તે વખતના રાષ્ટ્રિય નેતાઓનો પિરામિડ બનાવીએ તો એક પિરામિડના શિખર ઉપર ગાંધીજી સ્થાપિત થાય તો બીજા પિરામિડના શિખર ઉપર સુભાષચંદ્ર બોઝ જ સ્થાપિત થાય. બન્ને મહાન હતા. તેમાં શંકા નહિ, એકને સફળતા મળી, બીજાને સફળતા ન મળી. માત્ર સફળતા-નિષ્ફળતાથી જ કર્મનું મૂલ્યાંકન ન થઈ શકે. કેટલીક વાર સફળતા બાયચાન્સ મળી જતી હોય છે, તો કેટલીક વાર છેક કિનારે પહોંચેલું જહાજ ડૂબી જતું હોય છે. સુભાષબાબુનું હુલામણું નામ “નેતાજી” હતું. તેથી આપણે પણ હવે તેમને નેતાજીના નામથી જ જાણીશું. આ બે પિરામિડ સિવાય બીજા પણ બે પિરામિડો હતા જે ભારતના રાજકારણને પ્રભાવિત કરી રહ્યા હતા. એકના શિખર ઉપર મોહમ્મદઅલી ઝીણા હતા તો બીજાના શિખર ઉપર વીર સાવરકર હતા. ઝીણા માત્ર મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરતા હતા તો સાવરકરજી હિન્દુ મહાસભાના દ્વારા હિન્દુઓનું નેતૃત્વ કરી રહ્યા હતા. કોંગ્રેસના દ્વારા ગાંધીજી પૂરી પ્રજાનું નેતૃત્વ કરી રહ્યા હતા તો નેતાજી પણ “ફોરવર્ડ બ્લોક” અને “આઝાદ હિન્દ ફોજ”ના દ્વારા કશા જ તુષ્ટિકરણ વિના પૂરી પ્રજાનું નેતૃત્વ કરી રહ્યા હતા. આ ચારમાંથી બે ગુજરાતી હતા અને બન્નેને સફળતા મળી હતી. એકને ભારત મળ્યું હતું તો બીજાને પાકિસ્તાન મળ્યું હતું. ઇતિહાસ વિજયનો જ લખાતો હોય છે અને ન્યાય પણ વિજયના પક્ષ તરફ ઝૂકેલો રહેતો હોય છે. આપણે થોડી ચર્ચા નેતાજીની કરવા જઈ રહ્યા છીએ.
1928માં જ્યારે કલકત્તામાં કોંગ્રેસનું વાર્ષિક અધિવેશન ભરાઈ રહ્યું હતું ત્યારે તેમણે એક સેનાનું સંગઠન કરી દીધું હતું. બ્રિટિશ સરકારે તેમને પકડ્યા અને બર્માની જેલમાં અઢી વર્ષ માટે મોકલી દીધા. ક્યાં આઈ.સી.એસ થઈને મોટા અધિકારી થવાના હતા અને ક્યાં બર્મામાં માંડલે જેલમાં પહોંચી ગયા! જેલમાં રહીને તેમણે વિધાનસભાની ચૂંટણી લડી અને જીતી. પણ તે વિધાનસભામાં જઈ ન શક્યા. જેલમાં જ રહેવું પડ્યું. માંડલેમાં સુભાષ ગંભીર બીમાર થઈ ગયા. દબાણવશ તેમને ઓસ્ટ્રિયામાં વિયેના મોકલી દેવાયા. અહીં તેમની સારવાર થવા માંડી. ત્યાંથી તેઓ જર્મની પણ ગયા. 1938માં તેઓ ભારત પાછા આવ્યા અને હરિપુરા કોંગ્રેસના અધિવેશનમાં પ્રમુખ થયા. આ સર્વોચ્ચ પદ કોંગ્રેસનું હતું.
1939માં કોંગ્રેસનું બીજું વાર્ષિક અધિવેશન ભરાયું. આ વખતે ગાંધીજીએ પોતાનો ઉમેદવાર ઊભો રાખ્યો હતો. ડો. પટ્ટાભિ સીતારામૈયા, સુભાષબાબુએ તેમને હરાવી દીધા. ગાંધીજી બોલ્યા “પટ્ટાભિ રામૈયાની હાર એ મારી હાર છે.” અહીંથી નેતાજી અને ગાંધીજીનો માર્ગ જુદો થવા લાગ્યો. કોંગ્રેસમાં બે માર્ગ થઈ ગયા—ગાંધીમાર્ગ અને નેતાજીમાર્ગ. આંતરિક સંઘર્ષના કારણે તેઓ કોંગ્રેસથી જુદા થઈ ગયા. તેમણે “ફોરવર્ડ બ્લોક”ની સ્થાપના કરી. ભારે ચળવળ શરૂ કરી દીધી. સરકારે તેમને જેલમાં પૂરી દીધા. ત્યારે બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું હતું. જેલમાં નેતાજીએ ભૂખહડતાલની ધમકી આપી જેથી સરકારે તેમને ઘરમાં નજરબંધ કરી દીધા. ચારે તરફ કડક પહેરો લગાવી દીધો. નેતાજીએ દાઢી વધારવા માંડી. એક રાત્રે મૌલવીનું રૂપ ધારણ કરીને તેઓ ઘરમાંથી છટકી ગયા. દિલ્લી કાલકા મેલમાં બેસીને તેઓ પેશાવર પહોંચી ગયા. અને ત્યાંથી પારાવાર કષ્ટો ભોગવતા ભોગવતા કાબુલ પહોંચી ગયા. બ્રિટિશ સરકાર તેમના પાછળ પડી હતી પણ પકડી ન શકી. હવે નેતાજી કાબુલથી જર્મની પહોંચી ગયા. બર્લિનમાં તેમણે હિટલર સાથે મુલાકાત કરી. તેમને હિટલરથી મોટી આશા હતી. જો હિટલર બીજું વિશ્વયુદ્ધ જીતી જાય તો ભારત સહજ રીતે આઝાદ થઈ જાય તેવી તેમની ગણતરી હતી.
હિટલરે તેમનું સ્વાગત “ભારતીય નેતા” તરીકે કર્યું તેથી તે નેતાજી બન્યા. તેમણે “આઝાદ હિન્દ સંઘ”ની સ્થાપના કરી. અને સેનાનું પણ નિર્માણ કર્યું. તેમણે આઝાદ હિન્દ રેડિયો સ્ટેશન પણ જર્મનીમાં ઊભું કરી દીધું. હવે તેમને લાગ્યું કે તેમની ખરી આવશ્યકતા તો ભારતમાં કે બર્મામાં છે પણ જવું કેવી રીતે? બ્રિટિશરો તો પાછળ પડેલા જ છે. અંતે એક સબમરિનમાં બેસીને પાણીમાં ડૂબીને સતત ત્રણ મહિના સમુદ્રમાં રહીને તેઓ જાપાન પહોંચ્યા. ત્યારે સબમરિનો નવી નવી બની હતી. તેની ગતિ મંદ હતી. જાપાનથી નેતાજી, રાસબિહારી બોઝની સાથે સિંગાપોર પહોંચ્યા. અહીં આવીને આઝાદ હિન્દ ફોજની લગામ પોતાના હાથમાં લઈ લીધી. તેમણે સિંગાપુરમાં આઝાદ હિન્દની સરકાર પણ બનાવી લીધી. ત્યારે સિંગાપુર જાપાનીઓના હાથમાં હતું. સેનાની પૂરી તૈયારી કરીને તા. 24-10-1943ની રાત્રે બ્રિટન અને અમેરિકાની સામે યુદ્ધ જાહેર કરી દીધું ત્યારે તેમની પાસે એક લાખ સૈનિકો હતા જે મોટા ભાગે બ્રિટિશ સેનામાંથી જાપાનીઓએ યુદ્ધબંદી બનાવેલા હતા.
આ સેનાને લઈને નેતાજી પૂર્વ સીમા ઉપર પહોંચી ગયા. તેમણે નાગાલૅન્ડ લઈ લીધું અને મણિપુર ઉપર પણ રાષ્ટ્રધ્વજ લહેરાવી દીધો. આ બીજી વાર રાષ્ટ્રધ્વજ લહેરાવાતો હતો. પહેલો ધ્વજ મૅડમ કામાએ લહેરાવ્યો હતો. નાગાલૅન્ડ અને મણિપુરને સર કરીને તેમની સેના ઇમ્ફાલ તરફ આગળ વધી પણ પ્રચંડ મેઘતાંડવ થવાથી, ચારે તરફ પહાડી નદીઓ ઊભરાવા લાગી. મોટા ભાગના સૈનિકો તણાઈ ગયા. પુરવઠો બંધ થઈ ગયો. પાંદડાં ખાવાં પડ્યાં. દશ હજાર સૈનિકો માર્યા ગયા. બાજી પલટાઈ ગઈ. તેમને આશા હતી કે થોડા જ દિવસોમાં તેઓ કલકત્તા પહોંચી જશે, પણ સ્વપ્નું રોળાઈ ગયું. યુદ્ધનેતા, યુદ્ધ કરતાં પહેલાં મોસમની ગણતરી પણ કરી લેતા હોય છે. પ્રતિકૂળ મોસમ યુદ્ધને પરાજયમાં બદલી શકે છે. આવું જ થયું. અધૂરામાં પૂરું નાગાસાકી અને હિરોસીમા ઉપર અમેરિકાએ અણુબોમ્બ ફેંક્યો. જાપાન હારી ગયું. હવે શું થાય? જીતેલા પ્રદેશો પાછા બ્રિટનના હાથમાં જઈ રહ્યા હતા. 18-8-1945ના રોજ નેતાજી યુદ્ધક વિમાનમાં બેસીને કોઈ અજ્ઞાત સ્થળે રવાના થઈ ગયા. રસ્તામાં વિમાન તૂટી પડ્યું અને નેતાજી કાયમ માટે વિદાય થઈ ગયા. કેટલાક લોકો આજે પણ તેઓ જીવિત છે તેવું માને છે.
ભલે નેતાજીને સફળતા ન મળી, પણ તેમણે બ્રિટિશ સલ્તનતને એટલી બધી હચમચાવી દીધી હતી કે પ્રધાનમંત્રી એટલું સમજી ગયા કે હવે ભારત ઉપર રાજ કરી શકાશે નહિ. આઝાદીનો માર્ગ મોકળો થયો. નેતાજીને પૂરેપૂરો વિશ્વાસ હતો કે આઝાદ હિન્દની સેના જ્યારે બ્રિટિશ સેનાની સામે જઈને લડવા માટે ઊભી રહેશે ત્યારે ભારતીય જવાનો અમારા પક્ષે આવી જશે. કારણ કે અંતે અમે તો તેમના માટે જ લડતા હતા. વાત અધૂરી રહી ગઈ. પણ અંગ્રેજો વાસ્તવિકતાને સમજી ગયા અને આઝાદી માટેની વ્યવસ્થા કરવા દિલ્લીમાં માઉન્ટ બેટનને ગવર્નર જનરલ બનાવીને મોકલી દીધા.
Leave A Comment