ગુણલક્ષી મહાનતા કસોટી વિનાની નથી હોતી. તેની પ્રથમ કસોટી તેનું વચન અને કર્તવ્ય છે. જે વચનનિષ્ઠ હોય અને કર્તવ્યનિષ્ઠ હોય તે જ મહાન હોય. જે વચન તોડે અને કર્તવ્યત્યાગી થાય તે કદી મહાન ન હોય. વલ્લભભાઈના પ્રાથમિક જીવનમાં બે પ્રસંગો તેમની મહાનતા સાબિત કરનારા બન્યા.

તેમનાં પત્ની ઝવેરબાને અસાધ્ય રોગ લાગુ પડ્યો. તેમની દવા માટે તેમને મુંબઈ લઈ જવાયાં. કામા હૉસ્પિટલમાં દાખલ કરાયાં. ઓપરેશન કરવાનું નક્કી થયું પણ દરદીની તબિયત સુધરે પછી ઓપરેશન થાય. કારણ કે શરીરમાં લોહી જ ન હતું. પંદરેક દિવસ રાહ જોવાનું નક્કી થયું. આ સમયમાં આણંદમાં વલ્લભભાઈના હાથમાં એક ખૂનકેસ હતો. આરોપી નિર્દોષ અને પ્રતિષ્ઠિત હતો. જો તેને બચાવવામાં ન આવે તો તેને ફાંસીની સજા થઈ શકે તેમ હતું. વકીલ તરીકે તેને બચાવવો એ તેમનું કર્તવ્ય હતું. તેથી ઝવેરબા પાસેથી ખસાય તેવી સ્થિતિ ન હોવા છતાં રાતની ટ્રેનમાં વલ્લભભાઈ આણંદ આવ્યા, આખી રાત કેસ તૈયાર કર્યો. સવારે કોર્ટમાં દલીલો કરતા હતા ત્યાં તેમને તાર મળ્યો. ચાલુ કોર્ટે તાર વાંચ્યો, ગજવામાં મૂક્યો અને દલીલો ચાલુ રાખી. સાક્ષીની ઊલટતપાસ છેક સાંજ સુધી કરી. એક તરફ પ્રિય પત્નીના મરણની લાગણીભરી સ્થિતિ હતી, બીજી તરફ અસીલને બચાવવા ઝઝૂમવાની સ્થિતિ હતી. લાગણી ઉપર કાબૂ રાખીને, કહો કે કચડી નાખીને તેમણે કર્તવ્યને જ મહત્ત્વ આપ્યું. સામાન્ય માણસ તો લાગણીના પ્રવાહમાં વહી જાય. 33 વર્ષની ભરયુવાન વયે વલ્લભભાઈ વિધુર થયા. ઘણી કન્યાઓ મળતી હોવા છતાં તે જીવનભર વિધુર જ રહ્યા. ગાંધીજી અને પં. નહેરુ માટે લોકો ખરી-ખોટી ગમેતેવી વાતો કરતા રહે છે પણ વલ્લભભાઈ માટે દુશ્મનો પણ સ્ત્રીવિષયક કોઈ શબ્દ બોલી શકતા નથી, તે શું ઓછી મહાનતા કહેવાય?

બીજો પ્રસંગ બોરસદનો હતો. તેમનો અસીલ એક સોની હતો. તેના ઉપર વ્યભિચારનો કલંક લગાડનારો કેસ હતો. જો કેસ સાબિત થાય તો આબરૂદાર સોનીને આત્મહત્યા જ કરવી પડે. ગોરા કલેક્ટર આગળ વલ્લભભાઈએ એવી દલીલો કરી કે સોની નિર્દોષ છૂટી ગયો! તે જ દિવસે રાત્રે વલ્લભભાઈ વિલાયત જવા ટ્રેનથી રવાના થયા. વિલાયત જવું તે એ સમયમાં બહુ મોટી વાત કહેવાતી. કેટકેટલા લોકો મળવા આવે, કેટલી બધી ધમાલ હોય, પણ બધું પડતું મૂકીને અસીલને બચાવવા દલીલો કરતા રહ્યા. આ કર્તવ્યપરાયણતા કહેવાય. દલીલો પૂરી કરીને તરત જ સ્ટેશને પહોંચી ગાડી પકડી હતી!