યહૂદી ધર્મની દસ આજ્ઞાઓ

ઇઝરાયલની જીવનવ્યવસ્થા – ૧: ધર્મ પ્રજાનું ઘડતર કરે છે. પ્રજા શૂરવીર, સાહસી, બાહોશ બને છે તો તેની પાછળ ધર્મતત્ત્વનું મહત્ત્વપૂર્ણ યોગદાન હોય છે. જો પ્રજા કાયર, બીકણ, સાહસહીન બને છે તો તેમાં પણ ધર્મ જ મુખ્ય કારણ હોય છે. પોતાના ધર્મની ખૂબીઓ અને ખામીઓ સમજવા માટે પણ વિચારકોએ વિશ્વના મહત્ત્વપૂર્ણ ધર્મોનું અધ્યયન કરવું જરૂરી છે. ખ્રિસ્તી ધર્મથી પણ યહૂદી ધર્મ પ્રાચીન છે. હજરત મૂસા દ્વારા પ્રચલિત આ ધર્મ આજે જનસંખ્યાની દૃષ્ટિએ ભલે નાનો હોય પણ તેના સિદ્ધાંતો દ્વારા તે ખૂબ ઊંડો છે. આ આખો ધર્મ અત્યંત સરળ તથા સાદો છે. મુખ્યત: દશ આજ્ઞાઓ ઉપર આધારિત આ ધર્મમાં કડક રીતે એકેશ્વરવાદની સ્થાપના છે. પ્રભુ યહોવાહની સ્પષ્ટ આજ્ઞા છે કે ‘મારા સિવાય કોઈ પણ દેવ રાખીશ નહીં.’ માત્ર એક જ નિરાકાર પરમાત્માની ઉપાસના કરવાની. બીજી આજ્ઞા છે: ‘તારે ઘડેલી મૂર્તિ કરવી નહિ, અને આકાશ, પૃથ્વી કે પાતાળ ઉપરની કોઈ પણ ચીજની આકૃતિ બનાવવી નહિ’, અર્થાત્ મૂર્તિપૂજા તથા પ્રકૃતિપૂજાનો નિષેધ. આપણે ત્યાં મૂર્તિપૂજા તથા પ્રકૃતિપૂજાનો એટલો બધો અતિરેક થયો છે કે મૂળ પરમાત્મા જ લગભગ ગાયબ થઈ ગયો છે.

નિષ્ઠા – કામમાં

યહૂદી ધર્મની ત્રીજી આજ્ઞા નવાઈ ઉપજાવે તેવી છે: ‘તારા પ્રભુનું તારે ફોગટ નામ લેવું નહિ.’ આપણે તો કલાકો, સપ્તાહો અને મહિનાઓ સુધી અખંડ ધૂન કરીએ – કરાવીએ છીએ, જોરજોરથી કીર્તન કરીએ છીએ અને નામસંકીર્તનનો મહિમા ગાઈએ છીએ. જ્યારે યહૂદીઓ એમ માને છે કે અનાવશ્યક નામ લેવું ન જોઈએ. આ બંને ભિન્ન ભિન્ન વિચારોથી પ્રજાનું ઘડતર પણ ભિન્ન ભિન્ન થયું છે. આપણે કાંઈક દુ:ખ કે ઉપાધિ આવે ત્યારે નામ લેવા બેસી જઈએ છીએ. ભારતમાં હજારો માણસો માત્ર બીજાના માટે જાપ કરવાના કામમાં રોકાયેલા રહે છે. જ્યારે પેલા યહૂદીઓ દુ:ખ કે ઉપાધિના સમયમાં કામ કરવા બેસી જાય છે. એકની નિષ્ઠા નામમાં છે, બીજાની નિષ્ઠા કામમાં છે. બંને ઈશ્વરવાદી છે. એક માને છે કે તેનું વારંવાર નામ લેવાથી તે બધું ઠીક કરી આપશે, જ્યારે બીજા માને છે કે સાચી રીતે પુરુષાર્થ કરવાથી તે જરૂર તેમાં સહાયક થશે. ‘મનુષ્યયત્ન ઈશ્વરકૃપા’નો તેમનો સિદ્ધાંત છે. આપણને ઘણી વાર શિખવાડવામાં આવે છે કે નાના બાળકની માફક ક્રંદન કરો એટલે પરમાત્મા દ્રવી ઊઠશે અને તમને છાતી સાથે લગાવી દેશે. ગીતાની માફક પેલા કામ કરવા ઉપર ભાર મૂકે છે. પરિણામે એક પ્રજા સંપૂર્ણ ઈશ્વરાશ્રિત બની છે તો બીજી પ્રજા ઈશ્વર સાથે કર્માશ્રિત બની છે.

બાકીના સાત સિદ્ધાંતો સામાન્ય નૈતિક જીવનના તથા વડીલોને માન આપવાના છે, જેની ચર્ચા જરૂરી લાગતી નથી.

ઇઝરાયલને આંકડાની દૃષ્ટિએ પહેલાં સમજીએ. કચ્છ જિલ્લા જેટલું માંડ તેનું ક્ષેત્રફળ છે. 28,290 ચો. કિ. મીટર. હવે તેની વસ્તી 47 લાખ જેટલી થઈ છે. ઇઝરાયલે પાંચ પાંચ યુદ્ધો કરીને ઇજિપ્ત, ઇરાક, સીરિયા તથા જોર્ડનની કેટલીક જમીન પડાવી લીધી છે, જેથી તેના સીમાડા સુરક્ષિત બન્યા છે. કચ્છની માફક ઇઝરાયલમાં પણ માત્ર 21 ટકા જ જમીન ખેતીલાયક છે. બાકીના 65 ટકા રણની ભૂમિ છે. જોકે આજે તો તેણે અપૂર્વ પુરુષાર્થ કરીને ઘણી જમીન નંદનવન બનાવી દીધી છે. ત્યાં કોઈ સ્થળે માત્ર એક જ ઇંચ વરસાદ થાય છે તો કોઈ સ્થળે 20 ઇંચ જેટલો વરસાદ થાય છે. આ વરસાદ વિનાની મરુભૂમિમાં તેણે જે ભગીરથ પુરુષાર્થ કર્યો છે તેનું એક જ ઉદાહરણ લઈએ. ભારતમાં એકર દીઠ કપાસ 153 રતલ, અમેરિકામાં 543 રતલ જ્યારે ઇઝરાયલમાં 1282 રતલનું ઉત્પાદન થાય છે. આ પ્રમાણે બીજાં અનાજો તથા ફળો માટે પણ છે. ઇઝરાયલ માટેનાં કેટલાંક ઉચ્ચારણો લેખકનાં જેમનાં તેમ ટાંકીએ.

‘સમગ્ર ઇઝરાયલમાં ગમે ત્યાં જાઓ; શહેર કે ગામમાં – સ્વચ્છતા એટલી બધી છે કે, રસ્તામાં કે કોઈના ઘરમાં કાગળનો નાનો સરખો ટુકડો પણ જોવા ન મળે.’ ‘રખડતું કોઈ ઢોર કે કૂતરું પણ હોતું નથી કે જે રોડને બગાડે કે વાવેલાં ફૂલોને ખાય. આટલું સુંદર આયોજન કદાચ જગતનો કોઈ દેશ કરી શક્યો નહિ હોય.’

 

ચાર પ્રકારની જીવનવ્યવસ્થા

ઇઝરાયલની જીવનવ્યવસ્થા ચાર ભાગમાં વહેંચાયેલી છે.

1. ‘કિબુત્ઝ’ પ્રકારનાં ગામડાં જેમાં આખું ગામ એક જ રસોડે જમે છે, સૌને દશ-દશ એકર જમીન મળે, પણ માલિકી સરકારની, ખેતી કરો ત્યાં સુધી તમારી. પણ જો યોગ્ય ઉત્પાદન ન મેળવી શકો તો સરકાર એ જમીન બીજાને આપી દે. આ ગામોમાં રહેનારાંઓનું બધું જ સહિયારું હોય છે. વાહનો, સ્કૂલો, મહેમાનો વગેરે બધું જ સહિયારું. એક પ્રકારથી પૂરો સામ્યવાદ.

2. ‘મોશાવ’ બીજો પ્રકાર છે. કિબુત્ઝથી જરાતરા જુદી વ્યવસ્થા. પણ અહીં રહેનારની પોતાની જમીન હોય છે. ખેતીનું ઉત્પાદન પણ વ્યક્તિગત છે. હા, રસોડું વગેરે સૌનું મઝિયારું હોય છે. અર્થવ્યવસ્થા એટલી સારી છે કે ‘આપણે ત્યાં કોઈ ખેડૂતને લોન લેવી હોય તો પચીસ જાતનાં ફોર્મ ભરાવશે ને લોન ક્યારે મળશે તેની ખબર હોતી નથી. અહીં (ઇઝરાયલમાં) નાણાં મેળવવાં ખૂબ સરળ છે. એક જ મિનિટમાં પૈસા મળી જાય છે… કોઈ ખેડૂતને પૈસા લેવા માટે કદીય ક્યાંય જવું પડતું નથી, ત્યાંથી જ તે ક્ષણે મળી જાય છે.’

3. ‘મોશાવ શીડ ફી’ જમીનની સામૂહિક માલિકી તથા સામૂહિક ઉત્પાદનનો સિદ્ધાંત આ ગામોમાં છે. અહીં સમૂહરસોડું નથી પણ પ્રત્યેક કુટુંબનું અલગ અલગ રસોડું છે. બાકી બધું કિબુત્ઝના જેવું જ છે.

4. ‘મોશાવોત’ આ ગામોમાં લોકો વૈયક્તિક જીવન જીવે છે.
‘દેશની એક એક વ્યક્તિ ઉત્પાદનના કાર્યમાં રોકાયેલ છે. આળસ જેવું ક્યાંય જોવા મળતું નથી. નાહક ગમે ત્યાં રખડવું, ભટકવું કે કારણ વિનાની પ્રવૃત્તિઓ ત્યાં જોવા મળતી નથી. વૈયક્તિક તથા સામૂહિક સમૃદ્ધિ ત્યાં જોવા મળે છે.’

ભારતમાં જેમ અયોધ્યાના મંદિર-મસ્જિદનો પ્રશ્ન છે તેમ ઇઝરાયલમાં પણ ‘ડોમ ઑફ ધ રૉક’નો સળગતો પ્રશ્ન છે. પ્રશ્ન આ પ્રકારનો છે.

ઈ. પૂ. 960માં શલોમોન રાજાએ એક મંદિર બંધાવ્યું હતું. મુસ્લિમ શાસકોએ તેને તોડીને ગિરિ મસ્જિદ બાંધી. પ્રાચીન મંદિરની ભવ્યતા તેમાં વપરાયેલા સોના-ચાંદી ઉપરથી આવશે. 3,750 ટન સોનું તથા 37,500 ટન રૂપું આ મંદિરમાં વપરાયેલું. હાલના ભારતીય ચલણ પ્રમાણે મંદિરની કુલ રકમ 22 ખરબ અને 62 અબજ રૂપિયા અંકાય. આ મંદિર અનેક વાર તૂટ્યું અને બંધાયું. ઈ.સ. 691માં આરબોએ આ મંદિરની જગ્યાએ ગિરિ મસ્જિદ બાંધી. પણ જૂના મંદિરના અવશેષો આજે પણ જોઈ શકાય છે. આજે આ સ્થળ ‘ઓમાર મસ્જિદ’ તરીકે પણ ઓળખાય છે. યહૂદીઓ આ ઇમારતને ફરી પાછા મંદિર બનાવવા થનગની રહ્યા છે. પણ આજુબાજુનાં આરબ રાષ્ટ્રો તથા બીજાં મુસ્લિમ રાષ્ટ્રો એકીસાથે ઇઝરાયલ ઉપર તૂટી ન પડે તે માટે રાષ્ટ્રસંઘના ચોકીદારો આ સ્થળની ચોકી કરી રહ્યાં છે. નોસ્ટરડેમની આગાહી પ્રમાણે આ ધર્મસ્થાન ભયંકર યુદ્ધનું કારણ બનશે તથા તેમાં ‘આ યુદ્ધ એવું ભયાનક હશે કે બધાં જ મુસ્લિમ રાજ્યોનો કદાચ અંત આવશે.’

આશ્ચર્યોથી ભરેલી વિશેષતાઓ

લેખકે આ દેશની કેટલીક નવાઈભરી વિશેષતાઓ બતાવી છે. તેમાંની કેટલીક આ પ્રમાણે છે:
1. આ એક એવો દેશ છે, જ્યાં માતા પોતાની ભાષા બાળક પાસેથી શીખે છે.
2. આ એક એવો દેશ છે કે જે ચમત્કારોમાં માનતો નથી પણ ચમત્કારો કરી બતાવે છે.
3. આ એવો દેશ છે કે જેનું અસ્તિત્વ હંમેશાં ખતરામાં રહેલું છે, છતાં પણ પોતે આરામથી ઊંઘે છે અને પડોશી શત્રુદેશોની ઊંઘ હરામ કરી નાખે છે.
4. આ એક એવો દેશ છે કે દરેક વ્યક્તિ સૈનિક છે અને દરેક સૈનિક માનવ છે.

ઇઝરાયલની નારીશક્તિ વિશે લેખક લખે છે કે: ‘નારીને ત્યાં સતી, પણ પતિપરાયણા નહિ પણ સાચા સ્વરૂપમાં સાથી તરીકે માનવામાં આવે છે. પુરુષની જેમ જ સ્ત્રીઓ ત્યાં કામ કરે છે, સ્ત્રી કોમળ, અબળા, નિરાધાર, એકલી, બિચારી ક્યાં જશે! જેવા મનોભાવોવાળી જોવા નહીં મળે.’
‘લશ્કરી તાલીમ અહીં સ્ત્રીઓ માટે ફરજિયાત છે… સ્ત્રીઓ લશ્કરી અમલદારો છે.’
‘ઇઝરાયલની જાસૂસી જાળમાં સ્ત્રીઓ જ મોખરે છે.’
‘ઇઝરાયલની સરહદ છોડીને અમે ઇજિપ્તમાં પ્રવેશ કરતા હતા ત્યારે બધી જ સરહદી ચોકીઓ ઇઝરાયલી સ્ત્રીઓ જ સાચવતી હતી… ઇજિપ્તમાં જવા માટે અમારા વિસાની વિધિમાં પડ્યા હતા ત્યારે કાંઈ ધમાલ જેવું થયું. બધા આમતેમ દોડધામ કરવા લાગ્યા, ને અમને આવીને કડક સૂચના સાથે એક રૂમમાં ધકેલી દીધા. અમે ગભરાયા કે કંઈક ધમાલ છે, તોફાન છે. પાંચ મિનિટ પછી એક ભાઈએ આવીને અમને કહ્યું કે, જાઓ, બધું પતી ગયું, મેં જાણવા પ્રયત્ન કર્યો કે શું થયું હતું? તપાસ કરતાં જાણવા મળ્યું કે કોઈ આરબ ઇઝરાયલની સરહદ તરફ દોટ મૂકીને જઈ રહ્યો હતો. ઘૂસવાનો પ્રયત્ન કરતો હતો. બસ, આ જ કારણસર ત્યાં ચાર-પાંચ સેકન્ડમાં જ કોણ જાણે ક્યાંથી એકસાથે સો જેટલા ઇઝરાયલી સૈનિકો આવી પહોંચ્યા હતા. ને તેમાં પચાસ જેટલી સ્ત્રીઓ હતી. તેઓએ પેલા આરબને પકડી ઉઠાવીને તેની ડોક એવી મરડી નાખી કે ત્યાં ને ત્યાં ખતમ થઈ ગયો… તેઓ કહે છે કે અમે કદી માંકણને ભેગા કરતા નથી.’

18-8-’91