હિન્દુ ધર્મ બહુમાર્ગી છે. અર્થાત્ ઈશ્વરને મેળવવા માટે ઘણા માર્ગો છે. બધા જ સ્વીકાર્ય છે. તેથી તેમાં કટ્ટરતા નથી આવી. સાકાર ભક્તિ, નિરાકાર ભક્તિ, કર્મમાર્ગ, જ્ઞાનમાર્ગ, યોગમાર્ગ વગેરે રુચિ પ્રમાણેના અનેક માર્ગો ઈશ્વર સુધી પહોંચવાના છે. જેમ બધી નદીઓ હિમાલયમાંથી નીકળીને વાંકીચૂંકી થઈને વહેતી વહેતી અંતે સમુદ્રમાં જ મળે છે તેમ બધી ઉપાસનાઓ અંતે તો પરમાત્માને જ મળે છે. આ માત્ર ઉદારતા જ નથી, વાસ્તવિકતા પણ છે. જે લોકો આવી બહુમાર્ગિતાની જગ્યાએ એક જ માત્ર એક જ માર્ગનો આગ્રહ રાખે છે તે આપોઆપ ચુસ્ત કટ્ટર થઈ જાય છે. તે બીજા માર્ગોને સહન કરી શકતા નથી, આથી તેમનામાં સહિષ્ણુતા નથી આવતી. જ્યાં સહિષ્ણુતા ન હોય ત્યાં હૃદયની એકતાનો સંભવ નથી રહેતો. આ રીતે એકમાર્ગી ધર્મ પ્રજા-પ્રજા વચ્ચે એકતા નથી કરી શકતો. નથી થવા દેતો.
આવી જ સ્થિતિ રાષ્ટ્રની આઝાદી માટે પણ છે. રાષ્ટ્રને આઝાદ કરવા માટે પણ ઘણા માર્ગો હતા. સૌનું લક્ષ્ય એક જ હતું આ દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થાય, કોઈ તેને હિંસાના માર્ગે મુક્ત કરાવવા માગતા હતા તો કોઈ તેને અહિંસાના માર્ગે મુક્ત કરાવવા માગતા હતા. માર્ગ બદલવાથી લક્ષ્ય કે નિષ્ઠા બદલાઈ જતી નથી. કોઈ સફળ થાય અને કોઈ ન થાય તેથી પણ પ્રવાસીઓની મહત્તા ઓછી થતી નથી.
ત્યારે બધા જ ક્રાન્તિકારીઓ સહજ પ્રાપ્ત અને ટૂંકા માર્ગે આગળ વધતા હતા. તે હતો હિંસાનો માર્ગ. કોઈ પણ અંગ્રેજ અમલદાર કે સંસ્થા ઉપરનો હુમલો એ પૂરી સરકાર ઉપરનો જ હુમલો છે. તેથી સરકાર વિચલિત થાય છે. ખળભળાટ થાય છે. આખું માળખું હચમચી ઊઠે છે. રાજસત્તા ચલાવવી કઠિન થઈ જાય છે. અને અંતે આઝાદીની પ્રાપ્તિ થાય છે. આ રીતે વિશ્વના ઘણા દેશો આઝાદ થયા હતા. રશિયા, ચાયના વગેરે તેનાં ઉદાહરણો છે. આ માર્ગે ખૂનખરાબા થાય છે તેની ના નહિ પણ એ અનિવાર્ય છે. ખૂનખરાબા વિનાની આઝાદી મફતમાં મળી ગયેલી ચોકલેટ જેવી છે. તેની કદર—કિંમત થતી નથી. બલિદાન જ કદર કિંમત—કરાવતાં હોય છે. આવી જ એક કથા અહીં ચિત્રિત કરી રહ્યા છીએ.
મહારાષ્ટ્રના મૂળ કોંકણ પ્રદેશના પણ નાશિકના ભગૂર ગામમાં આવીને વસેલા. પંડિત દામોદર પંત અને તેમનાં ધર્મપત્ની રાધાબાઈના ત્યાં 28-5-1883ના રોજ એક બાળકનો જન્મ થયો, જે વિનાયક નામે પ્રસિદ્ધ થયો. મહારાષ્ટ્રના બ્રાહ્મણો જન્મજાત ક્રાન્તિકારી રહ્યા છે તેથી તો જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં કોઈ ને કોઈ એકાદ મહારાષ્ટ્રિયન તમને જોવા મળશે જ. મોટા ભાગે તે બ્રાહ્મણ જ હશે. આપણા ક્રાન્તિકારીઓમાં પણ મોટી સંખ્યા મહારાષ્ટ્રિયનો અને પંજાબીઓની જ જોવા મળે છે. જે લોકો અર્થપ્રધાન જીવન જીવતા હોય છે તે બલિદાની નથી થઈ શકતા. કારણ કે તે ડાહ્યા હોય છે. બલિદાનનો રસ્તો તો દીવાનાઓનો હોય છે. આગળ-પાછળનો વિચાર નથી કરતા તે જ ભડભડતી આગમાં ઝંપલાવી શકે છે.
પ્રચંડ પ્રતિભાધારી વિનાયકે બાળપણમાં જ આ જ દેશમાં કોમી હુલ્લડો જોયાં. તેણે જોયું કે હિન્દુ પ્રજા વારંવાર માર ખાય છે. કારણ કે તે શારીરિક રીતે, માનસિક રીતે અને એકતાની રીતે કમજોર છે. આ કમજોર પ્રજાને સૌથી વધુ કમજોર ધર્મ અને અધ્યાત્મવાળા બનાવે છે. પરલોકના નામે આ લોકથી ભગાડનારા અને હું શરીર નથી પણ આત્મા છું એવું બોલીને શરીરની ઉપેક્ષા કરાવનારા પ્રજાને દુર્બળ બનાવે છે. આથી સર્વપ્રથમ ગુમરાહ પ્રજાને બળવાન બનાવવી જરૂરી છે. તેમણે વ્યાયામશાળામાં જવા માંડ્યું અને શરીરને પથ્થર જેવું બનાવવા વ્યાયામ કરવા માંડ્યો.
પ્રત્યેક પ્રજા, પ્રત્યેક પ્રદેશની એક પ્રકૃતિ હોય છે. વ્યાયામ, સંગીત અને યુદ્ધ મહારાષ્ટ્રની પ્રકૃતિ છે. તે તેની રગેરગમાં જોવા મળશે. જે પ્રકૃતિમાં હોય તેને વિકસાવવું સરળ થઈ જાય, પણ જે પ્રકૃતિમાં હોય જ નહિ તેને વિકસાવવું સરળ નથી હોતું. હાડપિંજર જેવું શરીર હોય અને મહાન આત્માની વાતો કરે તો તે હાસ્યાસ્પદ જ કહેવાય. વિનાયકનું શરીર મજબૂત અને દૃઢ થવા લાગ્યું. આ જીવનની સાચી સાધના કહેવાય. આ સાચો માર્ગ કહેવાય.
વિનાયક 10 વર્ષનો થયો હશે અને માતા રાધાબાઈનું અવસાન થઈ ગયું. જે બાળકને માનું સુખ ન મળ્યું હોય તે અભાગિયું કહેવાય. પણ બધું તો આપણા હાથમાં નથી હોતું. પિતા દામોદર પંત માતા પણ બની ગયા. માતાના અવસાનથી માતૃવિહોણાં બાળકોને જે પિતાએ પુનર્લગ્ન કર્યા વિના ઉછેર્યાં હોય તે પિતા હજાર માતા કરતાં પણ વધુ પૂજ્ય ગણાય. કારણ કે તેણે બે ત્યાગ કર્યા કહેવાય. એક તો પિતૃત્વનો ત્યાગ કરીને માતૃત્વ સ્વીકાર્યું, જે અત્યંત કઠિન છે અને બીજું જેણે જરૂર હોવા છતાં પણ બીજું લગ્ન ન કરીને વિષયવાસનાની અગ્નિમાં શેકાવાનું સ્વીકાર કર્યું. આ બન્ને તપ જ કહેવાય. પણ હા, કદી પણ કોઈ વિધુર બાપે પુત્રીનો ઉછેર કરવાની જવાબદારી ન લેવી, કારણ કે આંધળી વાસના ક્યારે અનર્થ કરાવી બેસે તે કહી ન શકાય.
વિધુરતા સ્વયં પોતે જ તપ છે, તેમાં પણ બાળઉછેર સાથેની વિધુરતા તો બહુ મોટું તપ છે. વિનાયકનું પ્રાથમિક શિક્ષણ પૂરું થયું હવે તેને વધુ શિક્ષણ માટે મોટા ભાઈ ગણેશની સાથે નાશિક મોકલી દીધો. વિધુરતા, બાળઉછેર અને સાથે દરિદ્રતાનો મેળ થયો હોય તો તપસ્યાની પરાકાષ્ઠા જ કહેવાય. આવા પિતાને લાખ લાખ વંદન જ કરવાનાં હોય.
વિનાયક બચપણથી જ કવિતા રચતો. એટલે તે જન્મજાત કવિ હતો. કવિ હંમેશાં લાગણીશીલ હોય. લાગણીના બુઠ્ઠા લોકો કવિ ન હોય, બહુ બહુ તો શેઠ હોય. જેટલા બુઠ્ઠા વધારે તેટલા શેઠ પણ વધારે.
ભારતમાં જે કાંઈ ધર્મ કે સમાજસુધારાની હવા ઉત્પન્ન થઈ હતી તે કાં તો બંગાળથી કે પછી મહારાષ્ટ્રથી થઈ હતી. પાછળથી સ્વામી દયાનંદજીના કારણે પંજાબથી પણ થઈ હતી. આ ત્રણે પ્રદેશોમાં અભિજાત વર્ગ પ્રભાવશાળી હતો. જે ચિંતક-વિચારક હતો. સમાજની કુપ્રથાઓ ઉપરના વર્ગોમાંથી આવતી હોય છે તેને દૂર કરવા માટે આ ઉપરનો વર્ગ જ મથામણ કરતો હોય છે.
1894માં ચાફેકર બંધુઓએ (ત્રણ ભાઈઓ) “હિન્દુ ધર્મરક્ષિણી સભા”ની સ્થાપના કરી હતી. જે કમજોર થયેલી હિન્દુ પ્રજાનું રક્ષણ કરવાનું આંદોલન ચલાવતી હતી. આ રક્ષણ વિધર્મીઓના આક્રમણથી, શાસકો—અંગ્રેજોના ત્રાસથી તથા અંદરોઅંદરના અન્યાય અને અવ્યવસ્થાથી કરવાનું હતું. વિનાયક આ સભામાં ભળ્યો, ત્યારે તેની ઉંમર 13-14 વર્ષની હશે. વ્યક્તિની કિશોરાવસ્થા તેના જીવનના વૈચારિક માળખાનો પાયો નાખવાની અવસ્થા છે. આ ઉંમરે જે કિશોર જ્યાં જોડાય છે ત્યાં તેનું ઘડતર થાય છે.
ત્યારે પૂનામાં પ્લેગ ફાટી નીકળ્યો હતો. કમિશનર મિ. રેન્ડ બહુ કઠોર અને ક્રૂર હતો. તેણે પ્લેગનાં જંતુઓને બાળી નાખવા મોટા પ્રમાણમાં લોકોનાં ઘરો બાળવા માંડ્યાં હતાં. લોકો નિરાધાર થઈને ધરતી ઉપર આવી ગયાં હતાં. પ્લેગ કરતાં આ રેન્ડના ત્રાસથી લોકો વધુ દુ:ખી થતા હતા. ચાફેકર બંધુઓએ સભા બોલાવી અને રેન્ડની કઠોરતાનો વિરોધ કર્યો પણ રેન્ડ ઉપર કશી અસર ન થઈ. જે શાસન પ્રજાના સાચા વિરોધની નોંધ નથી લેતું અને નથી સુધરતું, તે અંતે તો પોતાનો જ વિનાશ નોંતરી લેતું હોય છે.
ચાફેકર બંધુઓએ પ્રજાને રેન્ડના ત્રાસમાંથી છોડાવવા તેને ગોળીએ ઠાર કર્યો. અને છેવટે ત્રણે ભાઈઓને ફાંસીની સજા કરી, ત્રણે બંધુઓ ફાંસીએ લટકી ગયા. પોતાના માટે નહિ ન્યાય માટે. બલિદાનની મોટી અસર થતી હોય છે.
હજારો લેખો કે હજારો પ્રવચનો જે કાર્ય નથી કરતાં તે એક બલિદાન કરે છે. અંગ્રેજો ખળભળી ઊઠ્યા તો બીજા લોકો પણ જાગી ઊઠ્યા. ચૌરે અને ચૌટે ચાફેકર બંધુઓની જ વાતો ચાલે. ત્યારે તિલક મહારાજ પણ લોકજાગૃતિનું કાર્ય કરતા હતા. આ બધી ઘટનાઓનો પ્રભાવ વિનાયક ઉપર પડ્યો. તે કુળદેવી દુર્ગામાતાના મંદિરે ગયો અને જીવનભર અંગ્રેજો સામે સંઘર્ષ કરીને તેમને ભગાડી, સ્વાધીનતા લાવવાની પ્રતિજ્ઞા કરી પાછો આવ્યો. તેણે ચાફેકર માટે કવિતા રચી.
મહારાષ્ટ્રના પ્લેગે પિતાજી તથા કાકાજીનો ભોગ લીધો. ત્યારે વિનાયક માત્ર સોળ વર્ષનો હતો. માતા-પિતા અને કાકા—કુટુંબીજનો વિનાનાં અનાથ બાળકોની કેવી દશા થાય? વળી પાછી દરિદ્રતા. પરલોકવાદી ગુરુઓ કદી પણ આવા લોકોની દશા સમજી શકતા નથી. કારણ કે તે જીવનદ્રોહી થઈ ગયા હોય છે. આ લોકને બગાડીને પરલોકને સુધારવાની વાતો કરવી કે તે માર્ગે લોકોને ચઢાવવા તે જીવનદ્રોહ જ કહેવાય. જે છે તેને સ્વીકારતા નથી અને જે નથી અથવા શંકાસ્પદ છે તેની પાછળ પડી જવું તે જીવનદ્રોહ જ કહેવાય.
18 વર્ષના મોટા ભાઈ ગણેશનાં યશોદાબાઈ સાથે લગ્ન થયાં. વિનાયકને ભાભીના રૂપમાં એક નવી માતા મળી. દિયર-ભાભીનું ખૂબ જામ્યું. વિનાયકે “મિત્રમેળા” નામની સંસ્થા કરી જેમાં બધા મિત્રો ભેગા થતા. મિત્રમેળાના દ્વારા આ અભિજાત વિચારક લોકો ધર્મસમાજ અને રાજકારણ ઉપર ચર્ચાવિચારણા કરતા રહેતા.
ત્યારે “બંગભંગ”ની અસર પૂરા દેશ ઉપર પડી હતી. વિનાયકે સર્વપ્રથમ અંગ્રેજોનો વિરોધ કરવા પૂનામાં વિદેશી વસ્તુઓની હોળી કરી. આ કામ ગાંધીજીએ ઘણાં વર્ષો પછી કર્યું હતું. શરૂઆત તો વિનાયકે કરી હતી. અંગ્રેજોની શાસન પદ્ધતિ સમજવા જેવી છે. અંગ્રેજો મૂળમાં તો વ્યાપારી હતા. તે ત્રાજવાં લઈને ભારત આવ્યા હતા. પછી તોપો લઈ આવ્યા. વિજય તોપોથી મેળવ્યો, પણ સમૃદ્ધિ તો ત્રાજવાંથી આવતી હોય છે. આ પહેલાં કોઈ પણ આક્રાન્તા ત્રાજવાં લઈને આવ્યો નહોતો, માત્ર તલવાર જ હતી. મુસ્લિમો પાસે રાજપૂતો કરતાં મોટી તલવાર હતી તેથી તેમણે રાજ કર્યું. પણ ત્રાજવાં ન હોવાથી અને કલમ પણ ન હોવાથી તે સમૃદ્ધ ન થઈ શક્યા. અંગ્રેજો પાસે ત્રણે હતાં. તલવાર હતી, કલમ હતી અને ત્રાજવાં પણ હતાં તેથી તે વિજયી પણ થયા અને સમૃદ્ધ પણ થયા. તેમની પાસે ગજબની વહીવટી શક્તિ હતી. પૂરું નેટવર્ક હતું. માત્ર ત્રીસ હજાર અંગ્રેજો ત્રીસ કરોડ ભારતીયો ઉપર રાજ કરતા હતા. તેઓ ભારતમાંથી કાચો માલ વિલાયત લઈ જતા અને પાકો કરીને પાછો અહીં વેચતા. આમ કરવાથી તેમની ફૅક્ટરીઓ ધમધમતી, લોકોને પુષ્કળ ઉન્નત રોજી મળતી, સામાન્ય ભારતીય કરતાં સામાન્ય અંગ્રેજ પાંચથી દશ ગણું વધુ કમાતો એટલે વધુ સુખ ભોગવતો, તેનો જીવનસ્તર ઘણો ઊંચો રહેતો હતો. વિનાયકે વિદેશી માલની હોળી કરવા માંડી. આ એક વિચારધારા હતી. શત્રુપક્ષના અર્થતંત્રને તોડી પાડવાની કુનેહ હતી. વિનાયકની આવી પ્રવૃત્તિના કારણે તે સમયે ફર્ગ્યુસન કૉલેજના પ્રિન્સિપાલ મિ. પરાંજપેએ તેને કૉલેજમાંથી કાઢી મૂક્યો અને દશ રૂપિયાનો દંડ કર્યો. આ સમાચાર બહુ ઊછળ્યા. લોકોએ દંડ ભરવા માટે M.O. કરવા માંડ્યો. જે નાણાં આવ્યાં તે બધાં વિનાયકે સામાજિક સંસ્થાઓને આપી દીધાં.
પૂનામાંથી બરતરફ થઈને વિનાયક મુંબઈ આવ્યો અને મુંબઈ યુનિવર્સિટીમાં જોડાઈને બી.એડ.ની પરીક્ષા આપી. તે કવિ હતો તેથી ગીતો લખતો. ગીતો સામયિકોમાં છપાતાં. વિષય તો આઝાદીનો જ હોય. અંગ્રેજ સરકારે તેનાં ગીતો ઉપર પ્રતિબંધ મૂક્યો. વિનાયકે કાયદાશાસ્ત્રનું અધ્યયન કર્યું. વિનાયક ઘડાઈ રહ્યો હતો.
એક વળાંક આવ્યો ત્યારે વિલાયતમાં કચ્છના શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા ભારતના વિદ્યાર્થીઓને વિલાયતમાં આવીને અધ્યયન કરવાની અપીલ કરવામાં આવી હતી. કૃષ્ણજી વિલાયતમાં રહીને આઝાદીની ભૂમિકા તૈયાર કરતા હતા. તેઓ ભારતીય છાત્રોને સંગઠિત કરીને આઝાદીનાં બી રોપતા હતા. તે જાણતા હતા કે ક્રાન્તિ હંમેશાં ક્રીમ વર્ગમાંથી જ થતી હોય છે એટલે ક્રીમ વર્ગના વિદ્યાર્થીઓને આ દિશા તરફ વાળવા જોઈએ.
વિનાયકને 400 રૂપિયાની શિષ્યવૃત્તિ મળી અને તેમના શ્વશુર ચિપલુણકરે તેમને બે હજાર રૂપિયા આપ્યા. આ રીતે અઢી હજાર રૂપિયા લઈને 9-6-1906ના ઇંગ્લૅન્ડ પહોંચીને તેઓ શ્રી કૃષ્ણજીને મળ્યા. ત્યારે ઇંગ્લૅન્ડમાં ભણનારા ભારતીય છાત્રોની સંખ્યા 700ની હતી. “ઇન્ડિયા હાઉસ” ખાતે આ બધા અવારનવાર મળતા. આઝાદી કેમ મેળવવી તે બાબતમાં ઉગ્ર ચર્ચાઓ થતી. શ્રી શ્યામજી પોતાનો બધો ભાર વિનાયકને સોંપીને પેરિસ ચાલ્યા ગયા. વિનાયકે ઇન્ડિયા હાઉસની પ્રવૃત્તિઓ સંભાળી અને વધારી. વિનાયકે મહાપુરુષોનાં જીવનચરિત્રો વાંચવા માંડ્યાં અને વંચાવવા પણ માંડ્યાં. ઇટાલીના મૈઝિનીથી તેઓ વિશેષ પ્રભાવિત હતા. તેના પુસ્તકનો તેમણે અનુવાદ પણ કર્યો. શ્રી સરદારસિંહ રાણા અને મૅડમ ભીખાજી કામા તેમના પ્રભાવમાં આવ્યાં અને પેરિસની સભામાં કામાએ ભારતીય ધ્વજ લહેરાવ્યો.
આ સમયે એક મહત્ત્વની વ્યક્તિ મદનલાલ ધીંગડા તેમના પરિચયમાં આવી. મદનલાલ પંજાબી હતો. એક અંગ્રેજ અધિકારી કર્ઝન વાયલી ભારતવિરોધી હતો, તે વારંવાર ભારતને ઉતારી પાડતો હતો. મદનલાલ તેનાથી ખિજાઈ ગયો અને ભરી સભામાં તેને ઠાર માર્યો. ડૉક્ટર કાવસ બચાવવા વચ્ચે આવ્યા તો તેને પણ ઠાર કર્યા. આ રીતે તેના હાથે બે હત્યાઓ થઈ ગઈ. તેને ગિરફતાર કર્યો અને કેસ ચાલ્યો. અંગ્રેજોમાં ખળભળાટ થઈ ગયો. લાંબો સમય શાસન કરવું હોય તેણે લોકમાનસને પોતાના પ્રત્યે અનુકૂળ ઘડવું જોઈએ. લોકસહકારથી જ રાજ કરી શકાય. અંગ્રેજોએ સભાઓ કરી કરીને આ હત્યાની નિંદા કરાવી. નિંદા કરનારા ભારતીયો જ વધારે રહેતા. આગાખાનની અધ્યક્ષતામાં સભા થઈ તેમાં મદનલાલના નાના ભાઈએ પણ મદનલાલની નિંદા કરી. માણસ ઘરમાં હારતો હોય છે. ઘરનાં માણસો જ આવા દેશ માટે કરેલાં કાર્યોની નિંદા કરતાં થાય તો પછી જાવું ક્યાં? આગાખાને પણ નિંદા કરી, અંગ્રેજોએ એવું બતાવવાનો પ્રયત્ન કર્યો કે ભારતીયો આ હત્યામાં સંમત નથી. બધા વિરોધી છે. વાત પણ સાચી. અંગ્રેજોના રાજ્યમાં રહેવું અને તેમનો જ વિરોધ કરવો એ કેમ પોષાય? નિંદા પ્રસ્તાવ પસાર થવાનો હતો ત્યાં વિનાયક ઊભા થયા અને સખત વિરોધ કર્યો. સભામાં ઘોંઘાટ થવા લાગ્યો. એક ગોરાએ વિનાયકને જોરથી મુક્કો માર્યો. વિનાયકના મોઢામાં લોહી આવી ગયું. બાજુમાં ઊભેલા દક્ષિણ ભારતીય તિરુમલ્લાચારીએ પેલા ગોરાને એવી થપ્પડ મારી કે તે બેભાન થઈને જમીન ઉપર પડી ગયો. પ્રસ્તાવ પાસ ન થયો. સભા પૂરી થઈ ગઈ.
ન્યાયાધીશે મદનલાલને ફાંસીની સજા આપી. ફાંસી અપાઈ ગઈ. મદનલાલે છેલ્લી ઘડીએ જેલમાં પોતાના ભાઈને મળવાનો ઇન્કાર કરી દીધો. 66 વર્ષ પછી 13-12-1976માં તેમનાં અસ્થિ ભારત લાવવામાં આવ્યાં અને નદીઓમાં પધરાવવામાં આવ્યાં. અમૃતસરમાં તેમનું સ્મારક રચાયું છે.
હવે અંગ્રેજોની નજર વિનાયક ઉપર પડી. ગમે તે રીતે તે તેમને પકડવા માગતા હતા. વિનાયક ગુપ્તવાસમાં રહેવા ચાલ્યા ગયા અને દેશપ્રેમની કવિતાઓ રચવા લાગ્યા.
વિનાયકના મોટા ભાઈ ગણેશ સાવરકર દેશમાં હતા. તેમના ઉપર ગોરી સરકારે કેસ કર્યો અને આજીવન જેલની સજા કરી. તેમનો અપરાધ પુસ્તકો લખવાનો અને હથિયારોની હેરાફેરી કરવાનો હતો. તેમની સજાથી ક્રાન્તિકારીઓ અકળાઈ ઊઠ્યા. નાના ભાઈ નારાયણ સાવરકર અને બીજા મિત્રોએ મળીને લોર્ડ મિન્ટો ઉપર બોમ્બ ફેંક્યો. તે બાલબાલ બચી ગયો. નારાયણની પણ ધરપકડ થઈ. બે ભાઈઓ એક જ સાથે જેલભેગા થયા. પૂરા પરિવારની સંપત્તિ જપ્ત કરી દેવાઈ. પણ મચક ન આપી. કેવો પ્રેમ હશે આ ભાઈઓનો? ત્રણે ભાઈઓને જેલ ભેગા કરવાના કારણે એક 16 વર્ષનો જેનું નામ અનન્ત કાન્હેરે હતું તેણે નાશિકના કલેક્ટર ઉપર ગોળી ચલાવી તેની હત્યા કરી નાખી, આ કેસને “નાશિક ષડ્યંત્ર” કેસ કહેવાયો.
આ બાજુ વિનાયક બીમાર થઈ ગયા હતા. ચારે તરફથી આપત્તિઓ આવી હતી. તેઓ પેરિસ ચાલ્યા ગયા અને ત્યાં રહેવા માંડ્યા. જે પિસ્તોલથી નારાયણે કલેક્ટરની હત્યા કરી હતી તે ફ્રાંસની બનાવટની હતી. તેથી વિનાયક વગેરેને પણ આરોપી બનાવવામાં આવ્યા. તેમને પકડવાનું વોરન્ટ પણ કાઢવામાં આવ્યું. છળકપટ કરીને તેમને લંડન આવવા લલચાવ્યા. લંડન પહોંચતાં જ વિનાયકની ધરપકડ કરી. તેમને બ્રિક્સ્ટન જેલમાં મોકલી દીધા. જેલમાં એક અંગ્રેજ પત્રકાર સાથે મૈત્રી થઈ. તે વિનાયકના રંગે રંગાઈ ગયો. છૂટ્યા પછી તેણે લેખો લખવા માંડ્યા. સરકારે તેને પણ જેલ ભેગો કરી દીધો.
વિનાયકની પત્ની અને એક પુત્ર ભારતમાં હતાં. સંપત્તિ બધી જપ્ત થઈ ગઈ હતી. કેવી દશા થઈ હશે? વિનાયક અહીં જેલમાં અને બન્ને ભાઈઓ દેશની જેલમાં. શું થયું હશે પરિવારનું! કેટલો મોટો ત્યાગ! પણ જરાય મચક ન આપી. ત્રણે અડગ અને અડીખમ રહ્યા. ત્રણે ચાફેકર ભાઈઓ ફાંસીએ ચઢી ચૂક્યા હતા અને ત્રણે સાવરકર ભાઈઓ સજાની રાહ જોઈ રહ્યા હતા. આઝાદી ભોગવનારાઓને અને રાજકારણમાં એશોઆરામ કરનારાઓને ખબર છે કે આ ક્રાન્તિવીરોએ કેટકેટલી યાતનાઓ સહન કરી છે? જ્યારે લોકો ભરજુવાનીમાં પત્નીઓ અને પરિવારો સાથે આમોદ-પ્રમોદ કરતા હોય ત્યારે આ ત્રણે જેલની ભયંકર યાતનાઓ ભોગવતા હતા અને તેમની પત્નીઓ પતિ છતાં વિધવા જેવી થઈને આંસુઓ પાડતી હતી.
વિનાયકનો એકનો એક દીકરો બીમારીમાં મરી ગયો. હવે શું રહ્યું? પણ ના, ડગ્યા નહિ. પરિવારપ્રેમ—પત્નીપ્રેમ કરતાં પણ રાષ્ટ્રપ્રેમ મહાન હતો. ત્રણે જેલમાં અને પરિવારો બહાર સડતા રહ્યા. અધ્યાત્મવાદીઓ ત્યારે ભગવાન થઈને પૂજાતા હતા. દેશના કોઈ કાર્યમાં કશો જ ભાગ લેતા નહિ. ક્રાન્તિમાં ભાગ લેનારા, જેલ જનારા, ફાંસીએ ચઢનારા પ્રત્યે જાણે કે તેમની કશી જ જવાબદારી ન હતી. વિનાયક દામોદર સાવરકર વિલાયત ભણવા ગયા હતા. તેઓ બૅરિસ્ટર થયા હતા ત્યારે બૅરિસ્ટરનું ભારતમાં એટલું બધું માન હતું કે તે સૌમાં પૂજાતો હતો પણ વિનાયક કેદી થઈને દેશ પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમની ઉંમર માંડ સત્તાવીશ વર્ષની હશે. ભરયુવાની દેશ ઉપર ન્યોછાવર કરી દીધી હતી આ યુવાને.
આ સકારાત્મક ત્યાગ હતો. વાંઝિયો ત્યાગ ન હતો. વાંઝિયા ત્યાગીઓનાં ટોળેટોળાં ભારતમાં ત્યારે અને અત્યારે પણ ગામેગામ ફરતાં હતાં. જે લોકોને નિષ્ક્રિય અને પલાયનવાદી ત્યાગનો ઉપદેશ આપ્યા કરતાં હતાં.
તા. 29-6-1910ના રોજ “મોરિયા” નામના જહાજમાં વિનાયક કેદીના રૂપમાં ભારત પાછા ફરી રહ્યા હતા. તેમની ચોકી કરવા 10 અંગ્રેજ સોલ્જરો પણ સાથે હતા. જહાજ પેરિસના સમુદ્રમાં પહોંચ્યું. વિનાયક માટે પેરિસ જાણીતું હતું. તેમણે સંડાસ જવાનું બહાનું કરીને સંડાસમાં ગયા. કાચ તોડીને સમુદ્રમાં કૂદી પડ્યા. સામે જ કિનારો હતો. તરતાં આવડતું હતું. તેમના પડવાથી ધબાકો થયો. સોલ્જરો ચેતી ગયા. તેમણે ધડાધડ ગોળીઓ છોડવા માંડી પણ કુશળ તરવૈયા વિનાયક ડૂબકી મારીને તરીને સામે કાંઠે પહોંચી ગયા. દોડીને ફ્રાંસની ધરતીમાં પ્રવેશી ગયા. તેમને આશા હતી કે શ્યામજી કૃષ્ણ વર્મા તેમને લેવા માટે સામે કિનારે આવ્યા હશે. પણ ત્યાં કોઈ ન હતું. ફ્રાંસની પોલીસે પકડ્યા. તે અંગ્રેજી જાણે નહિ. વિનાયકે બહુ સમજાવ્યા પણ ત્યાં તો પેલા સોલ્જરો પહોંચી ગયા. વિનાયક ફરીથી પકડાઈ ગયા. આવી સાહસપૂર્ણ બહાદુરી બતાવવા માટે લોકોએ તેમને વીરની ઉપાધિ આપી. હવે તે વીર સાવરકર થઈ ગયા. હવે તો મુશ્કેરાટ બાંધીને જ બાકીનો પ્રવાસ કરવાનો થયો. 20-7-1910ના રોજ જહાજ મુંબઈ પહોંચ્યું. સેંકડોની ભીડ તેમને જોવા ઊમટી પડી. પોલીસે તેમને યરવડા જેલ મોકલી દીધા. ત્યાંથી ડોંગરી જેલમાં મોકલ્યા. અહીં નાનાભાઈ નારાયણને મળવાનું થયું. બન્ને ભાઈઓ રામ-ભરતની માફક મળ્યા, ભેટ્યા.
કેસ પૂરો થયો. વિનાયકને આજીવન કેદની સજા થઈ. અને બધી સંપત્તિ જપ્ત કરી લેવાનો હુકમ થયો. આ કેસ માત્ર એક જ અઠવાડિયામાં પૂરો કરી દેવાયો. તેમને કેદીનાં કપડાં પહેરાવ્યાં. ગળામાં એક લટકતો બિલ્લો પહેરાવ્યો. અને ત્યાંથી થાણા મોકલી દેવાયા. વાંચવા માટે માત્ર બાઇબલ જ અપાયું. બીજું કાંઈ નહિ. તેમને માનસિક ત્રાસ આપવા માટે તેમની કોટડી ઉપર ખૂંખાર મુસ્લિમ કેદીઓને પહેરો ભરવા મૂક્યા જે બધી રીતે વિનાયકને સતાવતા રહેતા. જેલમાં એક શિક્ષિત વોર્ડન પણ હતો જે સાવરકરથી અખબારોના સમાચારો દ્વારા પરિચિત હતો. તેણે તેમને બહુ મદદ કરી. નારાયણે આ વોર્ડનના હાથે ચિઠ્ઠી મોકલી. બન્ને ભાઈઓમાં આ રીતે ચિઠ્ઠીઓની આપલે ચાલવા લાગી. પણ થોડા જ સમયમાં નારાયણને બીજી જેલમાં મોકલી દેવાયો.
ત્યારે ભારતની તળ ભૂમિથી લગભગ બે હજાર કિ.મી. દૂર આંદામાન—નિકોબારના ટાપુઓ હતા. તેમાં ગાઢ જંગલો તો હતાં પણ વસ્તીમાં જંગલી જારવાજાતિના માણસો જ રહેતા હતા. (વાંચો “રાષ્ટ્રિય તીર્થ આંદામાન”.) આ ટાપુઓનો અંગ્રેજોએ કબજો કર્યો હતો. તેનો ઉપયોગ ખતરનાક કેદીઓની તળભૂમિથી દૂર આ ટાપુ ઉપર જેલમાં વિતાવવા માટે કરવાનો શરૂ કર્યો હતો. ત્યાંના સમુદ્રનું પાણી કાળા રંગનું હોવાથી લોકો તેને કાળા પાણીની સજા કહેતા. અહીં આવેલો કેદી કદી પણ ભાગી શકતો નહિ. સમુદ્રમાં ભાગે તો ડૂબીને મરી જાય અને જંગલમાં ભાગે તો નરભક્ષી જારવા તેને ફાડી ખાય. કેદીઓ બધી રીતે સુરક્ષિત હતા. તેથી અંગ્રેજોએ એક સાત પાંખડવાવાળી બહુ મોટી જેલ બનાવી હતી. જેને “સેલ્યુલર જેલ” કહેવાતી. સાવરકર જેવા બીજા કેટલાય કેદીઓને લઈને જહાજ 4-6-1911ના દિવસે આંદામાન પહોંચ્યું. ત્યારે જેલના સુપરિન્ટેન્ડેન્ટ મિ. બારી નામના કઠોર જલ્લાદ જેવા આયરિશ નાગરિક હતા. તેમની ભારે ધાક હતી. કોઈ કેદી ચું-ચાં ન કરી શકે. સાવરકરને સેલ્યુલર જેલની સાત નંબરની કોટડીમાં પૂરી દેવાયા. હું જ્યારે આંદામાન ગયો હતો ત્યારે સાત નંબરની કોટડીની મુલાકાત લીધી હતી. હવે તો આ જેલ ખાલી પડી છે. ઘણો ભાગ તૂટી પણ ગયો છે. 7 નંબરની કોટડીમાં હું પ્રાર્થના કરવા માંડ દશ મિનિટ જ રોકાઈ શક્યો હતો, તે ભયંકર ગરમીવાળી કોટડી હતી. તરત જ બહાર નીકળી જવાનું મન થાય. આ કાળકોટડીમાં સાવરકરને દશ વર્ષ સુધી એકાકી ગોંધાઈ રહેવાનું હતું. કેમ કરીને એ દિવસો પસાર થયા હશે? કોઈએ કદી વિચાર કર્યો? કોટડીના દરવાજે બે પઠાણ ખૂંખારોને પહેરો ભરવા મૂકી દીધા.
જેલમાં સાવરકર પાસે સખત મજૂરી કરાવવામાં આવતી. નાળિયેરનાં છોતરાં કૂટવાનું કામ અને પછી તેલની ઘાણી ચલાવવાનું કામ કરાવવામાં આવતું. જે ઘાણી બળદથી ચાલતી તેને માણસ ચલાવતો અને 30 રતલ તેલ તો કાઢવું જ પડતું. જો ઘાણી ફેરવવામાં ઢીલાશ થાય તો ચાબુકથી ફટકારવામાં આવે. આવા ત્રાસથી કંટાળીને ઇન્દ્રભૂષણ નામના એક કેદીએ આત્મહત્યા કરી લીધી હતી. હાશ, છૂટ્યા જીવનથી!
સાવરકરને દમનો રોગ લાગુ પડ્યો. કામ ઘણું, ખોરાક પોષણ વિનાનો અને એકાકીપણું. એક કાળકોટડીમાં ટૂંટિયું મારીને ચોવીસ કલાક બેસી રહેવું પડે. આ જ મોટી સજા કહેવાય. ગરમી, મચ્છર, માંકડ, જંતુઓનો પાર નહિ. એક ટમલર પાણી મળે. જે કરવું હોય તે કરો. સંડાસ-પેશાબ કોટડીમાં જ કરવાનો. ઉપરનું નરક આ જેલમાં આવી ગયું હતું. અધૂરામાં પૂરું મિ. બારી અને બીજા અધિકારીઓ જ્યારે તપાસમાં નીકળે ત્યારે ગંદી ગંદી ગાળો સંભળાવતા રહે. મોટા ભાગના કેદીઓ અભણ અને ખૂન જેવા અપરાધ કરનારા હતા, જ્યારે સાવરકર તો બૅરિસ્ટર હતા. કેવી રીતે મેળ જામે? જેલમાં મુસ્લિમકેદીઓ વધારે હતા. તેઓ આક્રામક રહેતા અને ઉર્દૂનો પક્ષ લેતા. બાકીના હિન્દીનો પક્ષ લેતા. મુસ્લિમકેદીઓ પુસ્તકાલયમાં ઉર્દૂનાં જ પુસ્તકો વસાવવાનો આગ્રહ રાખતા. તેથી કોઈ કોઈ વાર ગરમાગરમી પણ થઈ જતી. કેદીઓમાં બે વિભાગ હતા. સામાન્ય અપરાધીઓ અને રાજકીય અપરાધીઓ. રાજકીય કેદીઓને વધુ ત્રાસ આપવામાં આવતો. કારણ કે તે અંગ્રેજ સત્તા માટે મોટો પડકાર રૂપ હતા.
જેલના અમાનુષી ત્રાસથી કંટાળીને બધા કેદીઓએ ભૂખહડતાલ પાડી. બારીએ હડતાલની જવાબદારી સાવરકર ઉપર નાખી. જેલમાં કેદીઓને વિશ્વથી તદ્દન અલગ રાખવામાં આવતા. વર્ષમાં એક જ વાર પત્ર લખવાની કે પત્ર મેળવવાની છૂટ રહેતી. તેથી જ્યારે ભારતથી કોઈ સ્ટીમર આવે અને ટપાલ લાવે ત્યારે સમાચાર જાણવાની કેદીઓને ભારે ઉત્સુકતા રહેતી. ટપાલ પણ કેટલા ગળણે ગળાઈને આવતી. રાજકીય સમાચારો લખાતા નહિ.
એક વાર ભારતથી એક રાજકીય કેદી હોતીલાલ નામનો આવ્યો. તે બહુ હોશિયાર અને માથાભારે નીકળ્યો. તેણે અહીં થતા અત્યાચારોની વિગત લાંબા પત્રમાં લખીને જેમતેમ કરીને કલકત્તા સુરેન્દ્રનાથ બેનરજીને મોકલી દીધી. બેનરજીએ “ધી બંગાળી”માં તેને બહુ જ પ્રસિદ્ધિ આપી. હાહાકાર થઈ ગયો. સરકારે તપાસ કરવા અધિકારીઓ મોકલ્યા. તેમણે બધાને ખખડાવ્યા. મિ. બારી સ્તબ્ધ થઈ ગયો. આવા સમાચાર મોકલ્યા કોણે? તપાસ શરૂ કરી, હોતીલાલ, સાવરકર વગેરેને ખૂબ ધમકાવ્યા.
જેલમાં હિન્દુકેદીઓ માટે એક મુસીબત શરૂ થઈ હતી. વોર્ડના તથા બીજા કર્મચારીઓ મોટા ભાગે પઠાણો હતા. બધાને જે ભોજન મળતું તે પૂરતું નહોતું. તેમાં પણ હિન્દુકેદીના ભોજનને પઠાણો જાણીકરીને અડી જતા જેથી અભડાઈ ગયેલા ભોજનને હિન્દુઓ ત્યજી દેતા. જે પઠાણોના કામમાં આવતું, આ રીતે હિન્દુકેદીઓ ભૂખ્યા રહી જતા. સંકુચિત ધર્મવ્યવસ્થાથી હિન્દુઓ વાતવાતમાં અભડાઈ જતા, જેણે આવી વ્યવસ્થા ધર્મના નામે પ્રજા ઉપર ઠોકી દીધી છે તેણે હિન્દુઓને પારાવાર હાનિ પહોંચાડી છે. પહોંચાડી રહ્યા છે. પણ નવાઈ તો જુઓ કે આવા અભડાઈ જનારા ગુરુઓ ત્યારે અને અત્યારે પણ તાગડધિન્ના કરે છે. પ્રજા તેમના પગ ધોઈને પાણી પીએ છે. તેમનો એઠવાડ ખાય છે. ધિક્કાર છે આ આભડછેટિયા ગુરુઓને જેમણે ધર્મનો અને પ્રજાનો સત્યાનાશ કરી દીધો. ગુરુ ગોવિંદસિંહજીએ આ આભડછેટને છોડાવી. મોગલોની દેગોમાં કિરપાણ ફેરવો અને બોલો “સત શ્રી અકાલ” લ્યો હવે જમવાનું શુદ્ધ થઈ ગયું. જમી લ્યો. આપણે તો જે જેટલા વધુ અભડાય તે તેટલો જ વધુ પવિત્ર ગણાય તેવી વ્યવસ્થા કરી હતી.
સાવરકરે હિન્દુ કેદીઓને જગાડ્યા. અને કહ્યું કે આવું અડકવામાત્રથી ભોજન અભડાતું નથી, “ઓમ નમ: શિવાય” બોલો તો તે શુદ્ધ થઈ જશે. ઊલટાનું તમે મુસલમાનના ભોજનને અડકીને “ઓમ નમ: શિવાય” બોલો અને કહો કે જો આ ભોજન તમે ખાશો તો હિન્દુ થઈ જશો. હિન્દુ કેદીઓને રસ્તો મળ્યો. હિન્દુ ધર્મનો ઇતિહાસ જો જો, જ્યારે જ્યારે કોઈ રસ્તો અવરોધાયો છે ત્યારે ત્યારે કોઈ સામાન્ય માણસે જ તેને મુક્ત કર્યો છે. ગાદીપતિ ગુરુઓ કદી આગળ આવ્યા જાણ્યા નથી. તે તો ક્રાન્તિથી જ અભડાઈ જનારા સાબિત થતા રહ્યા છે. આમાંથી દેશ માટે કોણ જેલમાં ગયું? અને કોણ ફાંસીએ ચઢ્યો? કોઈ નહિ.
આ જ જેલમાં સાવરકરના મોટા ભાઈ ગણેશ પણ હતા, પણ વર્ષો સુધી એકબીજાને ખબર સુધ્ધાં ન પડી કે મારો ભાઈ પણ અહીં છે. એક વાર માત્ર એકબીજાને જોઈ જ શક્યા. વાત પણ ન કરી શક્યા. એટલી કડક વ્યવસ્થા હતી.
એક વાર પંજાબના રાજકીય કેદી માનસિંહને જેલના અધિકારીઓ સાથે ઝઘડો થયો. મારામારી પણ થઈ. બારીએ દશ માણસોની ગેંગ બનાવીને માનસિંહને મારી મારીને અધમૂઓ કરી દીધો. માનસિંહ પણ મરણિયો થયો હતો. તે પણ છેક સુધી પૂરેપૂરો ઝઝૂમ્યો. તેને હૉસ્પિટલમાં ભરતી કરાવ્યો પણ તે લાંબું જીવી શક્યો નહિ. તેનું મૃત્યુ થઈ ગયું. કેદીઓએ હડતાલ પાડી. બધા ભૂખહડતાલ ઉપર ઊતરી ગયા. છેવટે જેલવાળાએ નમતું જોખવું પડ્યું. ઘણી કઠોરતા દૂર કરાઈ. આ ભૂખહડતાલમાં પંજાબના સરદાર સોહનસિંહ અને સરદાર પૃથ્વીસિંહે કમાલ કરી હતી.
હવે પાંચ વર્ષે એક વાર પરિવારના માણસો પોતાના સ્વજન કેદીઓને મળવા અહીં આવી શકતા હતા. તે પ્રમાણે નારાયણ, વિનાયક સાવરકરનાં પત્ની અને ભાભીને લઈને આંદામાન આવ્યાં. પણ મોટા ભાઈ ગણેશની પત્ની યશોદા ન હતી. જ્યારે જાણ્યું કે તે સ્વર્ગવાસી થયાં છે ત્યારે સાવરકર ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. “આ મારી બીજી માતા હતી” ગણેશ પણ આ જ જેલમાં હતા. કેવી સ્થિતિ થઈ હશે, કેમ કરીને જીવન જિવાયું હશે? કોઈને કશી ખબર છે? મિ. બારી રિટાયર્ડ થયા પણ પોતાના વતન પહોંચે તે પહેલાં જ રસ્તામાં તેમનું મૃત્યુ થઈ ગયું. એક રીતે તેમણે કાળા પાણીની સજા જ ભોગવી હતી. ઘર ન જોઈ શક્યા.
1920માં બાળગંગાધર તિલકનું અવસાન થઈ ગયું. સાવરકરે જેલમાં જ શોકસભા કરી, ત્યારે આઝાદીની લડતનું પૂરું સુકાન તિલકજીના હાથમાં હતું. બહુ મોટી ખોટ પડી ગઈ. જેને પાછળથી ગાંધીજીએ પૂરી કરી.
સાવરકરને 50 વર્ષ જેલમાં રહેવાનું હતું. હજી દશ જ વર્ષ થયાં હતાં. ત્યાં સમાચાર મળ્યા કે હવે તેમને, ગણેશને અને બીજા કેદીઓને ભારત લઈ જવામાં આવશે. અંતે તે બધા જહાજમાં સવાર થયા. આંદામાનમાં રહેનારા ઘણા કેદીઓ યાતનાના કારણે મગજનું સંતુલન ખોઈ બેસતા. આવા કેટલાય પાગલ કેદીઓ પણ જહાજમાં હતા. ભારે અગવડ અને ત્રાસ સહન કરીને પાંચમા દિવસે જહાજ ભારતની સીમામાં પ્રવેશ્યું. સૌએ “ભારત માતાકી જય”નો નાદ ગજવ્યો. બધા મુંબઈ ઊતર્યા અને અલીપુરની જેલમાં ધકેલાઈ ગયા. બન્ને ભાઈઓને આઠ દિવસ અલીપુરની જેલમાં રાખીને જુદા કરાયા. વિનાયકને મુંબઈ લાવવા માટે ટ્રેન રવાના થઈ. લોકોને ખબર પડી ગઈ. બધા સ્ટેશનોએ માનવમહેરામણ ઊભરાયો. નાસિકની તો વાત જ શી કરવી? ત્યાં તો ભીડ ઉપર લાઠીચાર્જ પણ કરવો પડ્યો.
મુંબઈથી વિનાયકને રત્નાગીરી લઈ જવાયા. પ્રબળ લોકમાનસને ધ્યાનમાં રાખીને કેટલીક શરતો સાથે વિનાયક સાવરકરને જેલમાંથી મુક્તિ આપવામાં આવી. વીર સાવરકરની જેલમુક્તિથી પૂરો દેશ હેલીએ ચઢ્યો. જયજયકાર થઈ ગયો. તેઓ રત્નાગીરી ગયા અને “હિન્દુ મહાસભા”ની સ્થાપના કરી. ગમેતેમ કરીને હિન્દુપ્રજાને બળવાન અને એકત્ર કરી સંગઠિત કરવાનો પ્રયત્ન હતો. ત્યારે રત્નાગીરીમાં પ્લેગ ફાટી નીકળ્યો હતો તેથી તે કામમાં રોકાઈ ગયા. તેમણે જોયું કે હિન્દુઓની ખરી બીમારી તેમની કમજોરી છે અને કમજોરી ધાર્મિક-સામાજિક અવ્યવસ્થાથી છે. એટલે તેઓ આ બન્ને કાર્યોમાં લાગી ગયા. હિન્દુઓ સંગઠિત થઈને બળવાન બને તે કેટલાક લોકોને ગમતું નહિ. તેથી ચકમક ઝરતી રહી. વર્ષો સુધી હિન્દુઓ ઉપર રાજ કરનારા મુસ્લિમો, હિન્દુઓને નામર્દ સમજતા હતા. તેઓ રાજ કરવાને લાયક જ નથી તેથી અહિંસાનું આંદોલન જ તેમના માટે યોગ્ય છે. અંગ્રેજોના ગયા પછી રાજ તો અમારે જ કરવાનું થશે. આ બાયલી પ્રજા રાજ ન કરી શકે તેવી ધારણા હતી. વીર સાવરકર આ તથા કથિત બાયલી પ્રજાને બહાદુર બનાવવા માગતા હતા. તેમણે અસ્પૃશ્યતા નિવારણનું આંદોલન ચલાવ્યું. બાળકોને જુદાં બેસાડતાં, તેમણે બધાને સાથે બેસતાં કર્યાં. તેમણે ઘણા દલિતોનું પુનરાવર્તન કરાવ્યું. અર્થાત્ ફરી પાછા હિન્દુ બનાવ્યા.
1937માં અમદાવાદમાં “હિન્દુ મહાસભા”નું અધિવેશન ભરાયું જેમાં અધ્યક્ષસ્થાને વીર સાવરકર હતા. જોતજોતામાં હિન્દુ મહાસભાનો પ્રચાર વધવા લાગ્યો. ગાંધીજીના વિચારોથી તેમના વિચારો જુદા. ગાંધીજી હિન્દુઓના હિતના ભોગે પણ મુસ્લિમોનું તુષ્ટિકરણ કરતા હતા. જે વીર સાવરકરજીને માન્ય ન હતું. કોઈ પણ લોકશાહી પક્ષ રાષ્ટ્રમાં અનેક રાજકીય પક્ષો હોય અને સૌ સૌની વિચારધારા અલગ અલગ હોય તે તે હોવાનું જ. આનું નામ તો લોકશાહી કહેવાય.
અંતે 15-8-1947ના રોજ દેશ આઝાદ થયો. પણ બે ટુકડા થઈ ગયા. સાવરકરજીને આ ન ગમ્યું. પણ તે થઈ જ ગયું. દેશમાં ભારે હુલ્લડો થયાં, હજારો નહિ લાખો માણસોની કતલ થઈ. અત્યાચારની કોઈ સીમા ન રહી. હિન્દુઓ સમસમી રહ્યા હતા. તેવામાં એક ઘટના ઘટી. પાકિસ્તાને 65 કરોડ રૂપિયાની માગણી કરી જે આપવા ગાંધીજીએ દબાણ કર્યું. પં. નેહરુ અને સરદાર સાહેબ આ રકમ તત્કાલ આપવાના વિરોધી હતા. ઘણી રકઝક થઈ. અંતે તત્કાલ રકમ આપવા માટે દબાણ કરવા ગાંધીજી ઉપવાસ ઉપર ઊતર્યા. જો આ રકમ આપવામાં આવે તો પાકિસ્તાન તેનાં શસ્ત્રો લાવવાનું હતું. તેનો તો નારો હતો કે “હસકે લિયા પાકિસ્તાન અબ લડકે લેંગે હિન્દુસ્તાન” તે પ્રથમથી જ પૂરા હિન્દુસ્તાન ઉપર સત્તા જમાવવા માગતું હતું. તે શસ્ત્રવાદી પ્રજા હતી. આ બાજુ ગાંધીજી અહિંસાવાદીના ચુસ્ત હિમાયતી હતા. અહિંસાથી ના તો દેશ ચલાવી શકાય ના તો સીમાડાની રક્ષા કરી શકાય. અહિંસાથી બહુ બહુ તો આંદોલનો ચલાવી શકાય. તે પણ માત્ર અંગ્રેજો સામે જ. બીજા સામે નહિ.
ગાંધીજીના વલણથી પૂરો દેશ સ્તબ્ધ હતો. હિન્દુપ્રજા કકળી ઊઠી હતી. રોજ ટ્રેનો ભરીભરીને પાકિસ્તાનથી મડદાં આવતાં હતાં. જાન બચાવીને જેમતેમ કરીને ભાગી આવેલા હિન્દુઓ પોતાની આપવીતી રડી રડીને સંભળાવતા હતા. ઘણાની બહેન-દીકરીઓ-વહુઓ ઉપર બળાત્કારો થયા હતા. એવામાં નાથુરામ ગોડસે નામના માણસે ગાંધીજીની હત્યા કરી નાખી. સર્વત્ર હાહાકાર થઈ ગયો. સરકારે કટ્ટર હિન્દુવાદી તત્ત્વોને પકડી પકડીને જેલમાં પૂરી દીધાં. જેમાં વીર સાવરકરની પણ ધરપકડ થઈ. કાળાપાણીથી માંડ છૂટ્યા હતા ત્યાં ફરીથી કાળાપાણીથી પણ મોટી કલંકપાણીની જેલમાં જવું પડ્યું. અત્યાર સુધી વિદેશીઓની હત્યા કરવાના કેસ હતા હવે તો દેશી અને તે પણ દેશના સર્વોચ્ચ નેતા ગાંધીજીની હત્યા કરવાનો કેસ હતો. આ કલંક જ હતું. ગાંધીજીની હત્યામાં વીર સાવરકર પણ સંમિલિત છે તેવા પ્રચારથી અમુક લોકો ઉશ્કેરાયા અને નારાયણ સાવરકર(નાના ભાઈ)ની ખૂબ મારપીટ કરી. છેવટે તેમનું 19-10-1949ના રોજ અવસાન થઈ ગયું.
કોર્ટમાં કેસ ચાલ્યો. વીર સાવરકરજીને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા. 1949માં કલકત્તામાં હિન્દુ મહાસભાનું અધિવેશન ભરાયું. તેમાં સાવરકરજી પધાર્યા હતા. બંગાળ નિરાશ્રિતોથી છવાઈ ગયેલો પ્રદેશ બની ગયો હતો. બન્ને તરફ હિન્દુઓ માર ખાતા હતા તેવી સ્થિતિમાં સાવરકરજી બહુ દુ:ખી હતા. પં. નેહરુજી પ્રધાનમંત્રી હતા. તેમણે હિન્દુવાદી ઘણા નેતાઓની ધરપકડ કરાવવા માંડી. જેમાં સાવરકરજીની પણ ધરપકડ કરવામાં આવી. તેમને બેલગામની જેલમાં મોકલી દેવાયા. હાઈકોર્ટે તેમને જામીન ઉપર છોડ્યા હતા. સાવરકરજીનું જીવન જેલમય થઈ ગયું હતું. જેલ જવું, છૂટવું, પાછા જેલ જવું. પહેલાં અંગ્રેજો જેલ મોકલતા હવે દેશી શાસકો તેમને જેલ મોકલતા રહ્યા. તેમની તબિયત લથડવા માંડી. તેઓ હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાના કામે લાગી ગયા. ગાંધીજી હિન્દુસ્તાનીને રાષ્ટ્રભાષા બનાવવા માગતા હતા. હિન્દુસ્તાની એટલે નાગરી લિપિમાં ઉર્દૂ સંસ્કૃતની જગ્યાએ ઘણા શબ્દો ઉર્દૂના જ વપરાતા.
સાવરકરજીનાં પત્ની યમુનાબાઈ બીમાર પડ્યાં. આ મહાન સ્ત્રીએ કદી સુખ ભોગવ્યું જ નહિ, તે તો પહેલા દિવસથી પતિસુખથી તો વંચિત હતી, કારણ કે પતિ જ્યારે જુઓ ત્યારે જેલમાં જ હોય. ધનથી પણ દુ:ખી હતી. કારણ કે ત્રણે ભાઈઓ જેલમાં હતા તેથી કોઈ કમાનાર નહિ, સરકારે સંપત્તિ જપ્ત કરી દીધી હતી. શું શું નહિ વીત્યું હોય આ પરિવાર અને યમુનાબાઈ ઉપર! અંતે આ મહાન સન્નારીએ કાયમ કાયમ માટે આંખ મીંચી દીધી. સાવરકરજી ભાંગી પડ્યા. મૂંગી પત્ની પણ કેટલી મહાન હોય છે તેનું ઉદાહરણ યમુનાબાઈ હતું.
1964માં શ્રી લાલબહાદુર શાસ્ત્રીજી દેશના પ્રધાનમંત્રી બન્યા. તેમણે સાવરકરજી ઉપરના બધા આક્ષેપો પાછા ખેંચી લીધા અને તેમની આજીવિકા માટે પેન્શન બાંધી આપ્યું. ભલે વિચાર જુદા હતા પણ લડ્યા તો હતા દેશ માટે જ ને? આબિદઅલી નામના મુસ્લિમ નેતાએ વિરોધ કર્યો. પણ શાસ્ત્રીજી મક્કમ રહ્યા.
26-2-1966ના રોજ સાવરકરજીએ પણ આંખો મીંચી દીધી. આ દેશમાં રાષ્ટ્રભક્તોને સાંપ્રદાયિક કહીને વગોવવાની ફૅશન ચાલી નીકળી છે. અને જે ખરેખર સાંપ્રદાયિક છે તે બધા સેક્યુલર થઈ ગયા છે. સત્ય અને ન્યાય ધડાવાળાં ત્રાજવાંથી ના તોળાય પણ આવું જ થઈ રહ્યું છે. વીર સાવરકરજીને શું મળ્યું? દેશે શું આપ્યું? અરે, ખુદ હિન્દુપ્રજાએ શું આપ્યું? કોઈ લેખાંજોખાં માંડશે?
સાવરકરની પહેલી પત્ની કાંસાબાઈ વિશે લખો , કેમ એણે સાવરકરને છોડીને સાવરકરના મિત્ર જોડે ઘર માંડ્યું ? સાવરકરને લંડનની જેલમાં ક્યા આરોપમાં નાંખ્યો હતો ? એ બધું પણ લખો સાવરકરના ઘણા કાળા ચિઠ્ઠા બહાર આવે એવું છે, સાવરકરના માફીનામા વિશે લખો , સાવરકરના અલ્પસંખ્યક સ્ત્રીઓ પર બળાત્કાર વિશેના ખ્યાલો વિશે લખો , સમાજ આણી વિજ્ઞાન પુસ્તકમાં સાવરકરે ગાયને કાપીને ખાઈ શકાય છે એવું પણ લખ્યું છે એ વિશે પણ લખો .
સાચે જ જેણે કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર દેશની સેવામાં જીવન સમર્પિત કર્યું અને હિન્દુ ધર્મ ની સેવા કરી તેને ઉપેક્ષા જ મળી.