[કાલાપાની – આંદામાનની સેલ્યુલર જેલમાં રહીને જેમણે પોતાનાં જુવાની અને જીવન રાષ્ટ્ર માટે હોમી દીધાં તે બધા સાચા રાષ્ટ્રભક્તો—ક્રાન્તિવીરોને વંદન સહ અર્પણ. -સચ્ચિદાનંદ]
શાસન સરકાર ચલાવતી હોય છે અને જે નિયમોથી શાસન ચલાવવાનું હોય તે જો તોડવામાં આવે તો તોડનારને સજા થવી જોઈએ. સજા વિના વ્યવસ્થા રહી શકે નહીં.
વિશ્વની બધી સરકારોના એકસરખા નિયમો નથી હોતા, તેથી સજા પણ એકસરખી નથી હોતી. પશ્ચિમમાં નાચ-ગાન-દારૂ, વગેરે સહજ-સામાન્ય વસ્તુ કહેવાય. નિયમમાં રહીને આ બધું થાય તો કશી સજા થાય નહીં, પણ જો નિયમ બહાર જાઓ તો જ સજા થાય. આરબ દેશોમાં આ બધું સજાને પાત્ર થઈ જાય. ચોરી-વ્યભિચાર, વગેરેની સજાઓ બધે એકસરખી નથી હોતી. કેટલાક દેશોમાં ફાંસીની સજા છે જ નહીં, તો કેટલાક દેશોમાં છે. આમ, દેશકાળ અને પરિસ્થિતિ પ્રમાણે સજાઓ બદલાતી રહે છે.
ભારતમાં અંગ્રેજી રાજ્ય આવ્યું તે પહેલાં બહુ થોડા કાયદા હતા અને તરત જ સજા થઈ જતી, જેમાં કેટલીક અતિક્રૂર પણ હતી. ત્યારે વકીલો ન હતા અને ચઢતી-ઊતરતી કોર્ટો પણ ન હતી, તેથી ન્યાય થાય કે અન્યાય, ભોગવી જ લેવાનો રહેતો. ત્યારે અપરાધો ઘણા ઓછા થતા. પ્રજા ધાર્મિક હતી અને ધર્મ તથા ઈશ્વરથી ડરનારી હતી. જોકે ભારતમાં અસંખ્ય જાતિઓ હોવાથી અને સૌનું અલગ-અલગ વ્યક્તિત્વ હોવાથી કેટલીક જાતિઓને અપરાધી જાતિની કક્ષામાં મૂકવામાં આવતી, તો કેટલીક જાતિઓ અપરાધ કરે જ નહીં તેવી કક્ષામાં પણ મુકાતી, પણ અંગ્રેજી કાયદા ન્યાયના મંદિરમાં કોઈની સાથે કશો જાતિભેદ સ્વીકારતા નથી. અપરાધી બધા સરખા જ ગણાય, તેથી સજા પણ સૌને સરખી થાય. શિયળ વેચવાનો ધંધો કરનારી સ્ત્રી ઉપર બળાત્કાર થયો હોય કે શિયળને જ જીવનનું સર્વસ્વ માનનારી કોઈ પવિત્ર પતિવ્રતા ઉપર બળાત્કાર થયો હોય, ન્યાયમંદિરમાં બંને એકસરખા જ ગણાય. આવી કેટલીક વિડંબનાઓ પણ થતી રહે છે. સંપૂર્ણ શુદ્ધ અને અચૂક ન્યાય અતિ દુર્લભ કહેવાય. બધી કમજોરીઓ અને ત્રુટીઓ હોવા છતાં પણ ન્યાયતંત્ર ચાલતું રહે છે.
અંગ્રેજોના સમયમાં એક નવી સજાનો ઉમેરો થયો. તે સજા હતી ‘કાલા- પાની’ની. ફાંસીથી ઊતરતી આ સજા બંગાળના ઉપમહાસાગરમાં આવેલા નિર્જન ટાપુ આંદામાન, નિકોબાર, વગેરેને અંગ્રેજોએ કબજે કર્યા અને ત્યાં “કાલાપાની”ની વ્યવસ્થા કરી.
ભારતથી દૂર નિર્જન જંગલમાં કેદીને સેલ્યુલર જેલની કાળી કોટડીમાં ધકેલી દેવાતો. આ જેલ મેં જોઈ છે. કોટડીમાં પુરાયેલા કેદીને કશું જ દેખાય નહીં. હવા માટેની એક સાવ નાની બારી, તે પણ સાત-આઠ ફૂટ ઊંચી, તેમાંથી હવા તો આવે પણ કશું જોઈ શકાય નહીં. આવી કોટડીમાં પૂરું જીવન પસાર કરવું એ કેટલું અસહ્ય થઈ જાય! બહુ થોડું—માપનું જ પાણી મળે અને ઝાડો-પેશાબ કરવા પડે તો કોટડીમાં જ વાસણોમાં કરવાના. કોઈની સાથે કશી વાતચીત નહીં. કશું દેખાય નહીં. આવી કોટડીમાં ક્રાન્તિવીરોએ વર્ષો કાઢેલાં હતાં. કેટલાકે તો પૂરું જીવન પસાર કર્યું હતું. શું થયું હશે?
પાછું દિવસે સખત મજૂરી કરવાની, તેલની ઘાણીઓ ચલાવવાની. નક્કી કરેલું તેલ કાઢવું જ પડે. આ ઘાણીઓ મેં જોઈ હતી. કેદીઓ ઉપર જાતજાતના જુલમો થાય. તેમને નગ્ન કરીને ફટકા મારવામાં આવે. ઊભા ડંડાવાળી બેડી પહેરાવાય, સાંકડી બેડી પહેરાવાય, જેથી માત્ર છ ઇંચ જ ડગલું ભરી શકાય. અઢી બાય અઢી ફૂટના બોક્સમાં પૂરી દેવાય, જેમાં દિવસો અને મહિનાઓ સુધી ટૂંટિયું વાળીને જ રહેવાય. ક્રાન્તિવીર વિનાયક દામોદર સાવરકર આ જેલમાં વર્ષો સુધી રહ્યા હતા. તેમના સગા ભાઈ ગણેશ સાવરકર પણ અહીં રહ્યા હતા. એક વર્ષ સુધી બંને ભાઈઓને એકબીજાને અહીં રહેવાની ખબર પડી ન હતી! આપણાં રોમેરોમ કાંપી ઊઠે તેવી યાતનાભર્યું જીવન આ સ્વતંત્રતાના ક્રાન્તિવીરોએ ભોગવ્યું હતું. આઝાદી પછી આ બધા ભુલાઈ ગયા. કોઈ તેમને યાદ પણ કરતું નથી.
જે લોકો અહિંસક કાર્યકર્તાઓ હતા તે પણ જેલ ગયા હતા. પણ તેમાંથી કોઈને ફાંસી કે કાલાપાનીની જેલ થઈ હોય તેવું સાંભળ્યું નથી. આઝાદી પછી તેમનું બહુમાન થયું, તેમનાં પેન્શન બંધાયાં, રેલવેના પાસ મળ્યા, બીજું પણ ઘણું મળ્યું, પણ આ ફાંસીએ લટકનારા કે ‘કાલાપાની’ની સજા ભોગવનારા સ્વાતંત્ર્યવીરોને કાંઈ મળ્યું હોય તેવું જાણવા મળ્યું નથી. આ બધાના વારસદારો અત્યારે શું કરે છે—ક્યાં રહે છે, કોઈ તપાસ પણ કરતું નથી, કશી ખબર નથી. તેમના માટે કોઈ અનામત નથી, કોઈ પૅકેજ નથી. આટલી હડહડતી ઉપેક્ષા અને તિરસ્કાર ભાગ્યે જ બીજા કોઈ દેશમાં થયાં હશે. મારી દૃષ્ટિએ આ રાષ્ટ્રીય મહાપાપ કહેવાય. આ મહાપાપમાંથી કાંઈક ઉગારો થાય તે હેતુથી મેં આ પુસ્તકની રચના કરી છે. આશા છે કે આ ક્રાન્તિવીરોને યાદ કરીને તેમનાં જીવનમાંથી કોઈ પ્રેરણા લેશે તો મારો પ્રયત્ન કાંઈક સફળ થશે.
‘કાલાપાની’માં સેંકડો લોકો પુરાયા હતા અને કઠોર સજાથી રિબાયા હતા. બધાની માહિતી તો મળી શકી નથી, પણ જે કાંઈ માહિતી પ્રાપ્ત થઈ તેના આધારે થોડાક ક્રાન્તિવીરોનું ચિત્રણ આ પુસ્તકમાં થઈ શક્યું છે. આમાં અનેક ક્ષતિઓ રહી જવા પામી હશે. સુજ્ઞ વાચકો તેને ક્ષમા કરીને જે શુભ પ્રેરણાઓ રાષ્ટ્ર માટે હોય તેનો સ્વીકાર કરે તોય બસ કહેવાય.
આપનો આ પ્રયત્ન વંદનીય છે.🙏