હવે તો જાગીએ
એક વાર અમેરિકામાં એક ભાઈ મળ્યા, તેમણે જે વાત કહી તે મારા કાળજામાં પથ્થરની ચોટ કરી ગઈ. તેમના કહેવાનો સાર આવો હતો:
‘તમે એશિયનો (હિન્દુઓ અને મુસ્લિમો) વધુ ને વધુ ચુસ્ત ધાર્મિક બનો. તમારો વધુમાં વધુ સમય મંદિરો, મસ્જિદો, સપ્તાહો, કીર્તનો, સંઘો અને ઉત્સવો અને સમૈયાઓ ઊજવવામાં પસાર થાય તેમાં જ અમારું હિત છે. ધર્મ, સંસ્કૃતિ અને અધ્યાત્મની વિશાળ સભાઓ તમે ભરો તથા યુવાવર્ગને એ રસ્તે વાળો, તમે વધુ ને વધુ ધર્મચુસ્ત એટલે કે ધર્મઝનૂની બનો તે અમને ગમે છે. તેમાં જ અમારું કલ્યાણ છે.’
પેલા ભાઈની વાતો હું સમજી શકતો નહોતો. તે શું કહેવા માગે છે? શા માટે તે આપણી ધાર્મિકતાને બિરદાવતા હશે? તથા હજી પણ વધુ ધાર્મિકતા વ્યાપે તેવું કહેતા હશે? મેં આગ્રહપૂર્વક સાચું કારણ જાણવા પ્રયત્ન કર્યો, ત્યારે મને ઉત્તર મળ્યો:
‘તમે હિન્દુઓ, મુસ્લિમો વગેરે વધુ ને વધુ મંદિર-મસ્જિદમાં નગારાં વગાડવા કે બાંગ પોકારવા લાગશો, એટલે વધુ ને વધુ ટોળાં ત્યાં ભેગાં થશે. આ ટોળાં સતત ઉશ્કેરાયેલાં રહે તે માટે તમે પરસ્પરમાં વિરોધી ઝનૂની વાતાવરણ બનાવશો. તમારા સિવાય વિશ્વની બીજી કોઈ પ્રજા ‘ધર્મ ખતરામાં છે’ તેવું બુમરાણ મચાવતી નથી. તમારા પ્રસરાવેલા ઝનૂનમાં તમારો યુવાવર્ગ ઝનૂની થઈને સતત નાનીમોટી ઘટનાઓ સર્જશે. વર્તુળની માફક આવી ઘટનાઓ સતત બીજી ઘટનાઓને પ્રેરણાદાયી બનશે, જેથી તમારું પૂરું મસ્તિષ્ક ઊકળતી ધાર્મિકતામાં ઊકળવા લાગશે. આમ થવાથી તમારું મસ્તિષ્ક પ્રયોગશાળા તરફ જઈ શકશે નહિ. બસ, અમારું હિત એમાં છે કે તમારું મગજ પ્રયોગશાળામાં ન જાય, સતત ધાર્મિકતાના ઊકળતા ચરુમાં ઊકળતું રહે.’ પેલા ભાઈ વિસ્તારથી મને પોતાની વાત સમજાવી રહ્યા હતા.
મેં પૂછ્યું: ‘પણ શા માટે? અમે પ્રયોગશાળામાં જઈએ તો તમને વાંધો શો છે?’ તેમણે ઠંડા કલેજે વાત આગળ ચલાવી: ‘તમારા યુવાનો જો
મંદિર-મસ્જિદના હોબાળા પડતા મૂકીને પ્રયોગશાળામાં જાય, તો તેમાંથી સેંકડો આઇન્સ્ટાઈનો થઈ શકે તેમ છે. આવા હજારો વૈજ્ઞાનિક તમારા દેશને અમારાથી પણ આગળ લઈ જવાની ક્ષમતા ધરાવે છે. જો તમારો દેશ ધર્મપ્રધાનની જગ્યાએ વિજ્ઞાનપ્રધાન બને તો અમારી ઉત્પન્ન કરેલી વસ્તુઓનું ભવિષ્ય આથમી જાય. અમારી સમૃદ્ધિ અને સર્વોપરિતા તમારી ‘ઓવર-ધાર્મિકતા’ના પ્રતાપે છે. અમારું અનાજ અને તમારું પેટ, અમારી દવાઓ અને તમારા રોગો, અમારાં મશીનો અને તમારાં કારખાનાં, અમારાં પુસ્તકો અને તમારું જ્ઞાન, અમારી વિદ્યાપીઠો અને તમારા વિદ્યાર્થીઓ, અમારા પૈસા અને તમારી લોનો, અમારી ટેક્નોલૉજી અને તમારાં મગજો, અમારાં શસ્ત્રો અને તમારી સીમાઓ, અમારાં જહાજો અને તમારા સમુદ્રો, અમારાં વિમાનો, ઉપગ્રહો, રૉકેટો અને તમારું અંતરિક્ષ, અમારાં કમ્પ્યૂટરો અને તમારી પ્રગતિ, અમારા મોંઘાદાટ સ્પૅર-પાર્ટ્સ અને તમારાં મશીનો – ચારે તરફ દૃષ્ટિ દોડાવો, તમારા દેશમાં એકેએક જગ્યાએ લગામ પકડીને અમે બેઠા છીએ, કારણ, અમારી પાસે ઊંચામાં ઊંચું વિજ્ઞાન છે તે નહિ, પણ તમારી પાસે ઊંચામાં ઊંચી ઓવર-ધાર્મિકતા છે, તે છે.
‘આ ‘ઓવર’-ધાર્મિકતા, તમને અમારા જેવા થવા દેતી નથી. અધૂરામાં પૂરું તમારા યુવાનોનો ક્રીમવર્ગ જે પ્રયોગશાળા તરફ વળવો જોઈતો હતો, તે આ ‘ઓવર’-ધાર્મિકતામાં તણાઈ ગયો છે. તમારા નવા સાધુવર્ગમાં કેટલાય મહાન વૈજ્ઞાનિક થવાની ક્ષમતાવાળા છે. પણ વૈરાગ્યની ધૂનમાં તે સાધુ થઈ ગયા છે, એટલું જ નહિ પણ ‘ઓવર’-ધાર્મિકતાના નશામાં તે વિજ્ઞાન-વિરોધી પણ થઈ ગયા છે. અધ્યાત્મના નામે તેઓ યુક્તિ-પ્રયુક્તિથી વિજ્ઞાનનો વિરોધ કરી રહ્યા છે અને પ્રજાને પશ્ચિમના ભૌતિકવાદ પ્રત્યે ઘૃણા કરાવી રહ્યા છે. અમારા માટે આ અત્યંત આનંદના સમાચાર છે. અમારા માટે તો આ રીતે એક કાંકરે ત્રણ પક્ષીઓ મરે છે.
એક કાંકરે ત્રણ પક્ષી
“(1) વિદ્યાપીઠમાંથી નીકળનારી એક તેજસ્વી પ્રતિભા આઇન્સ્ટાઈન થવાની જગ્યાએ મોરના પીછા જેવી રૂપાળી આધ્યાત્મિક નિષ્ક્રિયતા સ્વીકારી લે છે.
“(2) તે માત્ર નિષ્ક્રિય જ નથી થતો, બહુ મોટો ધર્મપ્રચારક થાય છે, તેનો ધર્મપ્રચાર ભૌતિકતા અને વિજ્ઞાનના વિરોધને પ્રાથમિકતા આપે છે. આ રીતે નવા આઇન્સ્ટાઈનોને ઉત્પન્ન થતા અટકાવે છે. પ્રજાને પણ વૈજ્ઞાનિકતાનું વિનાશક રૂપ સમજાવી અવૈજ્ઞાનિક થવા પ્રેરણા આપે છે. મોટો પગાર આપીને પણ જે કામ અમે ન કરાવી શકીએ તે કામ તમારી ‘ઓવર’-ધાર્મિકતાથી આપોઆપ અમારા પક્ષમાં થાય છે.
“(3) માત્ર સાધુ-સંતો જ નહિ, પણ કેટલાય ઉચ્ચ મહાપુરુષોએ પણ જીવનપદ્ધતિને અત્યંત ઓછી આવશ્યકતાઓવાળી, યંત્રીકરણ વિનાની, તદ્દન સાદી, બિનખર્ચાળ અને નિકાસનાં લક્ષ્યો વિનાની, માત્ર સ્વલક્ષી બનાવવાની પ્રચુર હિમાયત કરી હોવાથી સાધુ થયેલા બુદ્ધિશાળી યુવાનો જેમ અમારા માર્ગોમાંથી હટી ગયા તેમ સાધુ થયા વિનાના પણ મહત્ત્વાકાંક્ષા વિનાની આ સાદી જીવનપદ્ધતિના હામી બનેલા બુદ્ધિશાળી યુવાનો પણ અમારા માટે હિતકારી જ બન્યા છે.
“અમારું લક્ષ્ય છે, વિશ્વના દેશો વિજ્ઞાનમાં આગળ ન વધે, વધે તો અમારા ઉછીના લીધેલા વિજ્ઞાનમાં જ આગળ વધે, બીજી કોઈ પ્રજા વિજ્ઞાનમાં અમારી બરાબરી ન કરે. જ્યાં સુધી અમારી પાસે સુપર વિજ્ઞાન હશે ત્યાં સુધી જ અમે વિશ્વને અમારી મુઠ્ઠીમાં પકડી શકીશું, ત્યાં સુધી જ અમે સમૃદ્ધિની છોળો વચ્ચે જીવી શકીશું. જો વિશ્વના બીજા દેશો, ખાસ કરીને ભારત અને મુસ્લિમ-દેશો (આફ્રિકાની પ્રજા હજી ઘણી પાછળ છે, તેની ચિંતા હમણાં નથી.) જો પ્રચુર પ્રમાણમાં વિજ્ઞાનવાદી બનશે તો અમારો સૂર્ય અસ્ત થઈ જશે. પણ અમને હજી પણ પૂરી આશા છે કે તમારી ‘ઓવર’-ધાર્મિકતા આવું નહિ થવા દે.
‘ઓવર’-ધાર્મિકતા અને વિજ્ઞાન
“ઈરાન બહુ ઝડપથી આગળ વધતો દેશ હતો, જાપાન પછી પૂરા એશિયામાં તે મહત્ત્વનું સ્થાન મેળવનાર હતો, પણ ખરા સમયે અમારી મદદે આયાતોલ્લા ખોમેની આવ્યા. તેમણે માત્ર પશ્ચિમનું ‘શેતાની’ વિજ્ઞાન(!) અટકાવ્યું એટલું જ નહિ, હજારો બુદ્ધિશાળીઓને પણ પરલોકવાસી કરીને અમારું કલ્યાણ કરી નાખ્યું. ફરી પાછું ઈરાન બસો-ત્રણસો વર્ષ પાછળ જતું રહ્યું. અમારાં જ આપેલાં મોંઘાંદાટ, વિદેશી મુદ્રા ખાઈજનારાં યુદ્ધવિમાનો, રૉકેટો, તોપો, ટૅન્કો વગેરે ઢગલાબંધ તેમની પાસે પડ્યાં છે, પણ સ્પૅર પાર્ટની ચોટી અમારા હાથમાં છે. એ કચરા જેવો મોંઘો ઢગલો ત્યારે જ સક્રિય થઈ શકે, જ્યારે અમે સ્પૅર પાર્ટ મોકલીએ. જો તેમણે પોતાનાં વિમાનો બનાવ્યાં હોત તો આ દશા ન થાત. પણ ‘ઓવર’-ધાર્મિકતા અને વિજ્ઞાન બંને સાથે ન રહી શકે. તમે ‘ઓવર’-ધાર્મિકતાને પસંદ કરો છો, અમે વિજ્ઞાનને પસંદ કરીએ છીએ.
પોતાની ટેક્નોલૉજી વિકસાવી શકતા નથી
“પાકિસ્તાનને અમે એફ-16 વિમાનો આપ્યાં. બીજું પણ ઘણું ઘણું આપ્યું. મિયાં ફુલાઈ ગયા, હોકારા ને દેકારા કરવા લાગ્યા. અમારી સામે પણ શિંગડાં ભરાવવા તૈયાર થયા. છેલ્લાં ત્રણ વર્ષથી અમે સ્પૅર પાર્ટ આપવા બંધ કરી દીધા છે. બધાં વિમાનો હવે હૅન્ગરમાં પ્રાણ વિનાનાં થઈને પડ્યાં છે. સ્પૅર પાર્ટ વિના તે ઊડી શકતાં નથી. તમારા ભારતની પણ આ જ દશા છે. તમે સોવિયેત સંઘ પાસેથી મિગ-29 વિમાનો એફ-16ને ખાળવા માટે લીધાં. સોવિયેત સંઘ તૂટ્યો અને દસ ટુકડામાં વહેંચાયો. હવે આ મોંઘાં વિમાનોના પૂરતા સ્પૅર પાર્ટ મળવામાં તકલીફ ઊભી થઈ છે. કરો વિજ્ઞાનનો વિરોધ અને ભોગવો લાચારી. જો તમારું બુદ્ધિધન પૂરેપૂરું પ્રયોગશાળા તરફ વળ્યું હોત તો આ લાચારી ભોગવવી ન પડત, તો તમે તમારું પોતાનું સંપૂર્ણ વિમાન બનાવ્યું હોત. તમે વિમાન, મોટર ટૅન્ક, તોપો વગેરે બધું બનાવો છો, પણ અમારી ઊતરી ગયેલી ટેક્નોલૉજી ખરીદીને. તમારું પ્રત્યેક ઉત્પાદન અમને વિદેશી મુદ્રાની મોટી રૉયલ્ટી આપે છે. જાપાનને રૉયલ્ટી ચૂકવ્યા પછી જ મારુતિ કાર બહાર નીકળે છે. તમારી વિદેશી મુદ્રાનો વિશાળ ભંડાર અમે જ ચટ કરી જઈએ છીએ, કારણ કે તમે તમારી પોતાની ટેક્નોલૉજી વિકસાવી શકતા નથી, ટેક્નોલૉજી વિના હવે ચાલી શકતું નથી, અંતે તમારે બધાને અમારી ટેક્નોલૉજીની છત્રીમાં આવવું જ પડે છે. તમે તમારી પોતાની ટેક્નોલૉજીની છત્રી ઊભી કરી શકતા નથી, કારણ કે તમે તમારું મસ્તિષ્ક ‘ઓવર’-ધાર્મિકતા તરફ વાળ્યું છે. અમે ઇચ્છીએ કે લાંબા સમય સુધી આ ‘ઓવર’-ધાર્મિકતા ફૂલેફાલે જેથી અમારાં ઘીકેળાં ચાલુ રહે. આરબોએ બાંગ પોકારવામાં જ મસ્તિષ્ક લગાવ્યું, તમે જાણો છો કે અમારી ટેક્નોલૉજીએ ઇરાકને કબ્રસ્તાન બનાવ્યું અને આ કબ્રસ્તાન બનાવવાનું બિલ અમે બાકીના આરબો પાસેથી વસૂલ કરી તેમનો ખજાનો ખાલી કરી નાખ્યો.”
દેશને શાની જરૂર છે?
ઉપરની વાત તો માત્ર સાર જ છે. તેમાં થોડી વધઘટ પણ કરી છે. પણ આપણે સૌએ શાંતિથી વિચારવાનું છે કે, પ્રમાણસરની ધાર્મિકતાથી દેશને દોરવો છે કે પછી ‘ઓવર’-ધાર્મિકતાના વંટોળિયામાં દેશને અને પ્રજાને સતત ઉડાડતા રહેવું છે? આપણા બુદ્ધિધનને ટોળામાં બદલવું છે કે પછી પ્રયોગશાળામાં મોકલીને વૈજ્ઞાનિકો બનાવવા છે? દેશને શાની જરૂર છે?
12-4-’92
Leave A Comment