હિન્દુઓ તોફાનો કરવામાં પહેલ નથી કરતા એટલે વર્ષોથી પારસીઓ, ખ્રિસ્તીઓ, વગેરે સાચી લઘુમતીઓ વગર તોફાને અહીં પ્રેમથી, માનથી રહે છે.
આઝાદી પછી ચાર વાર પાકિસ્તાને ભારત પર હુમલા કર્યા (કાશ્મીર, કચ્છ, કાશ્મીર—પંજાબ અને છેલ્લે બાંગ્લાદેશ). ચારે વાર જ્યારે નાક સુધી પાણી આવ્યું ત્યારે જ ભારતે પ્રત્યુત્તર આપ્યો, એ પણ બહુ મોળો, કારણ કે તેની નસમાં લડાઈતત્ત્વ નહિવત્ છે. કદાચ એ જ કારણસર (યુદ્ધવિમુખતા) પાકિસ્તાનને વારંવાર લડાઈ કરવાનો પાનો ચડે છે. એટલે તો એ ભારતીય દૂતાવાસમાં કર્મચારીઓને મારપીટ કરીને અપમાનિત કરી શકે છે, તથા કચ્છના માછીમારોને છેક જખૌ સુધી આવીને પકડી જઈ શકે છે. જે ઢીલાપોચાપણું દિલ્હી અને ગાંધીનગરની સરકારોમાં ડગલે ને પગલે જોવા મળે છે તે જ ઢીલાપોચાપણું સામાન્ય હિન્દુ નાગરિકોમાં પણ જોવા મળે છે. આ પોચાપણાના કારણે લગભગ બધી જ સરકારોએ તેની ઉપેક્ષા કરી, તિરસ્કાર કર્યો, પક્ષપાત કર્યો. મારી વાત ઉપર વિશ્વાસ ન હોય તો ગાંધીનગરમાં જે જમીન મસ્જિદ બાંધવા અપાઈ તથા જે જમીન સ્વામિનારાયણ મંદિર બાંધવા અપાઈ તે બંનેના ભાવોનો આકાશ—પાતાળનો ભેદ જોઈ આવજો. ધર્મનિરપેક્ષતાની દંભી વાતો તરત જ જણાઈ આવશે.
આઝાદી પહેલાં અને આઝાદી પછીની પૂરી ઘટનાઓ તપાસનારને સતત એક વાત સ્પષ્ટ થવા લાગશે કે સાચી ધર્મનિરપેક્ષતાની જગ્યામાં સતત મુસ્લિમોનું તુષ્ટિકરણ જ થતું આવ્યું છે. જો ભારત ખરેખર ધર્મનિરપેક્ષ છે તો પછી શા માટે મુસ્લિમો માટે અલગ કાયદો છે? શા માટે તલાક બિલને રાતોરાત પસાર કરી દેવાયું? જો ધર્મનિરપેક્ષતા મુસ્લિમોને પણ સ્વીકાર્ય હોય તો સામે ચાલીને સમાન કાયદાની માગણી કરવી જોઈએ. જો સમાન કાયદાથી મુસ્લિમો અમેરિકા, કૅનેડા, બ્રિટન, વગેરે દેશોમાં રહી શકતા હોય તો ભારતમાં કેમ ન રહી શકે? અને જો પોતાનો અલગ જ કાયદો જરૂરી જણાતો હોય તો પછી દંડવિધાન પણ શરિયત પ્રમાણે જ માગવું જોઈએ ને! અર્થાત્ બિનમુસ્લિમ જો ચોરી, દારૂ, વ્યભિચાર કે દેશદ્રોહ કરે તો તેને ભારતીય કાયદા પ્રમાણે દંડ થાય, પણ જો આ જ અપરાધ કોઈ મુસ્લિમ કરે તો તેને શરિયત પ્રમાણે હાથ કાપવાથી માંડીને કોરડા તથા શિરચ્છેદ સુધીની સજા થાય. આ તો લાભ લેવો હોય ત્યારે શરિયતના કાયદા અને નુકસાન થતું હોય તો ભારતના કાયદા! શું આવું બધું ધર્મનિરપેક્ષતા સાથે સુસંગત થઈ શકે?
ધર્મસ્થાનો રાજકારણથી મુક્ત હોવાં જોઈએ. અંગ્રેજો એ સારી રીતે જાણી શક્યા હતા કે ભારતમાં રાજ્ય કરનાર માટે ખરો ભય ધર્મસ્થાનોમાં છુપાયેલો છે. એટલે ધર્મસ્થાનોને માત્ર ધર્મ—પ્રાર્થનાઓ સુધી જ સીમિત રહેવા દો. તેનાથી રાજશાસનને અલિપ્ત રાખો. ખરેખર તો સાચી ધર્મનિરપેક્ષતા તો અંગ્રેજોના રાજ્યમાં હતી. પછી તુષ્ટિકરણનું રાજ્ય આવ્યું. વહાલા થવાનું હરખપદુડાપણું ત્યારે માઝા મૂકે છે જ્યારે તદ્દન ઈમાન વિનાના—ભ્રષ્ટાચાર—કેસરીઓ—અર્ધમુસ્લ િમ જેવો દેખાવ કરીને ઈદ કે અન્ય કોઈ મુસ્લિમ ધાર્મિક પ્રસંગે પહોંચી જઈ, ધર્મનિરપેક્ષતાનું પ્રમાણ આપે છે! આવા લોકોને બોલાવનારા પણ એટલું નથી સમજતા કે આ ધાર્મિક શ્રદ્ધા—ભક્તિનો પ્રસંગ છે: તેમાં રાજકારણના ખંધા બગલા ભેગા કરવાના ન હોય. પ્રજાની કમનસીબી તો જુઓ કે બે કરોડના ખર્ચે સંસાર ત્યાગનાર સાધુ હોય કે સ્ત્રીઓનું મોઢું જોવાથી પરહેજ કરનારા ત્યાગીઓ (!) હોય—સૌને પોતાનો ધાર્મિક પ્રસંગ દીપાવવા થોડાક બગલા તો જોઈએ જ. અરે, જેમ બગલા વધારે તેમ પ્રસંગ વધુ દિવ્ય થયો ગણાય. એવી ચડસાચડસી કરનારાઓને પ્રભુભક્ત કહેવા કે બગાનુરાગી કહેવા? સામાન્ય પ્રજા તો બંને દ્વારા લૂંટાય છે, છેતરાય છે. ટી.વી. અને રેડિયો જાણે કે બાપની મિલકત હોય તેમ બેફામ આવાં દુરુપયોગી દૃશ્યોથી ખરડાય છે. આવી રીતે ધર્મનિરપેક્ષતા ન રાખી શકાય. રાજનેતાઓએ આવા બધા પ્રસંગોથી પોતાને દૂર રાખવા જોઈએ તથા પ્રજાએ પણ પોતાના ધાર્મિક પ્રસંગો પોતાની શ્રદ્ધા અને ભક્તિથી ઊજવવા જોઈએ. રાજનેતાઓને—તેમાં પણ જેમની છબી જરા પણ ઉજ્જ્વળ ના રહી હોય તેમને—બોલાવવાની લાલસા રોકવી જોઈએ.
પણ આવું નથી કરી શકાયું, એટલે ધર્મનિરપેક્ષતા શબ્દ પ્રાણ વિનાનો બની ગયો છે, એટલું જ નહિ, આ દેશની વિશાળ પ્રજાને અન્યાય કરનારો તથા પક્ષપાત કરનારો બની ગયો છે. આવી ધર્મનિરપેક્ષતા જો વધુ સમય ચાલે તો આ વિશાળ પ્રજાનું ભવિષ્ય વધુ ને વધુ અંધકારમય બનતું જાય. એની પ્રતીતિ જ્યારે થવા લાગે ત્યારે હિન્દુ પ્રજા એ જ રસ્તે ચાલવા લાગી, જે રસ્તે ચાલીને મુસ્લિમ પ્રજાએ પાકિસ્તાન લીધું હતું. પાકિસ્તાન લીધા પછી બાકીના ભારતમાં સાચી ધર્મનિરપેક્ષતાનો રસ્તો ચાલુ કરવાની ઉત્તમ તક આવી હતી, પણ તુષ્ટિકરણની નીતિએ એ તક ગુમાવી દીધી. હવે જ્યારે એ જ ભૂંડા રસ્તા સિવાય બીજો કોઈ આરો નથી દેખાતો ત્યારે માત્ર ગાળો દેવાથી ફરીથી ભારતમાં સ્થાયી શાંતિ સ્થાપી શકાશે નહિ. સ્થાયી શાંતિ સ્થાપવા માટે જ્યાંથી ભૂલો શરૂ થઈ છે ત્યાંથી સુધારો કરવો જરૂરી છે. જો કોમવાદને સમાપ્ત કરવો હોય તો સ્વયં કૉંગ્રેસે કોમવાદને તિલાંજલિ આપવી પડશે. જો ધર્મઝનૂનથી આ દેશને બચાવવો હશે તો સ્વયં કૉંગ્રેસે ધર્મઝનૂની તત્ત્વોને પોષણ આપવાનું બંધ કરવું પડશે. હજી પણ આ દેશને સંભાળી શકે તેવો પક્ષ કૉંગ્રેસ છે. તેની છબિ જો સુધારવામાં નહિ આવે (અર્થાત્ કોમવાદ વિરોધી ભાષણો કરવાં પણ આચરણ સરાસર કોમવાદી કરવાં), સાંપ્રદાયિકતાની વિરુદ્ધ ધર્મનિરપેક્ષતાની વાતો તો ખૂબ કરવી, પણ ડગલે ને પગલે તુષ્ટિકરણની નીતિ અપનાવવી—આ બધું જો ચાલુ રાખવામાં આવશે તો આપોઆપ બીજા પક્ષે પણ કોમવાદનું રૂપ વિકરાળ થશે. દેશને લઘુમતીઓ, પછાતો અને સવર્ણો વગેરે ભાગમાં વહેંચીને, સવર્ણોને અલગ—અલગ કરી બાકીના મતો મેળવીને રાજ્ય કરવાની ગણતરી આ દેશને ઊકળતો ચરુ બનાવી મૂકશે. પૂરી પ્રજા વચ્ચેના આવા ભેદો સમાપ્ત કરી પ્રત્યેક વ્યક્તિની પહેચાન માત્ર ભારતીય રહે એવી નીતિ નહિ અપનાવાય તો આંતરિક તોફાનો બંધ કરાવી શકાશે નહિ.
આ દેશમાં બહારથી જે—જે આક્રાન્તા થઈને આવી તે—તે પ્રજા સ્થાયી રીતે વસી ગયા પછી તે પ્રજા થઈ ગઈ, તેનું આક્રન્તાપણું સમાપ્ત થઈ ગયું. પણ મુસ્લિમોની વાત જુદી છે. થોડાક અપવાદો સિવાય, અહીં વસ્યા પછી પણ તેમણે આક્રાન્તાપણું ચાલુ રાખ્યું. તેમની ભાંગફોડની નીતિ અંગ્રેજો આવ્યા પછી જ દબાઈ. સોમનાથનું મંદિર છ—સાત વાર તોડવામાં આવ્યું. દેશનાં હજારો મંદિરો આજે પણ સાક્ષી પૂરે છે કે વર્ષો પહેલાં આ મંદિરો ઉપર હથોડા ઝીંકાયા હતા. જો એક ખંડેર જેવી નામમાત્રની મસ્જિદ તૂટવાથી મુસ્લિમોને આઘાત લાગતો હોય તો જેમનાં હજારો મંદિરો તૂટ્યાં હશે—અરે, અયોધ્યાની ઘટના પછી બીજા જ દિવસે 400 ઉપરાંતનાં મંદિરો (દેશ—વિદેશમાં) ધરાશાયી કરવામાં આવ્યાં, તેથી હિન્દુઓને કેટલો આઘાત લાગ્યો હશે? શું લાગણીઓ માત્ર મુસ્લિમો પાસે જ છે? હિન્દુઓને કોઈ લાગણી જ નથી હોતી? સરકારની નફ્ફટાઈ તો જુઓ કે બાબરી મસ્જિદ તોડી પાડ્યાનો શોકઠરાવ છેક લોકસભામાં પસાર કરે છે, પણ આ ચારસો મંદિરો તૂટ્યાં તેના માટે કોઈ ઠરાવ નહિ! અરે, એક શબ્દ પણ નહિ. આવી ધર્મનિરપેક્ષતાથી જ હિન્દુઓ હવે કાબૂ બહાર જઈ રહ્યા છે. હવે તેઓ પણ એ જ ઝનૂનનો રસ્તો લઈ રહ્યા છે જે રસ્તે ચાલતા રહીને મુસ્લિમો લાભ મેળવતા રહ્યા છે. અમદાવાદના બુદ્ધિજીવીઓ શ્રી અડવાણીને તો અપીલ કરી શકે છે કે હવે લડવાનું બંધ કરો. પણ આ જ બુદ્ધિજીવીઓએ એ પણ જોવું જોઈએ કે દરિયાપુર—કાલુપુર જેવાં અસંખ્ય સ્થળોમાંથી વર્ષોથી હિન્દુઓને યોજનાપૂર્વક ભગાડવામાં આવી રહ્યા છે. તેમને પોતાનાં વંશપરંપરાનાં મકાનો પાણીના ભાવે વેચીને ભાગી જવું પડે છે. શસ્ત્રો ક્યાંથી પકડાય છે? અડ્ડાઓ કોણ ચલાવે છે? સ્ટૅબિંગ કોણ કરે છે અને કોણ કરાવે છે? હુલ્લડોનું મોટું આર્થિક વળતર કોણ મેળવે છે તથા ધર્મનિરપેક્ષતાનો ઢોંગી બુરખો ઓઢનાર સરકાર આવાં વળતર ચૂકવવા કોના તરફ વધુમાં વધુ હાથ લંબાવે છે? જ્યારે કોઈ સ્થળે હુલ્લડ થયું હોય ત્યારે અને તાબડતોબ સરકારી નેતાઓ દોડી જાય અને અમલદારોની તરત જ બદલીઓ થાય તો પ્રજા સમજી જાય કે અહીં મુસ્લિમોને નુકસાન થયું હશે જ. પણ ગંભીર નુકસાન થવા છતાં પણ કોઈ નેતા ન ફરકે, ન તો કોઈની બદલી થાય, તો સમજવું કે અહીં બિચારા હિન્દુઓનો જ કચ્ચરઘાણ નીકળ્યો હશે. તેવા સમયે સરકારની દોડી જવાની તથા મદદ કરવાની તત્પરતા ઠંડી પડી જાય છે. આ બુદ્ધિવાદીઓ જો ખરા અર્થમાં ધર્મનિરપેક્ષતા ઇચ્છતા હોય તો મ. ગાંધીજીનું સૂત્ર—“ઈશ્વર અલ્લા તેરો નામ સબકો સન્મતિ દે ભગવાન”—હજી પણ હજારો મંદિરોમાં ગવાય છે. આવાં સૂત્રો મુસ્લિમ ધર્મસ્થાનોમાં પણ ગવાય છે? જાઓ, પહેલાં તપાસ કરો પછી અડવાણીજીને ઉપદેશ આપજો.
દિલ્હીમાંથી બાદશાહી તો ક્યારનીય ખતમ થઈ ગઈ છે, પણ જામા મસ્જિદના ઇમામ હજી પણ પોતાને શાહી ઇમામ તરીકે ઓળખાવે છે. આ વ્યક્તિ હંમેશાં બાદશાહી ભાષા બોલે છે. હિન્દુઓ સાથે સૌજન્ય કે સદ્ભાવનાથી રહેવાનો ઉપદેશ આપવાની જગ્યાએ શુક્રવારની નમાજ પછી ધર્મસ્થાનોનો ઉપયોગ ડોળા કાઢવામાં તથા ડોળા કાઢવાનું શીખવવામાં કરે છે. તેનાં કારણે મોટા ભાગના મુસ્લિમો પણ તાણમાં આવી જાય છે. વી. પી. સિંહ જેવા ખુશામતિયા આ ધર્મઝનૂની તત્ત્વોને મુજરો કરતા ફરે છે, ત્યારે હિન્દુ—મુસ્લિમ—એકતા વધવાની જગ્યાએ વધુ વકરે છે, ત્યારે આ બુદ્ધિજીવીઓ કેમ ચૂપ રહે છે? અને નાટકિયાં શાંતિ—સરઘસો આશ્રમરોડ ઉપર જ કેમ કઢાય છે? જ્યાં ખરેખર શાંતિનાં ઊંડાં મૂળ છે તે માર્ગો પર શાંતિદૂતો કેમ ફરકતાય નથી? પોતાની જાતને ન છેતરો. તુષ્ટિકરણની હદ થઈ, હવે બસ કરો, પાછા ફરો. અયોધ્યાની ઘટના પછી દેશમાં જે ઊથલપાથલ થઈ છે અને જે રીતે હિન્દુ પ્રજામાં એકતા આવી રહી છે તેની ઉપેક્ષા ન કરો. જે તોફાનો મુસ્લિમ પ્રભાવવાળાં ક્ષેત્રોમાં થયાં છે તે તોફાનો ગામડાંઓ સુધી ફેલાઈ જાય તે પહેલાં સાચી ધર્મનિરપેક્ષતા અપનાવો. તુષ્ટિકરણ બંધ કરો. સાચા રાષ્ટ્રવાદી મુસ્લિમોને આગળ આવવા દો. ગણતંત્ર દિવસને કાળા વાવટાથી કાળો દિવસ કરનારાઓને હવે માથા ઉપર ઉપાડીને ફરવાનું વેઠિયાપણું બંધ કરો. પહેલાં જ્યારે મુલ્લાં—મૌલવીઓ મસ્જિદોમાંથી મુસ્લિમોને રાજકારણના પાઠ શીખવતા હતા ત્યારે સરકારે આંખો મીંચી દીધી હતી. હવે જ્યારે હિન્દુ સાધુઓ આ જ કામ મંદિરોમાંથી કરવા લાગ્યા છે, ત્યારે સરકાર હાંફળી—ફાંફળી થઈ ગઈ છે. હું આ બંને બાબતોને ખોટી દિશાની દોડ માનું છું. ધર્મસ્થાનો અને ધર્મગુરુઓને રાજકારણથી દૂર રાખવાં જોઈએ. પણ આ નિયમ માત્ર હિન્દુઓ માટે જ ન હોતાં સૌને માટે સરખો હોવો જોઈએ. હજારો વાહનોની અવરજવરથી વ્યસ્ત માર્ગો ઉપર નમાજ પઢવાનો હક્કદાર પરવાનો આપતી વખતે તો ધર્મનિરપેક્ષતા યાદ ન રહી, હવે જ્યારે તેની પ્રતિક્રિયાસ્વરૂપ મહાઆરતીઓ થવા માંડી ત્યારે ધર્મનિરપેક્ષતા યાદ આવી ગઈ. યાદ રહે, આવી જ દશા શુક્રવારે સરકારી કર્મચારીઓને નમાજ પઢવાની રજા આપતા નિયમ પ્રત્યે પણ થવાની છે. એ દિવસ દૂર નથી કે જ્યારે સોમવારના દિવસે પ્રત્યેક હિન્દુ કર્મચારી મહાદેવનો અભિષેક કરવા કર્તવ્ય છોડીને ચાલતો થશે. ત્યારે ફરી પાછી ધર્મનિરપેક્ષતા યાદ આવશે!!! પાણી આવે તેની પહેલાં પાળ બાંધો. આ દેશને ધર્મઝનૂનથી મુક્ત કરવો હોય તો ધર્મઝનૂની જે મૂળ જડ છે ત્યાં જ ડામ દો અને દંભી નહિ પણ સાચી ધર્મનિરપેક્ષતાનો જયજયકાર થવા દો.
Leave A Comment