રકારનાં હોય છે. ૧. બૌદ્ધિક તથા ૨. ભાવનાત્મક. બૌદ્ધિક સમાધાન લગભગ બધાં માટે સરખા હોઈ શકે. જોકે બૌદ્ધિક સમાધાનમાં પણ પૂર્વગ્રહો તથા તેના કારણે જન્મેલી રુચિ-કુરુચિ મુખ્ય ભાગ ભજવતી હોય છે. એટલે બૌદ્ધિક કક્ષાનું સમાધાન પણ સર્વમાન્ય ભાગ્યે જ બનતું હોય છે. છતાં બૌદ્ધિક કક્ષામાં ઘણા મોટા ભાગને એક સમાધાનમાં લાવી શકાય. પણ ભાવનાત્મક સમાધાન યુક્તિ-પ્રયુક્તિની પ્રબળતાથી ન થઇ શકવાના કારણે વ્યક્તિસાપેક્ષ, સંદર્ભ-સાપેક્ષ હોય છે. બુદ્ધિથી માંસભક્ષણને કરોડો વ્યક્તિઓ સ્વીકાર્ય સિદ્ધ કરી શકે છે. માનો કે તમે પોતે તે બાબતના તર્કોનો સ્વીકાર કરોમ છતાં તમને આ વસ્તુ પ્રત્યે જન્મજાત અણગમો હોય, તે બૌદ્ધિક સમાધાન હોવા છતાં પણ ભાવનાત્મક સમાધાન ન હોવાથી તમે તેનો સ્વીકાર નહિ કરી શકો. જીવનમાં તમામે તમામ(વિજ્ઞાન સિવાય) ક્ષેત્રોમાં બુદ્ધિ તથા ભાવનાનું વર્ચસ્વ રહેતું જ હોય છે. તેમાં પણ બૌદ્ધિક સમાધાન કરતાં ભાવનાત્મક સમાધાન ઘણું કઠીન છે. એક વ્યક્તિને બીજી વ્યક્તિ જરાયે ગમતી નથી, કેમ? આ અણગમો જો માત્ર બૌદ્ધિક કારણસર હોય તો તરત જ દૂર કરી શકાય, પણ જો ભાવનાત્મક હોય તો તે પોતે પણ ઈચ્છવા છતાં તે અણગમાને દૂર નહિ કરી શકે.

(more…)