સિક્ખપંથના આઠમા ગુરુ હરિકૃષ્ણજી માત્ર આઠ જ વર્ષની આયુમાં અવસાન પામ્યા અને અવસાન પહેલાં ‘બાબા બકાલા’નું નામ પ્રસ્તુત કરતા ગયા તેથી બાબા બકાલા એટલે ગુરુ તેગબહાદુરજી ગુરુગાદીના વારસદાર થયા. પણ બીજા પણ કેટલાક લોકો પોતે જ ખરા વારસદાર છે તેવો દાવો કરવા લાગ્યા. આમાંના એક હતા વિમુખ થયેલા ધીરમલ. ધીરમલની વાત પછી કરીશું પહેલાં ગુરુ તેગબહાદુરજી વિશે થોડી વાતો કરીએ.
ગુરુ હરિગોવિંદ સાહેબના ઘરે માતા નાનકીજીની કૂખથી 1-4-1621ના રોજ અમૃતસરમાં ગુરુ તેગબહાદુરજીનો જન્મ થયો હતો.
તેમનાં લગ્ન કરતારપુર નિવાસી લાલચંદની સુપુત્રી ગુજરીદેવીની સાથે થયાં હતાં. તેમને એકમાત્ર સંતાન ગુરુ ગોવિંદસિંહજી 22-12-1666 ને રવિવારના રોજ પટનામાં થયો હતો.
ગુરુ હરિકૃષ્ણજીના પછી વારસદાર તેઓ હોવા છતાં, તેઓ માતા નાનકીજીની સાથે બકાલામાં રહેતા હતા. ગુરુગાદીના સાચા વારસદાર હોવા છતાં ધીરમલ પોતાને ગુરુ માનીને કરતારપુરમાં ગાદી લગાવીને સિક્ખો પાસેથી ભેટપૂજા લઈ લેતા હતા.
બીજા પણ એક બાબા સોઢી હરજી પણ પોતાને ગાદીપતિ માનતા હતા. આમ ચાર-પાંચ મહિના સુધી અનિર્ણાયક સ્થિતિ રહી. એ સમયે બીજા પણ કેટલાક લોકો ગુરુ થઈને પૂજાવાનો પ્રયત્ન કરતા હતા. આવી અસ્પષ્ટ સ્થિતિમાં મક્ખનશાહનો સિક્ખ સૌદાગર આવ્યો અને તેને ખાતરી થઈ ગઈ કે સાચા ગુરુ તો તેગબહાદુરજી જ છે. એટલે તેમણે લોકોમાં જાહેરાત કરી કે ખરા ગુરુ તો આ તેગબહાદુરજી જ છે. ત્યારે તેમની ઉંમર 43 વર્ષની હતી.
ધીરમલ પોતાના માથાભારે માણસો મોકલીને સાચા ગુરુજી પાસે આવેલી ભેટ-પૂજા પડાવી લેતો. તેમના ચુસ્ત અનુયાયીઓ તો ગુરુજીની હત્યા કરવાની પણ યોજના બનાવતા હતા. પણ મક્ખનશાહ જેવો વીર સૌદાગર ગુરુજીના પક્ષમાં હોવાથી ધીરમલ કાંઈ કરી શકતા નહિ.
ગુરુજી બકાલાથી દર્શન કરવા માટે અમૃતસર આવ્યા, પણ પૂજારીઓએ મંદિરનો દરવાજો બંધ કરી દીધો. અમૃતસર ગુરુગાદીનો કબજો હરજી સોઢી પાસે હતો. તેને ડર હતો કે ગુરુજી અહીંનો કબજો પડાવી ન લે. તેથી તેણે દરવાજા બંધ કરી દીધા હતા. એટલે ગુરુજી અમૃતસરથી કરતારપુર અને કરતારપુરથી કીરતપુર ચાલ્યા ગયા. તેમની સાથે માતા નાનકી, ધર્મપત્ની ગુજરીજી, તથા સેવકો પણ હતા.
કીરતપુરમાં પણ પોતાના પરિવારના ભાઈઓનો વિરોધ હોવાથી આનંદપુર ચાલ્યા ગયા. અને ત્યાં જ પોતાના રહેવાનું મકાન બનાવ્યું. અને અહીં રહેવા લાગ્યા. પણ અહીં પરિવારના લોકોનો વિરોધ થવાથી માત્ર છ મહિના રહીને તીર્થયાત્રા કરવા માટે પૂર્વ દિશા તરફ પરિવાર સહિત નીકળી પડ્યા.
ફરતાં ફરતાં પ્રયાગરાજ પહોંચ્યા. અહીં છ મહિના રહ્યા. અહીંથી કાશી ગયા. ત્યાંથી મીરજાપુર ગયા. પછી ગયા પધાર્યા. આ બધાં તીર્થોમાં દાન-સ્નાન કરીને પછી પટના પધાર્યા. પટનામાં શેઠ જૈતાએ પોતાની હવેલી ગુરુજીને અર્પણ કરી દીધી. અહીં રહેવા લાગ્યા. થોડો સમય રહીને પછી ઢાકા ગયા. બીજી બાજુ આસામનો રાજા પોતાની ખંડણી ઔરંગઝેબને ભરતો ન હતો, તેથી ખંડણી વસૂલ કરવા તથા રાજાને દંડ દેવા માટે ઔરંગઝેબે પોતાના સેનાપતિ રામસિંહને સેના લઈને ચઢાઈ કરવા મોકલ્યો હતો. (રાજા રામસિંહ જયપુરના રાજા જયસિંહનો પુત્ર થાય જે ઔરંગઝેબનો મુખ્ય સેનાપતિ હતો) રાજા રામસિંહ આસામમાં ગોહાટી પાસે બ્રહ્મપુત્રા નદીના કિનારે છાવણી લગાવીને સ્થિર થયો. તેને કામરૂપ દેશની જાદુગરણીઓનો ભય લાગતો હતો તેથી એક વજીરને ઢાકા ગુરુજીની પાસે મોકલ્યો કે ગુરુજી આ જાદુગરણીઓથી રક્ષા કરે. રાજા રામસિંહની વિનંતી માન્ય રાખીને ગુરુજી ઢાકાથી ગૌહાટી પધાર્યા અને પોતાનું શિબિર લગાવ્યું.
ગુરુ ગોવિંદસિંહજીનો જન્મ
આ સમય દરમિયાન પટનામાં 22-12-1666ના રોજ ગુરુ ગોવિંદસિંહજીનો જન્મ થયો. માતા નાનકીજીએ આ ખબર છેક ઢાકા મોકલી દીધી હતી. બીજી તરફ એવું બન્યું કે આસામનો એક બીજો રાજા ગુરુજીનાં દર્શન કરવા આવ્યો. તેના ઘરે સંતાન ન હતું. ગુરુજીના આશીર્વાદથી તેના ઘરે પારણું બંધાયું. જેનું નામ રત્નરાય રાખ્યું.
ગુરુજીએ કામરૂપના રાજા સાથે ઔરંગઝેબના સેનાપતિ રાજા રામસિંહ સાથે મેળ કરાવી દીધો. જેથી બન્ને પ્રસન્ન થયા. ત્યાંથી નીકળીને ગુરુજી ઢાકા, ચિતાગોંગ, કલકત્તા, જગન્નાથપુરી વગેરે સ્થળોએ ફરતા ફરતા પાછા પટના આવી ગયા. લગભગ પાંચ વર્ષ સુધી પટના વગેરે સ્થળોએ રહીને રાજા રામસિંહ સાથે પંજાબ આવી ગયા. પંજાબ જતી વખતે રસ્તામાં કાશી, અયોધ્યા, લખનૌ, મથુરા વગેરે શહેરોમાં ફરતા ફરતા કીરતપુર થઈને આનંદપુર પહોંચી ગયા. અહીં આવ્યા પછી વાતાવરણ ઠીક લાગતાં પટનાથી પોતાના પરિવારને આનંદપુર બોલાવી લીધો. અને ગુરુ ગોવિંદસિંહજીની શિક્ષણની વ્યવસ્થા કરાવી દીધી. લગભગ અઢી વર્ષ સુધી આનંદપુરમાં રહ્યા પછી એક દિવસ કાશ્મીરથી પંડિતોનો જથ્થો ગુરુજીને મળવા આવ્યો. તેમણે ફરિયાદ કરી કે બાદશાહ ઔરંગઝેબે કાશ્મીરના સૂબા શેર અફઘાનને હુકમ કર્યો છે કે કાશ્મીરના પંડિતોને જોર-જુલમ કરીને પણ મુસલમાન બનાવી દેવામાં આવે. એટલે સૂબો પંડિતોને જોર-જુલમ કરીને મુસલમાન બનાવવાનો પ્રયત્ન કરતો હતો, આવી સ્થિતિમાં એક માત્ર ગુરુજી જ રક્ષણ કરી શકે તેમ હતા. હિન્દુ ધર્મ પાસે આવો કોઈ રક્ષક ધર્મગુરુ ન હતો. ચાર પીઠોના શંકરાચાર્યો નામ માત્રના હતા અને રાજાઓ તો મોટા ભાગે મોગલોના સાથીદાર થઈ ગયા હતા. તેથી ધર્મરક્ષા કરી શકે તેવું કોઈ શરણસ્થળ હતું નહિ.
ઔરંગઝેબ ધર્માંધ બાદશાહ હતો, તેણે માત્ર કાશ્મીર જ નહિ પૂરા દેશના હિન્દુઓને જોર-જુલમ કરીને મુસલમાન બનાવવાની યોજના બનાવી હતી. કાશ્મીરમાં તેની શરૂઆત હતી. તેણે જયપુર, પુષ્કર, મથુરા, અયોધ્યા, પ્રયાગ, કાશી વગેરે સ્થળોનાં મંદિરોનો નાશ કરી નાખ્યો હતો. બધી રીતે હિન્દુઓ ગભરાયા હતા. કાચા ભીરુ માણસો તો મુસલમાન થઈ જતા જેથી જોર-જુલમથી બચી જતા હતા. પણ કેટલાક મક્કમ લોકો ધર્મ છોડવા તૈયાર નહોતા. તેમના ઉપર જાતજાતના જુલમ થયા કરતા હતા. કાશ્મીરના પંડિતો આવા જુલ્મથી બચવા માટે ગુરુ તેગબહાદુરજીની પાસે આવ્યા હતા. પંડિતોનો આર્તનાદ સાંભળીને ગુરુજીએ કહ્યું કે “જાવ તમારા સૂબાને કહી દો કે જો અમારા ગુરુ તેગબહાદુરજી મુસલમાન થવાનું સ્વીકારશે તો અમે બધા પણ આપોઆપ મુસલમાન થઈ જઈશું.”
પંડિતોએ કાશ્મીર આવીને સૂબાને આ વાત કરી, સૂબાએ દિલ્લી બાદશાહ ઔરંગઝેબને વાત પહોંચાડી. બાદશાહે વિચાર્યું કે આ તો સારી વાત થઈ. જો ગુરુજીને મુસલમાન બનાવી દેવાય તો હજારો હિન્દુઓ આપોઆપ મુસલમાન થઈ જશે. આ હેતુ પૂરો કરવા માટે બાદશાહે સિપાહીઓને આનંદપુર મોકલ્યા અને ગુરુજીને દિલ્લી આવવાનું ફરમાન સંભળાવ્યું.
ગુરુજી દિલ્લી જવા રવાના થયા. રસ્તામાં મહત્ત્વનાં અનેક સ્થળોએ રહેતા રહેતા સૈફાવાદના સૂફી ફકીર સૈફુદીનની પાસે ગયા અને બે મહિના રહ્યા.ત્યાંથી ફરતા ફરતા આગરા પહોંચ્યા. આગરામાં પોલીસને શક પડ્યો તેથી ગુરુજી તથા સિક્ખોને પકડીને દિલ્લી લઈ ગઈ. અને ચાંદની ચૌકના થાણામાં કેદ કરી દીધા.
આ વખતે ઔરંગઝેબ રાવલપીંડી ગયો હતો, પણ તેણે પોતાના એક કાજીને ગુરુજીને સમજાવવા મોકલ્યો. કાજીએ ગુરુજીને સમજાવ્યું કે “બાદશાહ ઇચ્છે છે કે પૂરા દેશનો એક જ મજહબ ઇસ્લામ થાય. હિન્દુ ધર્મ વ્યર્થ અને નિરર્થક છે. હિન્દુઓ બધા નરકમાં જ જવાના છે. એટલે તેમના ઉપર દયા કરવા માટે બાદશાહ આવી પ્રવૃત્તિ કરી રહ્યા છે. જો હિન્દુઓ બધા મળીને ઇસ્લામ સ્વીકાર કરી લેશે તો તેમને ઘણા લાભો મળશે તથા પરલોક પણ સુધરશે. બાદશાહ ઇચ્છે છે કે તમે હિન્દુઓના ગુરુ છો એટલે જો તમે પહેલ કરો અને મુસલમાન થઈ જાવ તો કામ સરળ થઈ જાય. તમને મોટી મોટી જાગીરો મળશે. તમારું માન-સન્માન વધી જશે. માટે તમે મુસલમાન થઈ જાઓ.” આવી રીતે વારંવાર સમાજવવા છતાં પણ ગુરુજી અડગ રહ્યા. તેમણે કહ્યું કે “ધર્મ બદલાય નહિ. ધર્મ તો અમારો પ્રાણ છે. તેના માટે અમે સર્વસ્વ ન્યૌછાવર કરી દઈશું પણ ધર્મ બદલીશું નહિ.” જ્યારે કાજીએ જોયું કે ગુરુજી જલદી માને તેવા નથી એટલે તેણે ગુરુજીની સાથે આવેલા પાંચ સિક્ખોમાંથી એક ભાઈ મતીદાસને ગુરુજીની સામે જ જીવતાં ને જીવતાં લાકડાનાં થડિયાં કાપવાની મોટી કરવતીથી લાકડાની માફક વહેરી નાખ્યા. તેમના શરીરના બે ટુકડા કરી નાખ્યા.
આટલા અત્યાચારથી પણ ગુરુજી જરાય ઢીલા ન થયા. તે ઊંચે અવાજે બોલતા રહ્યા “સત શ્રી અકાલ, જો બોલે સો નિહાલ સત શ્રી અકાલ” ભાઈ મનીદાસ પણ વહેરાઈ ગયા પણ જરાય ધર્મ પરિવર્તન કરવા ઢીલા ન થયા. કાજીનો ગુસ્સો ખૂબ વધી ગયો. તેણે બહુ મોટી દેગ મગાવી. તેને મોટા ચૂલા ઉપર મૂકી. તેમાં ભાઈ દયાલને બેસાડ્યા અને પાણી ભર્યું. નીચે અગ્નિ પ્રગટાવી મોટાં મોટાં લાકડાં ભડ ભડ બળવા લાગ્યાં. પાણી ગરમ થતું ગયું. બટાકું બાફે તેમ ભાઈ દયાલને પાણીમાં બાફી નાખ્યા. પણ ગુરુજી ટસથી મસ ન થયા. કાજીએ પગ પછાડ્યા. ગુરુજીએ ભાઈ ઉદ્યો તથા જૈતાને ચૂપચાપ આનંદપુર મોકલી દીધા. હવે તેમની પાસે એક સિક્ખ ભાઈ ગુરુ દિત્તા જ રહી ગયા હતા.
જ્યારે કાજીને ખબર પડી કે બે સિક્ખ ભાગી ગયા છે તો તેણે ગુરુજીને લોઢાના પીંજરામાં બંધ કરી દીધા. જેથી તે ભાગી ન શકે અને ભાઈ ગુરદિત્તા ઉપર કઠોર પહેરો મૂકી દીધો. ઘણા સમય સુધી લોઢાના પીંજરામાં અત્યંત કષ્ટમય રીતે ગુરુજીને રાખ્યા. ફરી પાછા ગુરુજીને સમજાવવા એક મૌલાના અને બીજા એક ભાઈને મોકલ્યા. તેમની સાથે ઔરંગઝેબે ત્રણ શરતો લખી હતી.
1. મુસલમાન થવાનું સ્વીકારી લો.
2. જો મુસલમાન ન થવું હોય તો કોઈ ચમત્કાર બતાઓ.
3. મરવા માટે તૈયાર થઈ જાવ.
ગુરુજીએ ત્રીજી વાત સ્વીકારી લીધી. તેમણે કહ્યું કે હું મુસલમાન તો નહિ જ થાઉં. ભલે મારી જાન જાય તો જાય. ગુરુજીના જવાબથી બાદશાહ વધુ કોપાયમાન થયો. તેણે ગુરુજીને પીંજરામાંથી બહાર કાઢીને ચાંદની ચૌક લઈ જવામાં આવ્યા. ગુરુજીએ પીંજરામાં ઘણા દિવસથી સ્નાન કર્યું ન હતું તેથી સ્નાન કર્યું. અને પછી જપજી સાહેબનો પાઠ કર્યો. વડના વૃક્ષ નીચે જ્યારે આપ માથું ઝુકાવીને પાઠ કરતા હતા ત્યારે જ જલ્લાદે તેમની ગરદન ઉપર તલવારનો ઝટકો માર્યો, ધડ અને માથું જુદું થઈ ગયું. 11-11-1675નો એ કાળો દિવસ હતો. લગભગ સવા વર્ષ સુધી આપશ્રી ઔરંગઝેબની કેદમાં રહ્યા હતા.
Leave A Comment