સુનીતિ ચૌધરી – શહીદો ની ક્રાંતિગાથાઓ
પ્રજાનું જ્યારે પતન થવાનું હોય છે ત્યારે તેને બે તત્ત્વો મળે છે: વિપુલ સંપત્તિ અને લક્ષ્યહીન જીવન. સંપત્તિ કોઈ દોષ નથી જો ન્યાય-નીતિથી પ્રાપ્ત થઈ હોય તો. પણ સંપત્તિની સાથે જવાબદારીઓ જરૂરી છે. જવાબદારીઓનું જ્ઞાનભાન ધર્મ કરાવે છે. ધર્મ ન્યાય-અન્યાયનો ભેદ બતાવે છે. ધર્મ જ હલાલ અને હરામનો ભેદ બતાવે છે. ધર્મ ન હોય તો કોણ નિર્ણય કરે? માણસ તો પોતાને ગમતો જ નિર્ણય કરે અને તે પણ સૌના અલગ અલગ, એટલે વ્યક્તિના જીવનની અને સમૂહના જીવનની વ્યવસ્થા રાખવા ધર્મ જરૂરી છે. ધર્મનો મૂલાધાર શ્રદ્ધા—ઈમાન છે. શ્રદ્ધાથી દૃઢતા અને મક્કમતા આવે છે. દૃઢતા વિના કપરાં કાર્યોમાં લાંબો સમય માણસ ટકી શકતો નથી. મનગમતો નિર્ણય કરીને ફરી જતો હોય છે. પલટીબાજ માણસો મહાપુરુષ ન થઈ શકે. હા, કદાચ પૈસાદાર થઈ શકે. દુર્ભાગ્યવશ ભારતની પ્રજાને લક્ષ્યમાં મોક્ષ મળ્યો. મોક્ષ જ એકમાત્ર જીવનનું લક્ષ્ય છે. મોક્ષનું લક્ષ્ય સંસારત્યાગથી જ પ્રાપ્ત થાય એટલે જે ઊઠ્યો તેણે સંસારત્યાગનો ઉપદેશ આપ્યો. સંસારત્યાગ કરાવવા માટે સંસારની નિંદા કરવી જરૂરી છે. “સંસારમાં ક્યાંય સુખ નથી” “સંસાર નશ્વર છે, ક્ષણિક છે.” “સંસારમાં બધાં સ્વાર્થી છે” “સંસાર નરક છે” વગેરે વગેરે. પ્રશ્ન એ થાય કે સંસારમાં સુખ નથી તો પછી સુખ ક્યાં છે? જ્યાં હોય ત્યાં જાવને. અહીં શું કામ પડ્યા છો? જો સંસાર નશ્વર ન હોય તો શું નિત્ય હોવો જોઈએ? જો સંસાર નિત્ય જ થઈ જાય તો કશું પરિવર્તન જ ન થાય. તેની નશ્વરતા અને ક્ષણિકતા છે તો પરિવર્તન અને વિકાસ છે. જો સંસારમાં બધાં જ સ્વાર્થી હોય તો તમે તો પરમાર્થી છો ને? બધાં જ પરમાર્થી હોય તેવી જગ્યા ક્યાં છે? આવોને સંસારને પરમાર્થી બનાવીએ અને તેની શરૂઆત આપણાથી જ કરીએ. જો સંસાર નરક છે તો પછી સ્વર્ગ ક્યાં છે? આ સંસારને જ સ્વર્ગ બનાવો ને! (more…)