કર્તવ્ય કથા રામાયણ – ઊંઝા આશ્રમ
Side A –
– આજે જયારે રામચરિત માણસની કથાઓ થાય છે અને વાલ્મીકી રામાયણ લગભગ ભૂલવા માંડ્યું છે ત્યારે આ વાલ્મીકી કથાનો હેતુ શું છે? મુખ્ય હેતુ એટલો છે કે બંને વચ્ચે લગભગ 2000 વર્ષનું અંતર વીત્યું એ સમય દરમ્યાન રામાયણની કથાએ કેવાં કેવાં રૂપ ધારણ કર્યા, કેવાં વણાંકો લીધાં અને બધું ક્યાંથી ક્યાં પહોંચી ગયું, એ લોકો સમજી શકે એટલા માટે. રામાયણની કથામાં ડગલે અને પગલે કર્તવ્યની પ્રધાનતા છે. @3.03min. પ્રજા ક્યારે મહાન બની શકે? જ્યારે એને વારંવાર કર્તવ્ય સમજાવવામાં આવે ત્યારે. આટ-આટલી કથાઓ કર્યા પછી પણ પ્રજા મહાન કેમ નથી બનતી? આનો ઉત્તર જોઈતો હોય તો કથાના ચાર રૂપ સાંભળો. કર્તવ્ય કથા, વૈરાગ્ય કથા, વ્યક્તિ કથા અને તુક્કા કથા. આજે આ ચાર કથાઓમાંથી કઈ કથાઓ થઇ રહી છે? એનો નિર્ણય તમારે કરવાનો છે.
કર્તવ્ય કથા – કર્તવ્ય એજ સાધના, એજ આરાધના, એજ ઉપાસના આ ઋષિ યુગ છે. ઈશ્વર તમારી સાથે છે પણ ઈશ્વરના દર્શન કર્તવ્યના માધ્યમથી તમને થાય છે. કર્તવ્ય કથાઓ ન્યૂન થઇ ગઈ પછી વૈરાગ્ય કથા આવી, એણે શરીર પ્રત્યે ઘ્રણા કરાવી તે સાંભળો. શરીરમાં રાગ કરવા જેવો નથી અને સ્ત્રી તો નરકની ખાણ છે, મોહ પમાડનારી છે. અહિયાં કોઈ કોઈનું સગું નથી, આ બધાને છોડો આ વૈરાગ્ય કથા છે. વૈરાગ્યનું પરિણામ ત્યાગ છે. દેશ પુરુષાર્થીઓથી ઉંચો આવતો હોય છે. વૈરાગ્યની કથાનું પ્રમાણ સતત વધારી દેવામાં આવે તો તમે ત્યાગીઓ તો પેદા કરી શકો પણ સિકંદર, નેપોલિયન જેવા સાહસિક માણસો પેદા ન કરી શકો પણ મડદા જેવા માણસો પેદા કરી શકો. વૈરાગ્યની જીવનમાં જરૂર છે પણ તે કર્તવ્ય કરવા માટે, કર્તવ્ય છોડાવવા માટે નહિ. @7.55min. જો વૈરાગ્ય કર્તવ્યને છોડાવે તો વૈરાગ્ય વિષાદ બની જાય (ગીતા). આ વૈરાગ્યમાં કર્તવ્ય ભ્રષ્ટતા છે. તમારો લશ્કરનો વડો ચાઈના- પાકિસ્તાન સાથે યુદ્ધ ફાટી નીકળે અને એજ વખતે એને વૈરાગ્ય થઇ જાય અને કહે કે મારે આ હિંસા નથી કરવી અને મારું રાજીનામું લઇલો, હું હિમાલયમાં જઈશ અને આત્માનું કલ્યાણ કરીશ તો આ 30 વર્ષથી પગાર ખાતા સેનાપતિને શું કહેશો? આ વૈરાગ્ય નો પ્રજાનું નિકંદન કાઢી નાખશે. ત્રીજી વ્યક્તિ કથા, જે વ્યક્તિ હાજર હોય, બેઠો હોય તેમનો જયજયકાર કરવામાં કથાઓ થતી હોય. કોઈ મહાત્માની મરણ તિથી આવે અને એ તિથી પૂરતા આપણે એની મહિમા ગાઈએ એ બરાબર છે, પણ એ મહાત્મા જીવતા હોય, હાજર હોય અને એમનીજ રૂબરૂ એમનાજ ગુણ ગાવાની કથા કરવામાં આવે એને વ્યક્તિ કથા કહેવાય. એના પરિણામે દેશ ઊંચો ન આવે પણ દેશ વ્યક્તિ પૂજક બને. ભગવાનની જગ્યાએ એમનોજ ફોટો હોય અને એમનાજ ચમત્કારોની કથા હોય એનું નામ છે વ્યક્તિ કથા. @13.44min. ચોથી તુક્કા કથા છે. કથા તુક્કાઓથીજ શરુ થાય છે. ડોસીની સોયના નાકામાંથી ઊંટ નીકળી જાય એ તુક્કા કથા છે. તુક્કા કથાઓથી અંધશ્રધ્ધાળુઓ પેદા થતા હોય છે અને એના દ્વારા પ્રજાનું વધારે અકલ્યાણ થતું હોય છે. @15.22min.અહિંયા વાલ્મીકી રામાયણ છે, એમાં આદિથી અંત સુધી કર્તવ્ય કથા છે. અહિયાં રામ સવાર-સાંજ સંધ્યા કરે છે, આખો દિવસ કર્તવ્ય કરે છે અને બીજાને કર્તવ્ય કરવાનું કહે છે, કોઈ બાવાઓની જમાત લઈને ફરતા નથી. સીતા ગઈ તો મૂઈ ગઈ, આપણે બીજી, એવું કહેતા નથી. ગોરખનાથ – મછંદરનાથનું ઉદાહરણ. અમારા આશ્રમોમાં પણ ગોરખધંધા થતા હોય છે, તે સાંભળો. મિલકત-સોનાની ઈંટ સાચવવી એ કર્તવ્ય છે એમાંથી ઘણા લોક-કલ્યાણના કામો થઇ શકે. @19.07min. અર્જુન કહે છે, હું યુદ્ધ નહિ કરું, કૃષ્ણ કહે છે તારે યુદ્ધ કરવું પડશે. ખરી લડાઈ કૌરવો-પાંડવોની નથી, પરંતુ કૃષ્ણ અને અર્જુનની વૈચારિક લડાઈ છે. કૃષ્ણ એને કર્તવ્ય પ્રધાન જીવન બતાવે છે. પહેલાંના જમાનાની છત્રીસ પાટીદારોની છત્રીસ વડની કથા સાંભળો. છત્રીસ પાટીદારોએ દિક્ષા લઇ લીધી પછી શું થયું તે સાંભળો. ભગવદ ગીતા અને રામાયણ કર્તવ્યને મહત્વ આપે છે, તમારી ડ્યુટી એજ તમારી ઉપાસના છે, એના માધ્યમથીજ ભગવાનને ઓળખવાનો છે. ડાહયા માણસો ભૂલોમાંથી બોધપાઠ લેતા હોય છે, મૂર્ખાઓ દોષ એકબીજાના ઉપર ઠાલવે છે. @24.03min. રામ અને લક્ષ્મણનું સીતાને શોધવું એ કર્તવ્ય છે. રામાયણમાં રાજનીતિ અને ધર્મનીતિ છે. ધર્મનો અર્થ ન્યાય છે, સત્ય અને ન્યાય એકજ શબ્દ છે. આમ ધર્મ, ન્યાય, સત્ય એકબીજાના પર્યાય છે. તમારી વ્યાખ્યાના દ્વારા જો લોકોને અન્યાય થતો હોય તો તમે અધર્મની વ્યાખ્યા કરી રહ્યા છો. નીતિનો અર્થ, બીજાની લુચ્ચાઈ, ચતુરાઈથી બચવા માટેની કુશળતા એનું નામ નીતિ છે. શિવાજીનું દ્રષ્ટાંત – ઔરંગઝેબની જેલમાંથી કેવી રીતે ભાગી છૂટ્યા તે સાંભળો. “લાખ મરજો પણ લાખોના તારણહારને મરવા ન દેશો” શિવજીએ મોગલોને જંપીને બેસવા ન દીધા. @31.15min. નીતિ વિશે વધુ સમજણ. શબરીએ રામને સુગ્રીવ સાથે મૈત્રી કરવાની સલાહ આપી. ઈંગ્લેન્ડનું બીજા વિશ્વયુદ્ધનું ઉદાહરણ. વાલીને રામે કેવી રીતે માર્યો તે સાંભળો. @39.29min. રામનો બચાવ સાંભળો. “अनुज बधू भगिनी सूत नारि सुनु सठ कन्या समये चारी, इन्ही कुदष्टि बिलोकित जेहि, ताहि बढे कछु पाप न होय” ચાર સ્ત્રીઓની ઉપર કુદ્રષ્ટિ કરે તીને મારવામાં પાપ ન લાગે. પોતાના ભાઈની પત્ની, પુત્રવધુ, બહેન અને દીકરી. એક ગામની છોકરી કેમ ડૂબી મારી તે સાંભળો. બાપ મરે તો માં છોકરાંને ઉછેરીને મોટા કરે પણ માં મરે તો બાપની તાકાત નથી કે છોકરાં ઉછેરીને મોટા કરી શકે. @43.37min. એક ભાગીને આશ્રમમાં રહેવા આવેલી બહેનની વાત સાંભળો. સંયુક્ત કુટુંબમાં કોઈ સસરો હેરાન કરતો હોય તો કોઈ જેઠ તો કોઈ દિયર, કેટલા પ્રશ્નો છે? તારાએ રામને ગાળો દીધી, મરતી વખતે વાલીએ શું કહ્યું તે સાંભળો.
Leave A Comment