[લખ્યા તારીખ: 29-3-’92]
એક શબ્દ ભારતીય પ્રજાને બુહ મોટો નશો ચડાવી રહ્યો છે તથા તેના કારણે પ્રજાનો મોટો વર્ગ વાસ્તવવાદી થવાની જગ્યાએ કલ્પનાપ્રેમી બની રહ્યો છે. આ શબ્દ છે ‘ભારતીય સંસ્કૃતિ’.
ભારતીય સંસ્કૃતિ એટલે શું? મોટા મોટા વિદ્વાનોને આ પ્રશ્ન પૂછશો તોપણ સંતોષકારક ઉત્તર મળશે નહિ. કારણ કે તેનો નિશ્ચિત અર્થ કરવો કઠિન છે. નિશ્ચિત વેશભૂષા, નિશ્ચિત ભાષા, નિશ્ચિત વિધિવિધાનો, નિશ્ચિત આચારો કે નિશ્ચિત જીવનમૂલ્યો આ બધાનું સંયુક્ત રૂપ સંસ્કૃતિ (ભારતીય સંસ્કૃતિ) હોય તો આપણે સ્વીકારવું જોઈએ કે વગર પ્રચારે વિશ્વભરમાં પશ્ચિમી સંસ્કૃતિ પ્રસરી રહી છે. પ્રયત્ન કરીને પણ ધોતિયું, ડગલો, પાઘડી વગેરે પોશાકને આપણે આપણી નવી પેઢીમાં ઉતારી શકતા નથી. તો વિશ્વની પ્રજા ધોતિયું પહેરતી થાય તેવી તો કોઈ શક્યતા જ નથી. ભાષાની દૃષ્ટિએ અંગ્રેજીની બોલબાલા ભારતમાં જ વધુ થઈ રહી છે. કોઈ અંગ્રેજ પ્રચારકો દ્વારા નહિ, સ્વયં આપણા દ્વારા જ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલોમાં ભણવું એ ગૌરવની વાત થઈ છે. આપણાં જ કુમળાં બાળકો ઇંગ્લિશ સ્કૂલોમાં ભણીને ‘મને ગુજરાતી નથી આવડતું’ એવું કહેવામાં મોટાઈ અનુભવે છે. તેમનાં માતાપિતા પણ આવું જ ગૌરવ અનુભવે છે. જો આપણા દેશમાં જ આપણી માતૃભાષાની આવી દશા હોય તો પરદેશમાં તેનો વ્યાપ તથા પ્રભાવ વધે કે વધશે તેવી આશા રાખવી એ કલ્પના છે.
નિશ્ચિત પ્રકારનાં વિધિવિધાનો (કર્મકાંડો) પણ વિદાય લઈ રહ્યાં છે. લગ્નાદિ વિધિઓમાં હવે વિધિઓનું મહત્ત્વ રહ્યું નથી. વિડિયોવાળાનું જ મહત્ત્વ વધી રહ્યું છે. લોકોને કર્મકાંડોમાં રસ પણ નથી અને તે માટે સમય પણ નથી. વિધિ કરવી જ હોય તો ઝટપટ ટૂંકમાં પતાવી દેવાની. આચારો પણ બદલાયા છે. મોટા ભાગે ખાવાપીવા, ઊઠવાબેસવાના આચારો બદલાઈ ગયા છે. આજે પાટલા ઉપર બેસીને જમનારાઓની સંખ્યા કેટલી? મોટા ભાગે સામાન્ય સુખી ઘરમાં પણ ટેબલ-ખુરશી ઉપર બેસીને જમવાનું ચાલુ થઈ ગયું છે. રસોડાં પણ ઊભાં બન્યાં છે. ખાવાપીવાની વાનગીઓ પણ પશ્ચિમ તરફ દોટ મૂકતી જ જોઈ શકાય છે.
મૂલ્યપરિવર્તન
જીવનમાં નિશ્ચિત મૂલ્યોની બાબતમાં પણ આવું જ પરિવર્તન જોઈ શકાય છે. છૂટાછેડાનું પ્રમાણ વધતું જ રહ્યું છે. હવે માતાપિતા ગમે ત્યાં ગમે તેમ છોકરાંઓનાં લગ્ન ગોઠવી શકતાં નથી, છોકરાંઓનો અવાજ તથા પસંદગીને પણ સ્થાન મળવા લાગ્યું છે. મૈત્રીકરાર, ત્યક્તાનાં લગ્ન, વિધવાનાં લગ્ન કરીને – કરાવીને પણ જીવનનાં મૂલ્યોને ઘસારો પહોંચતો નથી. ‘એક ભવમાં બે ભવ ન કરાય’ તેવું જ જીવનમૂલ્ય સ્ત્રીઓ માટે (પુરુષો માટે નહિ) હતું તે હવે રહ્યું નથી. લગ્ન પહેલાં પણ એકબીજાને મળવું, સાથે ફરવું વગેરે નવાં મૂલ્યો સ્થાપિત થતાં જાય છે. સ્ત્રી નોકરી કરે, સાઇકલ-મોટરસાઇકલ કે કાર ચલાવે, ઉઘાડું માથું રાખે, વાળ કપાવે, અને પુરુષોની સાથે છૂટથી હળેમળે, વાતો કરે, વહીવટ કરે વગેરે પરિવર્તનો હવે નવાઈ કે આંચકો આપનારાં રહ્યાં નથી.
પ્રજા સતત ગતિશીલ છે. એટલે તેની જીવનપદ્ધતિ પણ બદલાતી રહી છે. આપણને ગમે કે ન ગમે પણ આ પરિવર્તનને રોકી શકાતું નથી. મૂળ પ્રશ્ન એ છે કે, આ બધું પરિવર્તન ભારતીય સંસ્કૃતિના તાણાવાણામાં થાય છે કે પશ્ચિમના પ્રવાહમાં થાય છે? આપણે સૌએ સ્વીકારવું પડશે કે આપણા સૌના ઉપર પશ્ચિમી જીવનપદ્ધતિ આપોઆપ પ્રસરી રહી છે. આપણાં સંડાસ-બાથરૂમ, બગીચા, બંગલા, પુષ્પો, શોભાના છોડવાઓ, વસ્ત્રો વગેરે બધે જ તમને પશ્ચિમનો પ્રભાવ દેખાશે. એવું શું કારણ છે કે વગર પ્રચારકે આ પ્રભાવ વિશ્વભરમાં પ્રસરી રહ્યો છે? અને લાખ્ખો માણસો ‘ભારતીય સંસ્કૃતિ’ની બૂમો પાડીને મંડપો ગજવે છે તોપણ તેમના પોતાના ઘરમાં પણ ભારતીય સંસ્કૃતિ દુર્લભ થવા લાગી છે!
મને લાગે છે કે ‘ભારતીય સંસ્કૃતિ’ની બૂમો પાડનાર ગંભીર નથી. જો તેઓ ગંભીર હોત તો પહેલાં પોતાના ઘરમાં જ ભારતીય અને પશ્ચિમી સંસ્કૃતિની ટકાવારી જોઈ શકત. જેમના ઘરના માણસો તથા પોતે પણ બાહ્યજીવનમાં મિલનાં વસ્ત્રોનો ધૂમ ઉપયોગ કરે છે, પણ નિશ્ચિત પ્રસંગે ખાદી પહેરે છે તેઓ ખાદીનો મહિમા બતાવતાં પ્રવચનો કરે છે. તેમની જ માફક આ સંસ્કૃતિપ્રેમીઓ ઘરમાં સર્વત્ર પશ્ચિમીકરણની સગવડો ભોગવે છે. કોઈ તો વળી મંચ ઉપર ભારતીય સંસ્કૃતિની મહત્તા સમજાવે છે પણ સ્વપ્નેય તે બાબતમાં ગંભીર નથી હોતા. આચાર અને વિચારની આ વિષમતા આચારની દુર્બળતાથી નહિ, પણ વિચારની અગંભીરતાના કારણે સર્જાય છે.
બળવાન સંસ્કૃતિનો પ્રભાવ
આપણે સૌએ એ ધ્યાનમાં રાખવાનું છે કે એકીસાથે અનેક સંસ્કૃતિઓના પ્રવાહ સમાંતર વહેતા હોય છે. જે જે સંસ્કૃતિઓ એકબીજાની સમીપથી વહેવા લાગે છે તેમાં જે બળવાન સંસ્કૃતિ હોય છે તે પાસે વહેતી સંસ્કૃતિને પ્રભાવિત કરે છે. વધુ બળવાન સંસ્કૃતિ સૌના ઉપર છવાઈ જાય છે. સંસ્કૃતિ જીવનપદ્ધતિ તથા જીવનનાં મૂલ્યો નિર્ધારિત કરતી હોય છે. જે જીવનપદ્ધતિ વધુમાં વધુ વૈજ્ઞાનિક અભિગમવાળી તથા માનવતાવાદી હોય છે તે બળવાન બને છે. જો જીવનપદ્ધતિ જ અવૈજ્ઞાનિક હોય અને અમાનવતાવાદ જ આદર્શ હોય તો તેવી સંસ્કૃતિ આપોઆપ ક્ષીણ અને દુર્બળ થવા લાગે છે. પશ્ચિમી સંસ્કૃતિ જો વગર પ્રચારકે પણ વિશ્વભરમાં પ્રસરી રહી છે તો તેનું કારણ તેનું વૈજ્ઞાનિક વલણ તથા માનવતાવાદી અભિગમ છે.
વૈજ્ઞાનિક વલણ એ અર્થમાં કે તેનો પોશાક કોટપાટલૂન વગેરે ઓછાં કપડે પૂરું શરીર ઢાંકે છે, ચાલવા વગેરેમાં અનુકૂળ રહે છે. તેનાં ગજવાં પણ ઉપયોગી થાય છે, જ્યારે ધોતિયું પાંચ મીટરનું હોવા છતાં એક પગ ઉઘાડો રાખે છે. લઘરવઘર હોવાથી ચાલવા, દોડવા, લડવામાં કે કામ કરવામાં અંતરાય બને છે. ઢીલું થતાં કે છૂટી જતાં પણ વાર નથી લાગતી. ભારતીયતાનો કોઈ ગમે તેટલો હિમાયતી હોય તોપણ સૈનિકોને ધોતિયું પહેરાવવાનો આગ્રહ તો નહિ જ કરી શકે. હવાઈ સૈનિકો, છત્રી સૈનિકો વગેરે જો ધોતિયું પહેરે તો શું પરિણામ આવે? આપણા કેટલાક રાજનેતાઓ તથા ધર્મનેતાઓ પણ દેશમાં ભલે ધોતિયું પહેરે પણ પરદેશ પ્રવાસમાં તેઓને પણ કોટ-પાટલૂન પહેરવાનું યોગ્ય જણાય છે. (સ્વામી વિવેકાનંદજી પણ અમેરિકામાં પાટલૂન પહેરતા.) આવી જ રીતે દશ મીટર લાંબા કપડાની પાઘડી કે સાફો વિદાય થઈ રહ્યાં છે. નવી પેઢીને જોર કરીને પણ તે સ્વીકારાવી નહિ શકાય. અરે, લગ્ન તો ઠીક, જનોઈના પ્રસંગે પણ બટુકોને કોટ-પાટલૂન પહેરાવાય છે. સફેદ ટોપીમાં વૈજ્ઞાનિકતા કરતાં સસ્તાપણાનો અભિગમ વધુ રહ્યો છે.
ભારત જેવા ગરમ દેશમાં (જ્યાં દશ મહિના સૂર્યનાં તીવ્ર કિરણો વરસ્યા કરે છે) માત્ર શ્રીમંતોને જ નહિ પણ ગરીબ મજૂરોને પણ ફરતી છાજલીવાળી ટોપી આપવી જોઈએ. મેં જાપાન, કોરિયા વગેરે દેશોમાં ખેતમજૂરોને પણ આઠ-આઠ ઇંચની છાજલીવાળી વાંસની હૅટ પહેરીને ખેતરોમાં કામ કરતા જોયા છે. આ ટોપીથી સૂર્યનો તડકો, વરસાદ વગેરે તેમના ચહેરા ઉપર નથી પડતા. ભારતના મજૂરનો ચહેરો ખુલ્લો રહેતો હોવાથી એક તો બહુ જલદી શ્યામ પડી જાય છે. સતત તડકો લાગવાથી ચામડીમાં કરચલીઓ પડી જાય છે તથા આંખોના લેન્સ ખેંચાયેલા રહેવાથી બહુ જલદી અંધાપો આવે છે. અમદાવાદ જેવા શહેરમાં ગરમીના દિવસોમાં ફૂટપાથ ઉપર છાજલીવાળી તરેહતરેહની ટોપીઓ વેચતા લોકો જોઈ શકાય છે. મેં મારા બધા કડિયાઓને મોટી છાજલીવાળી હેટ લાવી આપી હતી. તેથી તેમને તડકામાં કડિયાકામ કરતાં ઘણી રાહત થઈ હતી. આ વૈજ્ઞાનિક અભિગમ છે, જેને પ્રજા સ્વીકારી રહી છે.
માનવતાવાદી પક્ષ
સંસ્કૃતિનો બીજો પક્ષ માનવતાવાદી છે. સ્ત્રીને ઘૂમટો તણાવવો, ઓઝલ કે બુરખો રાખવો, વૈધવ્ય પળાવવું, વૈધવ્ય પળાવવા માટે માથું મૂંડાવવું તથા નિશ્ચિત પ્રકારની વેશભૂષા પહેરાવવી, ત્યક્તાને પણ એવી જ રીતે પરાશ્રિત જીવન જીવવું, શૂદ્રો અને અસ્પૃશ્યો પ્રત્યે તિરસ્કારભર્યો વ્યવહાર, સતીપ્રથા, દેવદાસીપ્રથા, દૂધપીતીપ્રથા, કજોડાં ગોઠવવાં તથા કોઈ પણ ભોગે તેને નિભાવવા માટે દબાણ કરવું – આ બધા જો સંસ્કૃતિના અંશ હોય તો તે અમાનવીય છે. જેની સાથે આ વ્યવહાર થાય છે તેની દૃષ્ટિએ જો સંસ્કૃતિને મૂલવવામાં આવે તો ‘ત્રાસ’ શબ્દ જ આપણા કાને પડશે. જેમને ઘૂંઘટપ્રથાને સનાતન બનાવવી છે તે જ સંસ્કૃતિના નારાની બૂમો પાડશે; જેને પુરુષની માફક સ્ત્રીને પણ પ્રભાવી થવા દેવી છે તેઓ પરિવર્તનને ઝંખશે અને સ્વીકારશે.
વિશાળતાથી જ સાતત્ય ને અસ્તિત્વ
પશ્ચિમને ગાળો દેવા કરતાં પશ્ચિમનો પ્રભાવ વિશ્વભરમાં વગર પ્રચારકે કેમ પ્રસરી રહ્યો છે તેનું અધ્યયન કરવું જોઈએ. મોટા ભાગે ધાર્મિક પુરુષો પાસે આવી દૃષ્ટિ કે અધ્યયન નથી હોતું એટલે વિષયની ગંભીરતાને સ્પર્શ્યા વિના જ ઝૂનનપૂર્વક એકપક્ષી બૂમબરાડા પાડીને ધાર્મિક મંચો ગજવી મૂકતા હોય છે જેનાથી પ્રતિક્રિયાવાદી નિરાશા જન્મતી હોય છે. આવી નિરાશા જ જાણે કે ધર્મપ્રચાર થઈ ગઈ છે.
સંસ્કૃતિ એક વહેતી નદી છે. તેમાં સતત આજુબાજુની નદીઓ ભળ્યા કરે છે. પણ જો તે (સંસ્કૃતિ) વિશાળ નહિ હોય તો તેણે પોતે જ બીજામાં ભળી જવું પડતું હોય છે. વિશાળતા વિના સાતત્ય કે અસ્તિત્વ શક્ય નથી.
29-3-’92
Leave A Comment