ગીતામાં યોગની ભૂમિકા – ભાગ (૩)

[ગીતામાં યોગની ભૂમિકા નો ભાગ -૧ અને ભાગ – ૨ આપણે માણ્યા, હવે માણીએ વિવિધ ધર્મોએ સંસારને કઈ વિશેષતા આપી, હિંદુ ધર્મનું આમાં શું પ્રદાન છે?. આ પ્રકરણ નું અક્ષરાંકન ‘પ્રવચનમંગલ‘ પુસ્તક માંથી કરવામાં આવ્યું છે. ]

વિવિધ ધર્મોનું પ્રદાન

દુનિયાના બધા જ મોટા ધર્મોએ સંસારને કોઈને કોઈ પ્રકારની વિશેષતા આપી છે. જોકે બધા જ ધર્મોની (આપણા ધર્મની પણ) કોઈને કોઈ ઉધાર બાજુ પણ છે. (પણ તે કહેવાનું મારું કામ નથી) હું એટલું કહી શકું કે જ્યાં સુધી પોતાના મતની દુર્બળ દિશા વ્યક્તિને દેખાતી નથી ત્યાં સુધી તે ધર્માંધ હોય છે. અસહિષ્ણુ હોય છે. નફરતથી ભરેલો હોય છે; જ્યારે વ્યક્તિને પોતાના જ ધર્મની અપાર મહત્તા સાથે તેની કમજોરી પણ દેખાય છે, ત્યારે તે ધર્માંધ નથી રહેતો. તેના વલણમાં બીજા પ્રત્યે ઉદારતા પ્રગટે છે. પોતાની જાતને નિષ્પાપ માનનાર વ્યક્તિ કરતાં પોતાનાં પાપોની સભાનતા રાખનાર વ્યક્તિ વધુ ઉદાર તથા સહિષ્ણુ હોય છે. “મારાથી પણ આવું થયું છે, હજી પણ થઇ શકે છે. હું આ વ્યક્તિ પ્રત્યે શા માટે નફરત કરું? શું તેના જેવા જ દોષો મેં નથી કર્યાં? “ આવા વિચારે તે સહિષ્ણુ થતો હોય છે. જ્યારે પોતાને તદ્દન નિર્દોષ, નિષ્પાપ, પવિત્ર સમજનાર આખી દુનિયાથી નાક ચડાવતો ફરતો હોય છે. નિષ્પક્ષ, અને ગંભીર અધ્યયન મનન પછી વ્યક્તિને દીવા જેવું સમજાય છે કે કોઈ પક્ષ, કોઈ ધર્મ, કોઈ મત સર્વાંશમાં નિર્દોષ નથી. સૌને ઓછી વત્તી જમા-ઉધાર બાજુઓ છે જ. આવી વૈચારિક ભૂમિકાએ પહોંચેલી વ્યક્તિ નાસ્તિક કે અનાસ્થાવાદી નહિ પણ સમજણ સાથેની આસ્થાવાળી-માનવતાવાદી બનશે. પેલા ધર્માંધ લોકો કરતાં તે સંસાર માટે વધુ કલ્યાણકારી બનશે. (more…)