[ અસંખ્ય સંપ્રદાયો, પંથો, પરિવારો અને મંડળોમાં વહેંચાયેલી પ્રજા ઈશ્વરની જગ્યાએ કોઈ વ્યક્તિની પૂજા કરે છે અને ધર્મની જગ્યાએ ધર્માભાસનું સેવન કરે છે. પ્રજાને જરૂર છે ઈશ્વરના એકીકરણની. હજારો દેવી દેવતા અને ઈશ્વરોમાં જ નહિ પણ વ્યક્તિપૂજામાં વહેચાયેલી ગુમરાહ પ્રજાને એકેશ્વરનિષ્ઠામાં સ્થિર કરવાની જરૂર છે. પ્રજાને જરૂર છે સમાનતા અને સમતા આપનારા માનવતાવાદી ધર્મની.  હવે તો નિષ્ક્રિયતાને ખંખેરીને સૌ કોઈ પોતાના જ ભવિષ્યને સુધારવાના કામે લાગે. – સ્વામી સચ્ચિદાનંદ

‘હવે તો જાગીએ’ પુસ્તકની ભૂમિકા માંથી. ]

 

ગુરુ થયા પછી ભગવાન થવું સરળ છે

સંપ્રદાયો પછી પ્રજાને વિભાજીત કરવાનું કામ નવી પરિસ્થિતિમાં જુદાં જુદાં પરિવારો તથા મંડળો વગેરે કરી રહ્યાં છે. આવા પરિવારો, પ્રજાની આવશ્યકતાના કારણે ઉત્પન્ન નથી થતા, પણ કોઈ એક શક્તિશાળી વ્યક્તિની આસપાસ એકાદ નાનું ટોળું ઉત્પન્ન થાય છે. આ નાનું ટોળું ધર્મને કે પરમેશ્વરને સમર્પિત થવાની જગ્યાએ, મોટા ભાગે પેલી શક્તિશાળી વ્યક્તિને સમર્પિત થતું હોય છે. ટોળું વધતું જાય અથવા વધારવાની પ્રવૃત્તિ શરૂ થાય ત્યારે પેલી વ્યક્તિ કેન્દ્રમાં રહે છે. આ વ્યક્તિ પ્રારંભમાં ભલે ગુરુ હોય, પણ છેવટમાં ‘ભગવાન’ બની જાય છે. ભગવાન અને ગુરુ આ બંને વચ્ચે હિંદુ પ્રજાએ બહુ ભેદ નથી રાખ્યો. એના કારણે ગુરુ થયા પછી ભગવાન થવું બહુ જ સરળ કામ થઇ જાય છે. ઘણી વાર તો વ્યક્તિને ભગવાન ન થવું હોય તોપણ અનુયાયીઓ તેમને ભગવાન બનાવી દેતા હોય છે. અહીંથી વ્યક્તિપૂજા શરૂ થાય છે.

વ્યક્તિપૂજા : ગુરુવાદ

વ્યક્તિપૂજા એટલે જન્મમરણવાળા માણસને પરમેશ્વર તરીકે પૂજવો તે. વૈદિક જીવનપદ્ધતિમાં ગુરુ કરતાં ‘આચાર્ય’ શબ્દને વધુ મહત્વ અપાયું છે. ‘આચાર્ય દેવો ભવ’ -આમ વારંવાર ‘આચાર્ય’ શબ્દ પ્રયોજાય છે. આચાર્ય એટલે જે વિદ્યાભ્યાસ કરાવે તે. વિદ્યાભ્યાસ, વિદ્વતા વિના કરાવી ન શકાય, એટલે જે પ્રકાંડ વિદ્વાન હોય અને પોતાના સમયની સર્વોચ્ચ વિદ્યાઓથી પરિપૂર્ણ હોય તેને આચાર્ય કહેવાય. આચાર્યવાદમાં શિષ્ય થનારને પણ પ્રકાંડ વિદ્વાન બનાવવાની પ્રક્રિયા રહી છે. વર્ષો સુધી તલસ્પર્શી અધ્યયન કરનાર શિષ્ય આચાર્ય થઇ શકે. પણ પછી ઉત્તરકાળમાં ‘ગુરુવાદ’ આવ્યો. મોટા ભાગે અનીશ્વરવાદી અને નિર્ગુણી પંથોએ આ ‘વાદ’ ને પ્રોત્સાહિત કર્યો, કારણ કે તેમના ત્યાં ઉપાસનાનું કોઈ સચોટ તત્વ ન હતું. આ સચોટતાના અભાવે તેમણે ગુરુપૂજા ઉપર ભાર મૂક્યો. જોકે ‘પોતે પોતાની જ પૂજા કરો’ તેવું કથન કરવાં છતાં સામાન્ય માણસને પોતાનામાં ખાસ રસ ન રહે, એટલે બધો ભાર ગુરુપૂજા -ગુરુમૂર્તિ – ઉપર જ મૂકવામાં આવ્યો. ગુરુ એજ સર્વસ્વ, સર્વોચ્ચ દેવ સ્થાપિત થયા. ‘આચાર્યવાદ’ માં આચાર્યને પરમેશ્વર માનીને પૂજવાની વાત નથી પણ આચાર્ય પાસેથી વિદ્યાગ્રહણ કરવાની નેમ છે. એક આચાર્ય પાસેથી પૂરી વિદ્યા ભણી શકાય, પણ ‘ગુરુવાદ’ માં તો ગુરુનો અર્થ કાન ફૂંકનાર, કંઠી વગેરે બાંધનાર. બસ વિદ્યાની સાથે કાંઈ લેવાદેવા નહિ. એકાદવાર કાંઈ નાની સરખી વિધિ કરાવી લેવાથી ગુરુ કરાવી શકાય. નુગરાપણા થી મુક્ત થઇ શકાય. પછી ગુરુના પગ ધોઈને ચરણામૃત પીવાનું, ગુરુની આરતી ઉતારવાની, ગુરુનો એંઠો પ્રસાદ ખાવાનો, ગુરુની પગચંપી કરવાની, તન-મન-ધન સર્વસ્વથી ગુરુની ઉપાસના કરવાની, ગુરુ મારી જાય પછી તેમનો પુત્ર કે શિષ્ય જે ગાદી ઉપર બેસે તેને ગુરુ માનવાના તથા વંશપરંપરાથી બંને પક્ષે એની એજ પ્રક્રિયા ચાલુ રાખવાની. આ થયો ‘ગુરુવાદ’.

આચાર્ય ના સ્થાને ગુરુ

મૂળમાંથી નિર્ગુણી સંપ્રદાયો તરફથી વિસ્તરેલો આ ‘ગુરુવાદ’ સગુણી સંપ્રદાયોને પણ અનુકુળ આવી ગયો. એટલે બહુ જલદી તે બધામાં જ પ્રસરી ગયો. આચાર્યવાદ લગભગ લુપ્ત થયો, એટલે વિદ્યાતત્વ પણ લુપ્ત થયું. વિદ્યા વિનાનો માણસ પણ સારી રીતે ‘હજારોનો ગુરુ થઇ શકે, કારણ કે તેને માત્ર કાનમાં પરંપરાગત મંત્ર જ કહેવાનો તથા પરંપરાગત ઉપદેશો જ આપવાના હોય છે, કેટલીક વાર મંત્ર સમુહમાં પણ અપાય છે. આ કામ વિદ્યા વિના પણ સરળતાથી કરી શકાય છે, એટલે આચાર્યવાદની જગ્યાએ ગુરુવાદ નો ખૂબ વિસ્તાર થયો. પ્રત્યેક ગુરુ એક વિભાજનનું ગણિત લઈને આવ્યો. કારણ કે તેણે લોકોને પોતાની સાથે ચોંટાડયા, પરમાત્મા સાથે નહિ અથવા ગૌણ રીતે પરમાત્માનું નામ, પણ મુખ્ય રીતે તો પોતાનું જ નામ. એક ખ્રિસ્તી, બાપ્તિસ્મા લેવા દેવળમાં જાય છે, પાદરી તેને વિધિ કરાવે છે. પણ અહીં પાદરી માત્ર વિધિ કરાવનાર જ છે. બાપ્તિસ્મા લેનાર તેને વળગતો નથી. પણ દેવળ, ધર્મગ્રંથ તથા પરમાત્માને વળગે છે, એટલે બાપ્તિસ્માની વિધિ દ્વારા ખ્રિસ્તીનું વિભાજન થતું નથી. આવીજ રીતે મુસલમાનોમાં પણ પ્રત્યેક વ્યક્તિએ ગુરુ કરવો જરૂરી નથી. ધર્મગ્રંથ, પયગંબર અને પરમાત્મા આ ત્રણ જ અનિવાર્ય છે. જે લોકો વિશિષ્ટ પ્રકારની સાધના કરવા માંગે છે, તેમને ઉસ્તાદની જરૂર રહે છે. જેમ કે સંગીતવિદ્યા વગેરે. આદ્યાત્મિકસાધનામાં પણ કોઈ પથપ્રદર્શક વ્યક્તિની અપેક્ષા રહે છે, પણ પ્રત્યેક વ્યક્તિએ કોઈને ગુરુ કરવો જ જોઈએ, તેવું નથી.

ગુરુવાદથી વિભાજન અને અંધશ્રદ્ધા આવ્યાં

હિંદુ પ્રજાએ ગુરુતત્વ ઉપર એટલો બધો ભાર મૂક્યો કે ગુરુ કરાવ્યા વિનાનો માણસ ‘નગુરો’  કહેવાય અને નગુરો માણસ કોઈ પણ પુણ્યકાર્યમાં ભાગીદાર ન થઇ શકે. તે પુણ્ય કરે પો પણ લેખે ન લાગે, સવારના પહોરમાં તેનું મોઢું પણ ન જોવાય. આ અતીરેક્તાભરી માન્યતાઓ ‘ગુરુવાદ’ ની દેન છે અને ગુરુવાદે, જ્ઞાન વિના જ સંપ્રદાયો, પંથો, પેટાસંપ્રદાયો વગેરેનો પ્રચાર કર્યો. એક વાર કોઈના ગુરુ થઈ ગયા પછી સતત જુદાં જુદાં નિમિત્તો ઊભાં કરીને ઉઘરાણાં કર્યાં કરવાં, શિષ્યોનો આર્થિક વિકાસ ગુરુની કૃપાથી જ થયો છે તેવું ઠસાવતા રહેવાનું તથા જેટલું મેળવાય તેટલું મેળવતા રહેવાનું. ચમત્કારો, આશીર્વાદોની કથાઓથી શિષ્યોનાં મસ્તિષ્ક ભરી દેવાનાં, જેથી તેઓના મનમાં આશીર્વાદની લાલચ તથા જો એમની ઈચ્છા પ્રમાણે નહિ વર્તીએ તો હાનિ થઇ જવાનો ભય બેસી જાય. આ રીતે ગુરુવાદે પ્રજાનું વિભાજન કર્યું એટલું જ નહિ, અંધશ્રદ્ધા પણ વધારી.

બુદ્ધનો પ્રસંગ

મહાત્મા બુદ્ધનો એક પ્રસંગ ટાંકવાનું મન થાય છે. એક સાધ્વી વસ્ત્ર વિનાની થઈને નદીમાં સ્નાન કરી રહી હતી. એક શ્રીમંત શેઠાણીએ તેને જોઈ, આમ કરવાનું કારણ પૂછ્યું તો સાધ્વીએ ઉત્તર આપ્યો, ‘મારી પાસે માત્ર એક જ વસ્ત્ર છે, જે મેં ઉતારીને દૂર મૂક્યું છે. બીજું વસ્ત્ર નથી એટલે આ રીતે નહાવું પડે છે.’ શેઠાણી કશું બોલી નહિ, બુદ્ધ પાસે આવીને તેણે કહ્યું, ‘હું આપની પાસે એક વરદાન માગવા આવી છું, મને વરદાન આપો.’ બહુ શાંતિથી બુદ્ધે ઉત્તર આપ્યો, ‘ તથાગત વરદાન અને અભિશાપ બંનેથી પર છે.’ અઢી હજાર વર્ષ પહેલાં વિશ્વના એક મહામાનવે કેટલો સચોટ ઉત્તર આપ્યો ! બુદ્ધે શાપ અને આશીર્વાદની માયાજાળ ન રચી. જોકે ઉત્તરવર્તી ભિક્ષુઓ આ લક્ષ્મણરેખાને ઓળંગી ગયા અને શાપ-આશીર્વાદનું વસ્ત્ર વાપરતા રહ્યાં. પેલી શેઠાણીએ કહ્યું કે હું મારા લાભ માટે કોઈ વરદાન માગવા નથી આવી, પણ મેં જે દ્રશ્ય જોયું તે ઉપરથી પ્રતિવર્ષ પ્રત્યેક સાધ્વીને બે વસ્ત્રો આપવાની આજ્ઞા લેવા આવી છું. બુદ્ધ પ્રસન્ન થયા અને સ્વીકૃતિ આપી.
હિંદુ પ્રજાના ભવિષ્યને સ્થાયી રીતે સુધારવાની ઈચ્છા રાખનાર સંસ્થાઓ તથા વ્યક્તિઓ બુલંદ અવાજથી ઘોષણા કરે કે પ્રજાએ ચમત્કારો, આશીર્વાદો તથા શાપોની હવામાં ખેંચાઈ જવાની જરૂર નથી. જરૂર છે પુરુષાર્થની, વિજ્ઞાનની અને સાહસની. આ ત્રણના દ્વારા જીવનના ઘણા પ્રશ્નો ઉકેલી શકાશે. પ્રજાનું હિત ચાહનાર સાચા મહાપુરુષોએ પણ પ્રજાને જગાડવા ચમત્કારો વગેરેના મિથ્યાત્વનો પ્રચાર કરવો જરૂરી છે. જો આમ કરી શકાશે તો ચમત્કારની ફસલ લણીને માલામાલ થનારા અલગ પડી જશે. એટલું જ નહિ, પ્રજાના માનસથી ઊતરવા લાગશે. પ્રજા બળવાન, પુરુષાર્થી, સાહસી અને વિજ્ઞાની બનશે.

બ્લૂપ્રિન્ટ જ સુધારવાની જરૂર છે

પણ અત્યંત દુઃખ સાથે કહેવું પડે છે કે લગભગ પ્રત્યેક ધાર્મિક આયોજન કોઈના કોઈ આશીર્વાદ, ચમત્કાર મેળવવા માટે થતું હોય છે. સપ્તાહોમાં આદિથી અંત સુધી વારંવાર શાપ અને આશીર્વાદની કથાઓ આવતી હોય છે. વક્તા પોતાના તરફથી બીજી ઘણી કથાઓ ઉમેરીને શાપ-આશીર્વાદની કથા દ્રઢ કરે છે. શ્રોતાઓમાં ૮૦ ટકા મહિલાઓ હોય છે. તેમના મસ્તિષ્કમાં આ શાપ-આશીર્વાદની ગાંઠો એટલી પ્રબળ ગંઠાઈ જાય છે કે ઘરના પુરુષો ગમે તેટલો પ્રયત્ન કરે તો પણ ઘરને અંધશ્રદ્ધાથી મુક્ત કરી શકાતું નથી. આ જ મહિલાઓના ખોળામાં આવનારી પેઢીઓ સંસ્કાર પામે છે. ફરી ફરીને કહેવાનું મન થાય છે કે બ્લૂપ્રિન્ટ જ સુધારવાની જરૂર છે. ઉપનિષદોમાં આવા ચમત્કારો નથી, વિજ્ઞાનને તથા પુરુષાર્થને પ્રોત્સાહન આપે તેવી જ્ઞાનચર્ચા છે.
બધી નદીઓ જેમ સમુદ્રમાં ભળી જાય છે તેમ જો બધા સંપ્રદાયો વગેરે તથા પોતપોતાનાં ટોળાં લઈને બેઠેલા ગુરુઓ જો એક સનાતનધર્મમાં વિલીન થઇ જવા તૈયાર થઇ શકે તો હિંદુ પ્રજાના ભવિષ્યને ઉજ્જવળ થતાં વાર નહિ લાગે.