Shahido ni Krantigathao

ભારતનો નકશો જુઓ. છેક પૂર્વમાં એક પ્રદેશ છે જેને નાગાલૅન્ડ કહેવાય છે. અર્જુન જે નાગકન્યાને પરણ્યો હતો તે આ પ્રદેશની નાગકન્યા હતી કે બીજા પ્રદેશની હતી તે રામ જાણે. પણ આ પ્રદેશ છેક પૂર્વમાં આજે અશાંતિ ભોગવી રહ્યો છે. એક સમય હતો જ્યારે ભારતના જુદા જુદા દેશોમાં “કંબોજ” દેશ પણ ગણાવાતો હતો. કંબોજ એટલે આજનું કંબોડિયા. આજે પણ કંબોડિયામાં ભરપૂર ભારતીય સંસ્કૃતિનાં ચિહ્નો જોવા મળે છે. વિશ્વનું સૌથી મોટું મંદિર અંગરકોટ કંબોડિયામાં છે. આ સંપર્ક જમીન રસ્તે થયો હશે કે પછી સમુદ્ર રસ્તે કે પછી બન્ને રસ્તે તે શોધનો વિષય છે. પણ સંપર્ક હતો. ખાસ કરીને અંગ(ઉડિસા)ના વર્મનવંશના રાજાઓ છેક ત્યાં પહોંચ્યા હતા પણ પછી સંપર્ક સદંતર તૂટી ગયો જણાય છે. આમ થવાનું મુખ્ય કારણ આભડછેટિયો પૌરાણિક ધર્મ હોઈ શકે. ધર્મ વિચારો આપે છે અને વિચારોમાંથી આચારો ઘડાતા હોય છે. મહત્ત્વાકાંક્ષા અને પ્રસારક્ષમતા ખોઈ બેસતાં ભારત દેશની પ્રજા એક કોચલામાં સીમિત થઈ ગઈ. સંપર્કો કપાઈ ગયા. સ્થગિતતા આવી ગઈ.

તેવા સમયમાં દક્ષિણ ચીન વગેરે પ્રદેશોથી કેટલાય લોકો ખાલી જગ્યામાં વસવાટ કરવા લાગ્યા. આપણને ગંગા-જમુનાના પ્રદેશ સિવાય કશું દેખાતું નહોતું. વસ્તીના પ્રમાણથી પ્રદેશનું માળખું બનતું હોય છે. ગુર્જરો આવ્યા અને ગુજરાત બન્યું. આવી જ રીતે આ પૂર્વી ભાગમાં પણ નાગજાતિ આવી ને નાગાલૅન્ડ—મણિપુર બન્યાં. ત્યારે કડક સીમાઓ ન હતી. પાસપોર્ટ ન હતા. કોઈ પણ માણસ ગમે ત્યાં જાય ગમે ત્યાં વસે બધી છૂટ હતી. વિચરતી જાતિઓ એક જગ્યાએ રહેતી નહિ, જંગલના વાંસ અને બીજાં લાકડાંમાંથી માળવાળું છાપરું બનાવીને નીચે ઢોરાં અને ઉપર માણસો રહેતાં, ત્યારે કોઈ રાજા ન હતો. કબીલાના મુખિયા હતા. જે રાજ કરતા. કબીલાઓ વારંવાર લડી પડતા. વેરઝેર સતત ચાલુ જ રહેતું. આ લોકોમાં વર્ણવ્યવસ્થા ન હોવા છતાં જાતિઓ હતી અને તે પરસ્પરમાં લડ્યા કરતી. આવી પરિસ્થિતિમાં અહીં અંગ્રેજો આવ્યા. તેમણે આ પર્વતીય ખૂંખાર પ્રદેશને કવર કર્યો, પોતાનાં થાણાં સ્થાપ્યાં. મિશનરીઓ આવી, ઘણાં બલિદાનો પછી તેમણે પગ જમાવ્યો. કોઈ હિન્દુ સંસ્થાઓ ન આવી. આપણી પાસે મિશનરી પદ્ધતિ નહોતી. આપણે પ્રસારેબલ પણ ન હતા. આપણે વ્યક્તિગત સાધનામાં લાગ્યા હતા. તે સાધના હતી “મનને મારો” “ઇચ્છાને મારો” ઇચ્છા જ બધાં દુ:ખોનું મૂળ છે. તેને મારો, ગૃહ-પરિવાર-પત્નીને ત્યાગો, દીક્ષા ગ્રહણ કરો, પલાંઠી વાળો, ધ્યાન કરો, બહાર નહિ અંદર જુઓ. આપણે આ કામે લાગ્યા હતા. તેથી રાજકીય મહત્ત્વાકાંક્ષા હતી જ નહિ. જે વિસ્તૃત નથી થતા તે આપોઆપ સંકુચિત થઈ જતા હોય છે. જે સતત સંકુચિત થયા કરે છે તે સમાપ્ત થઈ જાય છે.

નાગાલૅન્ડની પ્રજા અર્ધનગ્ન અને પછાત હતી પણ બહાદુર હતી અને સ્વતંત્ર મિજાજની હતી. અંગ્રેજો અને મિશનરીનું આગમન તેમને ગમ્યું નહિ, વળી શાસન સ્થાપવા અને ચલાવવા અવારનવાર જુલમ કરવો પડે તેની ભારે પ્રતિક્રિયા થાય. ત્યારે અંગ્રેજો અને મિશનરીઓની સામે “હરાકા” નામનું આંદોલન ચાલતું હતું, જેનું નેતૃત્વ “રાણીમા ગાઈડિન્લ્યુ” કરતી હતી. આ બધો પ્રદેશ સ્ત્રીપ્રધાન છે. જેમ ભારતમાં પુરુષપ્રધાનતા ચાલે છે તેમ આ પૂર્વી ભાગમાં સ્ત્રીપ્રધાનતા ચાલે છે. કામ-ધંધો-વ્યાપાર વગેરે બધું જ સ્ત્રીઓ કરે છે. સ્ત્રીઓ કમાય છે અને પુરુષો ખાય છે. વધુમાં વધુ દારૂ પીએ છે. અને પડ્યા રહે છે. લગભગ બધે જ જ્યાં જ્યાં સ્ત્રીપ્રધાનતા હોય છે ત્યાં પુરુષો બહુ કર્મઠ નથી હોતા.

ત્યારે એવું બનેલું કે આંદોલનના કાર્યકર્તા જાદોનાંગને પકડી લેવાયો, કેસ ચલાવીને તેને ફાંસી આપી. કોઈ વ્યક્તિ યુદ્ધમાં કે ઝપાઝપીમાં માર્યો જાય તેની જે પ્રતિક્રિયા થાય તેના કરતાં અનેકગણી પ્રતિક્રિયા કેસ કરીને ફાંસી આપવાથી થાય. ફાંસીની જોરદાર પ્રતિક્રિયા થઈ. રાણીમાએ બદલો લેવા કમર કસી ત્યારે તે હજી કિશોરાવસ્થામાં જ હતી. મહત્ત્વના કબીલાઓનું સંગઠન કરી લડત આપી. ડુંગરા સળગી ઊઠ્યા. અંગ્રેજોનું ટકવું કઠિન થઈ ગયું. પણ અંગ્રેજોએ આસામ રાઈફાઈલ્સનું ગઠન કરી જગ્યા જગ્યાએ થાણાં સ્થાપ્યાં અને નાગાલોકોને વધુ ને વધુ હેરાન કરવા લાગ્યા. રાણીમાની ગિરફતારી માટે મોટું ઇનામ જાહેર થયું પણ કોઈ નાગો ફૂટ્યો નહિ. નાગાલોકો રાણીમાને દેવીમાતા માનતા હતા. અંતે 16-2-1932ના રોજ અંગ્રેજો અને નાગાલોકો વચ્ચે ભીષણ સંગ્રામ થયો. નાગાઓ પાસે તીરકામઠાં હતાં, અંગ્રેજો પાસે તોપો અને બંદૂકો હતી. મહાસંગ્રામમાં ઘણા નાગાલોકો માર્યા ગયા. અંગ્રેજોએ તેમનાં ઝૂંપડાં બાળી નાખ્યાં. ભારે ત્રાસ આપ્યો. રાણીમા વધુ અંતરિયાળ ભાગમાં ચાલી ગઈ. તે એક સુરક્ષિત કિલ્લો બાંધતી હતી. પણ ઓચિંતાના હુમલો કરીને અંગ્રેજોએ રાણીમાને પકડી લીધી. કેસ ચાલ્યો અને આજીવન કેદની સજા થઈ. 18 વર્ષ સુધી તેણે જેલ ભોગવી. દેશની આઝાદી પછી તેમને મુક્ત કરવામાં આવ્યાં. તેમણે આ પ્રદેશના વિકાસમાં ઘણું કામ કર્યું. તે પોતાને તથા નાગપ્રજાને હિન્દુ માનતી હતી. તેથી મિશનરીઓનો વિરોધ કરતી હતી. 88 વર્ષનું લાંબું આયુષ્ય ભોગવી રાણીમા ગાઈડિન્લ્યુ સંસારથી વિદાય થયાં. તેમના જવાથી હિન્દુ પ્રજાને ભારે હાનિ થઈ.